Posts Tagged With: નટ

શું આપણે સફળ અભીનેતા છીએ?

પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં અનેક ભૂમિકા ભજવવાની હોય છે. જન્મ થાય એટલે આપણે બાળક હોઈએ છીએ. બાળક તરીકેની ભુમિકા આપણે સહુ સરળતાથી અને સહજતાથી ભજવીએ છીએ. તેમાં આપણે જેવા હોઈએ તેવા પ્રગટ થઈએ છીએ. રડવું આવે ત્યારે રડી લઈએ છીએ, હસવું આવે ત્યારે ખીલખીલાટ હસી લઈએ છીએ. ભુખ લાગે ત્યારે ખાવા પીવા માટે ધમ પછાડા કરીએ છીએ અને ભુખ ન હોય તો ખાવાનો ઈન્કાર કરી દઈએ છીએ. ઉંઘ આવે ત્યારે સુઈ જઈએ છીએ અને શક્ય તેટલા સ્વૈર વિહારી રહીએ છીએ. કપડાનું બંધન ફગાવી દેવા તત્પર હોઈએ છીએ.

જેમ જેમ મોટા થતાં જઈએ છીએ તેમ તેમ કુટુંબ અને સમાજ આપણને કેળવવાનું શરુ કરે છે અને ત્યારથી આપણી પનોતીની શરુઆત થઈ જાય છે. માતા, પિતા, દાદા, દાદી, શિક્ષકો, સગાં વહાલાઓ અને જે કોઈ વડીલો આપણને મળે તે બધા જ આપણને કેળવવા માટે તત્પર હોય છે. જેમ જેમ આપણે કેળવાતા જઈએ છીએ તેમ તેમ આપણે સ્વાભાવિકતા ગુમાવતા જઈએ છીએ.નીયંત્રણો તથા કેળવણીના બોજ હેઠળ વધુ ને વધુ યાંત્રિક બનતા જઈએ છીએ.

માતા-પિતા અને કુટુંબ દ્વારા આપણી ધર્મ, જાતી, કુળ, રીતી રીવાજો વગેરેની અનેક ભ્રામક માન્યતાઓ અનાયાસે અને અનિચ્છાએ પ્રવેશ પામી જાય છે. આપણે આપણું મનુષ્યત્વ ગુમાવીને હિંદુત્વ, મુસ્લિમત્વ, ઈસાઈત્વ, બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, ઉચ્ચત્વ, નિચ્ચત્વ, શૈવત્વ, વૈષ્ણવત્વ વગેરે વગેરે અસ્વાભાવિક લેબલોનો આપણી જાત પર આરોપ કરીએ છીએ. ધીરે ધીરે આપણાંમાં પ્રાંતિયતા, ભાષાનું અભીમાન, રાષ્ટ્રીયતા વગેરે અભીમાનો પ્રવેશે છે. જેમ જેમ આપણે વિકસતા જવાનો દંભ મોટો કરતાં જઈએ છીએ તેમ તેમ આપણે જુદી જુદી વિશેષતાઓને આધારે આપણાં અન્ય માનવ સમૂહોથી વીખુટા પડતા જઈએ છીએ અને આપણે મર્યાદિત મનુષ્યોના સમાન આચાર વિચાર ધરાવતાં જૂથોમાં વહેંચાઈ જઈએ છીએ.

શિક્ષણ અને વ્યવસાયને આધારે આપણે ડોક્ટર, એંજીનીયર, શિક્ષક, મેનેજર, કર્મચારી, વેપારી, વકીલ, સરકારી ઓફીસર વગેરે અનેક પ્રકારે કાર્યના આધારે વિભાજીત થઈ જઈએ છીએ. દરેકના કાર્યો જુદા, જવાબદારીઓ જુદી, લાભાલાભ જુદા, સવલતો જુદી, સમસ્યાઓ જુદી.

નાગરીક તરીકે આપણાં કર્તવ્યો જુદા હોય છે. માતા-પિતા તરીકે આપણાં કર્તવ્યો જુદા. સંતાન તરીકે આપણાં કર્તવ્યો જુદા, કાર્યક્ષેત્રને આધારે આપણાં કર્તવ્યો જુદાં, પતિ કે પત્નિ તરીકે આપણાં કર્તવ્યો જુદા. જુદા જુદા સંબધો અને જુદા જુદા વ્યવહારો દરમ્યાન આપણે સતત જુદી જુદી ભૂમિકા ભજવવાની હોય છે.

આ પ્રત્યેક ભૂમિકા આપણે જેટલી યથાર્થ રીતે ભજવીએ તેટલા આપણે સફળ અભીનેતા ગણાઈએ અને જે જગ્યાંએ આપણે આપણી યોગ્ય ભૂમિકા ભજવવામાં ઉણાં ઉતરીએ તે સ્થળે આપણે પરિસ્થિતિ સાથે તાલમેલ ગુમાવ્યો કહેવાય. આવી અનેક ભૂમિકાઓ ભજવતાં ભજવતાં મનુષ્ય ભુલી જાય છે કે ખરેખર તે કોણ છે? અહીં શા માટે આવ્યો છે? છેવટે આવી અનંત ભૂમિકાઓ ભજવતો ભજવતો તે અંતિમ ભૂમિકા મૃત્યું શૈયા પર પોઢવાની ભજવે છે. તેને જવું નથી હોતું છતાં કાળ તેને પોતાની ગોદમાં ઉંચકીને લઈ જાય છે. આ સઘળી ભૂમિકાઓથી મુક્ત કરીને આરામ આપવા માટે.

આ જગતમાં બાળક ધન્ય છે અને બીજો તે કે જેણે જીવનનો અંત આવે તે પહેલાં અભિનેતાનો સ્વાંગ છોડીને સ્વરુપસ્થિતિ કરી લીધી તે જીવ ધન્ય છે.

સ્વરુપસ્થિતિ કરનારા બે પ્રકારના હોય છે. ૧. સ્વરુપસ્થિત કર્મયોગી અને ૨. સ્વરુપસ્થિત જ્ઞાનયોગી.

કર્મયોગી કર્મ કરતો કરતો એટલે કે અભીનય કરતો કરતો આ જગતથી અલિપ્ત હોય છે. જ્યારે જ્ઞાનયોગીએ તો અભીનય પણ છોડી દીધો હોય છે.

આપણે સહુ નટ તો છીએ જ પણ જો નટ થવું હોય તો યોગેશ્વર કૃષ્ણ જેવા કર્મયોગી નટવર કે યોગીરાજ શિવજી જેવા જ્ઞાનયોગી નટરાજ થવું જોઈએ.

શું આપણે સફળ અભીનેતા છીએ?

Categories: ચિંતન, પ્રશ્નાર્થ, વિચાર વિમર્શ | Tags: , , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.