સૂત્ર ૧૫ : અનૈતિક અને અશુભ કાર્યો અત્યારે અને ભવિષ્યમાં વિષાદ અર્પે છે, તે આ લોક અને પરલોક બંને લોકમાં પીડા અનુભવે છે. તે વિષાદગ્રસ્ત બનીને અપાર પીડા ભોગવતો, ફરી પાછા તેના દૂષિત કર્મો પ્રાપ્ત કરે છે.
સૂત્ર ૧૬ : નૈતિક અને શુભ કાર્યો અત્યારે અને ભવિષ્યમાં આનંદ અર્પે છે, તે આ લોક અને પરલોક બંને લોકમાં આનંદ અનુભવે છે. આનંદમય બનીને અપાર સુખ ભોગવતો ફરી પાછા તેના પૂણ્ય કર્મો પ્રાપ્ત કરે છે.
કર્મોનું ઘણું મહત્વ છે. જે લોકો દુન્યવી કાયદાને અવગણી શકતા હોય તે લોકોએ સૃષ્ટિ નિયંતાના કાયદામાંથી છટકી શકતાં નથી. કોઈ પણ કાર્યના સંસ્કાર ચિત્તમાં પડે છે. જેવા સંસ્કાર પડે છે તેવા કાર્યો ફરી ફરીને કરવાની ઈચ્છા થાય છે. ચોરને ચોરી કરવાની ટેવ પડે તો જ્યારે તે પકડાઈ જાય અને સજારુપે જેલવાસ, દંડ કે સજા થાય ત્યાર બાદ પણ ચોરી કરવાનું છોડી શકતો નથી. અનૈતિક કાર્યોને લીધે તેનો કર્તા આ લોકમાં યે હેરાન થાય છે અને મૃત્યું બાદ પરલોકમાંએ હેરાન થાય છે. તેવી જ રીતે સેવા, સત્કાર્ય, સમાજોપયોગી કાર્યો કરનાર આ લોક્માંએ આદર પામે છે અને પરલોકમાંએ સુવિધા મેળવે છે.
ઘણાં લોકો કર્મોના નિયમોને માનતા નથી કહેતા હોય છે કે “ખાવ, પીવો અને જલસા કરો. દેવું કરીને ય ઘી પીવો.” જ્યારે કેટલાંક લોકો કર્મો કરવામાં સાવધાન રહેતા હોય છે. સૃષ્ટિમાં સઘળું નિયમ પ્રમાણે ચાલતું હોય છે. નિયમને અનુસરનાર ઉન્નતિ અને નિયમોનુ ઉલ્લંઘન કરનાર અધોગતિ પામતો હોય છે.
શ્રીમદ ભગવદ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં અર્જુન શ્રીકૃષ્ણને પ્રશ્ન પુછે છે :
અસંયમી શ્રદ્ધાભર્યો ચલિત યોગથી થાય,
યોગસિદ્ધિ ના પામતાં તેની શી ગતિ થાય?
છિન્નભિન્ન વાદળ સમો વિનાશ તેનો થાય?
બ્રહ્મપ્રતિષ્ઠાહીન તે વિમુઢનું શું થાય?
પૂર્ણપણે મારી તમે શંકા દૂર કરો,
અન્ય કોણ હરશે ન જો શંકા તમે હરો.
તેનો ઉત્તર આપતા શ્રી ભગવાન કહે છે :
આ લોકે પરલોકમાં નાશ ન તે પામે,
મંગલકર્તા ના કદી દુર્ગતિને પામે.
પુણ્ય ભરેલા લોકને તે યોગી પાવે,
પછી પવિત્ર ઘરોમહીં જન્મ લઈને આવે.
જ્ઞાની યોગીના કુળે અથવા જન્મ ધરે,
દુર્લભ જગમાં કો’કને આવો જન્મ મળે.
પૂર્વજન્મના જાગતાં ત્યાં પણ સૌ સંસ્કાર,
યત્ન કરે યોગી વળી ભવને કરવા પાર.
પૂર્વજન્મ સંસ્કારથી અવશ્ય યોગ કરે,
યોગેચ્છાથી તત્વ તે ઉત્તમ પ્રાપ્ત કરે.
પ્રયત્ન ખૂબ કર્યા પછી મેલ હ્રદયના જાય,
એમ ઘણાં જન્મે પછી સિદ્ધ યોગમાં થાય.
શ્રીમદ ભગવદ ગીતાના ૧૪માં અધ્યાયમાં આ પ્રમાણે કહ્યું છે :
સત્વગુણમહીં મોત જો કોઈ જનનું થાય,
તો તે ઉત્તમ લોકમાં શુદ્ધ લોકમાં જાય.
રજોગુણમહીં જો મરે, કર્મીજનમાં જાય,
મૂઢ યોનિમાં જાય જો મોત તમમહીં થાય.
સત્કર્મ તણું સાત્વિક તેમજ
નિર્મલ ફલ સાચે જ મળે,
રજનું ફલ છે દુ:ખ તેમ,
તમનું ફલ છે અજ્ઞાન ખરે.
સત્વગુણ થકી જ્ઞાનને લોભે રજ થકી થાય,
મોહ તેમ અજ્ઞાનને પ્રમાદ તમથી થાય.
સાત્વિક ગતિ ઉત્તમ લભે, રાજસ મધ્યમને,
તમોગુણી લોકો લભે સદા અધમ ગતિને.
કર્મતણો કર્તા નથી ગુણો વિના કોઈ,
આત્મા ગુણથી પર સદા સમજે એ કોઈ.
ત્યારે તે મુજ ભાવને પ્રાપ્ત થઈ જાયે,
નિર્વિકાર બનતાં મને પ્રાપ્ત થઈ જાયે.
આ ત્રણ ગુણને જીતતા જે તેથી પર થાય,
જન્મજરાથી તે છૂટી અમૃતરસમાં ન્હાય.
ટુંકમાં
સત્કર્મે રત
ઉન્નતિ, અધોગતિ
કુકર્મ થકી