Posts Tagged With: દિપાવલી

શુભ દીપાવલી

મીત્રો,

વિક્રમ સંવત ૨૦૬૭ જ્યારે વિદાય લઈ રહ્યું છે અને આ સંવતના છેલ્લા દિવસની પૂર્વ સંધ્યાએ આપ સહુને માટે આ પ્રકાશનો તહેવાર ઉત્સાહ, આનંદ અને સ્વાસ્થ્યપ્રદ રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આ વર્ષે આપણે ઘણું ઘણું નવું શીખ્યા. એક બાબતને અનેક પ્રકારના દૃષ્ટિકોણથી જોતા શીખ્યા. એક ઘટના કેટલાક લોકો માટે સારી હોય તો તેની તે ઘટના અન્ય લોકો માટે વજ્રઘાત સમાન બની હોય તેવું યે બને.

વાસ્તવમાં કુદરતની કુલ શક્તિનો સરવાળો હંમેશા અચળ રહે છે. દ્રવ્ય અને શક્તિનું માત્ર એક સ્થળેથી અન્ય સ્થળે સ્થળાંતર થાય છે. આપણે જેટલા વધારે સંકુચિત હોઈએ તેટલું આપણને આ સ્થળાંતર વધારે અસર કરે અને જેટલા વિશાળ હ્રદયના તેટલું આ સ્થળાંતર આપણી પર ઓછી અસર કરશે.

આજે શ્રી રામકૃષ્ણ આશ્રમના પ્રવર્તમાન અધ્યક્ષ સ્વામી શ્રી ધૃવેશાનંદજી મહારાજ ભાવનગરના ભક્તોને મળવા આવ્યા હતા. તેઓ આવતી ૯મી તારીખે બાંગ્લાદેશ શ્રી રામકૃષ્ણ આશ્રમનું અધ્યક્ષ પદ સંભાળવા જશે અને રાજકોટમાં નવા અધ્યક્ષ આવશે. જે લોકો માત્ર પોતાને રાજકોટના માને છે તેમને માટે ધ્રુવેશાનંદજીની ખોટ અને બાંગ્લાદેશના ભક્તોને ધ્રુવેશાનંદજીની હાજરી અનુભવાશે. જે લોકો પોતાને સમગ્ર વિશ્વના સમજે છે તેમને માટે સ્વામી શ્રી નું સ્થળાંતર કશી અસર નહી ઉપજાવે કારણકે તેમને માટે સ્વામીજી કોઈ આશ્રમના નથી પરંતુ પોતાના દિલના એક ટુકડા છે.

આપણા બ્લોગ જગતમાં આપણે કેટ કેટલી વિવિધ પૃષ્ઠભુમીમાંથી આવીએ છીએ. જુદા દેશ, જુદા સમય, જુદી રહેણી કરણી અને અનેક પ્રકારની ભીન્નતા આપણી વચ્ચે હોવા છતાં આપણે અહીં સહુ એક પરિવારના બની ગયા છીએ. આપણે સહુ એક બીજાની લાગણી સમજીએ છીએ, એક બીજાના ભાવને અનુભવીએ છીએ. જેવું વાસ્તવિક જગત હોય તેવું જ જાણે કે એક બ્લોગ જગત બની ગયું હોય તેમ નથી લાગતું?

ગુજરાતી બ્લોગ જગત અહીં સુધી પહોંચતા ઘણી કઠીનાઈઓમાંથી પસાર થયું છે. ક્યારેક સંઘર્ષ થયા છે, ક્યારેક મન દુ:ખ થયા છે, ક્યારેક ગેર સમજ થઈ છે તેમ છતાં એકંદરે આપણે સહુ સુમેળથી હળી મળીને રહ્યાં છીએ અને આનંદ અને ઉત્સાહથી બ્લોગ જગતને માણ્યું છે.

આવનારા દિવસોમાં આપણે બ્લોગ-જગતને એક નવી ઉંચાઈએ લઈ જઈએ, એક બીજા સાથે સૌહાર્દતાપૂર્ણ રીતે વર્તીએ, એક બીજાને મુશ્કેલીમાં સહાયરુપ થઈએ અને એક સ્વસ્થ અને સક્ષમ બ્લોગ-જગત વિકસાવીએ તેવી અભ્યર્થના સાથે વીરમું છું.

આપનો સહ્રદયી,

સસ્નેહ

અતુલ જાની – આગંતુક

Categories: ઉત્સવ, ઉદઘોષણા, ઊજવણી | Tags: , , , | 1 Comment

દિપાવલી પર્વની શુભેચ્છા (૨)

પપ્પાને ખેતી-વાડી, ફળો, બાગાયત અને ફૂલ-છોડનો ખૂબ શોખ હતો. રાત્રે મોડે સુધી એકાઉન્ટનું કામ કરતાં હોય તેમ છતાં વહેલા ઉઠી જઈને સવારમાં બગીચાનું થોડું કામ તો કરી જ લેતા. તેમણે કૃષિ-જીવન, આરણ્યક અને આ ઉપરાંત નર્સરીને લગતાં ઘણાં સામાયીકો બંધાવેલા. તેમાંથી કૃષિ-જીવન અને આરણ્યક તો આજે પણ આવે છે. આરણ્યક દ્વારા તેમના સર્વ વાચકોને નવાવર્ષના અભિનંદન પાઠવ્યા છે. પપ્પાને યાદ કરીને આપ સહુને પણ તેમના અભિનંદન આપી દઉ.


રાત રહે પાછલી જ્યારની ખટ ઘડી, સાધુ-પુરુષને સુઈ ન રહેવું…
નિંદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, એક તું એક તું એમ કહેવું..

Categories: પ્રકૃતિ, ભારતિય સંસ્કૃતિ | Tags: , , | Leave a comment

દિપાવલી પર્વની શુભેચ્છાઓ (૧)

મિત્રો,

દિપાવલી આવું આવું કરી રહી છે. અમુક બ્લોગ ઉપર તો ફટાકડાં પણ ફુટવા લાગ્યાં છે. “મધુવન” માં પણ શુભેચ્છાઓ આવવાની શરૂઆત થઈ  ગઈ છે. આજે શ્રી રામકૃષ્ણ  આશ્રમ, રાજકોટ તરફથી દિપાવલીની શુભેચ્છા રુપે “અમૃતબિંદુ” નામની લઘુ- પુસ્તિકા પ્રાપ્ત થઈ છે. આનંદ સાથે તેમનો ઋણ- સ્વિકાર કરીએ છીએ.

 

આ ઉપરાંત આસ્થાની શાળામાં સહુએ એક પોસ્ટ-કાર્ડ પર સરસ ચિત્ર દોરીને સરનામું કર્યા વગર શાળામાં જમા કરવાનું હતું ત્યાર બાદ શાળામાંથી જુદા-જુદા વિદ્યાર્થીઓને એક-બીજાને પોસ્ટ-કાર્ડ શુભેચ્છા રુપે મોકલવાના તેવી ગોઠવણ કરી હતી. આસ્થાને પણ એક શુભેચ્છા કાર્ડ આજે પ્રાપ્ત થયું.

સહુ બ્લોગ-મિત્રોને “મધુવન” પરિવાર તરફથી દિપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું પર્વ મંગલમય અને આનંદમય રહે તેવી હ્રદય-પૂર્વકની ભાવના સાથે..

સહુને જયશ્રીકૃષ્ણ

Categories: આનંદ, ઉત્સવ, ગમતાંનો ગુલાલ, ભારતિય સંસ્કૃતિ | Tags: , | 8 Comments

Blog at WordPress.com.