Posts Tagged With: ત્રિગુણાતિત

ત્રિગુણ, ત્રિગુણાતિત અને જીવનમુક્તિ – અપ્પ દિપો ભવ

મનુષ્ય ત્રિગુણી છે. સાત્વિક, રાજસી અને તામસી ત્રણ ગુણવાળી પ્રકૃતિથી બનેલો છે. ત્રણે ગુણથી અલિપ્ત તેવા બ્રહ્મનું જ્યારે અંત:કરણમાં પ્રતિબિંબ પડે છે ત્યારે તે બ્રહ્મના (ચૈતન્યના) પ્રતિબિંબના તેટલા ભાગ પર અંત:કરણ હું પણું કરીને જીવભાવ ધારણ કરે છે. બ્રહ્મ સર્વ સ્થળે અને સર્વકાળે રહેલું હોવાથી જ્યાં સુધી અંત:કરણ છે ત્યાં સુધી તેમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડ્યાં કરે છે. ચૈતન્ય તો સદાયે આ ત્રણે ગુણોથી અલિપ્ત છે. અંત:કરણ જેવું હોય તેવું પ્રતિબિંબ ભાસે છે.

આ ત્રણે ગુણોમાં ફેરફાર થયાં કરે છે. જ્યારે અંતકરણમાં સાત્વિકતા વધે ત્યારે વ્યક્તિ સજ્જન લાગે ત્યારે તેના દ્વારા થતા કાર્યોમાં સત્વગુણનો પ્રકાશ હોવાથી શુભ કાર્યો થાય.

જ્યારે રજોગુણ વધે ત્યારે વ્યક્તિ અતીશય પ્રવૃત્તિશીલ, લોભી અને કામનાઓથી ભરપુર બને. તેવે વખતે તેના દ્વારા જે કાર્યો થાય તે અન્યના હિતનો વિચાર કર્યા વગર સ્વાર્થ સાધવા સારુ થાય.

જ્યારે તમોગુણ વધે ત્યારે વ્યક્તિમાં આળસ,પ્રમાદ અને જડતા વધે. કર્તવ્યકર્મો અને નિત્યકર્મો કરવાયે તેને અરુચિકર થઈ પડે. તે વ્યક્તિ ઉંઘરેટી, વ્યસની, બદીવાળી, ક્રોધી અને અજ્જડ બની જાય.

આ ગુણો વધ ઘટ થઈ શકે તેવા હોય છે અને થતા હોય છે. કોઈ વ્યક્તિને માટે તે હંમેશા સારો રહેશે, સ્વાર્થી રહેશે કે અજ્જડ રહેશે તેવું ભવિષ્ય ભાખી ન શકાય. જે વ્યક્તિ સત્વગુણ વધારવા પુરુષાર્થ કરે તે સારો બને, જે સ્વાર્થ સાધવામાં રત રહે તેનામાં રજોગુણ વધે અને જે કર્ત્વય અકર્તવ્ય ની સમજ વગર આડેધડ જીવે તેનામાં તમોગુણ વધી જાય.

આ ત્રણે ગુણો ની વધઘટથી એકની એક વ્યક્તિ જુદા જુદા સમયે અને જુદા જુદા પ્રસંગે જુદી જાતની હોય તેવું ભાસે. અહીં ફરી પાછું યાદ રાખવાનું છે કે આ ત્રણે ગુણોનો ફેરફાર અંત:કરણમાં થાય છે તેનાથી અંત:કરણમાં પડતા ચૈતન્યના પ્રતિબિંબમાં (જીવમાં) ફેરફાર થતો હોય તેવું ભાસે છે પણ ચૈતન્યમાં વાસ્તવમાં કદીએ કોઈ ફેરફાર થતો નથી.

જે વ્યક્તિ પ્રબળ પુરુષાર્થ કરીને પ્રકૃતિના ત્રણે ગુણોને અતીક્રમીને ત્રિગુણાતીત થઈ શકે અને અંત:કરણ સાથેનું તાદાત્મ્ય છોડીને ચૈતન્ય સાથેનું તાદાત્મ્ય સાધી લે તે આ ગુણોમાં વર્તતો હોય તેમ દેખાય છતાં તે જીવભાવથી સર્વથા અલગ રહીને જીવનમુક્તિનો આનંદ અનુભવી શકે.

બુદ્ધે જ્યારે કહ્યું કે “અપ્પ દિપો ભવ” ત્યારે તેનું તાત્પર્ય તેવું હશે? કે “પ્રકૃતિના ઉછીના લીધેલા ત્રણ ગુણોના પ્રકાશથી જીવવાને બદલે સ્વયંપ્રકાશ ચૈતન્યરુપી પ્રકાશથી જીવ.”


શ્રીમદ ભગવદગીતાના ચિંતનને આધારે


Categories: ચિંતન, પ્રશ્નાર્થ, ભગવદ ગીતા, વાંચન આધારિત, વ્યક્તિત્વ વિકાસ | Tags: , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.