Posts Tagged With: કાંતિ ભટ્ટ

જનેતાનો ગર્ભમાંના બાળકને પત્ર – કાંતિ ભટ્ટ


(કોઈ માતાએ તેનું બાળક ગર્ભમાં હોય ત્યારે તેને કાગળ લખ્યો હોય એવું સાંભળ્યું છે? ૨૩ વર્ષની વયે માતા બનવાની હતી તેવી એક પ્રોફેસરની પત્નીએ તેના ગર્ભમાંના બાળકને પત્ર લખ્યો હતો)


‘આજથી ૧૧ સપ્તાહ પછી તું બહારના જગતમાં પ્રવેશ કરીશ. તને ખબર છે એ જગત કેવું હશે? હા, તું વસંત ઋતુમાં જન્મીશ. મારા માટે તે સૌથી સુંદર વસંત હશે. મારી એક સખી કહે છે કે આ દિવસોમાં મારા ચહેરા પર ચમક છે. હું આશાવાદી છું. જગતમાં બધું સુંદર જોઉં છું. જગત કેટલું સુંદર છે? તળાવનાં કમળોમાં સુગંધ છે, એ પૂર્ણપણે સુંદરતાથી નીખરી છે, જાણે તારા ઉપર ઓવારી જવાની છે. હું એવું ઈચ્છું છું કે સૃષ્ટિનું આ સર્વ સૌંદર્ય મારા શરીરની રગેરગમાં પ્રસરી જાય.મને બીજું એક જગત પણ યાદ આવે છે. એ ગરીબ જગત છે, જ્યાં બાળક જન્મે છે ત્યારે ભૂખ્યું રહે છે. માતાના સ્તન સુકાયેલાં હોય છે. પૂરતું પોષણ પામતાં નથી. માતાઓ થાકેલી છે, ચિંતિત છે. જગતનું એ પણ એક ચિત્ર છે. મારા વહાલા બાળક, આ સૃષ્ટિમાં ક્યારેક યુદ્ધ પણ થઈ શકે છે. તે કેવું વિકરાળ દ્રશ્ય હશે? મને જગતની બધી માતાઓ યાદ આવે છે. આ માતાઓ નવ નવ માસ સુધી તારા જેવા બાળકના ગર્ભનો ભાર ઉપાડે છે. ગર્ભનું ખૂબ ખૂબ જતન કરે છે. તને કલ્પના નથી કે આ નવ માસ એ કેટલો લાંબો ગાળો છે. તને આ જગતમાં પ્રવેશ આપવા હું કેટલી અધીરી છું! આ જતન, આ સપનાં અને આ અધીરાઈ પછી એ બાળક મોટું થઈને યુદ્ધમાં નષ્ટ થઈ જવા સર્જાયું છે? આવું વિચારીએ ત્યારે કુદરત પર કેટલો ગુસ્સો આવે છે? તારા પિતા કહે છે કે તારા જેવા માસુમ બાળકને આ ક્રુર જગતમાં લાવવાનું પાપ કરવા બદલ ઘૂંટણીયે પડીને ઈશ્વરની માફી માંગવી જોઈએ. મને આશા છે કે મેં તને જન્મ આપ્યો છે તેનો અમને કે તને કદી અફસોસ નહીં થાય. અ જગતનાં વિધ્વંસક બળો સામે જગતની માતાઓનો એક જ જવાબ છે – સર્જન. એક નવા જીવનનું સર્જન. તારા માટે મારી પાસે ઘણાં સપનાં છે, તારામાં ઘણા ગુણો આરોપિત કરવા છે. મારે તને મજબૂત બનાવવો છે. તે માટે મેં કેટલું કાર્ય કર્યું છે! વિટામીનો ખાધાં છે, દૂધ-ફળો ખાધાં છે. હું તને એવું શરીર અને મન આપવા માંગું છું કે જેથી તું જગતમાં તમામ ધક્કા ખાઈ શકે અને તકલીફોમાંથી સાંગોપાંગ બહાર આવી શકે. હું ઈચ્છું છું કે તું સર્જનાત્મક બને. હું તને સર્જનશીલ જીવ બનાવવા માંગું છું. તું કંઈ તોડે નહીં પણ બધું જ સર્જે. તને નિરાશા-નિષ્ફળતા મળશે તેમાંથી હું તને બચાવી નહીં શકું. તારે પોતે જ અવરોધો સામે બાથ ભીડવી પડશે અને જીવવું પડશે. ..તો આવજે, ૧૧ સપ્તાહ પછી આ જગત જોજે… તારી આતુર માતા.’

જેમને એક ચિઠ્ઠી પણ લખવાની આદત નથી તેવી આજની યુવતીઓએ માતા બનતાં પહેલાં આવો પત્ર લખવા જેટલી સર્જનશીલતા કેળવવી જોઈએ.

– કાંતિ ભટ્ટ

Categories: મારી વહાલી મા | Tags: | 8 Comments

Blog at WordPress.com.