Posts Tagged With: કવિ નાન્હાલાલ

પાર્થને કહો ચડાવે બાણ – મહાકવિ નાનાલાલ

પાર્થને કહો ચડાવે બાણ

હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ
પાર્થને કહો ચડાવે બાણ

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી
કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ
પાર્થને કહો ચડાવે બાણ

દ્રૌપદીની હજી વેણ છૂટી છે
રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો
રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ
પાર્થને કહો ચડાવે બાણ

મેહુલો બોલે, વાયુ હુંકારે
ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે
ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ
પાર્થને કહો ચડાવે બાણ

નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ
પાર્થને કહો ચડાવે બાણ

વિધિનાં એ જ મહાનિર્માણ
પાર્થને કહો ચડાવે બાણ

– મહાકવિ નાનાલાલ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 1 Comment

પ્રભો અંતર્યામી – કવિ નાન્હાલાલ

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
(૧)

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું;
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.
(૨)

પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે;
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.
(૩)

પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો;
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.
(૪)

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો;
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
(૫)

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
(૬)

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
(૭)

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદૃષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.
(૮)


માણો ટહુકો પર


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 2 Comments

Create a free website or blog at WordPress.com.