Posts Tagged With: કવિતા

મિત્રને – સ્વામી વિવેકાનંદ

( છંદ:શિખરિણી )

(સ્વામી વિવેકાનંદે રચેલ બંગાળી કાવ્ય ’સખાર પ્રતિ’ ઉપરથી)

જહીં રોગે શાન્તિ, સુખ દુ:ખ મહીં, તેજ તિમિરે,
ઊંધી આવી રીતે અરર ! કરવી શોધ પડતી ;
શિશુના પ્રાણોની મળી વળતી જ્યાં સાક્ષી રુદને,
કરે ત્યાં શી આશા સુખ તણી તું વિદ્વાન થઈને ? – ૧

અહા ! દ્વંદ્વો વચ્ચે રણ સતત આ ઘોર મચતા;
પિતા પુત્રોમાંયે ભરચક ભરી સ્વાર્થમયતા;
અહીં શાન્તિ કેરું શુચિસ્વરૂપ ના, ના, મળી શકે,
સૂતા સંસારીને નરક પણ છે સ્વર્ગ દીસતું. – ૨

ગળે ફાંસી જો છે સતત અહીં કર્મો તણી મહા,
વિચાર્યું તો એક્કે નવ મળી મને રાહ છૂટવા;
નહીં યોગે ભોગે, જપતપ મહીં; અર્જન વિષે,
ગૃહે કે સંન્યાસે, નહીં વળી કંઈ ત્યાગ-વ્રતમાં; – ૩

ન ક્યાંયે છે ભાઈ ! સુખ તણી જરી ગંધ સરખી,
અરે કાયાધારી અફળ ગણતો આ જગ મહીં;
ઊંચું જાતું હૈયું, દુ:ખ પણ વધારે અનુભવે
અહા ! આ સંસારે દુ:ખ, દુ:ખ અને દુ:ખ સઘળે. – ૪

સુહ્રદ! નિસ્વાર્થી તું; ભવમહીં ન છે સ્થાન તુજનું,
પ્રહારો લોઢું જે ઝીલતું મૃદુ હૈયું નહીં સહે;
બને જો તું ભાઈ ! મધુ મુખ, ધરે છો વિષ ઉરે,
તને તો ધારેલું જરૂર મળશે સ્થાન જગમાં. – ૫

વિતાવ્યું અર્ધું મ્હેં જીવન અહીં વિદ્યાર્જનમહીં,
અને ધર્મ પ્રાપ્તિ ચરમ ગણીને સાધન કર્યાં,
વળી ભિક્ષા માગી ઘર ઘર જળેલાં ચિર ધરી,
ફર્યો ગાંડા જેવો નદી તીર અને પર્વત વિષે. – ૬

મને અંતે લાધ્યો સફળ મતનો સાર જ અહીં,
સુણી લ્યો, સંસારે પરમ બસ આ સત્ય ગણજો,
તરંગઘાતોથી ક્ષુભિત ભવને પાર કરવા,
તમારાં હૈયાની અમળ પ્રીત તો નાવ બનશે. – ૭

બીજું સર્વે જે છે પરમ ભ્રમ છે એ મન તણો,
ન તંત્રે મંત્રે કે મત વિવિધમાં સાર કંઈ છે;
પશુ, પક્ષી જીવે, સકળ કીટમાં પ્રેમદીપ છે,
બીજા કોઈયે ના, મહત બસ એ દેવ જ ખરે ! – ૮

સમર્પે મા પ્રાણો, હરણ કરતો ચોર વળી જ્યાં,
બધાં પ્રેમજ્ઞાન અકળ ધ્વનિને વંદન કરે;
નહીં એ કાંઈ છે મનવચને જ્ઞાત જરીએ,
વસે માતૃભાવે પ્રબળ શક્તિ મૃત્યુ રૂપમાં. – ૯

સહુ ધર્માધર્મે, શુભ અશુભથી એ જ પૂજતું,
કહો, એથી બીજું જીવ કરી શકે શું જગતમાં ?
સુખોની આકાંક્ષા સમ નવ બીજો છે ભ્રમ કંઈ,
વળી દુ:ખો ચાહે, પરમ ગણવો પાગલ અહીં. – ૧૦

અહો ! ફેલાયો છે જલધિ ભવનો દુસ્તર મહા,
ભલે બુદ્ધિ દોડે, તદપિ ન કંઈ અંત દિસતો;
સુણો પક્ષી સર્વે ! મળી ન તમને પાંખ ઊડવા,
નહીં કો આ માર્ગે ઊડી શકતું, કહો ક્યાં પછી જશો? – ૧૧

સહ્યા છે આઘાતો, તદપિ ન ત્યજો વ્યર્થ શ્રમને !
તજો વિદ્યાગર્વ, જપતપ તણુંયે બલ તજો,
સહારો લ્યો ભાઈ ! અવિરત તમ પ્રેમ બલનો,
પતંગો અગ્નિમાં મરણ વરીને એ જ શિખવે. – ૧૨

પતંગો તો અંધા, રૂપ મહીં બની મુગ્ધ મરતા,
તમે પ્રેમી વત્સો ! અનલ મહીં બાળો મલિનતા;
વિચારો આવું કે ઉર સુખ ભિક્ષુ તણું ચહે,
કૃપાપાત્ર થાઓ, તદપિ નવ તેમાંય ફળ છે. – ૧૩

સમર્પો, કિન્તુ ના જરીય બદલામાં કંઈ ચહો,
અરે ! બિન્દુ ઈચ્છો ! તજી દઈ તમે સાગર મહા !
સહુ ભૂતો કેરો સુહ્રદ બસ એ પ્રેમ સમજો,
અને બ્રહ્મે, કીટે સકળ અણુ આધાર ગણજો. – ૧૪

સહુનો એ પ્રેમી, પરમ તમ, પ્રેમાસ્પદ બનો,
બધું વારી નાખો, તનમન પ્રભુનાં ચરણમાં;
બહુ રૂપોમાં એ ઈશ અચલ ઊભા તમ કને,
બીજે શોધો શાને? જીવ-પૂજનમાં છે શિવપૂજા. – ૧૫

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

ભજો તેને – સ્વામી વિવેકાનંદ

( છંદ:શિખરિણી )

વસે છે જે તારી ભીતર વળી તે બહાર પણ છે,
કરે ક્રીયાઓ જે સકલ કરથી ને ચરણથી–
ચલે, જેના કાયા તમ સરવ છો, એહ ઈશને
ભજો, તોડી પાડો અવર પ્રતિમા ચૂર્ણ કરી દો !

સધાયું જેનામાં ઊંચનીચનું એકત્વ યુગપત
અને જે સાધુ-પતિત પણ એ એક જ તહીં !
અહો એ છે ઈશ, કીટક પણ જે ભાસત વળી,
શકો જોઈ-જાણી, નગદ સત, જે વ્યાપ્ત સઘળે
ભજો તેને, તોડો અવર પ્રતિમા ચૂર્ણ કરી દો !

નથી જેને કોઈ અતીત, નથી ભાવી પણ કંઈ,
નથી જેને મૃત્યુ, જનમ પણ જેને કદી નથી,
અને જેનામાં સૌ સતત વસીએ ને ભળી જશું
ભજો તેને, તોડો અવર પ્રતિમા ચૂર્ણ કરી દો !

અહો, એ મૂઢાત્મા જન અવગણે જે જીવિત આ
પ્રભુને ને તેની પ્રતિછવિ અનંતાથી સભરા
બધી સૃષ્ટિ, છાંડી રઝળી રવડે કલ્પિત તહીં
નરી છાયા પૂંઠે-લઈ સહુ જતી ક્લેશ-કલહે !
ભજો તેને જે ’હ્યાં પ્રતિક્ષણ વસે છે નજરમાં
અને પેલી મૂર્તિ અવર સહુને ચૂર્ણ કરી દો !

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , | Leave a comment

હું અને કવિતા

ગઈ કાલે સુરતથી કવિતાનો ફોન આવ્યો – શું મારી ગેરહાજરી તમને સાલતી નથી?

મારી અને બાળકો વગર બા સાથે એકલા ગમે છે?

તેને કહ્યું કે ગેરહાજરી તો સાલે – આ તો રવિવાર સુધીની જ વાત છે ને – સોમવારે તો તું આવી જઈશ.

મનમાં કહ્યું તને શું ખબર – બંધ આંખે ય તું હંમેશા મારા હ્રદયમાં ધડકતી હો છો – તારી ગેરહાજરી મને કેવી રીતે સાલે?

તને હું ક્યાં શોધું?

શું કામ શોધું?

દૂર હોય તેની શોધ થાય – મારા અસ્તિત્વનો એક અંશ બની ચૂકી હોય તેના વિશે સંશોધન કોણ કરે?

Categories: હું અને કવિતા | Tags: , | 7 Comments

મારી સખી-કવિતા

મારી સખી-કવિતા

મીત્રો,

દરેકનું જીવન અનેક ચઢાવ-ઉતાર વાળું હોય છે. મારા જીવનમાં યે ચઢાવ-ઉતાર ઓછા નથી આવ્યાં. છેલ્લાં પંદર વર્ષોમાં મારા જીવનમાં કવિતા જીવન-સંગીની બનીને આવી. તેણે મને શું નથી આપ્યું? આપણે ત્યાં પત્નિની વિભાવના જુદા જુદા કાર્ય દરમ્યાન જુદી જુદી કરવામાં આવી છે. જેમ કે :

..
કાર્યેષુ મંત્રી
કરણેષુ દાસી
ભોજ્યેષુ માતા
શયનેષુ રંભા
મનોનુકૂલા ક્ષમયા ધરિત્રી

એકની એક જીવનસંગીની અનેક ભૂમિકા નીભાવે છે.

કવિતા વિશે જ્યારે કશુંક કહેવાનું હોય તો કહી શકું કે તે મધુવનમાં આવી ત્યારથી અમારા જીવનમાં એક તાજગી પ્રવેશી છે. તેની હાજરી માત્રથી વાતાવરણ ભર્યું ભર્યું લાગે છે. તે ગુસ્સો કરે, વ્હાલ કરે, નીવેદન કરે, કશીક માગણી કરે, લાગણી વ્યક્ત કરે, રીસાય, ખીજાય, અબોલા લે કે કોઈ પણ ક્રીયા કરે તે દરેક વખતે તેની એક છટા, તેનું એક માધુર્ય એક લાવણ્ય પ્રગટ થાય.

એક ખાનગી વાત કહી દઉ કે તે જ્યારે પ્રસન્ન હોય ત્યારે હું સ્વસ્થ રહું છું અને મારા કાર્યો ઉત્સાહથી કરી શકું છું. જો તે છંછેડાઈ ગઈ હોય કે રીસાઈ ગઈ હોય તો મારા ગાત્રો ગળી જાય છે. હું અસ્વસ્થ થઈ જાઉ છું. હું ફરી પાછો ત્યારે સ્વસ્થ થઈ શકું છું કે જ્યારે તે પુન: પ્રસન્ન થાય.

સમગ્ર મધુવન પરિવારને તેણે સ્નેહ-પૂર્વક એક તાંતણે બાંધી લીધો છે અને અમારા કુટુંબના કેન્દ્ર સ્થાને રહીને તેણે જીવનને જીવવાલાયક બનાવી દીધું છે.

અંતે એક મુક્તક કહીને વિરમું :

ત્યાં લગી આશ સૃષ્ટિની – જ્યાં લગી ઉગતા ફૂલો
જીંદગી જીવવા જેવી – જ્યાં લગી કવિના કુળો

Categories: ઉદઘોષણા, કુટુંબ | Tags: , | 8 Comments

કવિતાનો સંગીતપ્રેમ – આગંતુક

સખી અને મિત્રો,
તમને લોકોને કદાચ ખબર નહીં હોય કે મારા ધર્મપત્નિ, અર્ધાંગીનીનું નામ “કવિતા” છે. તે “શ્રી સોફ્ટવેર સર્વીસીસ” નામની “શ્રી સવા” નામનું એકાઉન્ટિંગ સોફ્ટવેર વેચતી પ્રોપ્રાઈટરી પેઢીની પ્રોપ્રાઈટર છે. આ ઉપરાંત તેને બાળકોના વિકાસ અને શિક્ષણમાં ઉંડો રસ છે.

આજે મારે જે વાત કરવાની છે તે તેના એક અલગ જ શોખ વીશે વાત કરવાની છે. “કવિતા” ને “સંગીત” નો અનહદ શોખ છે. અત્યારે તે અને અમારી પુત્રી આસ્થા બંને “શાસ્ત્રીય સંગીત” ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે. મને જો કે “સુગમ સંગીત” વધારે ગમે છે, પણ તેમનું શાસ્ત્રીય સંગીત પણ માણવું ખુબ જ ગમે છે. બાપુજી (સ્વામી ભજનપ્રકાશાનંદજી) કહેતા કે સંગીત માં જેને રસ હોય તેને માટે ઈશ્વર પ્રાપ્ત કરવા રમત વાત છે. સંગીતનો આનંદ અડધી સમાધી જેટલો આનંદ આપે છે. તો આ ધરા ઉપર જેને “સંગીત” અને “કવિતા” માં રસ છે તેઓ ખરેખર ધન્ય છે. આખાએ બ્લોગ જગતમાં મને જો આવો “કવિતા અને સંગીતનો સમન્વય” કરતો / કરતી – બ્લોગ / વેબ સાઈટ જોવા મળ્યો / મળી હોય તો તેનું નામ છે “ટહુકો“.

તો આપ સહુ આ અવર્ણનીય આનંદ આપતી સાઈટ ઉપર “સંગીત અને કવિતાનો અદભુત સમન્વય” માણી શકશો.

Categories: આનંદ, ઉદઘોષણા | Tags: , | 2 Comments

શું તમને ખબર છે? – અતુલ

હું એક પ્રસન્ન જીવંત કવિ છું, શું તમને ખબર છે?
મારી કવિતામાં શબ્દો નથી, શું તમને ખબર છે?
વળી તે મૌનના પડઘા નથી, શું તમને ખબર છે?
આ કવિતા મુજ કાનની રાધા, શું તમને ખબર છે?
તે જ રુક્ષ્મણી ને સત્યભામા, શું તમને ખબર છે?
હું રામ તો તે મારી સીતા, શું તમને ખબર છે?
બે બાળકોનો હું છુ પિતા, શું તમને ખબર છે?
બ્લોગજગતનો નાટકાચાર્ય, શું તમને ખબર છે?
ભિન્નબ્લોગે ભિન્ન અભિનય, શું તમને ખબર છે?
સાચું મારુ જીવન છે ન્યારું, શું તમને ખબર છે?
હંસ: ને આસ્થા સંતાનો મારા, શું તમને ખબર છે?
મારી પત્નિ મારી કવિતા, શું તમને ખબર છે?
કવિતાનો કૃષ્ણ “અતુલ” છું, શું તમને ખબર છે?

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

Blog at WordPress.com.