તા.૪/૭/૨૦૧૦
ભાવનગર.
ભાવનગરમાં ગઈ કાલે રાત્રે થોડા પવન અને વીજ ચમકાર સાથે શરુ થયેલ વરસાદ આખી રાત ધીમી ધારે ધરતીને ભીંજવતો રહ્યો. સવારે ઉઠીને જોયું તો ચારે બાજુ ખુશનુમા વાતાવરણ અને માટીમાંથી આવતી મહેકથી દિશાઓમાં ઉલ્લાસ વ્યાપી ગયો છે.
ચાર દિવસ પહેલાં જ અમદાવાદથી ભાવનગરમાં નવો રથ રથયાત્રા માટે આવી ગયો છે. આ રથયાત્રાનું ભાવનગરમાં ખુબ જ મહત્વ છે. તેમાં શ્રી કૃષ્ણ, બલરામજી તથા બહેન સુભદ્રા એક જ રથમાં સાથે બેસીને નગરચર્યા કરીને લોકોને દર્શન આપશે. શ્રીકૃષ્ણ તથા બલરામ ની સાથે સાથે સુભદ્રાજીનું બહુમાન કરતો આ ઉત્સવ ઘણો જ વિરલ ગણાય છે. આ રથયાત્રા ગુજરાતમાં અમદાવાદ પછીની સહુથી મોટી રથયાત્રા હોય છે. નગરજનો સહુ પોતાના ઘરમાંથી બહાર આવીને આ બંધુઓ અને ભગીનીના દર્શન કરવા ઉમટી પડે છે. તેમના દર્શન કરીને અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. વાતાવરણ “જય રણછોડ – માખણ ચોર”, “હાથી,ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી” વગેરે જયઘોષથી ગાજી ઉઠશે.
અષાઢી બીજના દીવસે નીકળનારી આ રથયાત્રા માટે આયોજકો તનતોડ મહેનત કરી રહ્યાં છે.