બ્લોગ-જગતમાં મારે જેટલું હાંસલ કરવું હતું તે કરી લીધું છે. હું તૃપ્ત છું – સંતૃપ્ત છું. હવે હું એક અનીશ્ચિત કાળ સુધીનો દિર્ઘ વિશ્રામ લેવા ઈચ્છું છું. આપ સહુ મીત્રો મારા હ્રદયમાં છો અને હું આપ સહુના.
વિશ્રામ કાળ દરમ્યાન :
ભજનામૃત વાણી તથા મધુવન પર નવી પોસ્ટ મુકવામાં નહીં આવે.
ફેસ બુક પર નવું કશું મુકવામાં નહીં આવે.
કોઈ બ્લોગ કે વેબ સાઈટને પ્રતિભાવ કે Like આપવામાં નહીં આવે.
મને ગમતા બ્લોગ કે વેબ સાઈટ અનુકુળતાએ વાંચીશ.
મીત્રો સાથે ઈ-મેઈલ થી કે ફોનથી સંપર્કમાં રહીશ પરંતુ દિવસ દરમ્યાન તે માટેનો નિશ્ચિત સમય હશે અને તેટલા મર્યાદિત સમય સિવાય બ્લોગ-જગત સાથેના સંપર્ક નહીવત રહેશે.
બ્લોગ યાત્રા દરમ્યાન હું ઘણું ઘણું શીખ્યો છું. હસ્યો છું, રડ્યો છું, ક્યારેક મારી તો ક્યારેક અન્યની ઉંઘ હરામ થઈ ગઈ છે. ક્યારેક પ્રેમના પ્રવાહમાં તણાયો છું તો ક્યારેક ભારોભાર ધિક્કારથી હણાયો છું. અહીં આપ સહું સાથે મેં અનેક પ્રકારના ભાવો અનુભવ્યા છે કે જેનું વર્ણન શબ્દાતિત છે.
અત્યાર સુધી મેં ઘણી વખત વિશ્રામ લીધો છે પણ તે વખતે નામરજી થી અથવા તો કશીક પ્રતિકુળતાને લીધે વિરામ લેવો પડ્યો હતો. આ વખતનો વિશ્રામ એક સંતોષ / આનંદ અને તૃપ્તિના ઓડકાર સાથેનો છે.
આનંદમયી મા ની છબી જોઈએ ત્યારે આપણને તેનામાં સ્ત્રી તરીકેનો નહીં પણ હંમેશા માતા તરીકેનો ભાવ ઉપજે. વળી તેઓ હંમેશા ભાવ સમાધિમાં હોય જે જોતા ખ્યાલ આવે કે તેઓ દુન્યવી વિચારોથી સર્વથા પર છે. સાચા આધ્યાત્મિક લોકોને કદી પોતાનો પ્રચાર પ્રસાર કરવાની જરૂર નથી પડતી. શ્રી રામકૃષ્ણ પરમહંસ: પાસે, શ્રી લાહિરી મહાશય પાસે, શ્રી રમણ મહર્ષી પાસે આપોઆપ ભક્તો આવી જતાં અને આદ્યાત્મિક માર્ગદર્શન લઈને આત્મ-કલ્યાણના માર્ગે વળતાં. હાલમાં જોવા મળતાં પ્રચાર-પ્રસારના ઢોલ-નગારાની તેમને કશી આવશ્યકતાં નહોતી કારણકે તેમનું લક્ષ્ય માત્રને માત્ર આધ્યાત્મિક પૂર્ણતા હતી – જ્યાં લોકો પાસેથી કિર્તી કે વાહ વાહ મેળવવાની કોઈ ઝંખના ન હતી. વળી તેઓ સંપૂર્ણ પણે પોતાનો કર્તૃત્વભાવ ઓગાળી ચૂક્યા હતાં જાણે કે પોતાના અસ્તિત્વને ઓગાળી ચૂક્યા હતા (Melt Down) અને તેથી તેમની આદ્યાત્મિક અસર દીર્ઘ કાળ સુધી માનવ જીવન પર પોતાનો પ્રભાવ પાથરતી રહેશે અને પેઢીઓ સુધી તેમના માર્ગદર્શનની જ્યોત જલતી રહેશે. આજે જોઈએ શ્રી આનંદમયી મા ની ભાવપૂર્ણ છબીઓ અને સાથે સાથે સાંભળીએ ગુરુ-સ્તવાષ્ટક.
મિત્રો,
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નીમીત્તે ભાવનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં શ્રી વિભાવરી બહેન દ્વારા વૃક્ષારોપણ માટે વૃક્ષ વિતરણનો સુંદર કાર્યક્રમ યોજાયો જેમાં લોકોને કડવો પણ ગુણકારી લીમડાનો છોડ વાવવા માટે આપવામાં આવ્યો. અમારા ઘરની બહાર પણ મ્યુનિસિપાલિટીએ વૃક્ષ વાવવા માટે ચોરસ ખાડો કરી આપ્યો છે. અમે તો અમારા પ્લોટમાં ઘણાં વૃક્ષો વાવ્યા છે અને તેનું સારી રીતે જતન કરીએ છીએ વળી અમારા કાકાએ બહાર એક વિશાળ વડલો અને લીમડો વાવી જ રાખ્યા છે કે જેનો છાંયો વટેમાર્ગુઓ હંમેશા મેળવતા રહે છે, તેથી અમે ઘરની બહાર લીમડો ન વાવ્યો. અમારા પ્લોટમાં અમે આંબાઓ વાવ્યા છે, ત્યાં કોયલ રાણી ટહુકા કરે છે. મોરલાઓ કળા કરે છે. હંસ: અને આસ્થા હિંચકા ખાય છે અને અતુલની કવિતા કીલ્લોલ કરે છે. બોલો આનાથી વધારે સ્વર્ગની બીજી કલ્પના શું હોઈ શકે?