મોટાભાગે આપણે અન્ય વ્યક્તિઓનું તેના બાહ્ય દેખાવ, વર્તણુંક, હાવભાવ તથા ચાલ ચલગત પરથી મૂલ્યાંકન કરતાં હોઈએ છીએ. ઈન્ટરનેટ પર અન્ય વ્યક્તિઓને તેના લખાણને આધારે કે તેના ભાવ પ્રતિભાવના આધારે મૂલવતા હોઈએ છીએ. ખરેખર એવું બને કે વ્યક્તિના લખાણો, વિચારો, બાહ્ય દેખાવ, વર્તણુંક કે હાવભાવ કરતાં તે વ્યક્તિ સર્વથા જુદી રીતે જીવતી હોય.
કોઈ પણ વ્યક્તિનું યથાર્થ મૂલ્યાંકન તે કેવી દેખાય છે તેને આધારે નહીં પણ તે કેવી રીતે જીવે છે તેને આધારે થવું જોઈએ.
એક કવિને કે લેખકને તમે વાંચો, સાંભળો અને ખરેખર જીવતા જુઓ તો તેના લખાણ, વાણી અને વ્યવહારમાં ઘણું અંતર હશે. લેખક કે કવિના વિચારો અને તેના જીવનને સર્વથા એકબીજા સાથે સાંકળી ન શકાય.
આત્મકથા જેવા પુસ્તકો હોય તો આપણને લેખકના વિચારો અને જીવનની એકરુપતા મળે. અન્ય લખાણોમાં તો કલ્પનાઓ, આદર્શો, દિવાસ્વપ્નો, આક્રોશ તેમ જાતજાતના ભાવો, વિચારો અને લાગણીઓનો શંભુમેળો હોય કે જે યથાર્થ જીવન સાથે ક્વચિત જ મેળ ખાતો હોય.
કલાકારો, હીરો વગેરનું યે તેવું જ હોય છે. પડદા ઉપર તેઓ જે દૃશ્ય ભજવે છે તેવા ખરેખર વાસ્તવિક જીવનમાં હોતા નથી.
સમાજ પર લખાણો, ફીલ્મો, વિચારો ની ઘણી અસર થતી હોય છે. આપણે તે સમજતા નથી હોતા કે આમાનું મોટાભાગનું વાસ્તવિક રીતે ચરીતાર્થ થાય તેવું હોતું નથી.
જેમણે સ્વનું જીવન ઘડતર કરવું હોય તેણે તો તેવી વ્યક્તિઓના તેવા જીવનચરીત્રો કે આત્મકથા વાંચવી જોઈએ કે જે તેઓ જીવ્યાં હોય તે જ તેમના પુસ્તકોમાં લખાયું હોય.