અંજની જાયો કેસરી નંદન ,ભગવદ ભક્ત મહાન
બાળા નામ છે સુંદર, સમરીએ કર જોડી હનુમાન
જન્મ સાથે પરાક્રમ પ્રગટે, બળ બુધ્ધિ અમાપ
ચૈત્ર પૂનમે અવતરીયા, પવન પુત્ર પ્રખ્યાત
સરપાવ દીધા દેવ ગણોએ,કરવા જગ હીતકારી કામ
ગતિ સામર્થ્ય ગરુડરાજનું, અંજની સુત મહાન
ઋષ્યક પર્વતે શુભ મિલને, પુલકિત કેસરી નંદ
પૃથ્વી પટે ભાર ઉતરશે, પ્રભુ સંગ શોભે બજરંગ
વાત સુણી સીતાજી હરણની,સંચર્યા દક્ષિણ દેશ
સીતામાતાની ભાળ કાજે ધરીયું રુપ વિશેષ
વીર મારુતીની ભક્તિ શક્તિ,કંપ્યો મહેન્દ્ર ગિરિવર
વાયુવેગે આકાશે વિચરે,રામ મુદ્રા સંગ કપિવીર
છાયા પકડી લક્ષ્ય શોધતી સિંહકાને સંહારી
કર્યો પરાભવ લંકાદેવીનો,હુંકાર ભરિયો લંકા નગરી
શુરવીરોને દીધો પરિચય, હણ્યા ધુમ્રાક્ષ નિકુંભ
અક્ષયરાજને પળમાં રોળ્યો, સેના શોધે શરણ
ઈન્દ્ર જિતના બ્રહ્મપાશે બંધાયા, મુક્ત થઈને કીધો પ્રતિશોધ
રાવણરાજની સભા મધ્યે, રામ દુતે દીધો મહા બોધ
પૂંછ પર લપેટી અગન જ્વાળ, કીધું લંકાનગરી દહન
સીતામાતને રામ મુદ્રા આપી પૂછ્યા ક્ષેમ કુશળ
પ્રભુ રામે સમરીયા સદાશીવ, રામેશ્વરે દીધા આશિષ
રાજ તિલકે શોભે વિભીષણ,અટલ વિશ્વાસુ છે રઘુવીર
સુગ્રીવ સેના જાણે સાગર, ભક્તિભાવે ભીંજાયે ધીર
રામ કાજ કરવા અંગદ સંગ, હનુમંત દીસે વીરોના વીર
નલ નીલ બજરંગી સેના, બાંધે સેતુ સાગરે રમતાં
પથ્થર પાણી પર તરતા, નીંદર છોડી લંકેશ ભમતા
કુંભકર્ણ માયાવી ઇન્દ્રજીત, યુધ્ધે દીશે અતી દુષ્કર
અતિ સંહારી પ્રલય શક્તિથી,વેરે વિનાશ અવની અંબર
મેઘનાદ રચે માયાવી જાળ, ઘવાયા રણમધ્યે લક્ષ્મણ ભ્રાત
મૂર્છિત લક્ષ્મન શોકાતુર રામ,વિશાદનાં વાદળ ઘેરાયાં આજ
ઔષધી સહ ઊંચક્યો પર્વત,મૃત સંજીવનિ લાવ્યા હનુમંત
સંકટ ઘેરા પળમાં ટાળ્યા, યુધ્ધે ટંકાર કરે લક્ષ્મણ
રામ પ્રભુનો ધનુષ્ય ટંકાર, કંપે દિશાઓ અપરંપાર
સેવક ધર્મ બજાવે હનુમંત, જામ્યો સંગ્રામ કંપે સંસાર
યુધ્ધ કૌશલ્ય રામનું અમાપ,હણ્યો દશાનન કુંભકર્ણ સાથ
હનુમંત સુગ્રીવ વિજય વધાવે, ધર્મ પથ પર વરસે પુષ્પ
રામ મુખે વહી પ્રશસ્તી, પરમવીર છે પવન પુત્ર
વીર મારુતી થકી મળીયા, ભાઈ ભાર્યાને મિત્ર
રામ કથા સંસારે ગવાશે ,અમરપટ ભોગવશે હનુમંત વીર
શ્રીફળ સિંદૂર આકડાના ફૂલે, રીઝશે મહા મારુતી ધીર
સીતામાતાએ દીધું સૌભાગ્ય સીંદૂર, આપત્તી ના આવે તમ પાસ
અયોધ્યા મધ્યે હનુમાન ગઢીમાં, આજ પણ પ્રગટે તમારો વાસ
સ્નેહે સમરીએ સંકટ મોચન, પ્રત્યક્ષ પરચો પામે ગુણીજન
પંચાયતમાં સ્થાન તમારું, ભગવંત સંગ શોભે હનુમંત