Posts Tagged With: અહંકાર

શ્રી વાક્યસુધા (૧૦/૪૩) – આદિ શંકરાચાર્ય

આત્મામાં અંત:કરણની ત્રણ અવસ્થાની પ્રતીતિ તથા તેનું સંસારીપણું અહંકારની સાથેના અધ્યાસે કરેલું છે તેમ પ્રતિપાદન કરવાનો આરંભ કરે છે :

અહંકારલયે સુપ્તૌ ભવેદેહોSપ્યચેતન: |
અહંકારવિકાસાર્ધ: સ્વપ્ન: સર્વસ્તુ જાગર: || ૧૦ ||

શ્લોકાર્થ:

સુષુપ્તિમાં અહંકારનો લય થવાથી શરીર જડ જેવું જ થાય છે. અહંકારના અર્ધા વિકાસથી ઉપજેલું સ્વપ્ન છે, ને સર્વ અહંકારના વિકાસથી થયેલી તે જાગ્રદ અવસ્થા છે.

ટીકા:

પ્રાણીઓના અંત:કરણની સુષુપ્તિ અવસ્થામાં અહંકારનો તેના ઉપાદાનકારણ અજ્ઞાનમાં લય થવાથી પ્રાણીઓનાં શરીરો ઘટાદિ જડ પદાર્થના જેવા પ્રતિત થાય છે.

એ અહંકાર અર્ધજાગ્રત થાય છે ત્યારે પ્રાણીને સ્વપ્નાવસ્થાનો અનુભવ થાય છે.

જ્યારે એ અહંકાર સંપૂર્ણ જાગ્રત થાય છે ત્યારે પ્રાણીને જાગ્રદવસ્થાનો અનુભવ થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , , | Leave a comment

શ્રી વાક્યસુધા (૯/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે કહેલા અહંકારના ચિદાભાસાદિની સાથેના એકપણાની પ્રતીતિઓની નિવૃત્તિના હેતુઓને ક્રમપૂર્વક પ્રતિપાદન કરે છે :-

સંબન્ધિનો: સતોર્નાસ્તિ નિવૃત્તિ: સહજસ્ય તુ |
કર્મક્ષયાત્પ્રબોધાચ્ચ નિવર્તેતે ક્રમાદુભે || ૯ ||

શ્લોકાર્થ:

અહંકારની અને ચિદાભાસની વિદ્યમાનદશામાં તેમના સહજ એકપણાની નિવૃત્તિ થતી નથી. કર્મના ક્ષયથી ને જ્ઞાનથી ક્રમથી બંને નિવૃત્ત થાય.

ટીકા:

જેમ ઊઘાડી જગામાં રહેલા ઊઘાડા જલપાત્રમાં આકાશમાં રહેલા સૂર્યનું પ્રતિબિંબ તે જલપાત્રની સ્થિતિ સુધી પડે છે, ને જલપાત્રની નિવૃત્તિ સાથે તેમાં પ્રતીત થતાં પ્રતિબિંબની પણ નિવૃત્તિ થાય છે, તેમ અહંકારનો સદભાવ હોય ત્યાં સુધી તેમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે, ને અહંકારની નિવૃત્તિ થયે તેમાં પ્રતીત થતા ચેતનના પ્રતિબિંબની નિવૃત્તિ થાય છે, અર્થાત ચિદાભાસમાં અહંકારના ભ્રમની નિવૃત્તિ અહંકારની નિવૃત્તિથી થાય છે.

દેહનો આરંભ કરનારા કર્મોનો ક્ષય થવાથી શરીરની સાથેના અહંકાર ભ્રમની નિવૃત્તિ થાય છે, ને જ્ઞાન થવાથી સાક્ષીની સાથેના અહંકાર ભ્રમની નિવૃત્તિ થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , , | Leave a comment

શ્રી વાક્યસુધા (૮/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે કહેલા અહંકારના એકપણાને વિષયના ભેદવડે વિભાગ કરીને પ્રતિપાદન કરે છે :-

અહંકારસ્ય તાદાત્મ્યં ચિચ્છાયાદેહસાક્ષિભિ: |
સહજં કર્મજં ભ્રાન્તિજન્યં ચ ત્રિવિધં ક્રમાત || ૮ ||

શ્લોકાર્થ:

ચિદાભાસ, સ્થૂલશરીર ને સાક્ષીની સાથે અહંકારનું એકપણું સહજ, કર્મજ ને ભ્રમજ તેમ ક્રમથી ત્રણ પ્રકારનું છે.

ટીકા:

ચિદાભાસની સાથે અહંકારનું એકપણું સહજ એટલે ઉત્પતિ વિશિષ્ટ છે, – ચિદાભાસની પ્રતીતિ અહંકારની ઉત્પતિની સાથે જ છે, તેથી હું જાણું છું એવો અનુભવ થાય છે.

સ્થુલશરીરની સાથે અહંકારનું એકપણું પૂર્વના ધર્માધર્મથી ઉપજેલું છે. તેથી હું મનુષ્ય છું એવો અનુભવ થાય છે.

સાક્ષીની સાથે અહંકારનું એકપણું ભ્રમમાત્રથી સિદ્ધ છે, તેથી હું છું એવો અનુભવ થાય છે.

એવી રીતે અહંકારનું ત્રિવિધપણું છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , , | Leave a comment

શ્રી વાક્યસુધા (૭/૪૩) – આદિ શંકરાચાર્ય

ચેતનરૂપ આત્માના ને જડરૂપ બુદ્ધિના એકપણાની ભ્રાંતિ કહી તેને દૃષ્ટાંતવડે સ્પષ્ટ કરે છે :-

છાયાહંકારયોરૈક્યં તપ્તાય: પિંડવન્મતં |
તદહંકારતાદાત્મ્યાદેહશ્ચેતનતામિયાત || ૭ ||

શ્લોકાર્થ:

આભાસનું અને અહંકારનું એકપણું તપેલા લોઢાના ગોળાના જેવું માનેલું છે. તે સાભાસ અહંકારની સાથેના એકપણાના ભ્રમથી દેહ ચેતનપણાને પામેલો જણાય છે.

ટીકા:

જેમ અગ્નિના વ્યાપ્તપણાવડે લોઢાનો ગોળો અગ્નિપણાને પામેલો જણાય છે તેમ આત્મચૈતન્યના વ્યાપ્તપણા વડે અહંકાર ચેતનપણાને પામેલો જણાય છે.

એવી રીતે લિંગશરીરમાં આત્માના આભાસથી આત્મામાં કર્તાપણાનો તથા ભોક્તાપણાનો વ્યવહાર પ્રવૃત્ત થાય છે.

સ્થુલશરીરમાં આભાસવાળા લિંગશરીરનું સંક્રમણ થવાથી સ્થૂલશરીર પણ ચેતનયુક્તપણાના વ્યવહારને યોગ્ય થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , , | Leave a comment

શ્રી વાક્યસુધા (૬/૪૩) – આદિ શંકરાચાર્ય

જાગ્રદાદિ અવસ્થાઓ અંત:કરણની છે, અસંગ ને અવિકારી આત્માની તે નથી તેમ પ્રતિપાદન કરે છે :

ચિચ્છાયાવેશતો બુદ્ધૌ ભાનં ધીસ્તુ દ્વિધા સ્થિતા |
એકાહંકૃતિરન્યા સ્યાદન્ત:કરણરુપિણી || ૬ ||

શ્લોકાર્થ: ચેતનના આભાસના પ્રવેશથી બુદ્ધિમાં આત્માનું ભાન થાય છે. તે બુદ્ધિ બે પ્રકારે સ્થિત છે, એક અહંકારરૂપ ને બીજી મનોરૂપ છે.

ટીકા:

પ્રત્યગાત્મસ્વરૂપના આભાસનો અંત:કરણમાં પ્રવેશ થાય છે, તેથી આત્માનું વિશેષ ભાન થાય છે.

ચિદાત્મા સ્વરૂપથી પ્રકાશકપણા વડે પોતે સર્વદા ભાસમાન છતાં પણ પોતાના નિર્વિશેષપણાથી વિશેષ ભાસમાન થતો નથી.

તે ચિદાત્મામાં કલ્પિત અનાદિ અનિર્વચનીય અજ્ઞાન જ્યારે કર્મથી ઉઠેલી વાસનાથી અંત:કરણને આકારે થાય છે ત્યારે તેમાં પ્રકાશકપણા વડે અનુગત ચિદાત્મા અંત:કરણને આકારે પ્રતીત થાય છે. આ વેળા અંત:કરણના ને આત્માના એકપણાની પ્રતીતિથી તે વિશેષ વડે આત્મા સવિશેષ ભાસે છે.

જે અંત:કરણમાં આત્માનું એવી રીતે ભાન થાય છે તે અંત:કરણ બે પ્રકારે સ્થિત છે, એક અહંકારરૂપે ને અન્ય મનોરૂપે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.