સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૨. નારાયણ હેમચંદ્ર
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.
આ પ્રકરણના થોડા અંશો :
આ જ અરસામાં સ્વ. નારાયણ હેમચંદ્ર વિલાયતમાં આવ્યા હતા. લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું હતું. તેમને હું નેશનલ ઈન્ડિયન એસોસિયેશનવાળાં મિસ મૅનિંગને ત્યાં મળ્યો.
તેમણે નારાયણ હેમચંદ્રની ઓળખાણ કરાવી.
નારાયણ હેમચંદ્રને અંગ્રેજી નહોતું આવડતું. તેમનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન પહેર્યું હતું. ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલે મેલો, બદામી રંગનો કોટ હતો. નેકટાઈ કે કોલર નહોતાં. કોટ પારસી ઘાટનો પણ ડોળ વિનાનો. માથે ફૂમતાંવાળી ઊનની ગૂંથેલી ટોપી હતી. તેમણે લાંબી દાઢી રાખી હતી. કદ એકવડિયું ઠીંગણું કહીએ તો ચાલે. મોં ઉપર શીળીના ડાઘ હતા. ચહેરો ગોળ. નાક નહીં અણીદાર, નહીં ચીબું. દાઢી ઉપર હાથ ફર્યા કરે. બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા હતા અને બધાથી નોખા પડી જતા હતા.
‘આપનું નામ મેં બહુ સાંભળ્યું છે. આપનાં કંઈ લખાણો પણ વાંચ્યાં છે. આપ મારે ત્યાં આવશો?’
નારાયણ હેમચંદ્રનો સાદ ભાંભરો હતો. તેમણે હસમુખે ચહેરે જવાબ આપ્યો:
‘તમે ક્યાં રહો છો?’
‘સ્ટોર સ્ટ્રિટમાં.’
‘ત્યારે તો આપણે પડોશી છીએ. મારે અંગ્રેજી શીખવું છે. તમે મને શીખવશો?’
મેં જવાબ આપ્યો, ‘જો આપને કંઈ મદદ દઈ શકું તો હું રાજી થાઉં. મારાથી બનતી મહેનત જરૂર કરીશ. આપ કહેશો તો હું આપને ત્યાં આવીશ.’
‘ના ના, હું જ તમારે ત્યાં આવીશ. મારી કને પાઠશાળા છે તે હું લેતો આવીશ.’
અમે વખત મુકરર કર્યો. અમારી વચ્ચે ભારે સ્નેહગાંઠ બંધાઈ.
નારાયણ હેમચંદ્ર થોડા માસ વિલાયતમાં રહી પારીસ ગયા. ત્યાં ફ્રેંચ અભ્યાસ આદર્યો, ને ફ્રેંચ પુસ્તકોના તરજુમા શરૂ કર્યા. તેમનો તરજુમો તપાસવા પૂરતું ફ્રેંચ મને આવડતું હતું, તેથી તે જોઈ જવા કહ્યું. મેં જોયું કે તે તરજુમો ન હતો પણ કેવળ ભાવાર્થ હતો.
છેવટે, તેમણે અમેરિકા જવાનો પોતાનો નિશ્ચય પાર પાડ્યો. મુસીબતે ડેકની કે ત્રીજા વર્ગની ટિકિટ મેળવી શક્યા હતા. અમેરિકામાં તેમને ધોતિયું પહેરણ પહેરીને નીકળ્યાને સારુ ‘અસભ્ય પોશાક પહેર્યા’ના તહોમત ઉપર પકડવામાં આવ્યા હતા. મારું સ્મરણ એવું છે કે પાછળથી તે છૂટી ગયા હતા.