Posts Tagged With: અભરખો

હાસ્યલેખ લખવાના અભરખા (૨) – આગંતુક

આજે સવારમાં ૫ વાગ્યે ઉઠી ગયો. પહેલાં તો થયું કે “મધુવન” માં એકાદ ગીત મુકીએ. વિચાર કર્યો કે ક્યું ગીત મુકવું (અરે હું યે ક્યારેક વિચારુ છું). મુકેશ અને આશા ના કંઠે ગવાયેલું અને જીવનના સુખ અને દુ:ખ ને નદીના બે કાંઠા તરીકે વર્ણવતુ ગીત “સંસાર હે એક નદિયા” પસંદ કર્યું. યુ – ટ્યુબ માંથી લિન્ક મેળવી અને બ્લોગ પર કોપી-પેસ્ટ કર્યું. થોડી વાર થઈ ત્યા પોસ્ટ પ્રસિદ્ધ થવાને બદલે એરર આવી. ગીત પ્રસિદ્ધ થઈ શક્યું નહીં. પછી થયું કે કાઈ નહીં ગીતને પડતુ મુકો અને કાઈક પ્રેરણાદાયક સાહિત્ય મુકીએ.”સફળતાના સ્વર્ણિમ સોપાનો” નું ૩જુ પ્રકરણ સ્કેન કરીને તૈયાર રાખેલું. જેવું મીડીયા લાયબ્રેરીમાં અપલોડ કરવા ગયો તો ફરી પાછી એરર આવી.

હવે તો રીતસર વર્ડપ્રેસનો જૂલ્મ થતો હોય તેમ લાગ્યું. અત્યાર સુધી વર્ડપ્રેસે કરેલી નિ:સ્વાર્થ (???) સેવાને ભુલી જઈને મારા મનમાં વર્ડપ્રેસ પર ખૂબ ગુસ્સો આવ્યો. મનોમન કહેવા લાગ્યો કે અરે ગીત કે પ્રેરણાદાયક સાહિત્ય કશુંય ન સંઘરી શકતું આ વર્ડપ્રેસ ખરેખર નકામું છે. ત્યાં તો તેણે મને અત્યાર સુધી આપેલો સાથ યાદ આવ્યો, મફતીયા બ્લોગરોના આશ્રયસ્થાન જેવો, ગામના પાદરે રહેલા ઓટલા જેવો સ્વભાવ યાદ આવ્યો. જેવી રીતે ગામ આખાના નવરાં લોકો પાદરના ઓટલે ભેગા થાય તેમ નવરા બ્લોગરોના અનિવાર્ય આશ્રયસ્થાન જેવી તેની હૂંફ યાદ આવી. મને થયું કે કદાચ “મધુવન” ના સેટીંગમાં કશોક ફેરફાર થયો હશે એટલે લાવ “ભજનામૃત વાણી” માં જઈને કશુંક લખું. આમેય કોમેન્ટો લખવા કરતા લેખ લખવા સારા એવું મારા મિત્રનું માનવું છે એટલે મને થયું કે લાવને કો’કના ઓટલા ભાંગવા કરતા આપણાં મકાનો ચણીએ. એટલે “ભજનામૃત વાણી” માં લખવા બેઠો.

પણ પણ પણ લખવું શું? પહેલા તો થયું રેશનાલિસ્ટોનો વિરોધ કરતી એકાદ ચાબખા જેવી રચના રચું. પછી વિચાર આવ્યો કે આપણે કાઈ શોલેના ગબ્બરસીંગ થોડા છીએ? આ ચાબખા આપણાં હાથમાં ન શોભે, તેથી વિચાર પડતો મૂક્યો. તો થયું કે લાવ એકાદ કવિતા મુકું. પછી થયું કે તાત્કાલિક કવિતા રચતા તો આવડશે નહીં. અને ગા ગા ગા લગા લગા આ બધું બંધારણ સમજવાનો અત્યારે સમય નથી તેથી તે વિચાર પડતો મુક્યો.

ત્યાં મને આ હાસ્યલેખના અભરખાની મારી નવી જ શરુ કરેલી “લેખમાળા” યાદ આવી. જેમ કોઈ સાંભળે કે ન સાંભળે પણ સંગીતકારો પોતાની તતૂડિ વગાડતા હોય છે તેમ કોઈ પહેરે કે ન પહેરે પણ મારે તો આ “લેખમાળા” ગૂંથવી જ છે.

લ્યો ત્યારે આજે આટલું રાખીએ, જોઈએ હવે આ પોસ્ટ સચવાય (સેવ) છે કે નહીં.

વધુ આવતા અંકે…

Categories: હળવી પળો, હાસ્ય | Tags: , , | 2 Comments

હાસ્યલેખ લખવાના અભરખા (૧) – આગંતુક

મિત્રો,
ઘણાં બધા બ્લોગ ઉપર હમણાં હાસ્યલેખ લખવાના પ્રયોગો ચાલે છે. પ્રયોગનું તો એવું કે ભાઈ તેમાં સફળતા યે મળે ને નિષ્ફળતા યે મળે અને ઘણી વખત વળી હાસ્યલેખમાંથી કશુંક નવું જ સર્જન થઈ જાય. તો પણ વૈજ્ઞાનિકો જેમ પ્રયોગશાળામાં આદુ ખાઈને કે આધુનિક મેડીસીન ખાઈને પ્રયોગ પાછળ પડ્યા રહે છે તેમ હાસ્યલેખકોએ નીરાશ થયા વગર હાસ્ય-લેખ લખવાનું ચાલું રાખવું જોઈએ.

વળી આ વર્ડપ્રેસની મફતીયા સુવિધાનો ભરપૂર લાભ શા માટે ન ઉઠાવવો? કોઈક છાપાં, મેગેઝીન માં તો આપણાં લેખ કોણ છાપવાનું હોય? પણ અહીંયા તો ભાઈ દલા તરવાડી ની જેમ રીંગણા લઉ બે-ચાર? લે ને ભાઈ દશ બાર. એમ હાસ્યલેખ લખું બે-ચાર? અરે ભાઈ લખ ને દશ-બાર. અહીં કોની મા એ સવા શેર સૂંઠ ખાધી છે કે ઈ આપણને ના પાડે?

આપણો દેશ તો દશાનનોનો ને આપણો માંહ્યલો તો જટાયુ છે, એટલે આપણે પરોપકારાર્થે લેખ લખવાનો પ્રયાસ તો કરીએ પણ આ દશ માથાળાં દશાનનો એમ તમને સખે શી રીતે લખવા દે? એટલે જાત જાત ના ને ભાત ભાતના વાંધા વચકા કાઢી કાઢી ને આપણાં લેખોના શબ્દે શબ્દ ઉપર અર્થોનું કેમીકલ છાંટીને આપણને હતા ન હતા કરી નાખવાનો પ્રયાસ કરે. પણ અલ્યાં પાંખો કપાઈ જાય તોયે કાઈ માંહ્યલો જટાયું છાનો માનો બેસી રહે? એ તો તેનાથી થાય એટલો આ દશાનનોનો વિરોધ કરે કરે અને કરે જ .

હાસ્ય તો ગમે ત્યાંથી મળે, અરે સહુથી વધારે હાસ્ય-લેખકો કરુણરસના સ્નાનાગારમાં જન્મ્યાં છે. મને થયું કે આ ગાડરીયા પ્રવાહમાં મારી જેવું મેશ રાશીનું ઘેંટું ક્યાંક હાસ્ય-લેખ લખવામાં બાકી ન રહી જાય એટલે થયું કે લા’વ ચાલ આજે એકાદ કહેવાતો હાસ્ય-લેખ ઘસડી જ કાઢું.

હવે તમને વાત કરું મારા જામનગરના સરકારી પોલિટેકનીકના અભ્યાસની. જામનગરમાં હું અને મારા ચોથા ધોરણથી સાથે રહેલાં અને છેક પોલિટેકનિક ના અભ્યાસ સુધી સાથ આપ્યો તેવા લંગોટીયા (કારણ કે તે લંગોટ પહેરે છે) મિત્ર કૃષ્ણસિંહ જાડેજા બંને જોડાયા. થોડા દિવસ તો બધું વાતાવરણ સમજતા થયાં. ધીમે ધીમે આ નવા વાતાવરણમાં સેટ થયાં એટલે અમારી અંદર રહેલ મસ્તીખોરો જાગી ઉઠ્યા. અમારા ૩૦ વિદ્યાર્થીઓના ક્લાસમાં ૨૭ વિદ્યાર્થીઓ અને ૩ વિદ્યાર્થીનીઓ. હવે તમે જ કલ્પના કરી લ્યો કે કેવા સંઘર્ષમય એ દિવસો હશે? આપણાં રામ તો પહેલેથી જ છોકરીઓથી દૂર ભાગે પણ મારા બધાં મિત્રો એવા નહીં હો.. પછી હું તેમને મદદરુપ થવા શક્ય એટલી કોશીશ કરુ. એક દિવસ અમે થોડાં વહેલા ગયા અને બ્લેક-બોર્ડ ઉપર થોડાંક વાકયો લખ્યાં.

હસી તે ફસી.

હસે તેનું ઘર વસે.

હસવામાં હાની શી?

હસો, ખૂબ હસો, હસી લ્યો પણ હસવા સમ નવ બનાવશો જિંદગી.

પછી છાનાં માના બેસી ગયાં. ધીમે ધીમે બધા વિદ્યાર્થીઓ (વિદ્યાર્થિનિઓ પણ) આવી ગયાં. અમે બારીકાઈથી નીરીક્ષણ કરીએ કે કોઈ હસે છે કે નહીં? વિદ્યાર્થિઓ તો બધાં હસ્યા પણ ૩ માંથી એક જ વિદ્યાર્થિની હસી. પછી તો તેનું ગોઠવાઇ પણ ગયું હતુ, બાકીની બે બાકી રહી ગયેલી.

એક વખત કેમીસ્ટ્રીના સાહેબ હાજરી પુરતાં હતા. મારી આગળનો નંબર બોલ્યા તો તે વિદ્યાર્થીએ ધીમેથી કહ્યું કે ’યસ સર’ સાહેબ ને કાઈ સંભળાયું નહીં એટલે બીજી વાર નંબર બોલ્યા.ત્રીજી વાર બોલ્યા પછી ગેર-હાજરી પુરી દે. ૩ જી વારે ભાઈ ઉભા થઈને બોલ્યા ’યસ સર’ ’યસ સર’. સાહેબ ખીજાણાં કે જોરથી બોલતા હો તો, જમીને નથી આવ્યાં? પછી મારો નંબર બોલ્યાં, એટલે મેં જોરથી કહ્યું કે “યસ સર” . મારી આજુ બાજુ વાળા હલબલી ગયાં, સાહેબ પણ ચમકી ગયાં. સાહેબ કાઈ પુછે તે પહેલાં જ કહી દીધુ સાહેબ જમીને આવ્યો છું. ચારે બાજુ હસા-હસ પણ મારી મુખમુદ્રા તો ગંભીર.

આજે હવે આટલું જ રાખીએ, ને અહીંયા તો હપ્તે હપ્તે લખવામાં યે ક્યાં વાંધો છે? બધું મ.ફ.ત. જ છે ને?

તો વધુ આવતે અંકે…

Categories: હાસ્ય | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.