મિત્રો,
અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.
નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ
કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.
તેમાં કુલ ૫૧ ફકરા છે.
આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૧૨૦ થી ૧૨૬ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું. આ સાથે દ્વિતિય નિબંધનો સાર પૂર્ણ થશે. આ નિબંધો વિસ્તારથી વાંચવા માટે પોસ્ટને અંતે આપેલ લિંક પરના સરનામા પરથી આ પુસ્તક મંગાવી શકશો.
૧૨૦. તોલમાપ હોય તેનું મૂલ્ય થાય તે સાચું છે, એટલું એ પણ સાચું છે કે જેનું તોલમાપ હોય છતાં મૂલ્ય નિરર્થક બને એવું તુચ્છ હોય. તેમ જ એ પણ એટલું સાચું છે કે જેનું તોલમાપ ન હોય છતાં મૂલ્ય સર્વાધિક મહત્વનું હોય, એ બહુમૂલ્ય હોય, અને જે મેળવનારના ત્યાગ, સત્ય, પ્રેમ, પ્રામાણિકતા વડે વ્યક્ત થાય.
૧૨૧. સ્થૂળ નાણું એકઠું કરવા માટે જીવાતું સ્વાર્થી જીવન નહીં પણ વ્યાપક ન્યાય માટે સમર્પિત જીવન મૂલ્યવાન છે.
૧૨૨. ન્યાય માટે આગ્રહ સામે નાણાંની સત્તા ચાલતી નથી. ત્યાં ધનસંપત્તિની અધિપત્ય જમાવનરી સત્તા નિષ્ફળ પુરવાર થાય છે.
૧૨૩. અપોષણ ભૂખમરાથી પીડાતા સમાજને બચાવવા માટે ધનપતિ પાસે રહેલ નાણું ધનપતિના હાથમાંથી સરી શકતું નથી, એ સંચિત નાણાંની મર્યાદા છે.
૧૨૪. માણસ પર પ્રભુત્વ બતાવવામાં નાણાંની મર્યાદા ધ્યાન પર લેતાં જણાશે કે પૈસાનો ચળકાટ એ સાચી પ્રભાવશાળી સંપત્તિ નથી. એ સંપત્તિ જો કોઈ છે તો તે સ્વયં માનવજીવન છે, જે સાચી મૂળભૂત સંપત્તિ છે.
૧૨૫. વિશાળ સંખ્યામાં માનવી ભૂખ્યાં, કંગાળ બની જાય, જેથી ધનના ઢગલા વડે તેમના પર અધિકાર ચાલે; તેવી સમૃદ્ધિ માટે મૂડીવાદે, આ અર્થશાસ્ત્રીઓએ વિચાર કર્યો.
૧૨૬. સંપત્તિનો અધિકારવાદી સ્વામિત્વનો ખ્યાલ ભૂલ છે. એ સંપત્તિના ઢગ એક જગ્યાએ બનાવે છે તે સાથે આજુબાજુના સમાજ માટે ગરીબીની ખાઈ સરજે છે. ચારિત્ર્યના ગુણ વડે સમૃદ્ધ જીવન રાષ્ટ્ર માટે સંપત્તિ છે, તે આજનું અર્થશાસ્ત્ર લક્ષ પર લેવાનું ચૂકે છે.
પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.