Posts Tagged With: અધ્યાત્મ

મદાલસા સ્તોત્ર (૧/૧૦)

ત્વમસી તાત શુદ્ધ બુદ્ધ નિરંજન ભવ માયા વર્જિત જ્ઞાતા
ભવ સ્વપ્નં ચ મોહનિંદ્રાં તજ મદાલસાહં સુત માતા || ૧ ||

મીત્રો,

ઉપરનો શ્લોક મદાલસા સ્તોત્રના દસ શ્લોકમાં નો પ્રથમ શ્લોક છે. રાણી મદાલસાને ચાર પુત્રો હોય છે. પ્રથમ ૩ ને તેની માતા ઘોડીયામાં હાલરડાં ગાતા ગાતા આત્મજ્ઞાનના પાઠ શીખવાડે છે. અને જન્મ્યાં પછી નાની ઉંમરે જ તેઓ સંન્યાસી બનીને આત્મરાજ્યમાં વિહરતાં થઈ જાય છે. રાજાની વિનંતીથી ચતુર્થ પુત્રને તે આત્મજ્ઞાનને બદલે સંસારની વિદ્યા શીખવાડે છે. અને તેને એક તાવીજ આપે છે અને કહે છે કે – ’આ તાવીજનું તું જીવની જેમ જતન કરજે અને ખરેખરી મુશ્કેલીના સમયે તે તું ખોલજે’.

ચોથાં પુત્રનું નામ અલર્ક (હડકાયો કુતરો) છે. તે રાજા બને છે. જ્યારે તેમના ત્રણે ભાઈઓએ જોયું કે આ અલર્ક હવે ખરેખર હડકાયા કુતરાની જેમ સંસારમાં ભમ્યાં કરે છે અને જો આમ ને આમ ચાલશે તો તે કમોતે મરશે. તેથી તેના હિત માટે તેઓ કાશી નરેશની સહાય લઈને એકાએક અલર્કના રાજ્ય પર હુમલો કરે છે. અલર્ક એકાએક થયેલ હુમલાનો સામનો કરી શકે તેમ નથી – કાશી નરેશનું સૈન્ય ઘણું વધારે શક્તિશાળી હતું. તેથી તે જંગલમાં ભાગી જાય છે. સઘળી સંપત્તિ અને રાજ પાટ ગુમાવી બેઠેલ અલર્ક ઘણો શોકાતુર હોય છે. અને એકા એક તેને માતા અને તેની પાસે રહેલું તાવીજ યાદ આવે છે.તાવીજ ખોલીને જુવે છે તો તેની અંદર ૧૦ શ્લોક છે. પ્રથમ શ્લોક ઉપર દર્શાવેલ છે.

માતા કહે છે હે પુત્ર :

તું શુદ્ધ છો.
બુદ્ધ છો.
માયાના અંજનથી રહિત છો.
વળી જ્ઞાન સ્વરુપ છો.
આ સંસાર એક સ્વપ્ન છે.
મોહનિંદ્રાનો ત્યાગ કર.

આ વાત હું તારી માતા મદાલસા તને કહું છું.

Categories: અધ્યાત્મ / યોગ | Tags: , | Leave a comment

શું વિજ્ઞાન કે શું અધ્યાત્મ – કાગડા બધે કાળા

મિત્રો,

ગઈકાલે આસ્થાને શાળામાં સર આઈસેક ન્યુટન વિશે એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો. તે માટે ઈન્ટરનેટમાંથી માહિતિ મેળવી રહ્યો હતો. પહેલાં તો અંગ્રેજીમાં આ માહિતિ મળી. તેના એક ફકરાનો અનુવાદ કરતાં મને ખાસ્સી પોણી કલાક થઈ – કારણ કે તેમાં આવતાં ટેકનીકલ અને વૈજ્ઞાનિક શબ્દોને સમજવા માટે પાછો બીજો એક નીબંધ હોય. ભલું થજો વિકિપીડિયાનું કે આ માહિતિ ગુજરાતીમાં મળી આવી. આ વૈજ્ઞાનિકનું જીવન અનેક શોધોથી ભરેલું છે. વળી તેમની શોધના ક્ષેત્ર અવનવા અને વ્યાપક છે. તેઓ વૈજ્ઞાનિક છે છતાં અધ્યાત્મિક છે. અધ્યાત્મના ક્ષેત્રે પણ તેમના વિચારો ઘણાં ગહન અને જાણવા – માણવા યોગ્ય છે. આ મહાન વૈજ્ઞાનિકને વૃક્ષ પરથી સફરજન નીચે પડતાં જોઈને વિચાર આવ્યો કે સફરજન આડું અવળૂં કે ઉપર ન જતાં પૃથ્વીના કેન્દ્ર તરફ જ કેમ પડે છે? અને તે વિચારના આધારે તેમણે ખુબ મહત્વનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. હવે તેમણે જે વૃક્ષ પરથી સફરજન પડતાં જોયું તે વૃક્ષ માટે લોકો વિવાદ કરે છે.


“સર આઇઝેક ન્યૂટન પોતાના બગીચામાં ફરી રહ્યાં હતાં ત્યારે તેમણે વૃક્ષ પરથી સફરજન પડતાં જોયું. તેમણે ગુરુત્વાકર્ષણ બળની વ્યવસ્થા વિશે પહેલી વખત વિચાર્યું.”

વિવિધ વૃક્ષો ન્યૂટનનું સફરજનનું વૃક્ષ હોવાનું દાવો કરવામાં આવે છે.

ધ કિંગ્સ સ્કૂલ, ગ્રાન્થામ દાવો કરે છે કે આ વૃક્ષ શાળાએ ખરીદી લીધું હતું. થોડા વર્ષ પછી તેને મૂળિયા સહિત લાવીને આચાર્યના બગીચામાં લગાવી દેવામાં આવ્યું.

વુલસ્થ્રોપ મેનરનું માલિક નેશનલ ટ્રસ્ટ છે અને તેના વર્તમાન કર્મચારીઓએ તેના પર વિવાદ ઊભો કર્યો છે. તેઓ દાવો કરે છે કે ન્યૂટનનું સફરજનનું વૃક્ષ તેમના બગીચામાં છે.

મૂળ વૃક્ષનું વંશજ ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજના મુખ્ય દરવાજાની બહાર ઊગેલું જોઈ શકાય છે. આ વૃક્ષ એ ઓરડા નીચે છે જેમાં ન્યૂટન અભ્યાસ કરતી વખતે રહેતાં હતા.


સ્ત્રોત: વિકિપીડિયા


તારણ: જેવી રીતે અધ્યાત્મમાં મહાપુરુષો શું કહે છે તે જાણવાની દરકાર લીધાં વગર અમે તેમના શિષ્યો છીએ, અમારા તે આવી રીતે સગાં થાય, અમારા ઘરે તેઓ વારંવાર આવતા, અમારી પર તેમની વિશેષ કૃપા હતી વગેરે વગેરે સંબધો જોડીને પોતે કાઈક વિશેષ છે તેવું દર્શાવવાનો પ્રયાસ થાય છે તેવી જ રીતે વિજ્ઞાનમાં પણ ન્યુટન અને ગુરુત્વાકર્ષણનો સિધ્ધાંત તો ઠીક મારા ભાઈ પણ તેમને જે વૃક્ષ પરથી પ્રેરણા મળેલી તે વૃક્ષ અમારા કબજામાં છે તેવા દાવા થાય છે !

લ્યો તમે જ કહો – શું કાગડા બધે કાળાં નથી?


Categories: ચિંતન, પ્રશ્નાર્થ | Tags: , , , , , | 2 Comments

Create a free website or blog at WordPress.com.