હું અને કવિતા

મને શું ગમે છે?

Prasannata

એક સાંજે હું અને કવિ હિંચકા પર બેસીને ચા પીતા હતા. એકાએક કવિએ પ્રશ્ન કર્યો કે અતુલ તને ખબર છે કે મને શું શું ગમે છે?

મેં પ્રશ્ન સૂચક નજરે તેની સામે જોયું.

તેણે કહ્યું એટલે કે કેવો રંગ? કેવો ડ્રેસ? કેવી વાનગી? ક્યાં ફરવા જવું? વગેરે વગેરે

મેં માથું ખંજવાળતા કહ્યું કે ના મને તો કશી ખબર નથી. પછી ધીરે રહીને કહ્યું કે મને શું ગમે છે તે તને ખબર છે?

તે કશુંક કહેવા જતી હતી ત્યાં સૌમ્યતાથી તેને અટકાવી અને કહ્યું કે “મને તું પ્રસન્ન રહે તે ગમે છે.”

મારો પ્રયાસ તારા નાના નાના ગમા અણગમાને સમજવાને બદલે તને પ્રસન્ન કેમ રાખવી તેને માટેનો વધારે હોય છે.

કશું જ બોલ્યા વગર એક બીજાના હાથમાં હાથ પરોવીને અમે શાંતિથી ચાની ચૂસકી લેવા લાગ્યાં

Categories: હું અને કવિતા | Tags: | 1 Comment

બંધન અને મુક્તિ

બંધન મને ક્યારેય પસંદ હતુ નહી અને હશે પણ નહીં.

થોડા વર્ષો પહેલાં એક દિવસ કવિતા સમસ્યાઓથી અકળાઈને ધમ પછાડા કરતી ચાલી ગઈ અને કહેતી ગઈ કે હું મારા પિયર જાઉ છું. મને ઈચ્છા થશે ત્યારે હું પાછી આવીશ.

મેં માત્ર એટલું કહ્યું કે :
સારુ.

તે જાજો વખત પિયર રહી ન શકી. તેના પપ્પા અને મોટી બહેને તેને સમજાવી અને તેનો ફોન આવ્યો કે અહીં આવ.

હું સાસરે ગયો. મને કહે હું તમારી સાથે આવું છું.

મે કહ્યું :
સારું.

પ્રારબ્ધ અનુસાર વ્યક્તિઓ આપણાં જીવનમાં આવતી હોય છે અને ચાલી જતી હોય છે.

આવ્યા ત્યારે આનંદ અને જાય ત્યારે શાંતિ.
આટલું સમજાઈ જાય તો જીવન હંમેશા આનંદ અને શાંતિ સભર બની રહે.

Categories: હું અને કવિતા | Tags: , , , | Leave a comment

સારુ લાગ્યું

કવિ
લાવ તારી હથેળીઓ.
મહેંદી મુકેલી હથેળીઓ.
એક્યુપ્રેશર.
બંને હથેળીઓના બિંદુઓ પર અંગુઠાની મદદથી હળવું સહન થાય તેટલું દબાણ આપ્યું.
એક્યુપ્રેશર પછી કવિતાએ હળવાશ અનુભવી.
ધીરેથી બોલી
સારુ લાગ્યું.


અતુલ
કેમ માથું પકડીને બેઠો છે?
શું કરું એક નસ પકડાઈ ગઈ છે.
આજે માથું ધોયું હતું? જ્યારે માથું ધો છો ત્યારે આવું થાય છે.
હા.
ચાલ હવે બેસી જા.
માથામાં તેલ ઘસી આપુ છું.
થોડા વખતમાં તેની આંગળીઓના સ્પર્શથી મોટા ભાગનો દુ:ખાવો ગાયબ.
હું ગણગણ્યો
સારુ લાગ્યું.


Categories: હું અને કવિતા | Tags: | Leave a comment

હું અને કવિતા

ગઈ કાલે સુરતથી કવિતાનો ફોન આવ્યો – શું મારી ગેરહાજરી તમને સાલતી નથી?

મારી અને બાળકો વગર બા સાથે એકલા ગમે છે?

તેને કહ્યું કે ગેરહાજરી તો સાલે – આ તો રવિવાર સુધીની જ વાત છે ને – સોમવારે તો તું આવી જઈશ.

મનમાં કહ્યું તને શું ખબર – બંધ આંખે ય તું હંમેશા મારા હ્રદયમાં ધડકતી હો છો – તારી ગેરહાજરી મને કેવી રીતે સાલે?

તને હું ક્યાં શોધું?

શું કામ શોધું?

દૂર હોય તેની શોધ થાય – મારા અસ્તિત્વનો એક અંશ બની ચૂકી હોય તેના વિશે સંશોધન કોણ કરે?

Categories: હું અને કવિતા | Tags: , | 7 Comments

Create a free website or blog at WordPress.com.