મિત્રો,
ઈ.સ.૨૦૧૬નું હર્ષ અને ઉલ્હાસભેર સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું.
ગયા વર્ષે આપણે સદાચાર સ્તોત્રના ૧૫મા શ્લોક પર વિચાર કરવાનો પ્રયાસ કરેલો. આ વર્ષે સદાચાર સ્તોત્રના ૧૬મા શ્લોક પર વિચાર વિમર્શ આગળ ધપાવીએ.
સદાચાર સ્તોત્ર (૧૬)
હવે સંન્યાસનું તથા ત્યાગનું સ્વરૂપ કહે છે:
હઠાભ્યાસો હિ સંન્યાસો નૈવ કાષાયવાસસા |
નાહં દેહોSહમાત્મેતિ નિશ્ચયો ન્યાસલક્ષણમ || ૧૬ ||
શ્લોકાર્થ: હઠાભ્યાસ જ સંન્યાસ છે, ભગવાં વસ્ત્ર વડે નહિ જ. હું દેહ નથી, હું આત્મા છું, એવો નિશ્ચય તે ત્યાગનું લક્ષણ છે.
ટીકા: ઊર્ધ્વગતિ વાળા પ્રાણને તથા અધોગતિવાળા અપાનને પ્રાણાયમ વડે એકત્ર કરવાનો અભ્યાસ કરવો, ને દૃશ્યમાં રહેલો રાગ ત્યજવો, તે જ વાસ્તવિક સંન્યાસ છે, અંત:કરણની યોગ્યતા વિના માત્ર ભગવાં વસ્ત્રો ધારણ કરી લેવાં તે વડે વાસ્તવિક સંન્યાસ થતો નથી જ. હું આ સ્થૂલ શરીર નથી, પણ બ્રહ્મથી અભિન્ન આત્મા છું, આવો નિશ્ચય કરી દૃશ્યને મનમાંથી કાઢી નાંખવું તે ત્યાગનું સ્વરૂપ છે.