સત્યના પ્રયોગો

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
પૂર્ણાહુતિ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


પણ હવે આ પ્રકરણો બંધ કરવાનો સમય આવી પહોંચ્યો છે.

હવેનું મારું જીવન એટલું બધું જાહેર થયું કે કશું પ્રજા નથી જાણતી એવું ભાગ્યે જ હોય.

વાંચનારની રજા લેતાં મને આઘાત પહોંચે છે. મારા પ્રયોગોની મારી પાસે બહુ કિંમત છે. તેમને હું યથાર્થ વર્ણવી શક્યો છું કે નહીં એ હું નથી જાણતો. યથાર્થ વર્ણવવામાં મેં કચાશ નથી રાખી. સત્યને મેં જેવું જોયું છે, જે માર્ગે જોયું છે તે બતાવવાનો મેં સતત પ્રયત્ન કર્યો છે, ને વાંચનારને તે વર્ણનો આપતાં ચિત્તશાંતિ ભોગવી છે. કેમ કે વાંચનારને સત્ય અને અહિંસાને વિષે વધારે આસ્થા બેસે એવી મેં આશા રાખી છે.

સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક માર્ગ છે, એમ આ પ્રકરણોને પાને પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજું છું. પ્રયત્ન વ્યર્થ હો, પણ વચન વ્યર્થ નથી. મારી અહિંસા સાચી તોયે કાચી છે, અપૂર્ણ છે. તેથી મારી સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તોપણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ ન મળી શકે એવા સૂરજના એક કિરણમાત્રના દર્શનરૂપ જ છે. એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે, એટલું તો હું મારા આજ લગીના પ્રયોગોને અંતે અવશ્ય કહી શકું છું.

આવા વ્યાપક સત્યનારાયણનાં પ્રત્યક્ષ દર્શનને સારુ જીવમાત્રની પ્રત્યે આત્મવત્‌ પ્રેમની પરમ આવશ્યકતા છે. અને તે કરવાને ઇચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતો. તેથી જ સત્યની મારી પૂજા મને રાજ્યપ્રકરણમાં ખેંચી ગઈ છે. ધર્મને રાજ્યપ્રકરણની સાથે સંબંધ નથી એમ કહેનાર ધર્મને જાણતો નથી એમ કહેતાં મને સંકોચ નથી થતો, એમ કહેવામાં હું અવિનય નથી કરતો.

આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુદ્ધિ વિના અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. અશુદ્ધાત્મા પરમાત્માનાં દર્શન કરવા અસમર્થ છે, એટલે જીવનમાર્ગનાં બધાં ક્ષેત્રોમાં શુદ્ધિની આવશ્યકતા છે. એ શુદ્ધિ સાધ્ય છે, કેમ કે વ્યક્તિ અને સમષ્ટિની વચ્ચે એવો નિકટ સંબંધ છે કે એકની શુદ્ધિ અનેકની શુદ્ધિ બરાબર થઈ પડે છે. અને વ્યક્તિગત પ્રયત્ન કરવાની શક્તિ સત્યનારાયણે સહુને જન્મથી જ આપી છે.

પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે એમ હું તો પ્રતિક્ષણ અનુભવું છું. શુદ્ધ થવું એટલે મનથી, વચનથી અને કાયાથી નિર્વિકાર થવું, રાગદ્વેષાદિરહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતા છતાં હું પહોંચ્યો નથી, તેથી લોકની સ્તુતિ મને ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણી વેળા ડંખે છે. મનના વિકારોને જીતવા જગતને શસ્ત્રયુદ્ધથી જીતવા કરતાંયે મને કઠિન લાગે છે. હિંદુસ્તાનમાં આવ્યા પછી પણ હું મારામાં સંતાઈ રહેલા વિકારોને જોઈ શક્યો છું, શરમાયો છું, પણ હાર્યો નથી. સત્યના પ્રયોગો કરતાં મેં રસ લૂંટ્યો છે, આજે લૂંટી રહ્યો છું. પણ હું જાણું છું કે મારે હજુ વિકટ માર્ગ કાપવાનો છે. તેને સારુ મારે શૂન્યવત્‌ બનવાનું છે. મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સહુથી છેલ્લો ન મૂકે ત્યાં લગી તેની મુક્તિ નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. અને એ નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એ અનુભવસિદ્ધ વાત છે. એ નમ્રતાની પ્રાર્થના કરતો, તેમાં જગતની મદદ યાચતો અત્યારે તો આ પ્રકરણોને બંધ કરું છું.

(પૂર્ણ)


Farewell


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૪૩. નાગપુરમાં

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મહાસભાની ખાસ બેઠકમાં થયેલ અસહકારના ઠરાવને નાગપુરમાં ભરાયેલી વાર્ષિક બેઠકે બહાલ રાખવાનો હતો.

આ જ બેઠકમાં મહાસભાના બંધારણનો ઠરાવ પસાર કરવાનો હતો. એ બંધારણ મેં ખાસ બેઠકમાં રજૂ તો કર્યું જ હતું. તેથી તે પ્રગટ થઈ ચર્ચાઈ ગયું હતું. શ્રી વિજયરાઘવાચાર્ય આ બેઠકના પ્રમુખ હતા. બંધારણમાં વિષયવિચારિણી સભાએ એક જ મહત્ત્વનો ફેરફાર કર્યો. મેં તો પ્રતિનિધિઓની સંખ્યા ૧,૫૦૦ કલ્પી હતી, તેને બદલે વિષયવિચારિણી સભાએ ૬,૦૦૦ કરી. મારી માન્યતા પ્રમાણે આ વગરવિચાર્યું પગલું હતું. આટલાં વર્ષના અનુભવે પણ મને એ જ લાગે છે. ઘણા પ્રતિનિધિઓથી વધારે સારું કાર્ય થાય અથવા પ્રજાતત્ત્વ વધારે સચવાય એ કલ્પના હું છેક ભૂલભરેલી માનું છું. પંદરસો પ્રતિનિધિઓ જો ઉદાર મનના, પ્રજાહકરક્ષક ને પ્રામાણિક હોય તો છ હજાર આપખુદ પ્રતિનિધિઓ કરતાં પ્રજાતત્ત્વની વધારે સારી રક્ષા કરે. પ્રજાતત્ત્વ સાચવવાને સારુ પ્રજામાં સ્વતંત્રતાની, સ્વમાનની અને ઐક્યની ભાવના અને સારા ને સાચા જ પ્રતિનિધિઓને પસંદ કરવાનો આગ્રહ હોવો જોઈએ.

મહાસભામાં સ્વરાજના ધ્યેય ઉપર ચર્ચા થઈ હતી. બંધારણની કલમમાં સામ્રાજ્યમાં અથવા તેની બહાર જેમ મળે તેમ સ્વરાજ મેળવવાનું હતું. સામ્રાજ્યમાં રહીને જ સ્વરાજ મેળવવું એવો પક્ષ પણ મહાસભામાં હતો. તે પક્ષનું સમર્થન પંડિત માલવીયાજી તથા મિ. ઝીણાએ કર્યું, પણ તેમને ઘણા મત ન મળી શક્યા. શાંતિ ને સત્યરૂપ સાધનો દ્વારા જ સ્વરાજ મેળવવું એ બંધારણની કલમ હતી. તે શરતનો પણ વિરોધ થયો હતો. મહાસભાએ તેનો અસ્વીકાર કર્યો ને આખું બંધારણ મહાસભામાં સુંદર ચર્ચા થયા પછી પસાર થયું. મારો અભિપ્રાય છે કે આ બંધારણનો અમલ પ્રામાણિકપણે ને હોંશથી લોકોએ કર્યો હોત તો તેથી પ્રજા ભારે કેળવણી પામત ને તેના અમલમાં સ્વરાજ મળવાપણું હતું પણ એ વિષય અહીં પ્રસ્તુત નથી.

આ જ સભામાં હિંદુમુસ્લિમ ઐક્ય વિશે, અંત્યજ વિશે ને ખાદી વિશે પણ ઠરાવો થયા. અને ત્યારથી અસ્પૃશ્યતા દૂર કરવાનો ભાર મહાસભાના હિંદુ સભ્યોએ ઉપાડ્યો છે, ને ખાદી વડે મહાસભાએ પોતાનું અનુસંધાન હિંદુસ્તાનના હાડપિંજરની સાથે કર્યું છે. ખિલાફતના સવાલને અંગે અસહકાર એ જ હિંદુમુસ્લિમ ઐક્ય સાધવાનો મહાસભાનો મહાન પ્રયાસ હતો.


At Nagpur


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૪૨. અસહકારનો પ્રવાહ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ખાદીની પ્રગતિ હવે પછી કેમ થઈ એનું વર્ણન આ પ્રકરણોમાં ન આપી શકાય.

એટલે હવે અસહકારને વિશે થોડું કહેવાનો સમય આવ્યો ગણાય.

ત્યારબાદ ગુજરાતમાં પરિષદ થઈ તેમાં હું અસહકારનો ઠરાવ લાવ્યો. તેમાં વિરોધ કરનારની પ્રથમ એ દલીલ હતી કે જ્યાં લગી મહાસભા અસહકારનો ઠરાવ ન કરે ત્યાં લગી પ્રાંતિક પરિષદોને ઠરાવ કરવાનો અધિકાર નહોતો. મેં સૂચવ્યું કે પ્રાંતિક પરિષદો પાછું પગલું ન હઠી શકે. આગળ પગલાં ભરવાનો બધી પેટા સંસ્થાઓને અધિકાર છે, એટલું જ નહીં પણ તેમને હિંમત હોય તો તેમનો ધર્મ છે. તેમાં મુખ્ય સંસ્થાનું ભૂષણ વધે છે. ગુણદોષ ઉપર પણ સારી ને મીઠી ચર્ચા થઈ. મતો ગણાયા, ને મોટી બહુમતીથી અસહકારનો ઠરાવ પસાર થયો. આ ઠરાવ પસાર કરવામાં અબ્બાસ તૈયબજી તથા વલ્લભભાઈનો મોટો ફાળો હતો. અબ્બાસ સાહેબ પ્રમુખ હતા અને તેમનું વલણ અસહકારના ઠરાવ તરફ જ ઢળતું હતું.

મહાસમિતિએ આ પ્રશ્નનો વિચાર કરવા મહાસભાની ખાસ બેઠક કલકત્તામાં ૧૯૨૦ના સપ્ટેમ્બર માસમાં ભરવાનો વિચાર કર્યો.

મૌલાના શૌકતાલીની માગણીથી મેં અસહકારના ઠરાવનો મુસદ્દો રેલગાડીમાં તૈયાર કર્યો.

આમ હજુ ગુજરાતીમાં, હિંદીમાં, હિંદુસ્તાનીમાં અસહકારની ભાષા મારા મગજમાં ઘડાઈ રહી હતી તેવામાં મહાસભાને સારુ ઠરાવ ઘડવાનું ઉપર પ્રમાણે મારે હાથે આવ્યું. તેમાંથી ‘શાંતિમય’ શબ્દ રહી ગયો. મેં ઠરાવ ઘડીને ટ્રેનમાં જ મૌલાના શૌકતાલીને આપી દીધો. મને રાતના સૂઝ્યું કે મુખ્ય શબ્દ ‘શાંતિમય’ તો રહી ગયો છે. મેં મહાદેવને દોડાવ્યા અને કહેવડાવ્યું કે ‘શાંતિમય’ શબ્દ છાપવામાં ઉમેરે.

મારી સ્થિતિ દયાજનક હતી. કોણ સામે થશે ને કોણ ઠરાવ પસંદ કરશે એની મને ખબર નહોતી.

મારા ઠરાવમાં ખિલાફત અને પંજાબના અન્યાય પૂરતી જ અસહકારની વાત હતી. શ્રી વિજયરાઘવાચાર્યને એમાં રસ ન આવ્યો, એ કહે: ‘જો અસહકાર કરવો તો અમુક અન્યાયને સારુ જ શો? સ્વરાજ્યનો અભાવ એ મોટામાં મોટો અન્યાય છે, ને તેને સારુ અસહકાર થાય.’ મોતીલાલજીને પણ એ દાખલ કરવું હતું. મેં તરત જ સૂચનાનો સ્વીકાર કર્યો, ને સ્વરાજ્યની માગણી પણ ઠરાવમાં દાખલ કરી. વિસ્તારપૂર્વક ગંભીર ને કંઈક તીખી ચર્ચાઓ પછી અસહકારનો ઠરાવ પસાર થયો.

મોતીલાલજી તેમાં પ્રથમ જોડાયા. મારી સાથેની તેમની મીઠી ચર્ચા મને હજુ યાદ છે. કંઈક શબ્દફેરની તેમણે સૂચના કરેલી તે મેં સ્વીકારી. દેશબંધુને મનાવવાનું બીડું તેમણે ઝડપ્યું હતું. દેશબંધુનું હ્રદય અસહકાર તરફ હતું, પણ તેમની બુદ્ધિ એમ સૂચવતી હતી કે અસહકારને પ્રજા નહીં ઝીલે. દેશબંધુ અને લાલાજી અસહકારમાં પૂરા તો નાગપુરમાં આવ્યા. આ ખાસ બેઠક વેળા મને લોકમાન્યની ગેરહાજરી બહુ દ્:ખદાયક થઈ પડી હતી. મારો અભિપ્રાય આજ લગી એવો છે કે તેઓ જીવતા હોત તો કલકત્તાના પ્રસંગને વધાવી લેત. પણ તેમ ન થાત ને તેઓ વિરોધ કરત તોયે તે મને ગમત. હું એમાંથી શીખત. તેમની સાથે મારે મતભેદો હમેશાં રહેતી, પણ તે બધા મીઠા હતા. અમારી વચ્ચે નિકટ સંબંધ હતો એમ મને તેમણે હમેશાં માનવા દીધું હતું. આ લખતી વેળા જ તેમના અવસાનનો ટેલિફોન મારા સાથી પટવર્ધને કર્યો હતો. તે જ વખતે મેં સાથીઓની પાસે ઉદ્ગાર કાઢેલા: ‘મારી પાસે ભારે ઓથ હતી તે તૂટી પડી.’


Its Rising Tide


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૪૧. એક સંવાદ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


જે વેળાએ સ્વદેશીને નામે ઓળખાતી આ પ્રવૃત્તિ ચાલવા માંડી, ત્યારે મિલમાલિકો તરફથી મને ઠીક ઠીક ટીકા મળવા લાગી. ભાઈ ઉમર સોબાની પોતે બાહોશ મિલમાલિક હોવાથી તે પોતાના જ્ઞાનનો ઉપયોગ મને આપતા જ હતા, પણ બીજાઓના અભિપ્રાયની ખબર પણ મને આપતા રહેતા હતા. તેમનામાંના એકની દલીલની અસર તેમની ઉપર પણ પડી, અને મને તેમની પાસે લઈ જવાની તેમને સૂચના કરી. મેં તે વધાવી લીધી. અમે તેમની પાસે ગયા. તેમણે આરંભ કર્યો

‘તમારી સ્વદેશી ચળવળ પહેલી જ નથી એ તો તમે જાણો છો ના?’

મેં જવાબ આપ્યો ‘હા, જી.’

‘તમે જાણો છો કે, બંગાળના ભાગલા વખતે સ્વદેશી ચળવળે ખૂબ જોર પકડ્યું હતું તેનો અમે મિલોએ ખૂબ લાભ ઉઠાવ્યો, ને કાપડનાં દામ વધાર્યા ? કેટલુંક ન કરવાનું પણ કર્યું ?’

‘મેં એ વાત સાંભળી છે, ને સાંભળીને દિલગીર થયો છું.’

‘તમારી દિલગીરી હું સમજુ છું. પણ તેને સારુ કારણ નથી. અમે કંઈ પરોપકાર કરવાને સારુ અમારો વેપાર નથી કરતા. અમારે તો રળવું છે.

‘એ બિચારાં મારા જેવા વિશ્વાસુ એટલે તેમણે માની લીધું કે, મિલમાલિકો છેક સ્વાર્થી નહીં બને, દગો તો નહીં જ દે, સ્વદેશીને નામે પરદેશી કાપડ તો નહીં જ વેચે.’

‘આમ તમે માનો છો એમ હું જાણતો હતો, તેથી જ મેં તમને ચેતવવા ધાર્યું ને અહીં આવવાની તસ્દી આપી, કે જેથી તમે પણ ભોળા બંગાળીની જેમ ભૂલમાં ન રહો.’ તેથી મારી સલાહ તો તમને એ છે કે, તમે જે રીતે ચલાવો છો તે રીતે તમારી સ્વદેશી ચળવળ ન ચલાવો, ને નવી મિલો કાઢવા તરફ ધ્યાન આપો. આપણે ત્યાં સ્વદેશી માલ ખપાવવાની ચળવળની જરૂર નથી, પણ ઉત્પન્ન કરવાની છે.’

‘ત્યારે હું એ જ કામ કરતો હોઉં તો તો તમે આશીર્વાદ આપો ના ?’ હું બોલ્યો.

‘એ કેવી રીતે ? તમે જો મિલ ખોલવાનો પ્રયત્ન કરતા હો તો તમને ધન્યવાદ ઘટે છે.’

‘એ તો હું નથી કરતો. પણ હું તો રેંટિયાપ્રવૃત્તિમાં રોકયો છું.’

‘એ શું ?’

મેં રેંટિયાની વાત કહી સંભળાવી ને ઉમેર્યું

‘તમારા વિચારને હું મળતો આવું છું. મારે મિલોની એજન્સી ન કરવી જોઈએ. તેથી ફાયદાને બદલે નુકસાન જ છે. મિલોનો માલ કાંઈ પડ્યો નથી રહેતો. મારે તો ઉત્પન્ન કરવામાં ને જે કાપડ ઉત્પન્ન થાય તે ખપાવવામાં રોકાવું જોઈએ. અત્યારે તો હું ઉત્પન્નમાં જ રોકાયો છું. આ પ્રકારના સ્વદેશીમાં હું માનું છું કેમ કે તે વાટે હિંદુસ્તાનનાં ભૂખે મરતાં, અરધા ધંધા વિનાનાં બૈરાંને કામ આપી શકાય. તેઓ કાંતે તે સૂતર વણાવવું ને તે ખાદી લોકોને પહેરાવવી એ મારી વૃત્તિ છે ને એ ચળવળ છે.

‘જો એ રીતે તમે ચળવળ ચલાવતા હો તો મારે કંઈ કહેવાનું નથી. આ યુગમાં રેંટિયો ચાલે કે નહીં એ જુદી વાત છે. હું તો તમને સફળતા જ ઇચ્છુ છું.’


An Instructive Dialogue


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૪૦. મળ્યો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ગુજરાતમાં સારી પેઠે ભટક્યા પછી ગાયકવાડના વિજાપુરમાં ગંગાબહેનને રેંટિયો મળ્યો. ઘણાં કુટુંબોની પાસે રેંટિયો હતો તે તેમણે મેડે ચડાવી મેલ્યો હતો. પણ જો તેમનું સૂતર કોઈ લે તો તેમને પૂણી પૂરી પાડવામાં આવે તો તેઓ કાંતવા તૈયાર હતાં.

ભાઈ ઉમર સોબાનીની ઉદારતા બહોળી હતી, છતાં તેને હદ હતી. પૂણીઓ વેચાતી લેવાનો નિશ્ચય કરતાં મને સંકોચ થયો. વળી મિલની પૂણીઓ લઈ કંતાવવામાં મને બહુ દોષ લાગ્યો. જો મિલની પૂણીઓ લઈએ તો સૂતરનો શો દોષ ? પૂર્વજોની પાસે મિલની પૂણીઓ ક્યાં હતી ? એ કઈ રીતે પૂણીઓ તૈયાર કરતા હશે ? પૂણીઓ બનાવનારને શોધવાનું મેં ગંગાબહેનને સૂચવ્યું. તેમણે તે કામ માથે લીધું. પીંજારાને શોધી કાઢ્યો.

બીજી તરફથી આશ્રમમાં હવે રેંટિયો દાખલ થતાં વાર ન લાગી. મગનલાલ ગાંધીની શોધક શક્તિએ રેંટિયામાં સુધારા કર્યા, ને રેંટિયા તથા ત્રાકો આશ્રમમાં બન્યાં.

મુંબઈમાં હું પથારીવશ હતો. પણ સૌને પૂછ્યા કરતો. ત્યાં કાંતનારી બહેનો હાથ લાગી. શ્રી શંકરલાલ બૅંકરનાં માતુશ્રી અને શ્રી વસુમતીબહેનને કાંતવાનું શીખવ્યું, ને મારી ઓરડીમાં રેંટિયો ગુંજ્યો. એ યંત્રે મને માંદાને સાજો કરવામાં ફાળો ભર્યો એમ કહું તો અતિશયોક્તિ નથી. આ માનસિક સ્થિતિ છે એ ખરું. પણ મનનો હિસ્સો મનુષ્યને સાજોમાંદો કરવામાં ક્યાં ઓછો છે ?

ભાઈ શિવજીએ મુંબઈમાં રેંટિયાવર્ગ કાઢ્યો. આ પ્રયોગોમાં દ્રવ્યનું ખર્ચ ઠીક થયું. શ્રદ્ધાળુ દેશભક્તોએ પૈસો આપ્યો ને મેં ખરચ્યો. એ ખરચ વ્યર્થ નથી ગયું એવો મારો નમ્ર અભિપ્રાય છે. તેમાંથી ઘણું શીખવાનું મળ્યું. મર્યાદાનું માપ મળ્યું.

હવે હું કેવળ ખાદીમય થવા અધીરો થયો. મારું ધોતિયું દેશી મિલના કાપડનું હતું. જે ખાદી વિજાપુરમાં ને આશ્રમમાં થતી હતી તે બહુ જાડી અને ૩૦ ઇંચ પનાની થતી હતી. મેં ગંગાબહેનને ચેતવણી આપી કે, જો ૪૫ ઇંચ પનાનું ખાદીનું ધોતિયું એક માસની અંદર પૂરું ન પાડે, તો મારે જાડી ખાદીનું અડધિયું પહેરી નિભાવ કરવો પડશે. આ બહેન અકળાયાં, મુદ્દત ઓછી લાગી, પણ હાર્યા નહીં. તેમણે મહિનાની અંદર મને પચાસ ઇંચનો ધોતીજોટો પૂરો પાડ્યો ને મારું દારિદ્ર ફિટાડ્યું.

એ જ અરસામાં ભાઈ લક્ષ્મીદાસ લાઠીથી અંત્યજ ભાઈ રામજી અને તેમનાં પત્ની ગંગાબહેનને આશ્રમમાં લાવ્યા, ને તેમની મારફતે મોટા પનાની ખાદી વણાવી. ખાદીપ્રચારમાં આ દંપતીનો હિસ્સો જેવોતેવો ન કહેવાય. તેમણે ગુજરાત અને ગુજરાતની બહાર હાથસૂતર વણવાનો કસબ બીજાઓને શીખવ્યો છે. આ નિરક્ષર પણ સંસ્કારી બહેન જ્યારે સાળ ચલાવે છે ત્યારે તેમાં એટલાં લીન થાય છે કે, આમતેમ જોવાની કે કોઈની સાથે વાત કરવાની ફુરસદ પોતાને સારુ રાખતાં નથી.


Found At Last !


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૩૯. ખાદીનો જન્મ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


સન ૧૯૦૮ સુધીમાં રેંટિયો કે સાળ મેં જોયાં હોય એવું મને સ્મરણ નથી. છતાં ‘હિંદ સ્વરાજ’માં રેંટિયાની મારફતે હિંન્દુસ્તાનની કંગાલિયત મટે એમ મેં માન્યું. ને જે રસ્તે ભૂખમરો ભાગે તે રસ્તે સ્વરાજ મળે એ તો સહુ સમજી શકે એવી વાત ગણાય.

અમારે તો અમારાં કપડાં તૈયાર કરીને પહેરવાં હતા. તેથી મિલનાં કપડા પહેરવાનું હવે બંધ કર્યું, ને હાથસાળમાં દેશી મિલના સૂતરમાંથી વણાયેલું કાપડ પહેરવાનો આશ્રમવાસીઓએ ઠરાવ કર્યો. આમ કરવામાં અમને ઘણું શીખવાનું મળ્યું.

હાથે ન કાંતીએ ત્યાં લગી અમારી પરાધીનતા રહેવાની એમ જોયું. મિલોના એજંટ બનવાથી અમે દેશસેવા કરીએ છીએ એમ ન લાગ્યું. પણ ન મળે રેંટિયો ને ન મળે રેંટિયો ચલાવનાર.

ભરુચ કેળવણી પરિષદમાં મને ગુજરાતી ભાઈઓ સન ૧૯૧૭ની સાલમાં ઘસડી ગયા હતા.ત્યાં મહાસાહસી વિધવા બહેન ગંગાબાઈ હાથ લાગ્યાં. તેમનું ભણતર બહુ નહોતું,પણ તમનામાં હિંમત ને સમજણ ભણેલી બહેનોમાં સામાન્ય રીતે હોય છે તેના કરતાં વિશેષ હતાં. તેમણે પોતાના જીવનમાંથી અસ્પૂશ્યતાની જડ કાઢી નાખી હતી, ને તે બેધડક રીતે અંત્યજોમાં ભળતાં ને તેમની સેવા કરતાં. તેમની પાસે દ્રવ્ય હતું, પણ પોતાની હાજતો ઓછી જ હતી.શરીર કસાયેલું હતું, ને ગમે ત્યાં એકલાં જતાં મુદ્લ સંકોચ પામે તેવાં નહોતાં. ઘોડાની સવારી કરવાને પણ તે તૈયાર રહેતાં. આ બહેનનો વિશેષ પરિચય ગોધરાની પરિષદમાં કર્યો. મારું દુ:ખ મેં તેમની પાસે મૂક્યું, ને દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ રેંટિયાની શોધમાં ભમવાનું પણ લઈ મારો ભાર તેમણે હળવો કર્યો.


The Birth Of Khadi


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૩૮. મહાસભામાં પ્રવેશ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મહાસભામાં મારે ભાગ લેવો પડ્યો એને હું મારો મહાસભામાં પ્રવેશ નથી માનતો. તેના પહેલાંની મહાસભાની બેઠકોમાં હું ગયો તે માત્ર વફાદારીની નિશાની દાખલ. નાનામાં નાના સિપાહીના કામ સિવાય મારું ત્યાં બીજું કંઈ કાર્ય હોય એવો બીજી આગલી સભાઓને વિષે મને આભાસ નથી આવ્યો, નથી ઈચ્છા થઈ.

અમૃતસરના અનુભવે બતાવ્યું કે, મારી એક શક્તિનો ઉપયોગ મહાસભાને છે. પંજાબ સમિતિના કામથી લોકમાન્ય, માલવીયાજી, મોતીલાલજી, દેશબંધુ વગેરે રાજી થયા હતા એ હું જોઈ શક્યો હતો. તેથી મને તેમણે પોતાની બેઠકો ને મસલતોમાં બોલાવ્યો. એટલું તો મેં જોયું હતું કે, વિષયવિચારિણી સમિતિનું ખરું કામ એવી બેઠકોમાં થતું હતું. અને એવી મસલતોમાં નેતાઓ જેમની ઉપર ખાસ વિશ્વાસ કે આધાર રાખતા હોય તેઓ હતા ને બીજા ગમે તે નિમિત્તે ઘૂસી જનારા.

આગામી વર્ષને સારુ કરવાનાં બે કામોમાં મને રસ હતો, કેમ કે તેમાં મારી ચાંચ બૂડતી હતી.


જલિયાંવાલા બાગની કતલમાં થયેલ શહિદોનું નું સ્મારક



એક હતું જલિયાંવાલા બાગની કતલનું સ્મારક.

મારી બીજી શક્તિ લહિયાનું કામ કરવાની હતી, જેનો ઉપયોગ મહાસભા લઈ શકે તેમ હતું. લાંબી મુદતના અભ્યાસથી, ક્યાં શું અને કેટલા ઓછા શબ્દોમાં અવિનયરહિત ભાષામાં લખવું એ હું જાણતો હતો, એમ નેતાઓ સમજી ગયા હતા. મહાસભાને સારુ તે વેળા જે બંધારણ હતું તે ગોખલેએ મૂકેલી પૂંજી હતી. તેમણે કેટલાક ધારા ઘડી કાઢ્યા હતા. તેમને આધારે મહાસભાનું કામ ચાલતું હતું. તે ધારા કેમ ઘડાયા તેનો મધુર ઇતિહાસ મેં તેમને જ મોઢેથી જાણ્યો હતો. પણ હવે મહાસભા તેટલા જ ધારાથી ચલાવાય નહીં એમ સૌને જણાતું હતું. જનતા ઉપર બે નેતાઓનો કાબૂ હું જોઈ રહ્યો હતો. તેથી મેં મારી જોડે તેમના પ્રતિનિધિઓની માગણી કરી. તે પોતે નિરાંતે બેસી બંધારણ ઘડવાનું કામ ન કરી શકે એમ હું સમજતો હતો. તેથી લોકમાન્યની પાસેથી ને દેશબંધુની પાસેથી તેમના વિશ્વાસનાં બે નામો માગ્યાં. આ ઉપરાંત બીજો કોઈ પણ બંધારણ સમિતિમાં ન જોઈએ એમ મેં સૂચવ્યું. એ સૂચના કબૂલ રહી. લોકમાન્યે શ્રી કેળકરનું અને દેશબંધુએ શ્રી આઈ.બી. સેનનું એમ નામ આપ્યાં. આ બંધારણ સમિતિ સાથે મળીને એક દિવસ પણ ન બેઠી, છતાં અમે અમારું કામ એકમતે ઉકેલ્યું. પત્રવ્યવહારથી અમારું કામ ચલાવી લીધું. એ બંધારણને વિષે મને કંઈક અભિમાન છે. હું માનું છું કે, એને અનુસરીને કામ લઈ શકાય તો આજે આપણો બેડો પાર થાય. એ તો થાય ત્યારે ખરો. પણ એ જવાબદારી લઈને મેં મહાસભામાં ખરો પ્રવેશ કર્યો એવી મારી માન્યતા છે.


Congress Initiation


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૩૭. અમૃતસરની મહાસભા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


સુવર્ણમંદિર – અમૃતસર


લશ્કરી કાયદાના અમલમાં જે સેંકડો નિર્દોષ પંજાબીઓને નામની અદાલતોએ નામના પુરાવા લઈ નાનીમોટી મુદ્દતની જેલમાં ગોંધી દીધા હતા, તેમને પંજાબની સરકાર સંઘરી ન શકી. આ હડહડતા ગેરઈન્સાફની સામે એટલો બધો પોકાર ચોમેર ચાલ્યો હતો કે, સરકાર આ કેદીઓને જેલમાં વધારે મુદ્દત સંઘરી શકે એમ ન રહ્યું. એટલે અમૃતસરની મહાસભા ભરાય તે પહેલાં ઘણાં કેદીઓ છૂટી ગયા. લાલા હરકિસનલાલ વગેરે આગેવાનો બધા છૂટી ગયા. અને મહાસભા ચાલતી હતી તે દરમ્યાન અલીભાઈઓ પણ છૂટીને આવ્યા. એટલે લોકોના હર્ષનો પાર જ ન રહ્યો. પંડિત મોતીલાલ નેહરુ, જેમણે પોતાનો ધંધો કોરે મૂકીને પંજાબમાં જ થાણું કર્યું હતું, તે મહાસભાના પ્રમુખ હતા. સ્વામી શ્રદ્ધાનંદજી સ્વાગત મંડળના સભાપતિ હતા.

આજ લગી મહાસભામાં મારો ભાગ હિંદીમાં મારું નાનું સરખું ભાષણ કરી, હિંદીને સારુ વકીલાત કરવા પૂરતો ને સંસ્થાનવાસી હિંદીઓનો કેસ રજૂ કરવા પૂરતો હતો. અમૃતસરમાં મારે આથી વિશેષ કંઈક કરવું પડશે એવું મેં નહોતું ધાર્યું. પણ જેમ મારે વિષે પૂર્વે બન્યું છે તેમ જવાબદારી એકાએક આવી પડી.

બાદશાહનું નવા સુધારા વિષેનું ફરમાન પ્રગટ થયું હતું. તે મને પૂર્ણ સંતોષ આપે એવું તો નહોતું જ, બીજા કોઈને તો નહોતું જ ગમ્યું પણ સદરહુ ફરમાનમાં સૂચવેલા સુધારા ખામીભર્યા છતાં તે સ્વીકારી શકાય એવા છે, એમ મેં તે વેળા માન્યું.

આ સ્થિતિમાં માલવીયજીની જોડે રોજ સંવાદ થાય, તે મને બધાનો પક્ષ મોટો ભાઈ નાના ભાઈને સમજાવે તેમ પ્રેમપૂર્વક સમજાવે. મેં મારો ધર્મ સુધારા વિષેના ઠરાવમાં ભાગ લેવાનો ભાળ્યો. પંજાબના મહાસભાના રિપોર્ટની જવાબદારીમાં મારો ભાગ હતો. પંજાબને વિષે સરકાર પાસેથી કામ લેવાનું હતું; ખિલાફતનું તો હતું જ. મૉંટેગ્યુ હિંદને દગો નહીં દેવા દે એમ પણ મેં માન્યું હતું. કેદીઓના અને તેમાં ય અલીભાઈઓના છુટકારાને મેં શુભ ચિહ્ન માન્યું હતું. એટલે મને લાગ્યું કે, ઠરાવ સુધારા કબૂલ રાખવાનો હોવો જોઈએ. ચિત્તરંજન દાસનો દ્રઢ અભિપ્રાય હતો કે, સુધારાને છેક અસંતોષકરક ને અધૂરા ગણી તેમને અવગણી નાખવા જોઈએ. લોકમાન્ય કંઈક તટસ્થ હતા, પણ દેશબંધૂ જે ઠરાવ પસંદ કરે તેની તરફ પોતાનું વજન મૂકવાનો તેમણે નિશ્ચય કર્યો હતો.

આવી રીઢા થયેલા, કસાયેલા સર્વમાન્ય લોકનાયકોથી મારો મતભેદ મને પોતાને અસહ્ય લાગ્યો. બીજી તરફથી મારો અંતર્નાદ સ્પષ્ટ હતો. મેં મહાસભાની બેઠકમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. પંડિત મોતીલાલ નહેરુને અને માલવીયજીને સૂચવ્યું કે, મને ગેરહાજર રહેવા દેવાથી બધા અર્થ સરશે, ને હું મહાન નેતાઓની સાથેના મતભેદનું પ્રદર્શન કરવામાંથી ઉગરી જઈશ.

આ સૂચના આ બન્ને વડીલોને ગળે ન ઉતરી. લાલા હરકિસનલાલને કાને જતાં તેમણે કહ્યું: ‘એ કદી બને જ નહીં. પંજાબીઓ ઉપર ભારે આઘાત પહોંચે. ‘ લોકમાન્ય સાથે, દેશબંધૂ સાથે મસલત કરી. મિ. ઝીણાને મળ્યો. કેમેય રસ્તો નીકળે. મારી વેદના મેં માલવીયજી આગળ મૂકી: સમાધાન થાય એવું હું જોતો નથી. જો મારે મારો ઠરાવ રજૂ કરવો જ પડે તો છેવટે મત લેવાશે જ. પણ અહીં મત લઈ શકાય એવી વ્યવસ્થા હું જોતો નથી. આજ લગી આપણે ભરી સભામાં હાથો ઊંચા કરાવ્યા છે. પ્રેક્ષકો અને સભ્યોની વચ્ચે હાથ ઊંચા થતી વેળા ભેદ નથી રહેતો. મતો ગણવાની ગોઠવણ આવી વિશાળ સભામાં આપણી પાસે નથી હોતી. એટલે મારે મારા ઠરાવને સારુ મત લેવરાવવા હોય તોયે સગવડ નથી.’

છેવટે હું હાર્યો. મેં મારો ઠરાવ ઘડ્યો. બહુ સંકોચની સાથે તે રજૂ કરવાનું મેં કબૂલ કર્યું. મિ. ઝીણા અને માલવીયજી ટેકો આપવાના હતા. ભાષણો થયાં. હું જોઈ શકતો હતો કે, જો કે અમારા મતભેદોમાં ક્યાંયે કડવાશ નહોતી, ભાષણોમાં પણ કેવળ દલીલો સિવાય કંઈ જ નહોતું, છતાં સભા મતભેદ માત્ર સહન નહોતી કરી શકતી, ને આગેવાનોના મતભેદથી તેને દુઃખ થતું હતું. સભાને તો એકમત જોઈતો હતો.

ભાષણો ચાલતાં હતાં ત્યારે માંચડા ઉપર ભેદ બુઝાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં હતા. ચિઠ્ઠીઓ એકબીજાની વચ્ચે પસાર થઈ રહી હતી. માલવીયજી તો ગમે તેમ કરીને સાંધવાની મહેનત કરી રહ્યાં હતાં. એટલામાં જયરામદાસે મારા હાથમાં પોતાની સૂચના મૂકીને અતિ મધુર શબ્દોમાં મતો આપવાના સંકટમાંથી સભ્યોને ઉગારી લેવા મને વીનવ્યો હતો. મને તે સૂચના ગમી. માલવીયજીની નજર તો ચોમેર આશાને સારુ ફરી જ રહી હતી. મેં કહ્યું: ‘આ સૂચના બન્નેને ગમે એવી લાગે છે.’ લોકમાન્યને મેં તે બતાવી. તેમણે કહ્યું: ‘દાસને પસંદ પડે તો મારો વાંધો નથી.; દેશબંધૂ પીગળ્યા. તેમણે બિપિનચંદ્ર પાલ સામું જોયું. માલવીયજીને પૂરી આશા બંધાઈ. તેમણે ચિઠ્ઠી ઝૂંટવી લીધી. હજુ ‘હા’ ના પૂરા શબ્દો દેશબંધૂના મોં માંથી નથી નીકળ્યા તેવામાં તેઓ બોલી ઊઠ્યા : ‘સજ્જનો, તમે જાણીને રાજી થશો કે સમાધાની થઈ ગઈ છે’ પછી શું જોઈએ? તાળીઓના અવાજથી મંડપ ગાજી ઊઠ્યો, અને લોકોના ચહેરા ઉપર ગંભીરતા હતી તેને બદલે ખુશાલી ચમકી ઊઠી.

એ ઠરાવ શું હતો એમાં ઊતરવાની અહીં જરૂર નથી. એ ઠરાવ કેમ થયો એટલું જ એને અંગે બતાવવું આ પ્રયોગોનો વિષય છે. સમાધાનીએ મારી જવાબદારી વધારી.


The Amritsar Congress


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૩૬. ખિલાફત બદલે ગોરક્ષા ?

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


પંજાબના હત્યાકાંડને થોડો વખત હવે છોડીએ.

પંજાબની ડાયરશાહીની મહાસભા તરફથી તપાસ ચાલતી હતી, તેટલામાં મારા હાથમાં એક જાહેર આમંત્રણ આવ્યું. તેમાં મરહૂમ હકીમ સાહેબ અને ભાઈ અસરફઅલીનાં નામ હતાં. શ્રદ્ધાનંદજી હાજર રહેવાના છે એમ પણ ઉલ્લેખ હતો. મને ખ્યાલ તો એવો રહ્યો છે કે, તેઓ ઉપપ્રમુખ હતા. આ આમંત્રણ દિલ્હીમાં ખિલાફત સંબંધી ઉપસ્થિત થયેલી પરિસ્થિતિનો વિચાર કરનારી અને સુલેહની ઉજવણીમાં ભાગ લેવો કે ન લેવો તેનો નિર્ણય કરવાને હિંદુમુસલમાનની એકઠી થનારી સભામાં હાજર રહેવાનું હતું. આ સભા નવેમ્બર માસમાં હતી એવું મને સ્મરણ છે.

આ નિમંત્રણપત્રિકામાં એવો ઉલ્લેખ હતો કે, તેમાં ખિલાફતનો પ્રશ્ન ચર્ચાશે, એટલું જ નહીં પણ ગોરક્ષાનો પ્રશ્ન પણ ચર્ચાશે, ને ગોરક્ષા સાધવાનો આ સરસ અવસર છે. મને આ વાક્ય કઠ્યું.

જો ખિલાફતના પ્રશ્નમાં વજૂદ હોય, તેમાં સરકાર તરફથી ગેરઈન્સાફ થતો હોય, તો હિંદુઓએ મુસલમાનોને સાથ દેવો જોઈએ; અને એની સાથે ગોરક્ષાને જોડી દેવાય નહીં. અને જો હિંદુઓ એવી કંઈ શરત કરે તો તે ન શોભે. મુસલમાનો ખિલાફતમાં મળતી મદદને બદલે ગોવધ બંધ કરે એ તેમને ન શોભે. પડોશી અને એક જ ભૂમિના હોવાને લીધે અને હિંદુઓની લાગણીને માન આપવાને ખાતર તેઓ સ્વતંત્ર રીતે ગોવધ બંધ કરે એ તેમને શોભે, એ તેમની ફરજ છે; અને એ નોખો પ્રશ્ન છે. જો એ ફરજ હોય ને તેઓ ફરજ સમજે, તો હિંદુ ખિલાફતમાં મદદ દે અથવા ન દે, તોપણ મુસલમાને ગોવધ બંધ કરવો ઘટે.

કેટલાકની સૂચના એવી હતી કે, પંજાબના સવાલને પણ ખિલાફત સાથે ભેળવવો. મેં આ બાબત મારો વિરોધ બતાવ્યો.

આ સભામાં મૌલાના હસરત મોહાની હતા. તેમની ઓળખાણ તો મને થઈ જ હતી. પણ તે કેવા લડવૈયા છે એ તો મેં અહીં જ અનુભવ્યું. અમારી વચ્ચે મતભેદ અહીંથી જ થયો તે અનેક વાતોમાં છેવટ લગી રહ્યો.

ઘણા ઠરાવોમાં એક ઠરાવ હિંદુમુસલમાન બધાએ સ્વદેશી વ્રતનું પાલન કરવું, ને તે અર્થે વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, એમ હતો. ખાદીનો પુનર્જન્મ હજુ થઈ ચૂક્યો નહોતો. હસરત સાહેબને આ ઠરાવ ગળે ઊતરે તેમ નહોતો. તેમને તો અંગ્રેજી સલ્તનત જો ખિલાફતની બાબતમાં ઇન્સાફ ન કરે તો વેર લેવું હતું. તેથી તેમણે બ્રિટિશ માલમાત્રનો યથાસંભવ બહિષ્કાર સૂચવ્યો. મેં બ્રિટિશ માલમાત્રના બહિષ્કારની અશક્યતા ને અયોગ્યતા વિષે મારી હવે જાણીતી થઈ ગઈ છે તે દલીલો રજૂ કરી.

વિદેશી વસ્ત્રના બહિષ્કાર ઉપરાંત કંઈક બીજું ને નવું બતાવવું જોઈએ એમ મને લાગ્યું. વિદેશી વસ્ત્રનો બહિષ્કાર તુરત ન થઈ શકે એમ મને તે વખતે તો સ્પષ્ટ હતું. ખાદી સંપૂર્ણ ઉત્પન્ન કરવાની આપણી શક્તિ ઈચ્છીએ તો આપણામાં છે એમ જે હું પાછળથી જોઈ શક્યો, તે હું એ વેળા નહોતો જાણતો. એકલી મિલ તો દગો દે એ મને ત્યારે પણ ખબર હતી. મૌલાના સાહેબે પોતાનું ભાષણ પૂરું કર્યું ત્યારે હું જવાબ દેવા તૈયાર થઈ રહ્યો હતો.

અહીં મારે વિરુદ્ધ મતવાળી સમાજને સમજાવવાનું હતું. પણ મેં શરમ છોડી હતી. દિલ્હીના મુસલમાનોની પાસે મારે શુદ્ધ ઉર્દૂમાં છટાદાર ભાષણ નહોતું કરવાનું, પણ મારા કહેવાની મતલબ મારે તૂટીફૂટી હિંદીમાં સમજાવવાની હતી. એ કામ હું સારી રીતે કરી શક્યો.

ઉર્દૂ કે ગુજરાતી શબ્દ હાથ ન આવ્યો તેથી શરમાયો, પણ જવાબ આપ્યો. મને ‘નૉન-કોઑપરેશન’ શબ્દ હાથ આવ્યો. મૌલાના ભાષણ કરતા હતા ને મને થયા કરતું હતું કે, તે પોતે ઘણી બાબતમાં જે સરકારને સાથ દઈ રહેલા છે તે સરકારના વિરોધની વાત કરે છે એ ફોગટ છે. તલવારથી વિરોધ નથી કરવો એટલે સાથ ન દેવામાં જ ખરો વિરોધ છે એમ મને લાગ્યું, ને મેં ‘નૉન-કોઑપરેશન’ શબ્દનો પહેલો ઉપયોગ આ સભામાં કર્યો.

‘મુસલમાન ભાઈઓએ એક બીજો મહત્ત્વનો નિશ્ચય કર્યો છે. ઈશ્વર તેવું ન કરે, પણ કદાચ જો સુલેહની શરતો તેમની વિરુદ્ધ જાય, તો તેઓ સરકારને સહાયતા આપતા અટકશે. મને લાગે છે કે, આ પ્રજાનો હક છે. સરકારના ખિતાબો રાખવા કે સરકારી નોકરી કરવા આપણે બંધાયેલા નથી.

પણ ત્યાર બાદ તે વસ્તુનો પ્રચાર થવાને ઘણા માસ વીત્યા. એ શબ્દ કેટલાક માસ લગી તો એ સભામાં જ દટાયેલો રહ્યો. એક માસ પછી અમૃતસરમાં મહાસભા મળી ત્યાં મેં સહકારના ઠરાવને ટેકો આપ્યો ત્યારે મેં તો એ જ આશા રાખેલી હતી કે, હિંદુમુસલમાનોને અસહકારનો અવસર ન આવે.


The Khilafat Against Cow Protection?


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૩૫. પંજાબમાં

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


પંજાબમાં જે કંઈ થયું તેને સારુ સર માઈકલ ઓડવાયરે મને ગુનેગાર ઠરાવ્યો હતો, તો ત્યાંના કોઇ નવજવાનો લશ્કરી કાનૂનને સારુ પણ મને ગુનેગાર ઠરાવતાં અચકાતા નહોતા. મેં જો સવિનય કાનૂનભંગ મુલતવી ન રાખ્યો હોત તો જલિયાંવાલા બાગની કતલ કદી ન થાત, લશ્કરી કાયદો કદી ન થાત, એવી દલીલ આવા ક્રોધાવેશમાં આવેલા નવજવાનોની હતી. કોઈએ તો ધમકીઓ પણ આપી હતી કે, પંજાબમાં હું જાઉં તો મને લોકો ઠાર માર્યા વિના ન જ છોડે.

પણ મને લાગતું હતું કે, મારું પગલું એટલું બધું યોગ્ય હતું કે સમજુ માણસોમાં ગેરસમજ થવાનો સંભવ જ નથી. પંજાબમાં જવા હું અધીરો થઇ રહ્યો હતો.

પણ મારું જવાનું લંબાયા કરતું હતું. વાઇસરૉય ‘હજુ વાર છે’ એમ લખાવ્યા કરતા હતા.

દરમ્યાન હંટર કમિટી આવી. તેને લશ્કરી કાયદા દરમ્યાન પંજાબના અમલદારોએ કરેલાં કૃત્યો વિષે તપાસ કરવાની હતી. દિનબંધુ ઍન્ડ્રઝ ત્યાં પહોંચી ગયા હતા. તેમના કાગળોમાં હ્યદયદ્રાવક વર્ણનો હતાં. છાપામાં જે છપાતું તેના કરતાં પણ લશ્કરી કાયદાનો જુલમ વધારે હતો, એવો તેમના કાગળનો ધ્વનિ હતો. મને પંજાબમાં પહોંચવાનો આગ્રહ હતો.બીજી તરફથી માલવીયજીના પણ તાર આવી રહ્યા હતા કે, મારે પંજાબ પહોંચવું જોઈએ. આ ઉપરથી મેં ફરી વાઇસરૉયને તાર કર્યો. જવાબ આવ્યો : ફલાણી તારીખે તમો જઇ શકો છો. મને તારીખ બરાબર યાદ નથી, પણ ઘણું કરીને ૧૭મી ઑકટોબર હતી.

હું લાહોર પહોંચ્યો ત્યારે મેં જે દૃશ્ય જોયું તે કદી ભુલાય તેમ નહોતું. કેમ જાણે ઘણાં વર્ષોના વિયોગ પછી કોઈ પ્રિયજન આવતો હોય ને તેને મળવાને સગાં આવતાં હોય, તેમ સ્ટેશન ઉપર માણસોની મેદની ભરાઈ ગઈ હતી. લોકો હર્ષઘેલા થઈ ગયા હતા.

પંડિત રામભજદત્ત ચોધરીને ત્યાં મારો ઉતારો હતો. શ્રી સરલાદેવી ચોધરાણી જેમને હું પૂર્વે ઓળખતો હતો તેમની ઉપર મને સંઘરવાનો બોજો આવી પડયો હતો. હું ‘સંઘરવો’ શબ્દ ઈરાદાપૂર્વક વાપરું છું, કેમ કે હાલની જેમ ત્યારે પણ જ્યાં હું ઊતરું ત્યાં ઘરધણીનું ઘર ધર્મશાળા જેવું થઈ પડતું હતું.

પંજાબમાં મેં જોયું કે, ઘણા પંજાબી નેતાઓ જેલમાં હોવાથી મુખ્ય નેતાઓની જગ્યા પંડિત માલવીયજી, પંડિત મોતીલાલજી ને સ્વ. સ્વામી શ્રદ્ધાનંદજીએ લીધી હતી.

હંટર કમિટીની પાસે પુરાવો ન દેવાનો નિશ્વય અમે બધાએ એકમતે કર્યો.

પણ જો કમિટીનો બહિષ્કાર થાય તો લોકો તરફથી એટલે મહાસભા તરફથી એક કમિટી હોવી જોઇએ એમ નિશ્ચય થયો. તેમાં પંડિત મોતીલાલ નેહરુ, સ્વ. ચિત્તરંજન દાસ, શ્રી અબ્બાસ તૈયબજી, શ્રી જયકર અને મને પંડિત માલવીયજીએ આ કમિટી ઉપર નીમ્યા. અમે જુદે જુદે ઠેકાણે તપાસ કરવા વીખરાઈ ગયા. આ કમિટીની વ્યવસ્થાનો બોજો સહેજે મારી ઉપર આવી પડયો હતો, અને વધારેમાં વધારે ગામોની તપાસ મારે ભાગે આવવાથી, મને પંજાબ અને પંજાબનાં ગામડાં જોવાનો અલભ્ય લાભ મળ્યો.

આ તપાસ દરમ્યાન પંજાબની સ્ત્રીઓને તો જાણે હું યુગોથી ઓળખતો હોઉં તેમ મળ્યો. જયાં જાઉં ત્યાં તેમનાં ટોળાં મળે, અને મારી પાસે પોતે કાંતેલા સૂતરના ઢગલા કરે. પંજાબ ખાદીનું મહાન ક્ષેત્ર થઈ શકે એ હું આ તપાસ દરમ્યાન અનાયાસે જોઈ શકયો.

લોકોની ઉપર થયેલા જુલમની તપાસ કરતાં જેમ જેમ હું ઊંડો ઊતરતો ગયો, તેમ તેમ હું નહોતો ધારતો એટલી સરકારી અરાજકતા, અમલદારોની નાદિરશાહી, તેમની આપખુદીની વાતો સાંભળી આશ્વર્ય થયું ને દુ:ખ પામ્યો. પંજાબ કે જયાંથી સરકારને વધારેમાં વધારે સિપાહીઓ મળે છે ત્યાં લોકો કેમ આટલો બધો જુલમ સહન કરી શકયા, એ મને ત્યારે આશ્વર્ય પમાડનારું લાગ્યું ને આજે પણ લાગે છે.

આ કમિટીનો રિપોટઁ ઘડવાનું કામ પણ મને સોંપવામાં આવ્યું હતું. પંજાબમાં કયા પ્રકારના જુલમ થયા એ જેને જાણવું હોય તેણે એ રિપોર્ટ વાંચવો જ જોઈએ. એ રિપોર્ટને વિષે આટલું કહી શકું છું કે, એમાં ઈરાદાપૂર્વક એક પણ જગ્યાએ અતિશયોક્તિ નથી. જેટલી હકીકત આપી છે તેને સારુ તેમાં જ પુરાવો રજૂ કર્યો છે.


In The Punjab


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.