કોઈ પણ વિષયને સમજવો હોય તો તે વિષયના જ્ઞાતા પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ. ઈન્ટરનેટના યુગમાં આપણને મહાપુરુષોના વિચારો વેબસાઈટ પરથી પણ ઉપલબ્ધ થતાં હોય છે. તો આજે મહામના શ્રી યોગેશ્વરજી પાસે નમ્રતાપૂર્વક પ્રણિપાત કર્યા પછી તેમને વિનમ્ર ભાવે જીજ્ઞાસાથી થોડા પ્રશ્નો પુછીએ અને તેમની અનુભવસિદ્ધ વાણીનો લાભ મેળવીએ :
પ્રશ્ન : ધ્યાન કેવી રીતે કરવું જોઈએ ?
ઉત્તર : એક ઠેકાણે શાંતિપૂર્વક અનુકૂળ આસન પર બેસીને, મનમાં ઉત્પન્ન થતા સંકલ્પવિકલ્પ કે વિચારોને શાંત કરીને વૃત્તિને અંતર્મુખ કરીને બેસી રહેવું તે ધ્યાનનો એક પ્રકાર છે. પરંતુ એવું શાંત ધ્યાન સૌને માટે શક્ય નથી હોતું. ધ્યાનમાં બેસતી વખતે ભાતભાતના ને જાતજાતના વિચારો ઊઠે છે તથા મન દોડાદોડ કરે છે. એટલા માટે જ, મનને સ્થિર કરવાના એક અકસીર સાધન રૂપે, કોઈ મંત્ર કે રૂપ સાથે ધ્યાન કરવાની ભલામણ કરવામાં આવી છે. એને સાકાર ધ્યાનના નામે ઓળખવામાં આવે છે. આરંભમાં કોઈક અનુભવી માર્ગદર્શકની સલાહ પ્રમાણે એવું ધ્યાન કરવાથી આગળના ધ્યાનમાં મદદ મળે છે.
પ્રશ્ન : ધ્યાન કેવી રીતે કરવું જોઈએ – ઈશ્વર આપણી સામે રહેલા છે અને આપણા પર કૃપા વરસાવી રહ્યા છે એવું માનીને કરવું કે તે આપણા હૃદયમાં વિદ્યમાન છે, એવી ભાવના સાથે કરવું ?
ઉત્તર : ધ્યાન કરવાની પદ્ધતિઓ અનેક છે, એ હકીકતનું સ્પષ્ટીકરણ મેં પહેલા પણ કરી દીધું છે. એ બધી જ પદ્ધતિઓનો સમાવેશ મુખ્યત્વે બે વિભાગમાં કરી શકાય છે. સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન, કોઈ પણ પ્રકારનાં ચિંતન મનન વિના ગીતાના છઠ્ઠા અધ્યાયમાં કહ્યા પ્રમાણે, ધ્યાનમાં બેસીને મનને ધીરે ધીરે કે ક્રમે ક્રમે શાંત કરવાની કોશિશ કરવી તે નિર્ગુણ ધ્યાન છે. અથવા તો આત્મસ્વરૂપનું ચિંતન કરવું કે પછી કોઈક જપનો આધાર લઈને મનને એકાગ્ર અને શાંત કરવાનો અભ્યાસ કરવો તે પણ નિર્ગુણ ધ્યાન કહેવાય છે. સગુણ ધ્યાનમાં ઈશ્વરના કોઈ રૂચિપૂર્વકના રૂપમાં મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો પડે છે. એ બધા પ્રકારની અને એવી જ બીજી પદ્ધતિઓમાંથી કોઈ પણ એક અનુકૂળ પદ્ધતિનો આધાર લઈને ધ્યાનની સાધનામાં આગળ વધી શકાય છે. પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન કે સુખાસનમાંથી કોઈ પણ આસન ધ્યાનને માટે અનુકૂળ ગણાય છે. એમાંથી અનુકૂળ આસન પસંદ કરીને ધ્યાન કરવું જોઈએ. ઈશ્વર હૃદયમાં રહેલા છે અને એમની કૃપા નિરંતર વરસી રહી છે એવું એકસાથે માનીને ધ્યાન કરવાથી તમને વિશેષ લાભ થશે, એવો અભિપ્રાય તમારી ભાવનાને લક્ષમાં લેતા આપી શકાય છે.
પ્રશ્ન : પોતાની જાતને કેવી રીતે ઓળખાય ? પોતાની જાતને ઓળખવી એટલે શું ?
ઉત્તર : પોતાની જાતને ઓળખવી એટલે પોતાના શરીરમાં રહેલી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ અનુભવ કરવો, એનું દર્શન કરવું. એને સ્વરૂપનું દર્શન પણ કહેવાય છે. ધ્યાનથી એ શક્ય બને છે. ધ્યાન કરતાં મન શાંત થાય છે ત્યારે આત્મતત્વનો અનુભવ કરી લે છે.
પ્રશ્ન : મોક્ષનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર : મોક્ષનું સ્વરૂપ ઘણું વિશાળ છે. સ્વરૂપના દર્શનથી આત્માના અપરોક્ષ જ્ઞાનનો ઉદય થાય છે. તેથી ભેદભાવની નિવૃત્તિ થાય છે તથા અશાંતિ ટળી જાય છે. તે મોક્ષનું મુખ્ય સ્વરૂપ છે. એના અનુભવને માટે બધી જાતનાં વ્યસનો, દુર્ગુણો, દુર્વિચારો, દુષ્કર્મો તથા દુન્યવી મમતા, અહંતા અને આસક્તિમાંથી મુક્તિ મેળવવી જોઈએ.
ઈશ્વરનું ધ્યાન કેવી રીતે કરવું – યોગેશ્વરજી સાથે પ્રશ્નોત્તરી