વાંચન આધારિત

ત્રિગુણ, ત્રિગુણાતિત અને જીવનમુક્તિ – અપ્પ દિપો ભવ

મનુષ્ય ત્રિગુણી છે. સાત્વિક, રાજસી અને તામસી ત્રણ ગુણવાળી પ્રકૃતિથી બનેલો છે. ત્રણે ગુણથી અલિપ્ત તેવા બ્રહ્મનું જ્યારે અંત:કરણમાં પ્રતિબિંબ પડે છે ત્યારે તે બ્રહ્મના (ચૈતન્યના) પ્રતિબિંબના તેટલા ભાગ પર અંત:કરણ હું પણું કરીને જીવભાવ ધારણ કરે છે. બ્રહ્મ સર્વ સ્થળે અને સર્વકાળે રહેલું હોવાથી જ્યાં સુધી અંત:કરણ છે ત્યાં સુધી તેમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડ્યાં કરે છે. ચૈતન્ય તો સદાયે આ ત્રણે ગુણોથી અલિપ્ત છે. અંત:કરણ જેવું હોય તેવું પ્રતિબિંબ ભાસે છે.

આ ત્રણે ગુણોમાં ફેરફાર થયાં કરે છે. જ્યારે અંતકરણમાં સાત્વિકતા વધે ત્યારે વ્યક્તિ સજ્જન લાગે ત્યારે તેના દ્વારા થતા કાર્યોમાં સત્વગુણનો પ્રકાશ હોવાથી શુભ કાર્યો થાય.

જ્યારે રજોગુણ વધે ત્યારે વ્યક્તિ અતીશય પ્રવૃત્તિશીલ, લોભી અને કામનાઓથી ભરપુર બને. તેવે વખતે તેના દ્વારા જે કાર્યો થાય તે અન્યના હિતનો વિચાર કર્યા વગર સ્વાર્થ સાધવા સારુ થાય.

જ્યારે તમોગુણ વધે ત્યારે વ્યક્તિમાં આળસ,પ્રમાદ અને જડતા વધે. કર્તવ્યકર્મો અને નિત્યકર્મો કરવાયે તેને અરુચિકર થઈ પડે. તે વ્યક્તિ ઉંઘરેટી, વ્યસની, બદીવાળી, ક્રોધી અને અજ્જડ બની જાય.

આ ગુણો વધ ઘટ થઈ શકે તેવા હોય છે અને થતા હોય છે. કોઈ વ્યક્તિને માટે તે હંમેશા સારો રહેશે, સ્વાર્થી રહેશે કે અજ્જડ રહેશે તેવું ભવિષ્ય ભાખી ન શકાય. જે વ્યક્તિ સત્વગુણ વધારવા પુરુષાર્થ કરે તે સારો બને, જે સ્વાર્થ સાધવામાં રત રહે તેનામાં રજોગુણ વધે અને જે કર્ત્વય અકર્તવ્ય ની સમજ વગર આડેધડ જીવે તેનામાં તમોગુણ વધી જાય.

આ ત્રણે ગુણો ની વધઘટથી એકની એક વ્યક્તિ જુદા જુદા સમયે અને જુદા જુદા પ્રસંગે જુદી જાતની હોય તેવું ભાસે. અહીં ફરી પાછું યાદ રાખવાનું છે કે આ ત્રણે ગુણોનો ફેરફાર અંત:કરણમાં થાય છે તેનાથી અંત:કરણમાં પડતા ચૈતન્યના પ્રતિબિંબમાં (જીવમાં) ફેરફાર થતો હોય તેવું ભાસે છે પણ ચૈતન્યમાં વાસ્તવમાં કદીએ કોઈ ફેરફાર થતો નથી.

જે વ્યક્તિ પ્રબળ પુરુષાર્થ કરીને પ્રકૃતિના ત્રણે ગુણોને અતીક્રમીને ત્રિગુણાતીત થઈ શકે અને અંત:કરણ સાથેનું તાદાત્મ્ય છોડીને ચૈતન્ય સાથેનું તાદાત્મ્ય સાધી લે તે આ ગુણોમાં વર્તતો હોય તેમ દેખાય છતાં તે જીવભાવથી સર્વથા અલગ રહીને જીવનમુક્તિનો આનંદ અનુભવી શકે.

બુદ્ધે જ્યારે કહ્યું કે “અપ્પ દિપો ભવ” ત્યારે તેનું તાત્પર્ય તેવું હશે? કે “પ્રકૃતિના ઉછીના લીધેલા ત્રણ ગુણોના પ્રકાશથી જીવવાને બદલે સ્વયંપ્રકાશ ચૈતન્યરુપી પ્રકાશથી જીવ.”


શ્રીમદ ભગવદગીતાના ચિંતનને આધારે


Categories: ચિંતન, પ્રશ્નાર્થ, ભગવદ ગીતા, વાંચન આધારિત, વ્યક્તિત્વ વિકાસ | Tags: , , , , | Leave a comment

કાગળ, પેન, લેખ અને હું…

Net_Banking_1

મિત્રો,

હમણાં બ્લોગ-જગતમાં બે લેખ ગુજરાતીમાં વાંચ્યાં.

૧. કાગળ, પેન અને લેખ.

૨. કાગળ, પેન અને હું

પહેલા એવી ઈચ્છા હતી કે ગુજરાતી બ્લોગ જગતમાં બે લેખ વાંચ્યા તેમ લખું પણ પછી થયું કે બ્લોગ-જગતમાં બે લેખ ગુજરાતીમાં વાંચ્યા તેમ લખવું વધારે સાચું રહેશે.

સાહિત્યમાં આમ તો મારી ચાંચ ન ડુબે તેથી આવા લેખો બહુ બહુ તો વાંચી શકું. તેની પર વિદ્વતાભરી સમીક્ષા કે હળવા હાસ્ય-કટાક્ષ કરવાનું મારું ગજું નહીં.

બદલાતા જતા સમય સાથે સાધનો બદલાય છે. વળી જુની ટેવો ભુલાતી જાય અને નવા સાધનો પ્રમાણે નવા મહાવરાઓ થતા જાય તે આ લેખના કેન્દ્રવર્તી વિચાર હોઈ શકે તેવું મને લાગ્યું.

બંને લેખના શિર્ષકમાં સામાન્ય ’કાગળ, પેન અને’ છે.

શિર્ષકના અંતે પહેલામાં ’લેખ.’ અને બીજામાં ’હું’ છે.

બંને લેખના વાચકો જુદા જુદા છે, Like કરનારા જુદા જુદા છે.

કાગળ અને પેનની મદદથી પહેલા વિચારો અને લાગણીઓ રજૂ કરાતી, કાગળ અને પેનના યે સમય પહેલા કદાચ પત્થર પર શીલાલેખ કોતરાતા હશે. સમય જતા બધું બદલાઈ ગયું છે. કાગળ અને પેનનું સ્થાન ધીરે ધીરે કોમ્પ્ય઼ુટર અને કી-બોર્ડ લઈ રહ્યાં છે.

બેંકો કહે છે કે હજુ તમે ચેક લખો છો? નેટબેંકીગ શા માટે નહીં?

એક બાજુ રખડતી ગાયો નકામા કાગળના ડુચા ખાવા ધસતી હોય અને બીજી બાજુ કાગળ અને પેન હવે આઉટ ઓફ ડેટ થઈ રહ્યાં હોય તેવે સમયે પણ લાગણીઓ અને વિચારો તેમના અભીવ્યક્તિના માધ્યમો તો શોધી જ લેવાના છે.

માધ્યમ બદલાશે તોયે લેખ તો લખાતા રહેશે.

ઘણું બધુ બદલાતું રહેશે.

લાગે છે કે પથ્થર યુગથી શરુ કરીને આજ પર્યંત કે ભવિષ્યમાં યે ન બદલાય તેવું કોઈ હશે તો તે હશે
માત્ર ને માત્ર

’હું.’

Categories: વાંચન આધારિત | Tags: , , , , | Leave a comment

ત્રણ ગુણો અને જીવની ગતી

ઈશ્વર રચિત સૃષ્ટિ એટલે કે નિહારિકાઓ, સૂર્યમંડળ, ગ્રહો, નક્ષત્રો, તારાઓ, પૃથ્વી, સમુદ્ર, પહાડ, વનસ્પતિ, હવા, પાણી, આકાશ, પ્રકાશ આ સઘળું દિવ્ય છે. આ દિવ્ય સૃષ્ટિને માણવા અને જાણવા માટે એકનું એક ચૈતન્ય અનેક જીવ રુપે વિલસી રહ્યું છે. જીવ પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજ અને તમ થી ઘેરાયેલો છે. આ ત્રણ ગુણોનું જેટલું પ્રાધાન્ય હોય તેવા પ્રકારનો જીવ બને. તમો ગુણ પ્રધાન હોય તો પશુ, પક્ષી, કીટ, પતંગ, સરિસૃપ વગેરે પ્રકારનો જીવ બને. રજોગુણ પ્રધાન હોય તો મનુષ્યરુપે જન્મ ધારણ કરે. સત્વગુણ પ્રધાન હોય તો ઉર્ધ્વ લોકમાં હોય.

મનુષ્યમાંયે સત્વગુણ પ્રધાન મનુષ્યની પ્રકૃતિ દિવ્ય હોય છે. રજોગુણ પ્રધાન મનુષ્ય વધુ પડતો ઉદ્યમી અને ક્રીયાશીલ હોય છે. જ્યારે તમોગુણ પ્રધાન મનુષ્ય પર પીડામાં રાજી, વ્યસની, ક્રોધી, કામી, જડ અને આળસુ હોય છે.

અંત સમયે જેવો ભાવ લઈને શરીર છુટે તેવા પ્રકારનો પુનર્જન્મ થાય. આખી જીંદગી જેવા કર્મો કર્યા હોય અંત સમયે મોટા ભાગે તેવો ગુણ પ્રધાન બનતો હોય છે. મનુષ્ય મૃત્યું સમયે જે ગુણની પ્રધાનતા ધરાવતો હોય તેવી તેની નવા જન્મે ગતી થતી હોય છે. જો સત્વગુણ પ્રધાન હોય અને મૃત્યું થાય તો ઉર્ધ્વ લોકમાં જાય છે. રજો ગુણ પ્રધાન હોય અને મૃત્યું થાય તો ફરી પાછો મનુષ્યલોકમાં જન્મે છે. તમો ગુણ પ્રધાન હોય અને મૃત્યું થાય તો પશુ યોનિમાં જાય. અત્યંત નીમ્ન કર્મો કરનારો અધો લોકમાં જાય.

આ જે કાઈ કહ્યું છે તે માત્ર શાસ્ત્રના આધારે કહ્યું છે. મને મારો પૂર્વજન્મ યાદ નથી અને જન્મ પછીના બાળપણના થોડા વર્ષોની સ્મૃતિએ નથી. જો કે એવા મનુષ્યોને મળવાનું સદભાગ્ય થયું છે કે જેમણે પોતાના પૂર્વજન્મ વિશે જાણ્યું હોય. આ ઉપરાંત ઘણાં મહાપુરુષો અને સામાન્ય વ્યક્તિઓના જીવનમાંયે પૂર્વજન્મની સ્મૃતિઓના દાખલા જોવા મળે છે. પૂર્વજન્મ અને પૂનર્જન્મમાં માનવા કે ન માનવાથી કશો ફેર પડે કે ન પડે પણ એટલું તો જાણવું જ જોઈએ કે સત્કાર્ય કરવાથી આ જન્મે સુખ થાય છે. વધુ પડતી ક્રીયાશીલતાથી લોભ અને તૃષ્ણા વધે છે. જ્યારે પ્રમાદ અને આળસથી જડતા અને મૂઢતા વધે છે અને આ લોકમાંયે તેવી વ્યક્તિ ધૃણાસ્પદ બને છે. સત્વગુણીને સમાજમાં આદર મળે છે, રજોગુણીને જાત જાતની પ્રવૃત્તિનો વહીવટ સંભાળવા મળે છે જ્યારે તમોગુણી સમાજ પર બોજારુપ બની જાય છે.

કેટલાંક વિરલા એવા હોય છે કે જેઓ આ ત્રણે ગુણથી મુક્ત થઈ જાય છે તેઓ પોતાના સ્વરુપમાં સ્થિત હોય છે. તેમનું વ્યક્તિત્વ દિવ્ય હોય છે અને તેઓ સ્વનામ ધન્ય હોય છે. તેવી વ્યક્તિઓને લોકો પાસેથી કશુંએ મેળવવાનું હોતું નથી તો પણ તેઓ પોતાના સ્વભાવ અનુસાર જ્યાં સુધી તેમનું શરીર ચાલે છે ત્યાં સુધી લોકહિતાર્થે જીજ્ઞાસુઓને ત્રિગુણાતિત થવા માટે માર્ગ દર્શન આપતાં રહે છે.


નોંધ: આ લેખમાં જોડણી ભૂલો હશે. જો કોઈને સાર્થ જોડણી પ્રમાણે સુધારી આપવાની ઈચ્છા થાય તો આ લેખની કોપી કરીને જોડણી સુધારીને મને atuljaniagantuk@gmail.com પર મોકલી આપવા વિનંતી.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ચિંતન, વાંચન આધારિત, શિક્ષણ | Tags: , , , , | Leave a comment

અભય

મીત્રો,

“ડરપોક” વ્યક્તિ કદી સ્વસ્થ રહી શકે? યાદ છે ને આ વર્ષનો મંત્ર છે “સ્વ-સ્થિતિ એટલે સ્વસ્થતા”.

શ્રીમદ ભગવદગીતાનો ૧૬મો અધ્યાય દૈવાસૂર સંપદવિભાગ યોગ છે. તેમાં દૈવી તેમજ આસુરી સંપતિનું વર્ણન કરવામાં આવેલ છે. પ્રથમ દૈવી સંપતી છે – અભય.

નીર્ભય અને અભયમાં તફાવત છે. નીર્ભય એટલે જે કોઈનાથી ન ડરે તેવું જ્યારે અભય એટલે જે કોઈનાથી ન ડરે અને જેનાથી કોઈ ન ડરે તેવું. વાઘ સિંહ નિર્ભય હોઈ શકે પણ અભય નહીં કારણકે તેનાથી ડરનારા બીજા અન્ય નાના નાના પ્રાણીઓ હોય છે. જ્યારે અભયરુપ દૈવી સંપતી ધરાવનાર વ્યક્તિ નથી કોઈથી ડરતી કે નથી કોઈને ડરાવતી.

આજે જરા સ્વામી વિવેકાનંદની “અભય વાણી” જોઈ લેશુ ને?

અભયવાણી

આમેય સમયાંતરે પુનરાવર્તન જરુરી હોય છે.

શું કહો છો કેશુબાપા?

Categories: ચિંતન, મનોચિકિત્સા, વાંચન આધારિત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: | Leave a comment

હું વાંચુ છું….

સવાલ: અતુલ હમણા તું શું વાંચે છે?

જવાબ: The Breath of Life

હમણાં WordPress માં કશાક Updation ચાલતા હોવાથી નવી પોસ્ટ લખવામાં તથા સુધારવામાં તકલીફ પડે છે. તમનેય પડે છે કે આ મારી એકલાની સમસ્યા છે?

ઉપરોક્ત પુસ્તક મારી જેમ On Line વાંચવા માટે નીચે આપેલ Link આપના Browserમાં Copy કરીને પછી Enter દબાવવાથી આપ પણ આ e-Book વાંચી શકશો.

http://breathmeditation.org/wp-content/uploads/Breath-of-Life.pdf

વાંચ્યા પછી શ્વાસ-ઉચ્છવાસને અવલોકવાનું ન ભૂલશો.

Categories: વાંચન આધારિત | Leave a comment

પુનરાવર્તન જરૂરી છે

મિત્રો,

આજે મારા ઈન-બોક્ષમાં ચાર લેખો આવ્યાં કે જે હું અગાઉ વાંચી ચૂક્યો હતો. ઈન-બોક્ષમાં આવ્યાં એટલે ફરીથી રસ પૂર્વક વાંચ્યા. આ વખતે તેના તે જ લેખો મને વધારે પરિપક્વ લાગ્યાં. કારણ? કારણ કે તે લેખ મેં શાંત ચિત્તે કોઈ પણ પૂર્વગ્રહ વગર વાંચ્યા. લેખ વાંચ્યા પછી મને તે લેખો યથાર્થ અને સમતોલ વિચાર સરણી વાળા લાગ્યાં – અલબત્ત લેખ સંપૂર્ણ પણે પૂર્વગ્રહ વગર નહિં જ લખાયા હોય. આમેય કોઈ પણ વિષયને દૃઢ કરવા આપણે પુનરાવર્તન કરતાં હોઈએ છીએ તો તમને સહુને પણ આ પુનરાવર્તન ગમશે તેવી માન્યતાથી અહિં તે લેખોની યાદી આપુ છું.

૧. ચમત્કારનો ભ્રમ

૨. નામસ્મરણ મહિમાનું મહત્વ કેટલું?

૩. અપેક્ષાઓ અને માનવતાનું આચરણ

૪. અગણિત દેવતાઓ,આરાધના,ભક્તિ,કલ્પાનાઓ…અને દુર્બળતા?

Categories: વાંચન આધારિત | Tags: | Leave a comment

Blog at WordPress.com.