વખત વિત્યાની પહેલા

ગુજરાતના શાણા મતદારોને હાર્દિક અપીલ

Mitranandsagar is here

પ્રિય મતદારો,

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનાં પડઘમ શમી ગયાં છે અને મતદાન આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્‍યારે થોડીક મહત્ત્વની બાબતોનો વિચાર કરજો.

તમારો એક જ મત કોઈ પણ માંધાતાને સત્તા ઉપરથી ઉથલાવવાની ઠંડી તાકાત ધરાવે છે અને તમારો એક જ મત કોઈ અનજાન મુસાફિરને સત્તાના શિખર ઉપર પહોંચાડવાનો જાદુ પણ ધરાવે છે. તમને મળેલું એક મતનું વરદાન જ પાંચ વરસે એકવાર ભલભલા મહારથીને તમારા પગમાં આળોટવા માટે મજબૂર કરે છે. કારણ કે તમારો એક જ મત તમે ધારો તેવું ચમત્‍કારી પરિણામ લાવવાની ગુપ્‍ત તાકાત ધરાવે છે.

તમને મળેલી આ અણમોલ શક્‍તિ વેડફાઈ ન જાય તે ખાસ યાદ રાખીને મતદાન કરશો તો પાંચ વરસ સુધી પસ્‍તાવાનો વારો નહીં આવે.

મત આપતાં પહેલાં નીચેની વાતો ગાંઠે બાંધીને પછી જ મતદાન મથક તરફ કદમ માંડજો.

તમે કોઈ પણ ગુંડા, લફંગા, ગુનેગાર કે ક્રિમિનલને વોટ ન જ આપો, પછી ભલે તે તમારા મનગમતા નેતાનો કે મનગમતા પક્ષનો ઉમેદવાર કેમ ન હોય. આ વખતના…

View original post 472 more words

Categories: લોકમત, વખત વિત્યાની પહેલા, વિચાર વિમર્શ | 1 Comment

વખત વિત્યાની પહેલા શું? – (13)


ગતાંકથી આગળ…


વિશુદ્ધ પ્રેમમાં પોતાના પ્રિયતમને પ્રસન્ન કરવા તેજ કાર્ય રહે છે. અને તેની પ્રતિકૂલ વહેવાર કરવો તે વિશુદ્ધ પ્રેમમાં અધર્મ મનાય છે. આવો પ્રેમ ગોપીઓનો હતો તેથી ગોપીઓને શ્રી કૃષ્ણમાં પ્રેમ હતો. અને શ્રી કૃષ્ણને ગોપીઓમાં હતો. રાસલીલા વખતે ગોપીઓએ પોતાના વિરહમાંથી જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ ઉત્પન્ન કર્યા હતા. અને કોઈ ગોપીને એમ ન લાગ્યું કે મારી પાસે કૃષ્ણ નથી. એટલા કૃષ્ણ નંદ યશોદાને ત્યાં જન્મ્યા ન હતા આવો જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન પણ કસોટીમાં મૂકાય જાય. કયારેક ભગવાનને પણ પરીક્ષા ભક્તના પ્રેમની આગળ આપવી પડે છે જે ભગવાન પાસે પોતાના પ્રેમના બદલામાં જે ભક્ત કાંઈ પણ માગતો નથી કે સુખની કે ભક્તિ મૂક્તિની પણ આશા કરતો નથી તેની ભગવાન પણ શું કસોટી કરે? પરંતુ ત્યાં આવો ભક્ત ભગવાનને પરવશ કે પરતંત્ર બનાવી દે છે. માનવ તો બની જ જાય તેમાં કોઈ પણ નવાઈની વાત નથી પણ પરમાત્મા પણ બની જાય છે. અહીં આવા ભક્તની વિશેષતા છે કે શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહેલું છે કે મારો ભક્ત જે જે ભાવે મને ભજે છે તેને હું તેવું તેવું ફલ આપું છું. પરંતુ ગોપીઓ પાસે ભગવાન પણ જુઠા પડયા છે કારણ કે જ્યારે ગોપીઓ રાસ લીલામાં ગઈ ત્યારે પોતાના સઘળા સંસાર વહેવારના બંધન કાપીને પુત્ર પરિવાર પતિ સાસુ સસરા સંપતિ ઇત્યાદિ સર્વનો ત્યાગ કરીને કૃષ્ણને સુખ થાય તેવી ભાવના લઈને ગઈ હતી પણ ભગવાનને ભજવાવાળા તો ઘણા ભક્તો ભિન્ન ભિન્ન ભાવથી ભજતા હોય છે તો અનેક ભક્તો હોવાથી તેને ભક્તોનો ત્યાગ કરી માત્ર ગોપીઓને બધો પ્રેમ આપી શકયા નથી તેથી ભગવાન નું વચન ખોટું પડયું એટલે ગોપીઓ પાસે ભગવાને માફી માગી છે.

આવા પ્રેમમાં ભક્ત ક્યારેક ભગવાન પર ગુસ્સે પણ થાય છે. ભગવાનને કડવા વચનો પણ કહે છે. અને કોઈ વખત ભગવાનને પણ ખુબ વિરહમાં નાખે છે. આ દશામાં પ્રેમની મધુરતા વધે છે. નાના મોટાનો ભેદ રહેતો નથી અને જેના ઉપર પ્રેમ હોય તેને સુખી કરવાની ઇચ્છા રહેવાથી જ સબંધ બહુ જ નિકટ રહે છે આવા પ્રેમમાં સ્વાર્થ તે શત્રુ છે. વિરહ તે મિત્ર છે. અને વિઘ્ન તે પ્રેમને વધારે છે. આ માન્યતા સાચી માન્યતા છે જે માન્યતા પ્રભુની નિકટ લઈ જાય પ્રભુમાં શ્રદ્ધા ભક્તિને વધારે પરમાત્માના જ્ઞાનમાં વૃદ્ધિ કરે તે માન્યતા સાચી માન્યતા છે. અને જ્યાં પરમાત્માનું જ્ઞાન છે ત્યાં અંધશ્રદ્ધા કહેવી તે પણ ઠીક નથી. કારણ કે તે જ્ઞાનમાં જ સાચી આંખ છે. અને તે જ્ઞાનથી જ્યા જોવાનું થતું હોય ત્યાં ભેદ ભ્રાંતિ કે ભયને સ્થાન નથી. ત્યાં પરિણામે આનંદ આનંદ તથા આનંદ જ હોય છે.

માટે આવી સાચી માન્યતાવાળા પ્રેમમાં કામનાની ગંધ પણ હોતી નથી. અને પરમાત્મા પોતાના પ્રિયતમનો વિરહ છે તે કાયમથી કાયમ પોતાના પ્રિયતમની નીકટ લઈ જનારો છે. અને પ્રેમમાં કોઈ પણ વિધ્ન કરે તો ઉલટો વિશ્વાસ દૃઢ થાય છે. મીરાના પ્રિયતમ ગીરધર ગોપાલના પ્રેમમાં રાણો જેમ જેમ વિધ્ન કરતો ગયો તેમ તેમ મીરાનો વિશ્વાસ દૃઢ થતો ગયો. વિશુદ્ધ અનન્ય પ્રેમનું આ લક્ષણ છે. તેમાં અન્યાશ્રય હોતો નથી. તેવો પ્રેમ મહિમાવાન બને છે. ભક્ત અને ભગવાન બને સાપેક્ષ હોવાથી બંને મહિમાવાન મનાય છે. એટલે માણસ કાંઈ પણ કૃતિ લઈને જનમ્યો છે સાથે અહંકાર છે તેને કાંઈક જોઈએ છે માટે તેની પ્રાપ્તિ માટે કર્મ કરે છે અને તે કર્મથી પ્રાપ્ય જે જે ફલ નાશવંત હોવાથી રાગ-દ્વેષ, ધર્મ-અધર્મ, પાપ-પુણ્ય, સુખ-દુ:ખ ઇત્યાદિ ક્લેશો થયા કરે છે. પીડાય છે અને જેમાં સાચુ સુખ છે જે શાશ્વત છે જે અખંડ છે તેના ખબર નથી તેથી વખત પણ વિતતો ચાલે અને તેના વહેણમાં પ્રવાહમાં પદાર્થ પણ તણાતો ચાલે છે અને ધીમે ધીમે તે પ્રવાહમાં જ ગેબ થઈ જાય છે. ખોવાય જાય છે. જેને ભુતકાલ કહીએ અને ફરી ફરી અધૂરી રહેલી કામના વાસનાથી વળી પુન: નવા દેહને પ્રાપ્ત થઈને અનાગતમાંથી વર્તમાનમાં આવે થોડી ક્ષણ સ્થિતિ કરે નજર સામે આવે પૂર્વક્ષણમાં આવે ઉત્તરક્ષણ જરા ટકે અને ત્રીજી ક્ષણે તો ગેબ થઈ જાય. ખોવાય જાય તેમ અનંતકાલ સુધી કર્મથી પ્રાપ્ત થતાં નાશવંત ફલની પાછળ દોડ થતી રહે છે.

અને ખોટી મિથ્યા સ્વપ્ન જેવી હાથમાં કશું પણ ન આવે તેવી માન્યતાઓમાં વિશ્વાસ કરી ખોટા ખ્યાલો બાંધી અને અનંતકાલ સુધી આ જીવ ભટકતો રહે છે. અને કયારેક ક્યારેક માનવ તન મોંઘામુલો મળે છે. તેમાં જો જીવ જાગૃત થાય અને કોઈ સંત મહાપુરુષનો સતસંગ મળી જાય તો જે ખોટા ખ્યાલો છોડાવે મિથ્યા માન્યતાઓથી મુક્ત કરે અને સાચી માન્યતા દૃઢ કરાવે કે જેથી નિસ્પૃહી તથા નિષ્કામ કર્મયોગને આચરી અને પોતાના પરમાત્મા પ્રત્યે વિશુદ્ધ પ્રેમથી ભક્તિ કરી અને આત્મા પરમાત્માની અભિન્નતા યથાર્થરૂપમાં ગુરુબોધથી સમજી ને તે અસલ સુખને અખંડ આનંદને પ્રાપ્ત કરી લે છે. આ સંસારમાં વખત વીતી ન જાય તે પહેલા કરવા જેવું બસ આ એક જ કામ છે. અને આ શરીરનો અંત ન આવે કે વખત તેને વિતાવે તે પહેલા જ કરી લેવું જોઈએ કે જેથી જીવનમાં પસ્તાવો ન રહે. ન કરેલાનો ધોખો ન રહે. અપૂર્ણતાનું દુ:ખ ન રહે. તેવી પરમ આત્યંતિક પરમ તૃપ્તિનો અનુભવ કરી લેવો જોઈએ અને તે જ સાચો પુરુષનો પુરુષાર્થ છે. બાકી તો પરમાર્થની ભાવના વગરનો જે ઇતર કોઈ પણ પુરુષાર્થ હોય તો તે સાચો પુરુષાર્થ નથી. કારણ કે જે પુરુષાર્થથી પ્રાપ્ત ફલ જ નાશવંત હોય અંતે રડાવનારું હોય તે ફલની પાછળ દોડવું જ મૂર્ખતા છે. માટે મિથ્યા છે તો વખત વિત્યાની પહેલા માણસે શું કરવું જોઈએ તેવી પ્રેરણા થતા થોડા શબ્દોમાં યથા મતિ લખીને વિરમું છું. આ સંસારમાં કે વહેવારિક જગતમાં કોઈ પણ વસ્તુ નિર-ઉપયોગી નથી નકામી નથી કોઈને કોઈ તો તેનો ઉપયોગ કરનાર હોય છે તેથી કોણ આનો ઉપયોગ કરશે કે લાભ લેશે તેનો વધારે વિચાર ન કરતા સહજ સદ્ગુરુ પરમાત્માની પ્રેરણાથી સ્વાંતઃ સુખાયે પ્રેરાયો અને લખાયું છે તો અસ્તુ પરમાત્મા સૌનું કલ્યાણ કરો.

સ્વામી ભજનપ્રકાશાનંદ

સર્વે ભવન્તુ સુખીન:
સર્વે સન્તુ નિરામયા:
સર્વે ભદ્રાણી પશ્યન્તુ
મા કશ્ચિદ દુ:ખ માપ્નુયાત્
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

ૐ પુર્ણમદઃ પુર્ણંમિદં પુર્ણાત્ પુર્ણમુદચ્યતે
પુર્ણસ્ય પુર્ણમાદાય પુર્ણમેવાવશિષ્યતે
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ૐૐૐ
ૐૐ


સંપૂર્ણ


Categories: વખત વિત્યાની પહેલા | 1 Comment

વખત વિત્યાની પહેલા શું? – (12)


ગતાંકથી આગળ…


સર્વને ઋતુ હોય છે માણસને પશુને પક્ષીઓને પૃથ્વીને. પૃથ્વીમાં પણ જ્યારે વસંત રુતું આવે કે વૃક્ષો ખીલવા માંડે પોતાની પ્રસન્નતા અને સૌદર્યમાં વધારો કરવા લાગે પક્ષીઓના પણ ગાયન કિલ્લોલ શરૂ થવા લાગે છે. ખરા પ્રેમમાં પોતાના પ્રેમીને સુખ આપવાની ઇચ્છા હોય છે સુખ લેવાની ઇચ્છા હોતી નથી. અને પ્રેમની રીત પણ એવી છે કે પ્રેમ આપી શકાતો ન હોય તો લઈ પણ શકાતો નથી. તે પણ તેની વાસ્તવિકતા છે જે પ્રેમ આપી શકે છે તે જ પ્રેમ પણ લઈ શકે છે. પ્રેમ લક્ષણા ભક્તિ તે ભગવાનની રસમયી ઉપાસના છે. ભગવાન પોતે પણ રસોવૈસઃ છે. રસ સ્વરૂપ છે. અને પરમાત્માની સાથેનો જેટલો નિકટનો સબંધ લાગે અને લાગતો જાય તેટલો પ્રેમ પણ ગાઢ થતો જાય છે. જ્ઞાની પુરુષો પોતાના અંતરાત્મા સાથે પ્રેમ કરીને તે પરમાત્માનો અનુભવ પોતાની અંદરમાં જ લઈ શકે છે. બીજાઓને કાંઈક આધાર લેવો પડે છે. કેટલાક મૂર્તિનો આધાર લે છે કેટલાક સમાજને ભગવાન કે પરમાત્માનું સ્વરૂપ માનીને આધાર લે છે. અને સમાજને ભગવાનની મૂર્તિ માને છે પરંતુ ભક્તિમાં કે પ્રેમમાં જેનો આધાર લીધો છે તે આધાર સાથે આપણો સબંધ કેવા પ્રકારનો છે તે પહેલા નક્કી કરવું પડે છે. માનો કે રાજા અને નોકરનો સબંધ છે સ્વામી સેવકનો સબંધ છે ત્યાં માનો કે રાજા ખુબ જ દયાળુ છે કૃપાળું છે પ્રેમાળ છે. ઉદાર છે. આવા ગુણ વિશિષ્ટ હોવા છતાં તેનું જે ઐશ્વર્ય જોઈને તેની સેવા કરવાની કે ગુણનો લાભ લેવાની કે પાસે જઈને સ્પર્શ કરવાની પણ હિંમત ચાલતી ન હોય

એવી જ રીતે ઇશ્વર પણ અનંત ઐશ્વર્યવાળા તથા અનંતગુણોવાળા. જ્યારે વિચાર આવે ત્યારે જરૂર ત્યાં આપણને અલ્પજ્ઞપણાની કે અલ્પશક્તિપણાનો અનુભવ થવા લાગે છે અને તેથી જ ભક્તો પોતાને શક્તિહીન માને છે. આમાં શ્રદ્ધા રહે છે પણ સબંધ પ્રાપ્ત થતો નથી. સબંધ તેને કહેવાય બે વસ્તુનું તાદાત્મ્ય એકતા અભિન્નતા માણસ જીવભાવે પોતે ભગવાનનો અંશ છે ભગવાન અંશી છે તેમ માનવાથી દાસભાવ ભક્તોને સુલભ પડે છે. તેથી ઘણા પોતાના નામની પાછળ દાસ શબ્દ પણ લગાડે છે. કોઈ તો દાસાનુદાસ ભાવ પણ રાખે છે. દાસભાવમાં ખાસ તે ખ્યાલ રહે છે જ્ઞાન રહે છે કે ભગવાન મારા સ્વામી છે. હું તેનો દાસ છું તેમાં દાસને દર્શન દેવા કે નહીં તે સ્વામીમાં સ્વતંત્રતા રહે છે તેથી દાસ કહે છે જે સ્વામીની ઇચ્છા તે મારી ઇચ્છા. તેથી આ ભાવથી પણ ઘણા ભક્તોને મૂર્તિમાં ભગવાનના દર્શન થતા નથી. કાંઈક સંભ્રમ ભય સંકોચ રહે છે. અને તેનાથી પણ ઉતમ સખાભાવ છે મિત્રભાવ છે તેમાં ભગવાનનું ઐશ્વર્ય છુપાઈ જાય છે. રાજાનો કે સ્વામીનો પ્રભાવ તેના સેવક ઉપર નોકર ઉપર કે દાસ ઉપર પડે છે. તેથી દાસ ભાવમાં સંભ્રમ ભય તથા સંકોચ રહે છે પણ જે રાજાના મિત્રો હોય છે તેના ઉપર પડતો નથી. કૃષ્ણનો પ્રભાવ અર્જુન ઉપર પડતો ન હતો. તેથી ભગવાન શ્રીકૃષ્ણને જેમ તેમ તે રીતે બોલાવતો હતો અને તે પ્રભાવ તો મહાભારતના યુદ્ધ વખતે પડયો જે સમૃદ્ધિવાળા અંનત ઐશ્વર્યવાળા ભગવાન જ્યારે મિત્રના સારથી બનીને એક નોકરની માફક આજ્ઞાંકિત બનીને કામ કરતા હોય રથ ચલાવતા હોય ત્યારે શું પ્રભાવ? પરંતુ જ્યારે ગીતાજ્ઞાન આપે અને વિશ્વરૂપના દર્શન કરાવે ત્યારે અર્જુનને ખબર પડી કે કૃષ્ણ ભગવાન છે તેમ રાજાનો પણ પોતાના મિત્રો પાસે પ્રભાવ પડતો નથી. મિત્ર ભાવમાં સમાનતાછે. તેથી ઘણા ઘણા પોત પોતાના સમોવડી સાથે મૈત્રી ભાવ રાખે છે. છતાં મિત્રોમાં પરસ્પરમાં પ્રેમની અપેક્ષા રહે છે. તેમાં વારંવાર હ્રદય પલટા થવાનો પણ સંભવ રહે છે. અને થતા રહે છે ત્યારે પરસ્પરનો પ્રેમ પણ ભયમાં મૂકાઈ જાય છે એક થોડો ઉદાસ દેખાય કે બીજો પણ તુરત ઉદાસીન બની જાય છે. અને કોઈ એવા કારણો ઊભા થાય કે થવાનો સંભવ છે કે પરસ્પર પરસ્પરને પ્રેમ આપતા બંધ થઈ જાય અને મૈત્રી ભાવ પણ તુટી જાય તેથી તેવા મિત્રોને પણ સતત હ્રદય પલટા તરફ લક્ષ રહે છે. પ્રેમ ભયમાં હોય છે એવી રીતે કયારેક ભગવાન પાસેથી પણ ભક્તને જવાબ ન મળે તો ભક્ત પણ ગભરાય જાય છે કયારેક એકાંતે રડવા લાગે છે. ભગવાન પાસે રડી લે છે. અને ભગવાન તૈયાર હોય ત્યારે ભક્ત તૈયાર હોતો નથી તો ત્યારે ભગવાનને સંકોચ રહે છે. કે હું તો મળવા તૈયાર છું પણ તે જ મને મળવા તૈયાર નથી તો ભગવાન પણ સંકોચ અનુભવીને ભક્તની તૈયારીની પ્રતિક્ષા કરે છે.

સ્ત્રી પુરુષમાં પણ તેમ જ હોય છે. એક પ્રેમ આપવા તૈયાર ન હોય તો બીજું પણ રોકાય જાય છે માટે બંનેમાં એક વખતે પ્રેમ હોવો જોઈએ. અને તેમ ન હોય તો ખરો પ્રેમ મળતો નથી. મિત્ર પ્રેમમાં પણ ન્યુનતા રહી જાય છે. અને મિત્ર ભાવે મૂર્તિ દર્શન આપે અને ન પણ આપે. મિત્ર પ્રેમથી અધિક વાત્સલ્ય પ્રેમ છે. જે માતાપિતાનો છે. માબાપ અને પુત્ર વિશે વિશેષ પ્રેમ રહે છે તેમાં નિરપેક્ષભાવ જરૂર રહે છે. માતા પિતા પુત્ર પાસેથી પ્રેમની અપેક્ષા રાખ્યા વગર પુત્ર ઉપર પ્રેમ કરતા હોય છે. પુત્રના સુખને માટે પોતાના સુખનો ત્યાગ કરે છે. મા બાપને સતત તેનું જ ચિંતન રહે છે કે મારો પુત્ર કેમ અધિક સુખી થાય અને તેને સુખી કરવામાં જ તેનું ચિત્ત પ્રસન્ન રહે છે. જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચે આવો સબંધ થાય અને જેમ રામકૃષ્ણ પરમહંસ મૂર્તિની મા માની અને મા તરીકે સેવા કરતા હતા અને ત્યાં જેમ દીકરો ઘણી ભૂલો કરે અપરાધ કરે પરંતુ તે દીકરાના અપરાધ કે ભૂલો સામે માતા પિતા જોતા નથી અને તે ભૂલો ને ભૂલી જાય છે. અને સેવા કરતા કરતા પણ ભૂલ થાય તો પણ ભગવાનને તે રૂપે દર્શન આપવાની ફરજ પડી જાય છે. રામકૃષ્ણ પરમહંસની આ માતાજીની ભક્તિ વિશે સર્વ કોઈ જ્ઞાત છે કે તે માતાજી સાથે વાતો પણ કરી શકતા હતા. જ્યાં વાસ્તલ્ય પ્રેમ છે ત્યાં ભગવાન પણ પરતંત્ર થઈ જાય છે. ભકતના દોષ જોતા નથી. તેમાં સેવા પ્રમાણે ફલ નથી પણ ભાવ પ્રમાણે ફલ છે.

પોતાના સંતાનો પાસે પુત્ર હોય કે પુત્રી હોય પરંતુ માતા પિતા પોતાનું સુખ સંતાનો પાસે પહેલા માગતા નથી છતાં વાત્સલ્ય પ્રેમમાં પણ કાંઈક ન્યુનતા રહી જાય છે અને ઉંમરમાં પણ તફાવત રહે છે અને કર્તવ્ય અકર્તવ્યનો પણ વિચાર રહે છે. અને સાથે મર્યાદાનો પણ સંકોચ રહે છે. જ્યાં કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કે મર્યાદાનો વિચાર રહે છે ત્યાં સુધી વિશુદ્ધ પ્રેમ ઉત્પન્ન થતો નથી. કાંઈક અંશે સ્વાર્થની પણ માત્રા રહે છે. વિશુદ્ધ પ્રેમમાં તો પોતાના પ્રિયતમને પ્રસન્ન કરવા તે જ કાર્ય રહે છે. જેના ઉપર આપણને પ્રેમ છે તે પ્રસન્ન કેમ રહે. બસ તેવા જ કાર્ય કરવા અને તેને અનુકૂળ રહીને કાર્ય કર્યા કરવું એ જ વિશુદ્ધ પ્રેમમાં કાર્ય રહે છે. અને એ જ પરમ ધર્મ પણ છે. શરીર ભગવાનનું કામ કરે વાણી તેના ગુણોનું વર્ણન કરે મન તેનું સતત સ્મરણ કરે અને બદલામાં પોતે પોતાના સુખ માટે કાંઈ પણ ન માગે કે પોતે સુખની અપેક્ષા ન કરે તેને વિશુદ્ધ અથવા મધુર પ્રેમ કહે છે. મધુરભાવમાં ભક્ત માત્ર મારો પ્રભુ મારો ભગવાન કેમ મારાથી પ્રસન્ન રહે સુખી રહે ગોપીઓનું જ્વલંત ઉદાહરણ મળે છે. મધુરભાવ કે અને ભગવાન શ્રી કૃષ્ણને પણ ગોપીઓ ને કહેવું પડયું કે હે ગોપીઓ તમે તમારા તન મન ધન સર્વસ્વ અર્પણ કરીને કે બદલામાં કાંઈ પણ ન માંગીને મને કાયમને માટે ઋણી બનાવ્યો છે. હું કોઈ પ્રકારે આપના પ્રેમનો બદલો આપી શકું તેમ નથી. પછી આખો દિવસ તે ભક્ત મૂર્તિમાં પણ તે પ્રેમ ભાવથી સુખની જ ભાવના કે ચિંતન કરતો હોય છે. પછી ભક્ત એ જેનો આશ્રય કે આધાર લીધો હોય તે પછી તેની જ તેને ચિંતા રહે છે પછી તે ગુરુ હોય કે ગોવિંદ હોય કે પોતાનો અંતરાત્મા હોય. જ્યાં ભગવાન જોવાની ટેવ પડી છે ત્યાં પછી આધાર ઉપર આધાર નથી પણ ભાવ પર આધાર છે. પછી વસુદૈવ કટુંબકમની ભાવના રાખવાવાળા પણ બધાને સુખ આપવાની વૃતિવાળા હોય છે. સર્વ પ્રત્યે સમભાવ રાખે છે. પણ પોતાના સુખની ઇચ્છા જરાપણ કરતા નથી.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (11)


ગતાંકથી આગળ…


પરંતુ આપણે જ્યારે ભગવાનની મૂર્તિ સામે બેઠા હોઈએ ત્યારે તો ઠીક તેમાં ભગવાન છે તે ભગવાન છે તેવો અનુવ કરતા પણ હોઈએ છીએ પરંતુ ત્યાંથી ઉઠયા પછી ઘરના સભ્યોમાં ભગવાનના દર્શન થવા જોઈએ. સંભવ કે ઘરના સભ્યોને પોતાના માન્યતા છે તેથી રાગ પૂર્વક દર્શન કરી પણ શકીએ પરંતુ ધંધા નોકરી પર ઓફિસે કે દુકાને કોઈ પણ આપણા ધંધાર્થે જ્યાં પરસ્પર વ્યક્તિ સાથે વહેવાર કરવો પડે છે તે સંપૂર્ણ વહેવારમાં દરેક વ્યક્તિમાં દર્શન કરવા કઠણ છે. ત્યાં અન્વય ભાવ ટકતો નથી. વિંછી સાપ સિંહ કે વાઘ વરુમાં પણ દર્શન થવા કઠણ છે. કદાચ મંદિરે કે હવેલીમાં ભગવાનના દર્શન કરી શકીએ પરંતુ ઓફિસે આવેલ કોઈ કે દુકાને આવેલ કોઈ વ્યક્તિમાં દર્શન કરી શકાતા નથી. ત્યાં ભગવાન તુરત ભૂલાઈ જાય છે. ને આવું થતું હોય તો તેના કરતા સર્વ નામરૂપનો નિષેધ કરીને વ્યતિરેક ભાવથી રહેવું સુલભ પડે. મૂર્તિને આપણે ભગવાન માનતા હોઈએ તો પછી મૂર્તિ સામે આપણે ખોટું કામ કરી શકીએ નહીં. ભગવાનને ભોગ પણ ધરાવતા હોઈએ ત્યારે પણ થતું હોઈ છે મનમાં કે ભગવાન કયાં જમવાના છે. તે પ્રસાદી તો મારે જ ખાવાની છે તો ભગવાન પણ તે પ્રસાદ ગ્રહણ કરે નહીં. કયારેક ક્યારેક સઘળું માત્ર ઉપચાર પૂરતું થતું હોય છે. જ્યાં પુરો ભાવ જોઈએ શ્રદ્ધા જોઈએ તેવા ભાવથી કે શ્રદ્ધાથી ન થતું હોય તેથી જે આપણને લાભ મળવો જોઈએ તે મળતો હોતો નથી.

જેને સંપૂર્ણપણે નિર્ભયતા આવી ન હોય તે અન્વયભાવને સ્થિર નહીં કરી શકે. તે જગતના પદાર્થોમાં અનાસક્તિ પૂર્વક વ્યતિરેકભાવ રાખીને પણ સેવા કરી શકશે જે મહાત્માઓ કર્મને જ પ્રાધાન્ય આપે છે અને કહે છે કર્મથી જગત બંધન થયું છે તો તે સારા કર્મ કરાવીને ખોટા કર્મથી વ્યક્તિને છોડાવે છે અને ફલની આશાના ત્યાગપૂર્વક અકર્મણ્ય સ્થિતિ સુધી લઈ જાય છે. જેઓ અજ્ઞાનથી બંધન માને છે તેઓ જ્ઞાન આપીને છોડાવે છે. અને ત્રીજા પ્રકારના ભક્તિમાર્ગના આચાર્યો એમ માને છે કે ભગવાનની ઇચ્છાથી બંધન થયું છે તેથી ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ. અને ભગવાન પછી ભક્તને પોતાની ઇચ્છાથી મુક્ત કરે છે. માટે ભગવાનના અનુગ્રહ માટે ભગવાન સાથે અનન્ય પ્રેમ બાંધવો જોઈએ. અને તેમાં પણ વિશેષતા તે છે કે શરીર મન અને પ્રાણ આ ત્રણમાં જેનું અધિક જોર હોય તે બાજુ લઈ જાય પોતાની તે પ્રકૃતિ મુજબ તે માર્ગ પકડી લે છે.

ઘણા ઘણા સંપ્રદાયના મહાત્માઓ સંસાર ક્ષણભંગુર છે નાશવંત મૃત્યુ અનિવાર્ય છે તેવી તેવી મૃત્યુ પરત્વેની ઘણી ઘણી વાતો કરીને વ્યક્તિમાં વૈરાગ્ય ઉત્પન્ન કરે છે પરંતુ પ્રેમનું રહસ્ય સમજાવતા હોતા નથી કે પ્રેમની દીક્ષા દેતા હોતા નથી. પ્રેમ પ્રભુનું સ્વરૂપ છે. પ્રેમમાં પ્રભુતા છે. પ્રેમને વ્યક્તિ તાબામાં કે કબજામાં કરતો નથી પણ પ્રેમ સર્વને પોતાના તાબામાં કરે છે વશ કરે છે તેથી પ્રેમમાં પ્રભુતા રહેલી છે. પ્રેમ માત્ર પ્રજા ઉત્પન્ન કરી શકે છે. એટલી જગત પ્રેમમાં શક્તિ છે. તેવી વ્યક્તિને પ્રેમના ખબર જ હોતા નથી અને આવા કામ માટે જે પ્રેમનો ઉપયોગ કરે છે તે સંભવ થોડો પ્રેમાંશ હોઈ શકે પ્રેમનો થોડો ભાગ પણ તેવા પ્રેમના થોડા ભાગથી પરમાત્માનો પ્રેમ સમજાય નહીં. તેથી કોઈ વિભુ પ્રેમને પામી ન શકાય. અને તેવા પ્રેમને માટે કોઈ પ્રેમના પૂર્ણ રહસ્યને પામનાર સદગુરુ પાસેથી પ્રેમની પણ દિક્ષા શિક્ષા લેવી પડે છે. જેમ જ્ઞાનની દિક્ષા શિક્ષા તેમ પ્રેમની શક્તિ તો અમોઘ છે.

વહેવારમાં થોડી માત્ર અલ્પ શક્તિને પ્રેમ ઉત્પન્ન કરવા માટે વાપરે છે. તેમાં પણ પુર્ણ સ્વાર્થની ગંધ સાથે તેથી શુદ્ધ પ્રેમની તો ત્યાં માત્રા મળતી નથી. વહેવારીક સઘળા કામોમાં કપટથી કે દંભથી કે સ્વાર્થથી જ પ્રેમનો ઉપયોગ થાય છે. આ સઘળું પ્રેમ શક્તિનું તોફાન છે. અને તોફાન જો શાંત થાય તો તો પ્રજા ઉત્પતિ પણ બંધ પડી જાય. જરૂર મીણબતી બળે છે ત્યારે પ્રકાશ આપે છે પણ તેથી આપણા પ્રાણ જે અઘટિત માગણી કર્યા કરે તો છુટ આપવાની જરૂર નથી. પ્રેમની દિશા વહેવારીક છે તો તેને પારમાર્થિક દિશા પકડાવી દેવાની જરૂર રહે છે કે જેમાં પરમાત્માનો પ્રેમ પામી શકાય અને તેના રહસ્ય કે શક્તિને પણ સમજી શકાય કે જેમાં નિસ્વાર્થતા છે માંગ વગરનો છે નિરિચ્છ છે અને તેમાં જ સઘળી શક્તિ કે સામર્થ્ય સમાયેલું છે કે જે જડને ચેતન કરે ચેતનને જડ કરે. અને આવો પરમાત્માનો પ્રેમ સદગુરુની કૃપાથી જ અને દિક્ષા શિક્ષાથી જ પામી શકાય છે અને જ્યારે આત્મજ્ઞાની શક્તિ પરમાત્મા તરફ વળે છે ત્યારે જે ભિતરમાંથી સારા સારા કાવ્યો તથા ભજનો અને સંગીતનો ઉદ્ભવ થાય છે સંસાર વહેવારમાં પણ અજાણ્યા સ્ત્રી પુરુષો અજાણ્યા કુટુંબના હોવા છતાં પણ પરસ્પરના મિત્ર તથા એક થઈ જાય છે.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (10)


ગતાંકથી આગળ…


કોઈ મહાપુરુષ કહે છે તેવી કઠોર સાધના કરવાની જરૂર નથી. ભક્તિનો માર્ગ સરળ છે. ભક્તિ કરો. સગુણ ભગવાનનું કિર્તન કરો. સ્મરણ કરો. અર્ચન વંદન ઇત્યાદિ નવધા ભક્તિ કરો. ભક્તિથી જ મુક્તિ છે. ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે અને પરમ કૃપાળુ ભગવાન પોતાની માયાના બંધનમાંથી જીવને મુક્ત કરે છે. અને કોઈ જ્ઞાન સમજાવે છે કહે છે પરમાત્મ તત્વ પ્રસિદ્ધ વસ્તુ છે તેમાં કશું કરવાની જરૂર નથી. જે પ્રાપ્ત છે તેને જાણો અનુભવ કરો તેમ જ્ઞાનીઓ કહે છે. પરંતુ દરેક પોત પોતાના સંપ્રદાયની પ્રસંશા કરતા હોય છે અને કહેતા હોય છે કે મારું સારુ છે. મારું સારું છે. તે એમ બતાવે છે કે અન્યનું સારું નથી. પરંતુ વાસ્તવિકતા તો તે છે કે સંપ્રદાય જીવંત રહેવો જોઈએ અને જે સંપ્રદાય જીવંત રહે છે પરંતુ જ્યાં આત્મજ્ઞાની પુરુષો પાકતા નથી તે સંપ્રદાય તે આત્મજ્ઞાની પછી તુટીને મરી પરવારી જાય છે. મતલબ મૃતક જેવો રહે છે. અથવા તો સમાપ્ત થઈ જાય છે. તેથી ઉત્તરોત્તર કોઈ પણ આત્મજ્ઞાની મહાપુરુષ થતા રહેવા જોઈએ. તેવી એક જ્ઞાન પરંપરા ચાલવી જોઈએ. અને આત્મજ્ઞાનનું આવું સાધન જ્યાં મળે નહીં તો બીજા પાસેથી લેવામાં કે આત્મજ્ઞાન જાણવામાં કાંઈ પણ વાંધો નથી. કોઈ સંપ્રદાયવાલા માને છે કે માણસ પોતાના સ્વભાવથી હલકો બની ગયો છે. તેથી તેને સ્વભાવ સુધારવાની જરૂર છે. તેને માટે ક્રિયા યોગ તથા કર્મના સાધનો બતાવે છે ક્રિયાને પ્રાધાન્ય આપે છે. અને તે પ્રમાણે સ્વભાવને સુધારવાની રીતે કે પદ્ધતિ બતાવે છે.

અને કેટલાક માને છે કે માણસ સ્વભાવથી પૂર્ણ છે. તેને જ્ઞાનની જરૂર છે જે આત્માનો પૂર્ણ સ્વભાવ સ્વરૂપ છે તે સમજવાની જરૂર છે. માણસ પૂર્ણ છે પ્રભુ છે. અજ્ઞાનથી તે સંસારમાં પડે છે. જ્ઞાનીઓ આવું જ્ઞાન બતાવે છે. બંનેમાં પદ્ધતિ અને રીત તે જરૂર છે જેવી પોતાની પ્રકૃતિ તે પ્રમાણે પોતાનો માર્ગ કે પદ્ધતિ પસંદ કરી લે છે. જેવી પ્રકૃતિનો જિજ્ઞાસુ હોય તેવી પદ્ધતિ તેને કામ લાગે છે. આત્મજ્ઞાની અનુભવી મહાપુરુષો એ પરમાત્માના કહીએ કે આત્માના કહીએ લક્ષણ બે પ્રકારના માન્યા છે. એક તો આત્મા નિર્વિકલ્પ નિર્વિશેષ નિરંજન શુદ્ધ બુદ્ધિ મુક્ત અસંગ ઇત્યાદિ માનેલ છે કે જેને વેદ પણ નૈતિ નૈતિ કહે છે. બીજું તે કે તેનાથી કશુ પણ જુદુ કે ભિન્ન નથી. પહેલા ભાવને વ્યતિરેકી ભાવ કહે છે. ભગવાન પત્થરની મૂર્તિમાં નથી તેમ અનુભવવું તેને વ્યતિરેકી ભાવ કહે છે અને ભગવાન પત્થરની મૂર્તિમાં પણ છે તેવા ભાવને અન્વયભાવ કહે છે. કશું પણ તેનાથી ભિન્ન કે જુદુ ન અનુભવવું કે કયાંય પણ તેનો અભાવ ન અનુભવવો તે અન્વયભાવ કહેવાય છે. જ્ઞાનીઓ કહે છે ન ઇતિ ન ઇતિ. ભક્તો કહે છે ઇતિ ઇતિ. વેદાંતમાં વ્યતિરેકી ભાવને જ નૈતિ નૈતિ કહે છે. શંકરાચાર્ય મહારાજ જેવા તેને અનિર્વચનિય માયા કહે છે. કારણ કે પરમાત્માને વાણીથી કે દલીલથી સિદ્ધ કરી શકાય તેમ નથી. તે શ્રદ્ધાનો વિષય છે. તર્કનો વિષય નથી. એટલા માટે જ ભક્તો પણ પરમાત્મા આનંદ સ્વરૂપ છે આનંદ સ્વભાવવાળા છે તેથી તેની અભિવ્યક્તિ જગત પણ આનંદ રૂપ સારું એ આત્મજ્ઞાની જગત આનંદ રૂપ છે. અવિદ્યાને લઈને જુદુ જુદુ દેખાય છે. અન્વય ભાવ પેદા થાય તો બધુ પરમાત્મ સ્વરૂપ દેખાવા લાગે પરમાત્મા અને સંસાર ભિન્ન નથી. અભિન્ન દેખાવા લાગે. અન્વયભાવે પત્થરને પત્થર ન કહેવાય. તે પણ ભગવાનનું સગુણ સાકારરૂપ છે.

જ્ઞાનીઓ કહે છે નામરૂપ મિથ્યા છે. તે માયાંશ છે જડ છે. અસ્તિ ભાતિ પ્રિય રૂપ સત્યાંશ છે. તેથી બંને ભાવ સાચા છે, છે અને નથી. કારણ કે દલીલ કે તર્કથી તેને સિદ્ધ કરી શકાય તેમ નથી કારણ કે આપણે જ્યારે વાતચીતથી કાંઈ પણ અધ્યાત્મ ચર્ચા કરીએ ત્યારે તો તે વખતે જગતને જુદુ કરીને સમજાવવું પડે છે અને કહેવું પડે છે કે જગતમાં ભગવાન નથી. કારણ કે જગત એક ભાગનું નામ છે. સ્થુલ જગત તે આખું જગત નથી તેની અંદર એક સૂક્ષ્મ અને તેથી પણ વ્યાપક એક જગત છે. તેથી પહેલા જગતની ચર્ચા કરતા કહેવું પડે કે જગતમાં ભગવાન નથી પરંતુ જ્યારે ભગવાનથી જ શરૂ કરીએ અને જ્યારે જગતનો કોઈ પણ એક અંશ માત્ર છોડીએ નહીં ત્યારે બધુ ભગવાન જગત છે તેમ કહેવું પડે. તે વખતે જગતને જગત કહી શકાય નહીં. કારણ કે પરમાત્મા કે જગતના કોઈ પણ પ્રશ્ન વખતે ઉતર આપવામા મુખ્ય દેશ કાલનો પણ આધાર રહે છે. આપણે શરૂઆત કયાંથી કરીએ છીએ પહેલુ પ્રારંભનું ક્યુ તત્વ લઈએ છીએ. જગત કે પરમાત્મા તેના પર પ્રત્યુત્તરનો પણ આધાર રહે છે. સઘળા જીવો સંસારમાં સંસારના ભૌતિક પદાર્થોમાં આસક્તિથી બંધાયેલા છે તેથી જગત મિથ્યા છે ખોટું છે નાશવંત છે તેમ કહીને શાશ્વત સુખ આપી શકે તેમ નથી. કહીને અનાસક્તિ યોગ બતાવવો પડે અને બતાવવાની જરૂર પણ છે.

અને આત્મજ્ઞાની સર્વ પહેલા વ્યતિરેકી ભાવનો અનુભવ પણ મળવો જોઈએ. જેના જીવનમાં સારો એવો વૈરાગ્ય છે ત્યાગભાવ છે તેવા સાધુ પુરુષોને અન્વયભાવ બહુ જ ઉપયોગી થઈ પડે છે. અને સહેલાઈથી સંસારમાં ભગવાનનું દર્શન કરી શકે છે કારણ કે થોડી પણ જો સંસારમાં આસક્તિ હશે તો તે સંસારમાં ભગવાનનું દર્શન કરી શકશે નહીં. તેથી જે સંસારથી અનાસક્ત છે અને જેને જીવનમાં અસંગત્વ પ્રાપ્ત થયું છે તે જ સર્વાત્મત્વરૂપે સર્વમાં ભગવાનનું દર્શન કરી શકશે. તેથી સંપૂર્ણપણે વૈરાગ્ય હોવો જરૂરી છે. અસંગત્વ હોવું જરૂરી છે. અનાસક્ત યોગ કેળવવો પડે અને આત્મજ્ઞાની વાત જ્યાં સુધી પૂર્ણ પણે બુદ્ધિમાં ઉતરતી નથી એટલે જ પરસ્પર પોતાના ઇષ્ટ વિશે પણ ઝઘડા કરતા હોય છે. મારું સાચું અને તારું ખોટું. તેવા વિવાદમાં પડતા હોય છે. ભક્તો મૂર્તિને પણ મૃત માનતા નથી. સજીવ માને છે. પછી પાંચ ભૂત હોય કે કોઈ પણ પાંચ ભુતથી બનેલ ભૌતિક કોઈ પણ પદાર્થ હોય કે આપણું શરીર હોય પણ સઘળું પરમાત્મ સ્વરૂપ છે. પરમાત્મનું છે તેથી તેની સેવામાં કામ આવવું જોઈએ. તેવી ભાવનાથી મૂર્તિની પુજા પણ કરવામાં આવે છે. આપણે મંદિરમાં આરતી ઉતારીએ છીએ. શંખ ઝાલર ઘંટાનાદ કરીએ છીએ પછી ભગવાનને પંખો નાખીએ છીએ વાયુ ઢોળીએ છીએ જેને ચામર કહીએ છીએ પછી દીપક કીર તેજ પ્રગટ કરીએ છીએ પછી જલનો ચારેબાજુ છંટકાવ કરીએ છીએ. પછી આપણે પુષ્પ ધુપ ઇત્યાદિ કરીને આપણે ભગવાનને બોલાવીએ છીએ. તે તે રૂપે આહ્વાન કરીએ છીએ. નિમંત્રણ આપીએ છીએ તેમાં પંચ ભૂતો સ્વરૂપે પણ તેને જ આહ્વાન કરાય છે. અને જે જે ભાવે ભગવાનને બોલાવાય છે તે તે સ્વરૂપે ભગવાન તેને તેનો ભાવ જોઈને દર્શન પણ આપતા હોય છે. સઘળામાં ભાવની કિંમત છે.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (9)


ગતાંકથી આગળ…


તો પ્રશ્ન થાય કે આખુ જગત પૂર્ણ છે ૐ પૂર્ણ મદઃ જોતા તો તેથી સંપ્રદાયની શી જરૂર છે? સંપ્રદાય પૂર્ણનો વધારો કે સુધારો કરી શકે નહીં અને પૂર્ણમાં સુધારો થાય તો તે પૂર્ણ કહેવાય નહીં. સંપ્રદાય પોતે સામાન્ય રીતે અપૂર્ણ રહે છે. તેનું ખાસ કારણ તે છે કે મૂળ પુરુષ જે આત્મજ્ઞાન માટે સરળ પદ્ધતિ બતાવી હોય તેના દેહાંત પછી તે પદ્ધતિ સમજાવનાર કોઈ ઠીક રીતે બરાબર સમજાવી શકે તેવા પુરુષનો અભાવો રહે છે. દીવા પાછળ અંધારું. તેમ કોઈ તેજસ્વી મહાપુરુષ હોતો નથી જ્યાં જ્યાં તેવા મૂળ પુરુષ પર નજર કરીએ તો બહુ પ્રકારે તેમાં આવાનો અભાવો જણાય છે. કાંઈક અંશે કોઈ હોય તો પણ પરંપરામાં નબળાઈ જણાતી આવે છે અને ઠીક કોઈ મહાપુરુષ જો ત્યાં પ્રગટ થઈ જાય તો ફરી તેને શોભાવે છે બહુ પ્રકારે મળતો નથી. તેથી આત્મજ્ઞાનને બદલે અજ્ઞાન વધે તેવી રુઢીઓ બંધાવા લાગે છે. અને ઉલટું અજ્ઞાનનો વધારો થાય છે. અને અજ્ઞાન વર્ધક ધારા ધોરણ નક્કી થાય છે. અને તેવી રુઢીઓ નક્કી થાય છે અને બહારની દૃષ્ટિને લલચાવે તેવા નિયમો તે તે સંપ્રદાયમાં ઉત્પન્ન થાય છે.

કોઈ સંપ્રદાયની અંદર પાણી ઓછું ઢોળવું તેવો નિયમ છે. કારણ કે પાણી ઢોળાય તો ત્યાં જંતુ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન ન થાય તો તેટલી હિંસાથી બચી શકાય તેથી તે સંભાળ રાખે છે. એટલે ઘણા કહેતા હોય કે ભાઈ રાખે તેનો ધર્મ છે. જુવો હું બે મહિનાથી નહાયો નથી. ઠીક છે. વાત પણ વાસ્તવિક રીતે જોતા જે પાણીથી માણસ કે જીવ ઉત્પન્ન થાય છે તે જ પાણીથી જીવે છે. અને પાણી વિના જ મરે છે. શરીરમાં પણ પાણી ઘટી જાય તો માણસ જીવી શકતો નથી. તેથી પાણીની કિંમત છે. અને દુષ્કાળ વખતે પાણીની કિંમત સમજાય છે. તેથી ઓછું ઢોળવું જોઈએ. માણસ નવા નવા આશ્રમો અને નવા નવા સંપ્રદાયો અને સંઘો બનાવતો જાય છે. અને શરૂઆતમાં તો ખુબ ઉત્સાહી હોય છે અને તે સાહસિક માણસોએ સમાજના અમુક હેતુ માટે ઉભા કરેલા હોય છે. અને અમુક સંપ્રદાય તો મૂળ પુરુષના દેહાંત પછી એવા બની જાય છે કે ત્યાં જે મૂળ હેતુથી ઊભા કરેલ હોય અને તેમાં પછી મૂળ હેતુનું તો નામ નિશાન પણ રહેતુ નથી કારણ કે મૂળ પુરુષ પછી પણ જો સારો માણસ મૂળ પુરુષની જ્ઞાન પરંપરાને સાચવનાર ન રહે તો સઘળાની દશા એવી થાય છે અને જો મળી રહે તો ઠીક હેતુ સચવાય છે. તેમાં પણ વળી ફરી કોઈ કાલાન્તરે કોઈ મળી આવે તો ફરી હેતુને ચેતના ભરી આપે છે. જાગૃત બનાવે છે. આપણે અહીં જે માણસ જે આશય કે હેતુથી આશ્રમ સ્થાપે છે તેના ગયા પછી તે આશ્રમની વ્યવસ્થા તે આશયથી કે હેતુથી સભાળનાર ઓછા મળે છે. તેનું મૂળ કારણ તે છે કે તેવી સંસ્થાઓ જે જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ કરી આપતી નથી અને તેવી સંસ્થાઓ પણ ઓછી હોય છે કે જે પરમ પુરુષાર્થ સિદ્ધ કરી આપે જે જીવનનો હેતુ સમજાવે. આત્મા પરમાત્માનું જ્ઞાન આપે અને તેવા અધિકારી પણ ઓછા હોય છે અને તે પરમ પુરુષાર્થનો આધાર સૌ સૌના આત્મ બળ પર છે. અને જેને આત્મજ્ઞાન થાય છે તે કોઈ પણ સંપ્રદાયિક વાડામાં બંધાતો નથી. સંપ્રદાયમાં દિક્ષા શિક્ષા લેવી જરૂરી છે

મતલબ કે કોઈ પણ સંપ્રદાયમાં જન્મ લેવો કે થવો જરૂરી છે પરંતુ મૃત્યુ તો વાડાના બંધન બહાર મુક્તપણે થવું જોઈએ. વિશાળતા વ્યાપકતા આપણું અંતિમ લક્ષ્ય છે. અસલ જીવન પણ શાશ્વત અમર જીવન છે તે ચુકવું ન જોઈએ. સંપ્રદાય પોતે અધૂરો કે અપૂર્ણ છે. પરંતુ સંપ્રદાય કરતા આત્મજ્ઞાની પુરુષની કિંમત અધિક છે પણ તે પુરુષને જ્ઞાન જે રીતે થયું હોય તે રીતે બીજાને સમજાવવું હોય તો પદ્ધતિની જરૂર પડે છે. અને તેમાંથી જ સંપ્રદાય ઊભો થાય છે કે ઉત્પન્ન થાય છે. વળી લગભગ દરેક મહાત્માઓને આત્મજ્ઞાન જુદી જુદી રીતે થાય છે. તેથી નવા નવા સંપ્રદાય ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આત્મજ્ઞાની પુરુષની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી તે સંપ્રદાયથી સારો લાભ મળે છે લોકોને. પરંતુ તે મૂર્તિ બ્રહ્મલીન થયા પછી જોઈએ તેવો લાભ મળતો નથી. કારણ કે તે મહાપુરુષ સત્યની જ મૂર્તિ કે મૂર્તરૂપ હોય છે. તેથી પ્રગટ સત્યથી પ્રગટ લાભ થઈ શકે છે. મૂળપુરુષને તત્વની ઝાંખી કે અનુભવ લેવામાં જે મુશ્કેલીઓ પડી હોય તેથી તે શિષ્યોની મુશ્કેલીઓને તે તપાસી કે સમજી શકે છે. અને તે પ્રમાણે રસ્તો બતાવી શકે છે. કોઈ અધ્યાત્મ પથ પર ચાલનારા ઉત્તમ જિજ્ઞાસુ હોય થોડા કષ્ટથી મુશ્કેલીથી રસ્તો પસાર કરી શકે છે. પરંતુ તેના બ્રહ્મ લીન થયા પછી તેની જગ્યાએ અંતિમ લક્ષ્યને પામેલો કે પહોંચેલો પુરુષ છેવટે ન મળવાથી બીજાઓને મુશ્કેલીમાં રસ્તો મળતો નથી. તેથી જેને પોતાના ગુરુની જ્ઞાન પરંપરામાં કે જે ગુરુએ આપ્યું છે સંપ્રદાન કર્યું છે તેમાં જેને વિશ્વાસ તથા શ્રદ્ધા હોય તે માણસ પોતાના મૂળ પુરુષના લખાણો વાંચે પુસ્તકો વાંચે કાવ્યો જીભે ગાય અને અન્ય જગ્યાએ પણ જે આત્માના અનુભવવાળા છે તેવા પુરુષ મળે તે સાથે તે જ્ઞાનને સરખાવશે તો જરૂર ત્યાં એકતા અદ્વૈતતા જણાશે. પરંતુ જ્યારે પોતાના મૂળ પુરુષના જ્ઞાનની શિષ્ય પરંપરા ચાલે છે. ત્યારે ઘણા તેમ માનતા થઈ જાય છે મારું છે તે જ સાચુ છે. અન્યનું બરાબર નથી. આ જ્યારે માન્યતા ઊભી થાય છે ત્યારે સત્ય લુપ્ત થઈ જાય છે. પરમ તત્વ તેવી માન્યતામાં ઢંકાઈ જાય છે. દરેક ધાર્મિક સંપ્રદાયે પોતાના જીવનનો હેતુ વિશાળ બનાવવો જોઈએ. વિશાળતામાં તથા વ્યાપકતામાં જીવન ઢાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ મહાપુરુષ યોગ બતાવે છે અને કહે છે કે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરો. સમાધિ કરો. આસન પ્રાણાયામ ધ્યાન ધારણા કરો. ઇત્યાદિ ઇત્યાદિ અંગોનું સેવન કરો. મોક્ષ થશે. આત્મજ્ઞાન થશે.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (8)


ગતાંકથી આગળ…


શુક્રાચાર્ય જેવા ગુરુનું ગુરુપણું પણ બલિરાજા જેવા ઉદાર સમર્પિત દાતાને શિષ્યને સંસારનો લાભ દેખાડે છે. અને આત્માના લાભથી વિમુખ કરે છે. આ ઉપરથી જણાશે કે સાચી માન્યતા બાંધવામાં ત્રણ બાબતની જરૂર પડે છે. એક તો ખોટી માન્યતા દુર કરવી. પરમાત્માના લાભથી દુર રાખે તેવી માન્યતાથી દુર રહેવું અને બીજું સત્ય કોને કહેવું તે કોઈ અનુભવી આત્મજ્ઞાની મહાપુરુષની અનુભવથી જાણવું. અને ત્રીજું જ્ઞાન કોને કહેવું તે સમજવું. ઉત્તમજ્ઞાન કયું છે જે જગતના પદાર્થો અને જીવો પરમાત્માની સાથે એક રૂપમાં જણાય જે જ્ઞાનથી તેને સાત્વિક જ્ઞાન કહેલું છે. અને જે જ્ઞાનથી સઘળું જુદું જુદું અને ભિન્ન ભિન્ન ભેદ યુક્ત જણાય તે જ્ઞાન રાજ્સ જ્ઞાન છે. અને જે જ્ઞાનથી જીવનનો હેતુ જ સમજવામાં ન આવતો હોય અને સંસારની આસક્તિની વૃદ્ધિ કરે તે જ્ઞાન તામસ જ્ઞાન છે. સાત્વિકજ્ઞાન તેજ સાચું જ્ઞાન છે. ભલે આપણે વહેવાર કરતા હોઈએ પણ વહેવાર વખતે પણ જાગૃતિ રહેવી જોઈએ કે હું સચ્ચિદાનંદરૂપ છું. ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. અને જો આવી જાગૃતિ રહેશે તો નાની નાની ક્રિયા થશે તેમાં પણ ઘણું જ સૌદર્ય લાગશે.

સંસાર ખરાબ નથી આપણી દૃષ્ટિ ખરાબ છે. આપણું મન ખરાબ છે. સંસારમાં પ્રભુના દર્શન કરવાની ટેવ પાડવી જોઈએ તો સઘળું સારું દેખાશે. અને સુંદર દેખાશે. અને સંસારમાં અદભુત સૌદર્યના દર્શન થશે. જ્ઞાનના આવા ત્રણ પ્રકાર થવાનું કારણ તે છે કે ઘણીવાર જ્યારે મન એક વસ્તુ માગતું હોય છે ત્યારે પ્રાણ બીજુ વસ્તુ માગે છે. મન કહે છે ધર્મનુ સુખ દે પ્રાણ કહે છે કામનું સુખ દે. ત્યારે શરીર ત્રીજુ માગે છે. અર્થ સુખને પરંતુ મનને જ્યારે એવું સમજાય કે ભગવાન પહેલા છે આ સૃષ્ટિના પદાર્થો ન હતા ત્યારે પણ ભગવાન હતા અને આ પદાર્થો નહીં હોય ત્યારે પણ ભગવાન હશે. ભગવાન સૌની પહેલા છે અને સઘળું જે ચાલે છે તે તેની સતાથી ચાલે છે. છતાં પ્રાણ અને શરીર આપણી પાસે પહેલી તે વસ્તુ મૂકે છે. મન પ્રાણ તથા શરીર ત્રણે જુદા ન લાગે પણ આત્મામાં એકરૂપ લાગે આત્માનો અનુભવ લાગે. પ્રાણ અને શરીરના ધર્મ સામાન્ય રીતે મનને એવી રીતે મનાવવાનો પ્રયત્ન કરે છે કે જેટલું આ જગત દેખાય છે તે સાચું છે. અને તેથી પ્રાણ સુખ અને શરીરના સુખ સિવાય સંસારમાં કશું પણ નથી. પછી તેમાં સામાન્ય સ્વભાવવાળું મન પણ મદદ કરવા લાગે છે. તેથી ત્યાં જ્ઞાન જ ઉપયોગી થશે. કે જયારે મન પ્રાણ તથા શરીર સુખને પ્રાપ્ત કરવા માટે મદદ કરે ત્યારે મનને જ્ઞાનથી સમજાવવું તે જ્ઞાનનું કામ પહેલું છે કે તેને જીવનનો હેતુ શું છે શા માટે જીવન છે જીવવાનો મતલબ શો? વગેરે વગેરે અને તેવા જ્ઞાનથી મનને પણ તેવી ખાત્રી થવી જોઈએ વિશ્વાસ બંધાવો જોઈએ કે જેથી પ્રાણ તથા શરીર પણ પોતાનો વિરુદ્ધ સ્વભાવ છે તે બતાવે નહીં અને તેવી માગણી છોડી દે છે.

પ્રાણ અને શરીરના સ્વભાવ ફેરવવા કે બદલાવવા માટે જ ધ્યાન છે અને તે માટે ધ્યાન કરવાની જરૂર છે પરંતુ ધ્યાન કેમ કરવું કેટલું કરવું કેટલા કલાક કરવું? આ સમજવા માટે આપણે ધ્યાન વગરનો જે સમય છે તે કેવો કાઢીએ છીએ કેમ કાઢીએ છીએ તેના ઉપર આધાર છે. અને તે સમયે કેમ ગાળવો તે શીખવું પડે છે. તેમાં પણ મનને કેળવવું પડે છે. અને તે સમય ગાળતા આવડવું જોઈએ. જો તે સમયે પ્રસન્ન નહીં રહી શકીએ તો ધ્યાન વખતે પણ વિક્ષેપ થશે. વાસ્તવિકતામાં તો સાચું ધ્યાન તે છે કે જેમાં પ્રયત્ન ન કરવો પડે પણ ઉલટાનું ધ્યાન છોડવામાં કે ધ્યાનથી બહાર આવવામાં તકલીફ પડે તે સાચું ધ્યાન છે. અને જો આવી સ્થિતિ હોય તો તે વિકાસનું લક્ષણ છે. તેમ જાણવું. ઘણા માણસો એટલે કે સાધકો ધ્યાનમાં બેઠા હોય ત્યારે તેને ખુબ આનંદ જનક દશાનો અનુભવ લેતા પણ હોય છે. જગતને પણ ભુલી જતા હોય છે. પરંતુ જો કોઈ માણસ તેના ધ્યાનમાં વિક્ષેપ કરે કે ભંગ કરે તો બહુત ક્રોધિત થઈ જાય છે. ભંગ કરનાર ઉપર ધૃણાની તથા તિરસ્કારની દૃષ્ટિથી જુવે છે. અણગમો ઉભો કરે છે અને જાણે શત્રુ કેમ હોય તેવું જણાય છે. જાણે ધ્યાન કરીને ભગવાનનું માગણું કે દેવું કેમ ચુકવતો હોય તેવું જણાય છે. ધ્યાન કરવું એટલે ભગવાનનું દેવું ચૂકવવાનું નથી. આપણા તન મનને ઠીક કરવા માટે ધ્યાન કરીએ છીએ અને ધ્યાનમાંથી ઉઠયા પછી પણ ભગવાનનો અનુભવ કરવાનો છે. ધ્યાનમાં ભગવાનનો અનુભવ લેવા માટે બેઠા હતા આંખ બંધ કરીને તે પછી ખુલી આંખે પણ અનુભવ કરવાનો છે. આપણા જીવનની નાનામાં નાની ક્રિયા થતી હોય તે પણ ભગવદ ભાવમાં ફેરવવાની છે. આવી સ્થિતિ બંધાય જીવનની ત્યારે કાંઈ પણ આ સંસારમાં નિરઉપયોગી નથી. ધ્યાન વખતે જે સત્વગુણી સાત્વિકજ્ઞાન થયું હોય તે વહેવાર વખતે પણ પ્રાણ અને શરીર તે જ્ઞાનમાં ભેદ ન પડાવે તેની સંભાળ રાખવાની જરૂર પડે છે.

જગતનો વહેવાર પોતાના જાગૃત ચૈતન્યથી ગ્રહણ કરવો જોઈએ. વળી તે પણ સમજવાની જરૂર છે કે પ્રાણના ધર્મ અને શરીરના ધર્મ આત્માના મૂળ સ્વરૂપને કાંઈ પણ હાની કે બગાડી શકતા નથી કે તેનાથી આત્માનું સ્વરૂપ બગડતું નથી. તે તો સ્વરૂપથી જેવો ને તેવો રહે છે. પરંતુ જ્યારે પ્રાણના ધર્મ તથા શરીરના ધર્મ પોતાના સ્વાર્થનું સુખ પહેલું માગે છે. અને સાચી સમજણ જો ન હોય કે આંતર જાગૃતિ ન હોય તો આત્માનો અનુભવ થઈ શકતો નથી. આત્મા કે પરમાત્માનો થયો ન હોય તો પણ કેટલાક ભક્ત પરમાત્માના ગુણનું વર્ણન કરે છે તે જરા પણ ખોટું નથી. કારણ કે તે પરમાત્માના ગુણો અનુભવ વખતે ઉત્પન્ન થતા નથી. અને અનુભવ પછી જતા રહેતા નથી. કાયમને માટે જે વસ્તુ નિત્ય છે. તે શરૂઆતમાં પણ હાજર છે. અને તે શ્રદ્ધા તથા પ્રેમથી જ અનુભવમાં આવે છે. અનુભવ વિના પરમાત્માનું જ્ઞાન થતું નથી. પણ અનુભવ માટે કેટલુંક જ્ઞાન શ્રદ્ધાથી તથા પ્રેમથી જ અનુભવમાં આવે છે. અનુભવ વિના પરમાત્માનું જ્ઞાન થતું નથી. પણ અનુભવ માટે કેટલુંક જ્ઞાન શ્રદ્ધાથી માની લેવું પડે છે. તેથી ગુરુ અને શાસ્ત્રની જરૂર પડે છે કે જેથી સાચી માન્યતાની શરૂઆત કરી શકાય.

જીવનનો હેતુ પ્રાપ્ત થયા પહેલા સમજીને માની લેવામાં ફાયદો છે. નુકસાન નથી. અને તે માન્યતા વગર જ્ઞાનની વાતો પણ સમજાશે નહીં. બધા જન્મે છે અને બધા મરે છે. તેટલુ તો સૌ કોઈ સમજે છે. અને વાતો પણ કરે છે તેથી માત્ર તેટલું જ જીવન જોવાથી જીવનની ખરી કિંમતનો વિચાર કર્યા વિના જીવનનું સાચું ફળ દેખાશે નહીં. તેથી જીવનની સાચી કિંમત સમજાવનારા ધર્મો અને સંપ્રદાયોની જરૂર છે. માણસ કપડાં ઘરેણા પહેરે પછી તે માને છે કે મને મારા કપડા ઘરેણા શોભા આપે છે. પરંતુ કપડા ઘરેણા માણસને શોભા આપતા નથી. કપડા ઘરેણાને માણસ શોભા આપે છે. અને જે લોકોને આત્માનો અનુભવ થયો હોય છે તેઓ પોતાનો માર્ગ સામાન્ય માણસને સમજાવવા માટે એક જાતની રીત કે પદ્ધતિ ગ્રહણ કરે છે. તે પદ્ધતિ વખત જતા સંપ્રદાય અથવા ધર્મનું રૂપ ધારણ કરે છે. વળી માણસની પ્રકૃતિ પ્રમાણે સમજાવવાની પદ્ધતિમાં ફેર પડવાથી જુદા જુદા કેટલાક સંપ્રદાયો થાય છે અને તે પણ સત્ય છે કે સંપ્રદાય વિના સત્ય સમજવાની પદ્ધતિ મળશે નહીં. પરંતુ ત્યાં મુખ્ય બાબત તે છે કે જે હેતુથી અને જે અનુભવથી સંપ્રદાયના મૂળ પુરુષે સંપ્રદાય ઊભો કર્યો છે તે અનુભવ ઉપર દૃષ્ટિ રાખવી જોઈએ. નહીંતર ખોટી રુઢિઓમાં ફસાવાનું જરૂર થાય છે. જે અનુભવ માટે સંપ્રદાય ઉત્પન્ન થયો હોય તે અનુભવ ન મળે ત્યારે સંપ્રદાય ફેરવવાનું મન પણ થાય છે. કેટલાક એમ કહે છે કે સંપ્રદાયથી ધર્મના વાડા બંધાય છે. અને તેથી સત્ય સમજવાની મુશ્કેલી વધે છે. જેમ જેમ વાડા વધતા જાય તેમ તેમ સત્ય ઢંકાતુ જાય છે. જ્યાં સુધી જીવનનો હેતુ નક્કી થયો ન હોય કે સમજાયો ન હોય ત્યાં સુધી તેને સંપ્રદાયની વળી શી જરૂર. પશુને પોતાના જીવનના હેતુની ખબર નથી તેથી તેને સંપ્રદાયની શી જરૂર. અને જરૂર જણાતી પણ નથી. જેને મન જીવન એક એવી નદી હોય કે જેનો છેડો પણ ન હોય અને જેનો અંત પણ ન હોય તો સંપ્રદાયની શી જરૂર. પરંતુ જીવનનો કોઈ અર્થ છે નિરર્થક નથી રહસ્ય છે અને સંપ્રદાય જીવનનો અર્થ સમજાવે છે. રહસ્ય બતાવે છે. સંપ્રદાય એટલે સારી રીતે જે સારું પ્રદાન કરે આપે તે સંપ્રદાય કહેવાય. એટલે સંપ્રદાય જીવનનો અર્થ બતાવે છે. અને તેટલું જ નહીં પણ સંસારનું મૂળ તથા અંત પણ બતાવે છે. અને સંસાર તથા જીવન કે જે શાશ્વત જીવન છે. તે બંનેને મૂળમાં એક કરીને બતાવે છે.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (7)


ગતાંકથી આગળ…


ઘણાનું તેવું માનવું કે કહેવું હોય છે કે જગત આપણને સુખરૂપ થવું જોઈએ. પરંતુ કોઈ પણ એમ કહી શકે તેમ નથી કે જગતમાં આપણી સઘળી ઇચ્છા પૂરી થવી જોઈએ. જગતના પદાર્થો અનંત છે તેમ ઇચ્છાઓનો પણ અંત નથી. અને જગત પાસે આપણી માગણીઓ એવી અને એટલી હોય છે કે સઘળી મૂર્ખાઈ ભરેલી વિચાર કરતા જણાય છે. આપણે જેવી માગણીઓ જગત પાસે મૂકીએ છીએ કે કરીએ છીએ તેવી મહાપુરુષો કરતા નથી. જગત આપણને સુખરૂપ થવું જોઈએ તે કહેવું ઠીક છે પરંતુ સુખરૂપ ન થાય તો તેથી જગત ખરાબ છે તેમ કહેવાય નહીં. કારણ કે તેમાં આપણી ઇચ્છાઓનું જ ઠેકાણું નથી. માટે તે પણ વિચારવાનું રહ્યું કે કઈ જાતની અને કયાં પ્રકારની તથા કેવી ઇચ્છા સારી કહેવાય તે પણ સમજવાની પહેલી જરૂર છે.

સત્ય કે પરમાત્મા આપણી ઇચ્છા પ્રમાણે વળે નહીં અને જો વળે તો સત્ય નથી. અને ઉલટું સત્ય તો એવું હોવું જોઈએ કે આપણી ઇચ્છાને સત્ય બનાવે. તેથી સત્ય કેને કહેવું તે પણ જાણવાની ખાસ જરૂર છે. આ જગતમાં આપણે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રાણીઓ જોઈએ છીએ. અને તે તે પ્રાણીને આપણે તે તે પ્રકારનું નામ પણ આપીએ છીએ. કુતરો ઘોડો ગધેડો સાપ વીંછી ઇત્યાદિ ઇત્યાદિ અને સઘળાને ભિન્ન ભિન્ન દૃષ્ટિથી નિહાળીએ છીએ. પરંતુ આપણને તે પ્રાણીઓ કઈ દૃષ્ટિથી જોતા હશે આપણે તેને આ પુરુષ છે આ સ્ત્રી છે તેવું દૃષ્ટિમાં નહીં હોય ત્યારે કુતરો ગધેડાને ગધેડારૂપે કે સાપને સાપરૂપે કે વીંછીને વીછીંરૂપે તેમ પરસ્પર નહીં જોતા હોય અને જ્ઞાનીની દૃષ્ટિમાં તો આ ભિન્ન ભિન્ન દૃષ્ટિ કે સંખ્યાની ગણના નથી. તેને તો સઘળું એકરૂપ ભાસે છે. સંખ્યાની ગણના તથા ભિન્નતાની દૃષ્ટિ તે માણસની છે. તેમાં કાયમને માટે વસ્તુ તો વસ્તું છે. વસ્તુનું સ્વરૂપ ફરતું નથી પરંતુ વસ્તુને આપણે જેવા ભાવથી જોઈએ તેવી દેખાય અને તેમાં આપણે સામાન્ય દૃષ્ટિથી જોશું તો જગતનો કે વસ્તુનો સામાન્ય ભાવ જણાશે. અને વિશેષ દૃષ્ટિથી કે જ્ઞાનની દૃષ્ટિથી જોશું ત્યારે વિશેષ ભાવ જણાશે. પરંતુ સામાન્ય વિષેશ તે વસ્તુમાં નથી તે આપણો ભાવ છે. વસ્તુઓનો મૂળભાવ ફરતો નથી. આપણા મનોભાવ ફરતા રહે છે. સામાન્ય બુદ્ધિથી માનેલ ભાવ સાચો માનવાથી વિશેષ ભાવ અનુભવની બહાર જતો રહે છે. અને વહેવારિક સુખ સાચું છે પરંતુ તે કામ પુરતું હોય છે. અને તે એમ બતાવે છે કે જીવન સુખ માટે છે પણ જ્યારે એ જીવનને બરાબર વાપરતા ન આવડે ત્યારે સુખની હદ કે મર્યાદા બંધાઈ જાય છે. કે જે સુખ પાછળથી દુ:ખરૂપ દેખાવા લાગે છે.

જે જ્ઞાનથી સુખ વધે તે જ્ઞાન ઉપયોગી છે. જુદા જુદા ધર્મો વિશે ચર્ચા કરવાથી કેટલીક વાર વાદ વધે છે. અને સુખને બદલે દુ:ખ ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષો તો પૂર્ણ તથા આખી વસ્તુનો અનુભવ લે છે. જ્યારે સામાન્ય માણસ તેના એક ભાગનો વિચાર કરે છે. પૂર્ણ કે આખી વસ્તુની વાત કરવી મુશ્કેલી પડે છે. છતાં તે મહાપુરુષોની વાણીમાં જણાય આવે છે. વાસ્તવિકતામાં તો ભિતરમાં પ્રેમ જાગૃત હોય અને પછી પ્રેમની વાતો કરે તો તે શોભે છે. તેમ અંદર આત્મજ્ઞાન હોય અને આત્માની વાતો કરે તો તે શોભે છે. અંદર આત્મજ્ઞાન કે આત્માની અનુભૂતિ ન હોય અને આત્માની વાતો કરે તેની કોઈ અસર બીજા માણસ ઉપર થતી નથી. સામાન્ય ભાવથી જ્યારે તેનો વિચાર થાય છે ત્યારે પૂર્ણ કે આખા કરતા ઓછું માલુમ પડે છે. વળી આપનારમાં જ્ઞાન હોય પણ લેનારમાં તે વિશે પુરી જિજ્ઞાસા ન હોય તો પણ તેની અસર થતી નથી.

પૂર્ણરૂપમાં ગ્રહણ ન કરવું તેનું નામ જ અજ્ઞાન છે, કે કહે છે. અજ્ઞાન વસ્તુના એક ભાગમાં રહે છે. પણ તે ભાગ બહારના જગતમાં નથી. જીવાત્મા પોતાની મતલબથી પૂર્ણમાંથી થોડું ગ્રહણ કરીને તેને આખું માને છે. અને પછી વધારે વિચાર કરતાં તેને પાછળથી અપૂર્ણ લાગે છે. અને અપૂર્ણ લાગતા દુ:ખી થાય છે. ભગવાનનું અસ્તિત્વ આપણે દલીલથી સિદ્ધ ન કરી શકીએ કે કરી શકાય તેમ નથી કારણ કે તે સિદ્ધ પ્રસિદ્ધ વસ્તુ છે. તેથી તે તર્કની પહેલા પણ સિદ્ધ જ છે. સિદ્ધ પ્રસિદ્ધ ને તર્કથી કેમ સિદ્ધ કરવું. અને જે સિદ્ધ પ્રસિદ્ધ વસ્તુ છે તે બીજા સાથે સબંધમાં આવવાથી તે ફેરફાર પામતી નથી. આપણે ભગવાનના જેટલા ગુણોનું વર્ણન કે વિચાર કરીએ છીએ તેટલા ગુણોમાં ભગવાન સમાઈ જતા નથી. તેથી તેને અનંત ગુણોવાળા કહેલા છે. જે અનંત ગુણોવાળા છે તેને વિચારથી અને શ્રદ્ધાથી એટલે કે સાચી માન્યતાથી પહોંચી શકાય છે. જે વસ્તુ આપણી નજીક તથા નિકટ છે. જે નિત્ય છે. જેની સત્તાથી વિચાર ચાલે છે. તેને શ્રદ્ધાથી સ્વીકાર્યા વિના માત્ર તેને વિચાર પકડી શકશે નહીં.

ક્રિયાથી સત્તાને પૂરી ગ્રહણ કરી શકાતી નથી. પણ સત્તાથી ક્રિયાને પૂરી ગ્રહણ કરી શકાય છે. જે જ્ઞાનથી એવી વસ્તુ મળે કે જે મેળવ્યા પછી કાંઈ પણ મેળવવાનું રહે નહીં તે ખરું જ્ઞાન છે. ખરું જ્ઞાન કિંમતી છે. જો સાયન્સ કે વિજ્ઞાનવાળા સાયન્સ કે વિજ્ઞાનથી સુખ વધારી શકે તો તત્વજ્ઞાની તત્વજ્ઞાનથી કેમ સુખ વધારી ન શકે? પરંતુ સાયન્સ કે વિજ્ઞાનથી મળતા સુખ માટે પણ કેટલીક માન્યતાઓ પહેલેથી માની લેવી પડે છે. તેમ તત્વજ્ઞાનના સુખ માટે પણ કેટલીક માન્યતાઓ પહેલેથી સ્વીકારી લેવાની જરૂર પડે છે. જે જ્ઞાનથી આખું જગત સમજાય છે તે જ્ઞાન બુદ્ધિથી પર છે. છતાં તે જ્ઞાનનો સ્વભાવ સમજીને પહેલેથી સ્વીકારવાથી ફાયદો થાય છે. તેથી જ્યારે વેદાંત સંપ્રદાયના આચાર્યો પ્રસ્થાનત્રયી ઉપર ટીકા લખે છે. ત્યારે ઉપનિષદના સુત્રોને પ્રમાણ વડે વાપરે છે. હાલમાં એટલા એટલા લેખો પણ આવે છે કે સઘળા લેખકો અનુભવી હોતા નથી. અને જેમ તેમ જ્યાંથી ત્યાંથી સાંભળેયુ કે વાંચેલુ લખી નાખતા હોય છે. આત્માની ઉચ્ચ સ્થિતિનો અનુભવ જ વાસ્તવિકતામાં તો પ્રમાણ છે પરંતુ તે પ્રમાણને સ્વીકારવાને બદલે સમાજના લાભની સામે પોતાનો પણ કાંઈક અહં થોડી દાંભિકતા બીજું જે હોય તે અન્યનું ખોટું એમ સમજાવે છે. અને મારું હું જે કહું છું તે સાચું છે અને સમાજના ગમે તેવા ધર્મને દેવવાણી માને છે. અને પછી દેવવાણીને ઓળંગી ના શકાય તેવી માન્યતા ઉપર ચડી જાય છે. આવા આવા કારણોને લઈને સત્ય સહેલાઈથી સમજાવી શકાતું નથી. સત્યના પણ પ્રયોગો કરવા પડે છે. અને તે કયારે પુરા થશે તે કહી ના શકાય કે કહી શકાતું નથી.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (6)


ગતાંકથી આગળ…


અહીં એક તત્વનું સ્વરૂપ સમજાવવા માટે જે ભાષાનો ઉપયોગ કરવો પડે છે અને અજ્ઞાન દશામાં જે શબ્દો અને તેના અર્થો સમજાવવામાં આવે છે કે તેમાં જે શબ્દોનો અર્થ સમજાવવામાં ઉપયોગ કરવામાં આવે છે તે શબ્દો જ્ઞાન દશામાં નવા અર્થ માટે કામ આવી શકતા નથી.તેથી તે જ્ઞાનદશાના અર્થ સમજાવવા માટે મહાત્માઓ નવા નવા શબ્દો વાપરે છે. અને તેમાંથી જ ભજન વાણીના શબ્દો નવા નવા વપરાતા રહ્યા છે. અને પ્રવચનમાં પણ અલગ અલગ ઢંગથી કે રીતભાતથી શબ્દો વસ્તુને સમજાવવા મહાત્માઓ કહેતા હોય છે. અને તેવા શબ્દોથી તેના શિષ્યો તથા તે દશામાં જ રહેલા હોય તેને ફાયદો થાય છે. પરંતુ તે શબ્દો બીજાને ઉપયોગી થતા નથી. તે શબ્દો પૂર્ણ સમાજને કામ આવતા નથી. સમાજને પોતાના શબ્દોમાં નવા અર્થ જોઈએ છે અને તે કામ બરાબર બની શકતું નથી. અને ઇશ્વર કે પરમાત્મા એક છે છતાં ધર્મને નામે જુદા જુદા સંપ્રદાયો પરસ્પર મારા તારા ભગવાનનો ભેદ પાડીને લડતા હોય છે. જ્યારે જ્ઞાનની ભાષા સમજવાની અને નવા પ્રકારના વિચારોની ટેવ પાડવી જોઈએ.

આ સારું એ જગત આનંદમય અને ચૈતન્ય સ્વરૂપ છે સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વભાવવાળું છે છતાં અમને અસત જડ તથા દુ:ખરૂપ દેખાય છે કારણકે તે આપણે જે કાચથી
કે દુરબીનથી જગત કે કોઈ પણ વસ્તુ જોઈએ છે ત્યારે ત્યાં કાચ કે દુરબીન પોતાનો ધર્મ પ્રગટ કરે છે. દુરબીન એક તો દુરનું નજીક જેવું દેખાડે છે અને ઘણા કાચ નાની વસ્તુને મોટી કરીને દેખાડે છે તે વસ્તુનો ધર્મ નથી. પણ તે કાચનો ધર્મ છે. વસ્તુ વસ્તુ જ હોય છે. આપણે ક્યારે આપણા શરીરને કોઈ કાચમાં જોશું તો આપણા કદના માપ કરતા ઘણું મોટું તથા લાંબુ કે વિકૃતિવાળું દેખાશે ઘણા કાચમાં આપણું માથું મોટું છાતી પેટ ઘણા નાના મોટા વિકૃતિવાળા પગ કેડેથી ખુબ લાંબા દેખાય. કોઈકમાં ટૂંકા દેખાય અને કોઈમાં કેડથી ઉપરનો ભાગ ઘણો જ કદરૂપો દેખાતો હોય છે અને ઘણા કાચમાં આપણા બિંબ જેવું પ્રતિબિંબ દેખાતું હોય છે. તેથી તે સઘળો કાચનો ધર્મ છે તો આપણે જે જગત જોઈએ છે તેમાં આપણને જે ઇન્દ્રિયો મન બુદ્ધિ જે બતાવે છે તેટલું સાચું માનીએ છીએ. અને જગતનો જે જોયા વગરનો ભાગ છે તે કે જેની સાથે મન બુદ્ધિ તથા ઇન્દ્રિયોને સબંધ થયો નથી તે જગત નથી તેમ મનાય છે. એટલા માટે આપણે જેમ આપણા શરીરના કદમાં કે બિંબ પ્રતિબંબમાં કાચ પોતાનો ધર્મ બતાવે છે તે કાચનો ધર્મ પણ સમજવો પડે નહીંતર માન્યતામાં ભૂલ થાય તેમ અહીં પણ જગત સચ્ચિદાનંદ સ્વરૂપ કે સ્વભાવવાળું દેખાવાને બદલે અસત જડ તથા દુ:ખરૂપ દેખાય છે તેમાં અજ્ઞાન તથા માયા અને સત્ય કે પરમાત્માને સમજવા માટે આપણે દશા ફેરવવી પડે જે દશાથી જોઈએ છીએ તે દશાથી પરમાત્માને ન જોઈ શકાય કે સમજી શકાય.

જીવનમાં જો સાચો પ્રશ્ન થશે તેના સાચા ઉતર પણ મળશે. જ્યાં પ્રશ્ન થાય છે ત્યાં જ ઉતર છે. કારણ કે દુરબીન કે કાચમાં જે દેખાય છે તેની ભૂલ કયાં થાય છે તેનો ઉતર પણ ત્યાં દુરબીન કે કાચમાં જ છે. કારણ કે સમાન્યરૂપમાં જે દેખાતા પદાર્થોના વિરુદ્ધ સ્વભાવો તે તે દૃષ્ટિ કે દર્શન દુર થતાં દેખાતા નથી કે વિરુદ્ધ રહેતા નથી.

સામાન્ય રૂપમાં માણસ પોતાને હું હું કરતો ચાલે છે. તેમાં હું તેનો મુખ્ય વિષય તો ચૈતન્ય છે. છતાં દેહ ઇન્દ્રિયો તથા અંતઃકરણને વિષય બનાવીને જે હું હું કરતો હોય છે તે દુરબીન કે કાચમાંથી જોયેલો હું છું. ઇન્દ્રિયો મન બુદ્ધિ બધા સેળભેળ કરીને અનુભવ આત્મા સુધી પહોંચાડે છે અને તે હું જ્યારે જ્ઞાનદશા થાય છે તેમાં તે હું રહેતો નથી. આ વાતને આપણા અનુભવી મહાત્માઓ સારી રીતે સમજી શકે છે. તેવી જ રીતે સામાન્ય ભાષાના શબ્દોના બધા અર્થો પણ જ્ઞાનની દશામાં ફરી જાય છે. આત્માના કે પરમાત્માના ક્ષેત્રને માટે ભાવ કે રસ જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી તે ક્ષેત્ર ના ધર્મ કે અર્થ સમજાશે નહીં.

આ પરમાત્માના ક્ષેત્રમાં આખું સમષ્ટિ જીવન એક સાથે ચાલતું હંમેશા આપણી નજર આગળ રહે છે. અને તે જ દૃષ્ટિથી બહારની વસ્તુઓની આપણે કિંમત આંકીએ છીએ. અને તેવી ઉતમ દૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે પણ ટેવ પાડવી જોઈએ.

જે જગતમાં સુખ તથા સૌંદર્ય જોઈ શકતા નથી અને દુ:ખ તથા દીલગીરી જુવે છે તે ખરૂં સાચું જગત જોઈ શકતા નથી. તેમનું જોયેલું જગત તે પૂર્ણ જગત કે આખું જગત નતી. તે તેમનુ પોતાનું માનેલું જગત છે. આપણ જે જ્ઞાનથી ઓછી તથા અલ્પ વસ્તુ જોઈએ છે તે જ્ઞાનથી આપણે પૂર્ણ કે આખી વસ્તુ જોઈ શકશું નહીં. તેથી આપણા જીવનની શરૂઆતમાં આત્મજ્ઞાનની બહુ જ જરૂર છે. જો જ્ઞાન હશે તો વહેવાર અને પરમાર્થની એકતા સમભાવે સહજ રીતે કરી શકાશે.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (૫)


ગતાંકથી આગળ…


આપણા ઋષિ મુનિઓ તેમ કહે છે કે ભગવાનની પ્રાપ્તિ માટે જે સાધન ઉપયોગમાં લેવામાં આવે છે તે કરતા ભગવાન માટે જે પ્રેમની જરૂર છે તે સમજવાની વધુ જરૂર છે. કારણ કે ભગવાન કોઈ એકદેશીય કે એકકાલીય નથી કે સાધનથી સાધ્ય થાય. તે કોઈ સાધનનું સાધ્ય નથી. તેને માટે તેવા પ્રેમની જરૂર છે. શ્રદ્ધાળુ તથા આસ્તિક લોકો માને છે કે ભગવાનનો જો સબંધ થઈ જાય તો માણસ પરમ સુખી જ્ઞાની અને અમર થઈ જાય છે. આ બાબત શ્રદ્ધાથી સ્વીકારવી તે ખોટી માન્યતા નથી. કારણ કે આવી શ્રદ્ધાથી ઘણા આસ્તિક શ્રદ્ધાળુ માણસો પરમ સુખી જ્ઞાની તથા અમર થઈ ગયા છે. જેની ગાથાઓ ગવાય છે. પદો ગવાય છે અને તે પદોમાં પોતનો નિજ અનુભવ પણ પ્રગટ કરતા ગયા છે. પરમ સુખી થવાનો જ્ઞાની અને અમર થવાનો.પરંતુ આપણે ભગવાન ભગવાન કહીએ છીએ પણ ભગવાન શબ્દનો અર્થ શું થાય તેમાં પણ જુદા જુદા વિદ્વાનો જુદી જુદી રીતે કરતા હોય છે. માટે સમજનારને ભગવાન શબ્દથી કેટલી સમજણ આવે છે તે પહેલા તપાસવું જોઈએ. જયારે ભગવાન શબ્દથી સઘળી સમજ આવી જાય મતલબ કે જ્યાંરે કાંઈ પણ જાણવાની ઇચ્છા ન રહે અને જરૂર પણ ન રહે ત્યારે ભગવાન શબ્દનો અર્થ પૂરો સમજાયો તેમ કહેવાય. કારણ કે જેણે પહેલો વહેલો ભગવાન શબ્દ વાપર્યો હશે તેને ભગવાનનો જે બોધ કે જ્ઞાન થયું હશે. પછી ભગવાન શબ્દ વાપર્યો હશે. ત્યારે તે શબ્દમાં જે તેને બોધ મળેલો અને પહેલી વખત જ ભગવાન શબ્દનું ઉચ્ચારણ નીકળેલું તેવો બોધ આપણને પણ મળે ત્યારે માનવું જોઈએ કે ભગવાન શબ્દનો અર્થ સમજાયો છે.

પૂર્વે પહેલા જમાનામાં પણ ભગવાન શબ્દનો શું અર્થ કરતા હશે? કોઈ માનતા કે ઉપર બેઠો છે. કયાં આકાશમાં. કોઈ માનતા કે સ્વર્ગમાં ઉપર બેઠો છે. અને વાતવાતમાં પણ વહેવારમાં જ્યારે પોતાની બુદ્ધિ કંઈપણ નિર્ણય ન લઈ શકે ત્યારે પણ કહેતા હોય છે કે તે ઉપરવાળો જાણે હું કાંઈ પણ જાણતો નથી. ત્યાં પણ તેની કોઈ માન્યતા છે કે ઉપર કયાંક બેઠો છે. અને તેની ભુલને લઈને ભગવાન શબ્દનો અર્થ ન સમજવાને કારણ સૂર્ય વરૂણ અગ્નિ વાયું ઇત્યાદિકની ઉપાસના પણ કરતા હતા. ઘણા ભગવાનને કોઈ એક સ્થાનિય જગ્યાવાળા પણ માનતા હોય છે. ઘણા કર્મને પ્રધાન્યપણુ આપવાવાળા એમ પણ માનતા હોય છે કે સારા સારા કામ કરો ભવિષ્યમાં ભગવાન મળશે. ભગવાન ભવિષ્યમાં મળવાની વસ્તુ નથી. કોઈ તેમ કહે છે તે કોઈ પરિણામનું પરિણામ નથી કે તે રૂપાંતર પામે તે સઘળા કારણનું પણ કારણ છે. બધે વખતે વહેવાર અને પરમાર્થને એક કરવામાં મુશ્કેલી રહે છે. જેઓ વહેવારને પ્રાધાન્ય આપે છે તે પરમાર્થ સબંધમાં ભૂલ કરે છે. અને તે ગંભીર ભુલને કારણ ભગવાન શબ્દનો અર્થ પણ સમજાતો નથી. અને જેઓ પરમાર્થને પ્રાધાન્ય આપે છે કે મુખ્ય ગણે છે તેઓ જગત અને જગતના વહેવારની નિંદામાં રચ્યા પચ્યા રહે છે. આ મુશ્કેલી ચાલી આવે છે અને ચાલશે.

બંધન કોઈને પ્રિય નથી સમાજના બંધનો સમાજ પર નાખવાથી સમાજ કે મનુષ્ય સ્વતંત્ર થઈ શકતો નથી. અને જ્યાં સુધી સાચી સ્વતંત્રતા શું તે ન સમજાય ત્યાં સુધી સમાજ તરફ જોઈએ તેવું વર્તન રાખી શકે નહીં. જ્યાં સુધી જીવનમાં સમભાવ ન આવે ત્યાં સુધી રાગ તથા દ્વેષ જતા નથી. સઘળા ધર્મોમાં સર્વાત્મભાવ તથા અન્ય પ્રત્યે સમભાવની જરૂર માનેલી છે. પરંતુ સમભાવ રાગ દ્વેષ છોડયા વિના આવી શકતો નથી. સમાજમાં ઘણાને રાગ દ્વેષ છોડવાની અનુકૂળતા પણ મળે છે અને ઘણાને રાગ દ્વેષ વધારવાની અનુકૂળતા પણ મળે છે. જ્યાં રાગ દ્વેષ વધારવાના હોય ત્યાં તો મારા મારી સિવાય કશું હોય નહીં. વહેવાર અને પરમાર્થની એકતા કરવી મુશ્કેલ છે. અને જ્યાં સુધી વહેવાર તથા પરમાર્થ એક ન થાય ત્યાં સુધી પૂરું કામ થયું નથી. અથવા પૂરું જ્ઞાન થયું નથી તેમ જ માનવું રહ્યું. અને તેટલા માટે બધા માણસ માટે બધે વખતે કામ આવે તેવા નિયમો ઘડી શકાતા નથી. દરેક માણસે પોતાના સંજોગોનો વિચાર કરી અને જ્યારે એવા સંજોગો ઊભા થાય કે તમારી સામે બે ત્રણ ફરજો સાથે પાલન કરવાનું આવી પડે ત્યારે બે ત્રણ ફરજોનું સાથે પાલન ન થઈ શકે પરંતુ તેમાં જે ઊંચી ફરજો છે તેનો સ્વીકાર કરીને ચાલવું તેવું મહાપુરુષો બતાવી ગયા છે.

આપણે એ વાત ન ભૂલવી જોઈએ કે સ્વભાવથી સંજોગોને જીતવાના છે. આપણે માનવું જોઈએ કે આપણે મહાભારત કે કુરુક્ષેત્રનું યુદ્ધ જીતવાનું છે. તે બીજે કયાંય પણ નહીં પરંતુ આપણા જીવન વહેવારમાં જ. તો આપણે પહેલે વિચારવું જોઈએ કે મારે વહેવારનું સુખ જોઈએ છે પહેલાં કે પરમાર્થનું? જો વહેવારનું સુખ જોઈતું હશે તો સંજોગને કોઈ પણ પ્રકારે જીતી શકાશે નહીં. પરંતુ જ્યાં પોતાને સુખ જોઈતું નથી પણ બીજાને સુખ થાય તેવી ભાવના રહે અથવા બીજાને દુ:ખ આપ્યા વગર પોતાનું સુખ લેવાની ભાવના રહે તે સંજોગોને જીતી શકશે.

આપણા જીવનમાં આપણે શું જોઈએ છે તે પહેલાં નક્કી કરવું જોઈએ. અને તે પહેલે નક્કી કરવાની જરૂર રહે. અને જ્યાં સુધી સાંસારિક અલ્પ સુખમાં વૃતિ રહેશે ત્યાં સુધી સંજોગો જીતી શકાશે નહીં. આ બાબતને મહાત્માઓ તથા પુસ્તકો દ્વારા પણ ખુબ ખુબ સમજાવવામાં આવે છે. મહાત્માઓ પણ પોતાની વાણી દ્વારા પોકારી પોકારીને કહેતા હોય છે તેથી વધારે કહેવાની કે લખવાની જરૂર નથી. અને જે પરમાત્મા કે જેને આપણે ભગવાન કહીએ છીએ તે એક પૂર્ણ કે આખી વસ્તું છે. અને જે પૂર્ણ કે પ્રસિદ્ધ આખી વસ્તું છે તે મને ભવિષ્યમાં કે કોઈ જગ્યાએ છે અને મને તે મળશે. તેમ માનવું જ ભૂલ ભરેલું છે. જેમ આકાશ એક દૃષ્ટાંત તરીકે વિભૂ મનાય છે કે તેને પૂર્ણ માનીએ તો તે કયાં નથી. સર્વ જગ્યાએ છે તેમાં કોઈ વખતથી કે દેશથી અથવા જગ્યાથી ભેદ પડતો નથી. તેથી તે કોઈ જગ્યાએ છે અને મને ભવિષ્યમાં મળશે તેમ માનવું તે જ ભૂલ ભરેલું કહેવાય. તેથી જગત કેવું હતું અને કેવું થશે તેવો વિચાર ન કરતા જગત કેવું છે તે વિચારવું જરૂરી છે. જગત કેવું છે તે સમજ્યા વગર તેને સુધારવા જશું તો તેને બગાડવા જેવું વધુ થશે. આ જગત જેવું છે તેમાં આપણને જે તત્વ ન સમજાયું હોય તેની ખોજ કરવી અને જાણી લેવું જોઈએ. અને તે છે આપણો આત્મા આપણું સ્વરૂપ અને જ્યારે આપણને આપણું સ્વરૂપ કે આત્મા સમજાયો કે જ્ઞાન થયું પછી જગતમાં કોઈ પણ દોષો દેખાશે નહીં. સઘળું સારું નિર્દોષ અને શુદ્ધરૂપમાં દેખાશે. કારણ કે જે જગત આપણને અજ્ઞાન દશામાં દોષરૂપ દુ:ખરૂપ ઇત્યાદિ જે લાગે છે તે જ્ઞાન દશામાં તે જગત આત્મા કે પરમાત્માથી ભિન્ન જણાતું નથી. પણ એક અદ્વૈત સ્વરૂપમાં અનુભવાય છે. સંસાર અને પરમાત્મા એક જ દેખાય છે.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

Create a free website or blog at WordPress.com.