રાષ્ટ્રનો વિકાસ

તમારા વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે?

મીત્રો,

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચુંટણીની મત ગણતરી શરુ થઈ ગઈ છે. તમારા મત વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે તે જાણવાની જિજ્ઞાસા આપને હોય તે સ્વાભાવિક છે. નીચેની લિંક પર ક્લિક કરો. તમારા મત વિસ્તારને ગુજરાતના નકશામાંથી શોધી કાઢો. ત્યાં માઉસનું પોઈન્ટર લઈ જવાથી તમને તે વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે તે જાણવા મળશે.

Gujarat Assembly Poll Result – 2012

હા ભાઈ હા
જ્ઞાન એટલે મુક્તિ અને અજ્ઞાન એટલે બંધન પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા તો હોવી જોઈએ ને?

Categories: આનંદ, ઉત્સવ, ઊજવણી, ગુજરાત, જીવે ગુજરાત, રાષ્ટ્રનો વિકાસ, સમાચાર | Tags: | Leave a comment

આપણું ભાવિ આપણાં હાથમાં

નાનો માણસ ભૂલ કરે તો તેને વ્યક્તિગત નુકશાન થાય. કુટુંબનો મોભી ભૂલ કરે તો કુટુંબને નુકશાન થાય. રાષ્ટ્રનો મોભી ભૂલ કરે તો સમગ્ર રાષ્ટ્રને નુકશાન થાય.

રાષ્ટ્રનો મોભી એટલે આપણો નેતા. આપણાં રાષ્ટ્રને નુકશાનીથી બચાવવા અને રાષ્ટનું હિત જળવાય તેવા પ્રયત્નો અને કાર્યો કરી શકે તેવા નેતાઓ જ્યાં સુધી આપણે ન ચૂંટીએ ત્યાં સુધી રાષ્ટ્ર બળવાન ન બની શકે.

આપણાં નેતાઓ આપણામાંથી જ આવે છે. સત્તા મળ્યાં પછી કાં તો તે નીષ્ક્રીય થઈને ભોગ-વિલાસમાં પડી જાય છે અથવા તો મદાંધ બનીને સત્તાના તોરમાં છકી જાય છે. કોઈક ગણ્યાં ગાંઠ્યા રાજનેતાઓ રાષ્ટ્રહિત માટે કાર્યરત બને છે. વધારે રાજનેતાઓ ભ્રષ્ટ અને સ્વાર્થી હોવાથી સારા અને ભદ્ર રાજનેતાઓ ઈચ્છા હોવા છતાં સારું કાર્ય કરી શકતાં નથી.

આવનારા દિવસોમાં આપણે વધુ ને વધુ સારા નેતાઓ શોધવા પડશે. તેમને ચૂંટણી લડવા મોકલવા પડશે અને તેમને જીતાડીને રાજ્યવ્યવસ્થામાં સામેલ કરવા પડશે.

ભ્રષ્ટ નેતાઓને પ્રજા ઈચ્છે ત્યારે પાછા બોલાવી શકે અને તેમની ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ શકે તેવા કાયદાઓ લાવવા પડશે અને તેનો અમલ શરુ કરાવવો પડશે.

અત્યારે નેતાઓ સમાજને જ્ઞાતિ / ધર્મ / ગરીબી-અમીરી / શિક્ષિત-અશિક્ષિત / સવર્ણ-દલિત અને બીજા અનેક પ્રકારે વિભાજીત કરીને મત મેળવવાનું રાજકારણ ખેલે છે. પોતાની લાયકાતને આધારે નહીં પણ આવા કોઈ પણ મુદ્દાને આગળ ધરીને મત માંગતા ભીખારીઓને સારી રીતે ઓળખીએ અને તેમને જાકારો આપવા અને સાચા કાર્યશીલ નેતાઓને ચૂંટવા માટે પ્રજાએ એકજૂટ થવું પડશે.

પ્રજા સંગઠીત નથી માટે ભ્રષ્ટ / ધૂર્ત / બદમાશ / લુચ્ચા / લફંગાઓ / ગુંડાઓ આપણે માથે છાણાં થાપે રાખે છે અને પ્રજા મુંગા મોઢે સહન કર્યાં કરે છે. શું હવે પછી આવનારી પ્રત્યેક ચૂંટણીમાં આપણે આ ધૂર્ત-દગાબાજોને હાંકી કાઢીને કર્તવ્ય પરાયણ અને પ્રજાહિત માટે કાર્ય કરે તેવા સક્ષમ અને મૂલ્યનિષ્ઠ નેતાઓ ચૂંટવા માટે કટીબદ્ધ થઈ શકશું?

Categories: પ્રશ્નાર્થ, ભ્રષ્ટાચાર સામે લડત, રાષ્ટ્રનો વિકાસ | Tags: , , , , | Leave a comment

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

મિત્રો,

ગુજરાતે આજે તેના અનુભવના ભાથામાં એક વર્ષનો વધારો કર્યો છે. કેટલાંક લોકો જીવનમાં વર્ષો ઉમેરતાં હોય છે અને કેટલાક લોકો વર્ષોમાં જીવન ઉમેરતાં હોય છે. ગુજરાતે તેના વર્ષોમાં જીવનને ઉમેર્યું છે અને તેના જીવનની ફીફ્ટી ક્યારનીયે પુરી કરીને હવે તો વન-મહોત્સવ ઉજવી રહ્યું છે. ગુજરાત તે કોઈ સીમાડામાં બંધ પ્રદેશનું નામ નથી. ગુજરાત એટલે એવું સ્થળ કે જ્યાં એક ગુજરાતી વસે છે. પૃથ્વીના કોઈ પણ પટ ઉપર કે જ્યાં એક પણ ગુજરાતી વસતો હોય તો ત્યાં ગુજરાત જય જય ગરવી ગુજરાતનો શંખ ધ્વની ફુંકીને ખડું થઈ જશે. ગાંધી હવે માત્ર ગુજરાતના નથી રહ્યાં તે વિશ્વમાનવી બની ચૂક્યાં છે. તેવી રીતે સરદારને ય માત્ર ગુજરાત સાથે બાંધી ન શકાય તે સમગ્ર ભારતના છે. મારે આજે વાત કરવી છે એક એવા ગુજરાતીની કે જે માત્ર ગુજરાતના નહી, ભારતના નહી, દુનીયાના નહીં પણ સમગ્ર બ્રહ્માંડના છે. આપણે તેમનો રસાસ્વાદ તેમની એક રચના દ્વારા માણવાનો પ્રયાસ કરીએ :

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

આ ભક્ત કવિ નરસિંહ મહેતા વામનમાંથી વિરાટ બનેલા વામન અવતાર કરતાયે જાણે વિરાટ હોય તેમ તેમના પદની પ્રથમ પંક્તિની શરુઆતમાં જ આખાયે બ્રહ્માંડને આવરી લે છે.

જાણે કે ઈશોપનિશદનો મંત્ર ભણતાં હોય કે :

ઈશાવાસ્યમ ઈદં સર્વં યત્કિંચિત જગત્યાં જગત

આ જે કાઈ છે તે ઈશ તત્વથી આચ્છાદિત કરવા લાયક છે. એક માત્ર શ્રી હરિ અખીલ બ્રહ્માંડમાં વીલસી રહ્યો છે અને જુદા જુદા રુપે જાણે કે તેનો અંત જ ન હોય તેવો અનંત ભાસે છે. શ્રી હરિનો ભાસ દેહમાં બીરાજેલ દેવથી શરુ કરીને સુર્ય ચંદ્ર અને તારાઓમાં યે જે તેજ ભરે છે ત્યાં સુધી વિસ્તાર પામે છે અને છેવટે શુન્યમાં થી પ્રગટ થતાં પરમાત્માના નિ:શ્વાસ જેવી વેદની ઋચાઓમાં પ્રગટ થતો અનુભવે છે.

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

પંચ તત્વોમાં તેની તો સત્તા છે. પવન, પાણી, ભૂમિ, આકાશ અને સમગ્ર વનરાજી સર્વમાં તું જ તો છો. એકલા એકલાં તને મજા નહોતી આવતી તો થયું કે લાવને અનેક રુપે અનેક પાત્રોમાં વિભાજીત થઈને અનેક રસ માણું. તેથી તો તે પ્રકૃતિના ત્રણ ગુણોને લઈને તેમાં તારા સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડના જીવોની અને બ્રહ્માંડની રચના કરી. શિવમાંથી જીવ થવાનો તારો હેતું તો અનેક પ્રકારના રસનો આનંદ માણવાનો જ હતો ને? એટલે તો તને રસોવૈસ: કહે છે ને?

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

સોનાના દાગીનામાં સોનું ક્યાં છે તેવું જો કોઈ પુછે તો હસવું ન આવે? કોઈ કહે કે અરે આ તો કુંડળ છે, આ હાર છે, આ ઝાંઝર છે, આ નથડી છે, આ વાળી છે પણ આમાં સોનું ક્યાં છે? આવું કોઈ પુછે તો સોની શું કહે? કહે કે અરે ભાઈ આ બધું સોનું જ છે. આ તો સોનાને જુદા જુદા ઘાટ આપ્યાં છે. તેવી રીતે કોઈ કહે કે હું હિંદુ છું, મુસલમાન છું, ઈસાઈ છું, બુદ્ધ છું, જૈન છું, પારસી છું તો હવે મારે આ જગતમાં કેવી રીતે વર્તવું? તેને કહેવું પડે કે ભાઈ આ બધું ભુલી જા અને પહેલા તો સમજી લે કે તું માણસ છો. તારામાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયો છે. પાંચ પ્રાણ છે. તારી અંદર લાલ લોહી વહે છે તેવું જ બધાના શરીરમાં વહે છે. તું ખોરાકમાંથી શક્તિ મેળવે છો તેવી રીતે બધા ખોરાકમાંથી શક્તિ મેળવે છે. તું જેવી રીતે મનથી વિચારે છે તેવી રીતે બધા મનથી વિચારે છે. તું ઓક્સીજન શ્વાસમાં લે છે તેવી રીતે બધાં શ્વાસમાં ઓક્સીજન લે છે. તું જેમ પ્રાણોને ટકાવી રાખવા માટે પાણી પીવે છે તેમ બધાં પાણી પીવે છે. જેવી રીતે ઘરેણાના આકારને લીધે તને સોનાને બદલે ઘરેણાં દેખાય છે તેવી રીતે તારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હોવાને લીધે તને મનુષ્યોને બદલે હિંદુ, મુસલમાન, ઈસાઈ, બુદ્ધ, પારસી, જૈન અને બીજા અનેક પ્રકારથી વિભાજીત થયેલ મનુષ્ય દેખાય છે. સોની પાસે કોઈ ઘરેણાનું મુલ્ય કરાવો તો તે ઘરેણાનો ઘાટ જોઈને નહીં પણ સોનાનું વજન જોઈને મૂલ્ય કરશે તેવી રીતે માણસનું મુલ્ય કરવું હોય તો તેનો ધર્મ, જાતી, વેપાર, ઘન સંપત્તિ, પદવી કે સિદ્ધિઓ વગેરે જોઈને નહીં પણ તેનામાં કેટલી માણસાઈ છે તેને આધારે મૂલ્ય થાય.

કબીરા કુવા એક હૈ
પનિહારી અનેક
બરતન સબ ન્યારે ભયે
પાની એક કા એક

બ્રહ્માંડ રુપી કુવામાં ચૈતન્ય રુપી જળ એકનું એક છે. જુદા જુદા મનુષ્યો,પ્રાણીઓ અને વૃક્ષો પનિહારીની જેમ અનેક છે તેમના અંત:કરણ રુપી બરતન અલગ અલગ છે પણ તે સર્વની અંદર જીવરુપે વિલસી રહેલું ચૈતન્ય એકનું એક છે.

ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેહને જે ગમે તેને તે પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

જુદા જુદા મહાપુરુષોને જુદા જુદા સમયે તે એક માત્ર ચૈતન્યનો અનુભવ થયો અને તે અનુભવની વાતો પછી ગ્રંથરુપે પ્રગટ થઈ. લોકો આ ગ્રંથને પ્રમાણ માનીને લડાઈ કરી રહ્યાં છે. હિંદુઓ કહેશે કે મારા વેદને માને તો જ તે આસ્તિક અને નહીં તો નાસ્તિક. મુસલમાનો કહેશે કે જે ઈસ્લામના સિદ્ધાંતો માનશે તે જ સાચો અલ્લાહનો બંદો અને નહીં તો તે કાફર છે. ઈસાઈઓ કહેશે કે ઈસુ ખ્રીસ્તને ન માનો તો તમારું કલ્યાણ નહીં થાય. તેવી રીતે સહુ કોઈ મહાપુરુષના અનુયાયીઓ પોત પોતાના ગ્રંથો લઈને વાદ વિવાદ કર્યાં કરશે. આમ ગ્રંથો સઘળા ગરબડ કરનારા છે. સહુ કોઈ પોતાના મન થી માની લે છે કે તેમના ગ્રંથો જ સાચા છે, તે જે કહે છે તે જ સાચું છે તે જે કાઈ કરે છે તે જ સાચું છે અને બીજા બધા જે કાઈ કરે છે તે ગપ ગોળા છે. ખરેખર તો જેને જે ગમે છે તેને પુજ્યાં કરતા હોય છે. વૈજ્ઞાનિકો કોઈ મહાન વૈજ્ઞાનિક ને આદર્શ બનાવશે, વેપારી કોઈ સફળ વેપારીને આદર્શ બનાવશે, યોદ્ધો કોઈ સેનાપતિને આદર્શ બનાવશે. જેને આદર્શ બનાવશે તેના વિચારો સમજીને જીવનમાં ઉતારે તો કલ્યાણ થાય પણ તે તો માત્ર તેની મુર્તીની કે છબીની પુજા કર્યા કરશે. આમ આદર્શો અને ગ્રંથો ગરબડ ઉભી કરે છે અને સર્વની અંદર જે એક માત્ર શ્રી હરિ વિલસી રહ્યાં છે તેની અનુભુતી થવામાં વિક્ષેપરુપ થાય છે.

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

હવે નરસૈંયો કહે છે કે જો આ પ્રભુને પામવા હોય તો ગ્રંથને પડતાં મુકો, તમારી માન્યતાઓને કોરાણે મુકો અને આ પ્રકૃતિનું અવલોકન કરો. વૃક્ષમાં બીજ રુપે અને બીજમાં વૃક્ષ રુપે તે જ તો સંતાકુકડી રમી રહ્યો છે. બાહ્ય પ્રકૃતિમાં અવલોકન કરવાથી સમગ્ર બ્રહ્માંડમાં તેનો રાસ અને વિલાસ અનુભવાશે અને પોતાના અંત:કરણમાં ધ્યાન દ્વારા પ્રેમપૂર્વક તેનો અભ્યાસ કરવાથી પોતાની અંદર પણ તે જ શ્રી હરિ બ્રહ્માનંદ રુપે પ્રગટ થશે.

તો આવા એક બ્રહ્માંડ માનવી ભક્ત કવિ નરસિંહ મહેતાને આજે યાદ કરીને આપણાં મનમાં રહેલી સર્વ સંકુચિતતા અને કટ્ટરતાનો ત્યાગ કરીને, ભ્રષ્ટાચારથી દૂર રહીને, શિષ્ટાચાર અપનાવીને, વધુ ને વધુ કર્તવ્ય કર્મો કરતાં કરતાં આપણાં વ્યક્તિત્વના, કુટુંબના, સમાજના, ગુજરાતના, ભારતના અને સમગ્ર વિશ્વના વિકાસમાં અને આંતર જીવો પ્રત્યે પરસ્પર પ્રેમ અને સદભાવ ટકાવી રાખવામાં આપણો યથામતિ અને યથાશક્તિ ફાળો આપવાનો પ્રયાસ કરીએ.

Categories: ચિંતન, પ્રેરણાદાયી સાહિત્ય, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભારતિય સંસ્કૃતિ, રાષ્ટ્રનો વિકાસ, સાહિત્ય | Tags: , , , , , , | Leave a comment

ડસ્ટરથી નહીં ચોકથી આગળ વધો – આગંતુક

મિત્રો,

એક વખત એક શિક્ષકે બોર્ડ ઉપર એક લીટી દોરી અને વિદ્યાર્થીઓને કહ્યું કે આ લીટીને હાથ લગાડ્યાં વગર નાની કરી દ્યો. વિદ્યર્થીઓ તો મુંજવણમાં પડ્યા – કેટલાંક દોઢ ડાહ્યાં આગળ આવ્યાં અને ડસ્ટર ઉપાડ્યું અને લીટી ભુંસવાની કોશીશ કરવા લાગ્યાં. તરત શિક્ષકે અટકાવ્યા – લીટીને કોઈ પણ રીતે તમારે અડવાનું નથી. એક વિદ્યાર્થી શાંતિથી બેસીને બધું જોતો હતો – ધીરે ધીરે અને મક્કમ પગલે તે આગળ આવ્યો અને શિક્ષકને કહ્યું કે સર મને ચોક આપો. શિક્ષકે તેને ચોક આપ્યો. તેણે તેનાથી થોડેક દૂર એક વધારે મોટી લીટી કરી અને કહ્યું કે સર જોઇ લ્યો – હવે આ લીટી નાની દેખાય છે કે નહીં? શિક્ષકે તેને શાબાશી આપી.

આપણે પણ જીવનમાં એવું જ કરીએ છીએ ને? હંમેશા બીજાની ટીકા, નિંદા, કુથલી કરી કરીને બીજાની લીટિ નાની કરવાનો પ્રયાસ કરીએ છીએ – પરીણામે આપણે વામણાં દેખાઈએ છીએ. તેને બદલે બીજા જેવા છે તેવા સ્વીકારી લઈએ અને જો આપણે તેના કરતાં વધારે ઉજળાં દેખાવું હોય તો આપણી લીટી મોટી કરીએ – આપણે સારા કાર્યો કરીએ, આપણે વિકાસ કરીએ. આપોઆપ બીજી લીટી નાની થઈ જશે.

ગુજરાતમાં અત્યારે એવું જ ચાલે છે ને? વિરોધીઓ આખો દિવસ બસ મોદિજીની ટીકાઓ કર્યા કરે – તેમને વામણાં બતાવવાનો પ્રયાસ કરે – પરંતુ તેઓ તો સતત કાર્યરત રહે છે, સતત વિકાસ માટે પુરુષાર્થ કરે છે – તે કેવી રીતે પાછા પડે? આવું કરવાને બદલે જો વિરોધીઓ ગુજરાતના વિકાસમાં લાગી જાય, મોદીજીની ટિકા કરવાને બદલે ગુજરાતનો વિકાસ તે જ મહામંત્ર તેવા સૂત્ર અપનાવે અને દંભ નહીં પણ ગુજરાતની જનતા માટે કાર્ય કરે તો આપોઆપ તેમની લીટિ મોટી થઈ જાય.

મુળ વાત છે કે કામ કરનારને નીચા ન પાડો પરંતુ એવા કામ કરો કે તમે ઉંચા દેખાવ.

Categories: કેળવણી, ચિંતન, રાષ્ટ્રનો વિકાસ, શિક્ષણ | Tags: , , , , | 1 Comment

વિકસિત ભારત સર્જવું – એ.પી.જે. અબ્દુલ કલામ















નોંધ: આ લેખ “આતમ વીંઝે પાંખ” પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.


Categories: રાષ્ટ્રનો વિકાસ | Tags: , , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.