મારી વહાલી મા

ચલો આનંદ ધામ

મિત્રો,

આનંદમયી મા ની છબી જોઈએ ત્યારે આપણને તેનામાં સ્ત્રી તરીકેનો નહીં પણ હંમેશા માતા તરીકેનો ભાવ ઉપજે. વળી તેઓ હંમેશા ભાવ સમાધિમાં હોય જે જોતા ખ્યાલ આવે કે તેઓ દુન્યવી વિચારોથી સર્વથા પર છે. સાચા આધ્યાત્મિક લોકોને કદી પોતાનો પ્રચાર પ્રસાર કરવાની જરૂર નથી પડતી. શ્રી રામકૃષ્ણ પરમહંસ: પાસે, શ્રી લાહિરી મહાશય પાસે, શ્રી રમણ મહર્ષી પાસે આપોઆપ ભક્તો આવી જતાં અને આદ્યાત્મિક માર્ગદર્શન લઈને આત્મ-કલ્યાણના માર્ગે વળતાં. હાલમાં જોવા મળતાં પ્રચાર-પ્રસારના ઢોલ-નગારાની તેમને કશી આવશ્યકતાં નહોતી કારણકે તેમનું લક્ષ્ય માત્રને માત્ર આધ્યાત્મિક પૂર્ણતા હતી – જ્યાં લોકો પાસેથી કિર્તી કે વાહ વાહ મેળવવાની કોઈ ઝંખના ન હતી. વળી તેઓ સંપૂર્ણ પણે પોતાનો કર્તૃત્વભાવ ઓગાળી ચૂક્યા હતાં જાણે કે પોતાના અસ્તિત્વને ઓગાળી ચૂક્યા હતા (Melt Down) અને તેથી તેમની આદ્યાત્મિક અસર દીર્ઘ કાળ સુધી માનવ જીવન પર પોતાનો પ્રભાવ પાથરતી રહેશે અને પેઢીઓ સુધી તેમના માર્ગદર્શનની જ્યોત જલતી રહેશે. આજે જોઈએ શ્રી આનંદમયી મા ની ભાવપૂર્ણ છબીઓ અને સાથે સાથે સાંભળીએ ગુરુ-સ્તવાષ્ટક.



ભવસાગર – તારણ – કારણ હે,
રવિ – નંદન બંધન – ખંડન હે,
શરણાગત કિંકર ભીતમને,
ગુરુદેવ દયા કરો દીન જને ||૧||

હ્રદિ – કંદર – તામસ – ભાસ્કર હે,
તુમિ વિષ્ણુ પ્રજાપતિ શંકર હે,
પરબ્રહ્મ પરાત્પર વેદ ભણે,
ગુરુદેવ દયા કરો દીન જને ||૨||

મન- વારણ – શાસન – અંકુશ હે,
નર – ત્રાણ તરે હરિ ચાક્ષુષ હે,
ગુણ – ગાન – પરાયણ દેવગણે,
ગુરુદેવ દયા કરો દીન જને ||૩||

કુલકુંડ્લિની – ઘુમભંજક હે,
હ્રદિ – ગ્રંથિ – વિદારણ – કારક હે,
મમ માનસ ચંચલ રાત્રદિને,
ગુરુદેવ દયા કરો દીન જને ||૪||

રિપુ -સુદન મંગલ – નાય્ક હે,
સુખશાંતિ – વરાભય – દાયક હે,
ત્રય તાપ હરે તવ નામગુણે,
ગુરુદેવ દયા કરો દીન જને ||૫||

અભિમાન પ્રભાવ વિમર્દક હે,
ગતિહીનજને તુમિ રક્ષક હે,
ચિત્ત શંકિત વંચિત ભક્તિધને
ગુરુદેવ દયા કરો દીન જને ||૬||

તવ નામ સદા શુભ – સાધક હે,
પતિતાધમ – માનવ – પાવક હે,
મહિમા તવ ગોચર શુદ્ધ મને,
ગુરુદેવ દયા કરો દીન જને ||૭||

જય સદગુરુ ઈશ્વર – પ્રાપક હે,
ભવ – રોગ – વિકાર – વિનાશક હે,
મન યેન રહે તવ શ્રીચરણે
ગુરુદેવ દયા કરો દીન જને ||૮||

Categories: અધ્યાત્મ / યોગ, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભારતિય સંસ્કૃતિ, મારી વહાલી મા | Tags: , , , | Leave a comment

મા તુજે સલામ

Categories: આનંદ, ઉત્સવ, ઊજવણી, દેશપ્રેમ, મારી વહાલી મા, રમત ગમત, સ્પર્ધા, હાસ્ય | Tags: , , | 1 Comment

૧૫મી તારીખે

Categories: મારી વહાલી મા | Tags: | Leave a comment

મારી વહાલી મા


Categories: મારી વહાલી મા | Tags: , | 2 Comments

મારી માતા (પ્રેરણાત્મક જીવન) – એ.પી.જે અબ્દુલ કલામ





Categories: મારી વહાલી મા, સાહિત્ય | Tags: , , | Leave a comment

એક વાચકના હ્રદયનો ભાવ

મીત્રો,
દુબઈ થી ગીરીશભાઈએ આ કોમેન્ટ રૂપે સંદેશો મોકલ્યો છે જે આપ સહુની સાથે વહેચુ છું.

ઘણા બધા NRI કે જેઓ માત્ર ૨૪*૭*Indian Rs. માં પૈસા જ ગણ્યા કરે છે. તેઓ હવે પાછા ફરવા માંગતા નથી કારણકે તેઓ પાસે Residence Status નથી, હ્રદયમાંથી પ્રેમ ગુમાવી બેઠા છે અથવા તો પૈસા નો લોભ છે. ગયા વેકેશનમાં હું આણંદ ગયો હતો. એક કાકા (જેનો પુત્ર NRI છે) એ મને કહ્યું કે દર વર્ષે તમે ઘણા બધા પૈસા ખર્ચી નાખો છો. ત્યારે તેમણે તે કાકાને જવાબ આપ્યો હતો કે દર વર્ષે હું મારા માતા, પિતા અને મિત્રોને મળું છુ અને તે માટે હું કેલ્ક્યુલેટર નથી રાખતો કે મે શું ખર્ચ્યું છે. મા બાપને ભુલશો નહીં, ફરી પૈસા આપતા નહીં મળે. તમારા જીવનનું પ્રથમ કર્તવ્ય યાદ રાખો, બધા NRI ને રસ્તો મળશે. આ સાથે તેમણે મોકલેલ માતાપિતાની છત્રછાયા જોડેલ છે.



આપ તેમનો નીચેના ઈમેઈલ પર સંપર્ક કરી શકો છો.
harsh251721@gmail.com

Categories: મારી વહાલી મા | Tags: | 6 Comments

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ – દામોદર ખુશાલદાસ બોટાદકર

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, મારી વહાલી મા | Leave a comment

મા-બાપને ભૂલશો નહીં

ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં.

દેવો પૂજ્યાં પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહીં.

કાઢી મુખેથી કોળિયો, મોંમાં દઇ મોટાં કર્યાં,
અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગળશો નહીં.

લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરાં કર્યાં,
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં.

લાખો કમાતાં હો ભલે, મા-બાપ જેમાં ના ઠર્યાં,
એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં.

ભીને સૂઇ પોતે અને, સૂકે સુવાડ્યા આપને,
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં.

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં.

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.

“બચપણ મહીં પજવ્યાં તમે, પજવે કદી ઘડપણે,
લેજો સહી ધીરજ ધરી, કર્તવ્ય નિજ ચૂકશો નહીં.”

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહીં,
સંતાન સૌ એના ચરણની, કદી ચાહના ભૂલશો નહીં.

Categories: મારી વહાલી મા | 3 Comments

માતૃત્વ – પાંડુરંગ શાસ્ત્રી

સંપૂર્ણ સમાજમાં માતૃત્વ વધવું જોઈએ. માતૃત્વમાં કેટલાક અદભુત અને લોકોત્તર ગુણો છે તે બધા સમાજમાં ઉતરવા જોઈએ તો જ સમાજનું કલ્યાણ થાય.

મા પાસે પ્રથમ મહાન ગુણ છેઃ- “કરીને ન બોલવાવાળી તે મા.”

આ ગુણ સમાજમાં લાવવો જોઈએ. આજે કરીને ન બોલવા વાળાની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે. અને કર્યા વિના બોલવાવાળાની સંખ્યા વધતી જાય છે!

માનો બીજો શ્રેષ્ઠ ગુણ છેઃ- “મા હંમેશા આશાવાદી હોય છે.”

આખા સમાજે અને કુટુમ્બે જે છોકરા માટે હાથ ધોઈ નાખ્યા હશે, તો પણ મા નિરાશ નહિ થાય. મારો દિકરો જરૂર સુધરશે એ શ્રદ્ધાથી મા તેને સુધારતી રહેશે. માનું આવું આશાવાદીપણું આજના સમાજમાં ખૂબ આવશ્યક છે.

– પાંડુરંગ શાસ્ત્રી

Categories: મારી વહાલી મા | Tags: | 11 Comments

માતૃત્વઃ પૃથ્વી પરની સર્વોત્તમ કળા – મીરા ભટ્ટ


દિવ્ય જીવન સંઘ, ભાવનગર શાખા વતી બહાર પાડવામાં આવેક પુસ્તક ‘મારી વહાલી મા’ ની પ્રસ્તાવના


પૃથ્વી પરનો સૌથી મધુર શબ્દ અને સૌથી મધુર ધ્વનિ છે – મા! સ્વામી શ્રી ત્યાગવૈરાગ્યાનંદજીએ આ સંકલનમાં પૃથ્વી પરની આ મધુરિમાની પુનિત પ્રસાદી ચખાડવાનો સુંદર પ્રયાસ કર્યો છે. માતૃમહિમા અપરંપાર છે, એનાં જેટલાં ગુણગાન-સ્તુતિગાન ગાઓ, કાયમ તે ઓછાં જ પડે! મા વિષે કહેવાય તેટલું કહી નાખીએ, ત્યાર પછી અંતે સૌને આમ જ કહેવું પડે કે – હવે વધું કશું કહી શકાય તેમ નથી, તેમ છતાંય જે કહેવાનું છે તે તો હજુ બાકી જ રહી જાય છે.

માતૃત્વ એ પ્રેમનો એવો અખંડ સ્ત્રોત છે, જેના પ્રકાશમાં આપણને પ્રભુની ઝાંખી થઈ શકે. ક્યાં પરમપિતા પરમેશ્વર અને ક્યાં પૃથ્વી પરની માટીમાંથી ઉદભવેલી મા? તેમ છતાંય મા એ હિમાલય સમા ઉત્તુંગ નગાધિરાજની ભૂમિ પર ઊગેલું એક તરણું છે – આ તરણાના શ્વાસેશ્વાસમાં પ્રભુતાની માટીની સુગંધ વહે છે. આ પુણ્યગંધથી માનવતા પોષાતી આવી છે. માનવતાએ હજુ અગણિત સાંસ્કૃતિક આરોહણ કરવાનાં બાકી છે. માત્ર માતૃમહિમા ગાઈને બેસી રહેવાનું નથી, માતૃત્વમાં પ્રગટ થતાં ગુણધર્મને પ્રત્યેક વ્યક્તિત્વમાં વાવવાના છે.

માતૃધર્મને વિકસવાની બે દિશા છે. સૌથી પહેલી સમજ તો એ ઊગવી જોઈએ કે માતૃત્વને દેહ સાથે એટલો સંબધ નથી, જેટલો અંદરના ગુણવિકાસ સાથે છે. દૈહિક માતૃત્વ પામ્યા વગર પણ મનુષ્ય માતૃત્વના ગૌરીશિખર આંબી શકે. બુદ્ધ-મહાવીર, ઈશુ-ગાંધીમાં આ વિશાળ માતૃત્વ પ્રગટ થઈ શક્યું હતું, તેના પ્રતાપે જ તેઓ મહાન બન્યા. એટલે માતૃત્વ વિકાસની પ્રથમ દિશા આ છે કે માએ વ્યાપક બનવું રહ્યું. ‘પંડના જ પોતીકાં અને અન્ય સૌ પારકાં’ – આ વૃત્તિ માતૃત્વ માટે લાંછનરૂપ છે. પાણી નાનકડા પ્યાલામાં હોય કે વિશાળ ગંગાપટમાં, એના ગુણધર્મ એક સમાન હોય છે. એ રીતે સંતાન પંડના હોય કે પારકાનાં, માતૃત્વને પોતાના ગુણધર્મ પ્રગટાવવા રહ્યા.

બીજી દિશા છે – હજુ વધું ઊંડા ઊતરવાની. માતૃત્વ એ નિત્ય વિકાસશીલ વિભાવના છે. જેમને માતૃત્વનું ક્ષેત્ર ખેડવું છે, તેમણે સમજવું પડશે કે પૃથ્વી પર માતૃત્વનું જે સૌંદર્ય અને પાવિત્ર્ય પ્રગટ થયું છે, તે તો માત્ર એક મહાન પર્વતના શિખરનું ઉપરનું ટોચકું માત્ર છે. આ વિશાળ પર્વતનો ઘણો મોટો ભાગ હજુ અપ્રગટ છે, વણખેડાયેલો છે. વિલ ડ્યુરાંએ લખ્યું છે કે ભવિષ્યની માતાઓ માતૃત્વને એક કળારૂપે ખીલવશે અને એ કળામાં જેમ જેમ પારંગત થતી જશે તેમ તેમ એ અનુભવશે કે માતૃત્વ એ પૃથ્વી પરની સૌથી મહાન અને સૌથી વધુ રમણીય કળા છે. આ કળાને સેવીને મનુષ્ય વધાર સશક્ત બનશે કુશાગ્ર બુદ્ધિમતા પામશે અને કદી ય ન કરમાય તેવા જીવનસૌંદર્યને પામશે.

હિંસા, આતંક અને યુદ્ધથી ઘેરાયેલા આજના જગત માટે તારક અને ઉદ્ધારક ચીજ કોઈ હોય તો તે છે આ – માતૃશક્તિ. માતૃશક્તિ એટલે નિરવધિ પ્રેમનું પ્રાગટ્ય. માનું રૂદ્ર રૂપ માણસમાં પડેલાં વિકૃત તત્ત્વોને ઉખાડી ફેંકશે અને માંનું ભદ્ર રૂપ માનવતામાં છૂપાયેલાં શુભ તત્ત્વોને પાળી પોષી વિશાળ વૃક્ષ બનાવશે. માણસે પોતાના માત્ર સાડા ત્રણ હાથના શરીરમાં સીમિત થઈને જીવવાનું ન હોય, સતત વિસ્તરતા રહેવામાં જ માણસાઈનો વિકાસ છે. સત્તા, સંપત્તિ, ઉપભોગ એ કાંઈ વિકાસનાં લક્ષણ નથી. પોતાના અહંકેન્દ્રમાંથી બહાર નીકળી માણસ બીજા કોઈ ચેતના કેન્દ્ર તરફ કેટલો આગળ વધે છે – આ છે વિકાસયાત્રા. માનો મહિમા આપણે એટલા માટે ગાઈએ છીએ કે પોતાના પ્રત્યક્ષ આચરણ દ્વારા મા પોતાની વિકાસયાત્રા સિદ્ધ કરી બતાવે છે.

સ્વામીજીએ માની આ વિકાસયાત્રાને જુદી જુદી નજરે સંપાદિત કરીને રજૂ કરી છે. આવું કરવા માટે તેઓ અધિકારી પણ છે, કારણ કે એમના પોતાના જીવનમાં માતૃસેવા એક તીર્થધામ બનીને પ્રગટ્યું છે. જગદગુરુ શંકરાચાર્ય અને ભગવાન મહાવીરનાં નામ ઘણાં મોટાં પડે પણ કહી શકાય તેમ છે કે ‘મહેશ’માંથી ‘ત્યાગવૈરાગ્યાનંદ’ નામ ધારણ કરવામાં વચ્ચે જે કાળગંગા વહી, તે કાળતીર્થનું નામ છે – મહેશભાઈની મા ! આવી પુણ્યશાળી માના આશીર્વાદે વાચકોને માતૃમહિમાનો મધુર પ્રસાદ-થાળ પ્રાપ્ત થાય છે તો આવો, આપણે સૌ પણ એ પવિત્ર માતૃત્વનાં ચરણોમાં શત-શત પ્રણામ નિવેદિત કરીએ.

– મીરા ભટ્ટ


શ્રી મીરાબહેન ભટ્ટ વિશે વધુ જાણવા અહી ક્લિક કરશો.


Categories: મારી વહાલી મા | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.