મીત્રો,
એકાએક ઠેસ આવે અને હું ગડથોલીયું ખાઈને પડી જાઉ – આજુબાજુના લોકો હસવા લાગે, કોઈક તો વળી કહે પણ ખરા કે જોઈને ચાલતો હોય તો, કેટલાક જોયું ન જોયું કરીને મુંછમાં હસતા હસતા ચાલ્યા જાય, કોઈક બુમ પાડે અને કહે કે અરે અરે કાઈ વાગ્યું તો નથીને?
તેવામાં એક વ્યક્તિ આવે મારો હાથ પકડીને મને બેઠો કરે, ધીરે ધીરે હાથનો ટેકો આપીને ઘર સુધી લઈ જાય, માટલામાંથી પાણીનો ગ્લાસ ભરીને મને પાણી પાય, દવાના કબાટમાંથી સેવલોન કે ડેટોલ કાઢીને મારા છોલાયેલા ગોઠણ પર જામેલું લોહી સાફ કરે. ધીરેથી ટીંચર બેન્જોઈન લગાવે, ફુંક મારીને બળતા ગોઠણની બળતરા સહ્ય બનાવે. ધીરેથી પુછે કે હવે કેમ છો?
અનેક લોકોના તે ટોળામાંથી મને સહુથી વધુ કોણ પસંદ હશે?
યાદ કરો પેલી બગીચાના બે માળી અને શેઠની વાર્તા. એક માળી બગીચાનું ધ્યાન રાખતો અને બીજો શેઠની વાહ વાહ કર્યા કરતો. શેઠને ક્યો માળી પસંદ હશે? સ્વાભાવિક છે કે કામ કરતો માળી પસંદ હશે.
મારા બા એટલે કહેવતોની ખાણ (આજે તેમનો જન્મ દિવસ છે). વાત વાતમાં કહેવત કહ્યાં કરે. ઘણી વખત તેઓ કહે કે – ઝાઝા હાથ રળીયામણા. કહેવત સાંભળ્યા પછી જેના અર્થ ન સમજાય તે હું તરત પુછું કે બા તે વળી શું? તો હસીને સમજાવે – દિકરા, હાથ કામ કરવા માટે છે અને જો સમુહમાં જોડાઈને હાથ કાર્ય કરતા હોય તો બધું રળીયામણું થઈ જાય.
શબ્દોની પોતાની એક તાકાત છે તે વાત સાચી પણ ક્રીયા તે તો જીવનનું ચાલક બળ છે. શું માત્ર શબ્દોથી કાર્ય થાય? કોઈ એમ કહે કે શબ્દો તો મારા શ્વાસ છે પણ પેટ ભરવા માટે શબ્દો કામ લાગે કે ક્રીયા? કોઈના વાંસે ફેરવેલો પ્રેમભર્યો હાથ હજ્જારો શબ્દોની કવિતા કરતા વધારે અસર કરશે.
સ્વામી વિવેકાનંદ કહેતા તમારા મસ્તિષ્કને ઉચ્ચ વિચારો અને સર્વોચ્ચ આદર્શોથી ભરી દો. શું કામ? લેખ લખવા માટે કામ લાગે એટલે? ના, પરંતુ તે વિચારો અને આદર્શોમાંથી મહાન કાર્યનો જન્મ થશે માટે. આજે રામકૃષ્ણ મીશન લોક કલ્યાણના આટ આટલા કાર્યો કરી શક્યું તેનું કારણ તેમની પાછળ રહેલા શુદ્ધ વિચારો અને પછી તેને વ્યવહારમાં મુકવાની પુરુષાર્થભરી ક્રીયા છે.
ખરાબીને દુર કરવા માટે નસ્તર મુકવું પડે, દુષ્કૃત્યોને અનુમોદન ન આપી શકાય જરુર પડે તેને વખોડવાયે પડે – સાથે સાથે તે પણ જોવું પડે કે પાપડી ભેગી ઈયળ ન બફાઇ જાય. દુષ્કૃત્યો, બદીઓને વખોડવામાં એવું ન બને કે સમાજ પોતાની અંદર રહેલી શક્તિઓ ભુલી જાય. મને વિચાર પ્રેરક ફીલ્મો ગમે છે. યાદ કરો – તારે ઝમી પર – બાળક મુરઝાઈ જાય છે, બાપને કશી ગતાગમ નથી કે બાળકને શું મુશ્કેલી છે, બધું બે બે દેખાય છે, બોર્ડ પર શું લખે છે તે સમજાતું નથી. મા બીચારી પીડાય છે બાળકના દુ:ખે અને બાપ બાળકને રેસના ઘોડાની જેમ દોડાવવા ઈચ્છે છે. બાપ સમજવાને બદલે છોકરાને હોસ્ટેલમાં મુકી આવે છે. આ તો ભલું થજો ચિત્ર શિક્ષકનું કે તે બાળકને સમજી શકે છે નહીં તો શું થાત બાળકનું? નકારાત્મકતા અને ટીકાથી તે બાળક જીવતે જીવ ન મરી ગયો હોત? ટીકાકારોમાં પણ ટીકા કરતી વખતે વિવેકભાન હોવું જોઈએ.
એક વ્યક્તિ ટીકા કર્યા કરે કે આ ખરાબ છે, તે ખરાબ છે, આમ ન હોવું જોઈએ અને તેમ ન હોવું જોઈએ – પણ ઉકેલ દર્શાવવા માટે કેમ વિચારણા નથી થતી? કારણ કે કોઈને કાર્ય નથી કરવું પોકળ શબ્દો બોલ્યા કરવા છે. તેના બદલે તે ઉપાયો દર્શાવશે, ખરેખર કાર્ય કરવા માટે પોતાનો હાથ લંબાવશે તો કોઈ ભાષણબાજી ની જરુર નહીં રહે.
નેટ પર આખો દિવસ ગીતડા ગાયા કરતી સ્ત્રી વધારે સમાજ સેવા કરે છે કે પોતાના સંતાનના આરોગ્ય અને અભ્યાસની ખેવના રાખતી માતા?
સાત્વિકતાનું મહોરું પહેરીને તમોગુણી ગધેડો અત્યારે ભારત વર્ષને ઘમરોળી રહ્યો છે તેવે વખતે સ્વામી વિવેકાનંદના આ શબ્દો યાદ રાખવા જેવા છે :
અત્યારે જરુર છે પ્રબળ કર્મયોગની અને સાથો સાથ હૈયામાં અખૂટ હિંમત અને અદમ્ય બળની.
મીત્રો, તો આજે વિજયાદશમીના દિવસે આસુરી શક્તિ પર દૈવિ શક્તિનો પુરુષાર્થ દ્વારા વિજય થયો હતો તેની પાવન સ્મૃતિમાં આપણે સહુ ઉત્તમ વિચારો અને ઉત્તમ કાર્યોથી આપણાં લાગણી સભર બાગને હર્યો ભર્યો અને સુગંધિત બનાવવા માટે કમર કસશું ને?