પ્રશ્નાર્થ

પાછળથી ઘુસાડ્યું હશે

શાસ્ત્રો જ્યારે રચાયા ત્યારે આપણે હાજર નહોતા. અત્યારે જે કાઈ સાહિત્ય રચાય છે તેમાંથી થોડું પછીના જમાનામાં શાસ્ત્ર બની જાય તેવું બને. જુદા જુદા સમયે જે તે પરિસ્થિતિ અને સત્તાધીશોની સત્તાને આધારે કાયદાઓ, હુકમો, ફતવાઓ, આજ્ઞાઓ, નીયમો કે કર્તવ્યોનો ઉપદેશ કરવામાં આવ્યો હોય. સમય બદલાય, દેશ-કાળ અને સત્તાધીશો બદલાય એટલે આ બધું જ બદલાય.

જુના જમાનાના શસ્ત્રો અત્યારે ન ચાલે તેમ જુના જમાનાના શાસ્ત્રોએ અત્યારે ન ચાલે. સનાતન ધર્મીઓએ શાસ્ત્રના બે વિભાગ પાડ્યાં.

૧. શ્રુતિ અને ૨. સ્મૃતિ

શ્રુતિ એટલે એવા સિદ્ધાંતો કે જેનો જુદા જુદા સમયે જુદા જુદા મહાપુરુષોએ અનુભવ કર્યો. આ અનુભવ સહુ કોઈને થઈ શકે તે પ્રયોગો કરીને સાબીત કરી બતાવ્યું અને તે પ્રયોગોના આધારે પદ્ધતિઓ આપી જેને સૂત્રાત્મક રીતે કે શ્લોક દ્વારા સાચવી રાખીને પરંપરાથી સંતાનો અને શીષ્યોને કંઠસ્થ કરાવીને જાળવણી કરવામાં આવી, જેને શ્રુતિ કહેવાય છે.

જ્યારે આ જ નીયમો દ્વારા જે તે દેશકાળની પરિસ્થિતિને આધારે કાયદાઓ અને નીયમો બનાવવામાં આવ્યાં તે સ્મૃતિઓ કહેવાણી. મનુસ્મૃતિ અને ભગવદગીતા બંને સ્મૃતિ છે. જ્યારે ઉપનિષદો શ્રુતિ છે.

દેશ કાળ પ્રમાણે જ્યારે સ્મૃતિઓની કોઈક બાબત કેટલાક લોકોના મનમાં ખટકે ત્યારે તેઓ સ્વીકારી નથી શકતા કે જે તે સમયે તે બાબતો લાગુ પાડવામાં આવી હશે. જે દેશ, કાળ અને પરિસ્થિતિ બદલાતા અત્યારે અનુરુપ નથી લાગતી. તેવે વખતે તેઓ કહી દેતા હોય છે કે આ તો બધું પાછળથી ઘુસાડવામાં આવ્યું છે.

કોઈ પણ બાબત માનવી કે ન માનવી તે બાબતે દરેક સ્વતંત્ર છે પણ જે કોઈ બાબત પોતાની માન્યતાને અનુરુપ ન હોય તેને પાછળથી ઘુસાડવામાં આવ્યું હશે તેમ શા માટે કહેવું જોઈએ?

Categories: ચિંતન, પ્રશ્નાર્થ | Tags: | Leave a comment

ઈબુકુ, ઈબુકકુ કે ઈબુક્કુ?

કોઈ ફોટાના અનુસંધાને રચવામાં આવેલ હાઈકુને “ફોટોકુ” કહેવામાં આવે છે.

કોઈ ચિત્રના અનુસંધાને રચવામાં આવેલ હાઈકુને “ચિત્રકુ” કહેવામાં આવે છે.

હવે આજના ઈન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં eબુક ઘણી પ્રચલિત થઈ રહી છે.

તો

આવી કોઈ eબુક ના અનુસંધાને જો હાઈકુ રચવામાં આવે તો તેને શું કહેવાય?

મે એક eBook ના અનુસંધાને એક હાઈકુ રચ્યું છે. તો આ પ્રકારના હાઈકુને શું નામકરણ કરવું તે નિષ્ણાંતોને જણાવવા નમ્ર અપીલ છે.

Categories: પ્રશ્નાર્થ | Tags: | Leave a comment

ઘરે આમંત્રણ આપીને બોલાવ્યા પછી આવનાર કશુંક બોલે તો તેને ચૂપ કહેનાર યજમાનને તમે શું કહેશો?

મિત્રો,

શું તમારા મેઈલ બોક્ષ માં કદી આવો મેઈલ આવ્યો છે?

“મિત્રો,

______ પર આજે જ પોસ્ટ થયેલી એક ગઝલ આપના પ્રતિભાવની
પ્રતીક્ષામાં છે…સ્વાગત છે આપ સહુનું…ગઝલપૂર્વક -આભાર.”

હવે તમે આપેલ લિંક પર ક્લિક કરીને ગઝલ વાંચો. અને તમને ગમે તેવો સામાન્ય અને કશોય વાંધાજનક ન હોય તેવો પ્રતિભાવ લખો. તે પ્રતિભાવ Moderation માં ચાલ્યો જાય. થોડા વખત પછી કશાય કારણ જણાવ્યા વગર તેને Delete કરી નાખવામાં આવે તો તમને કેવું લાગે?

મને આવું થાય તો એવું લાગે કે જાણે કોઈ મને તેના ઘરે બોલાવે અને જ્યારે હું તેના ઘરે શિષ્ટાચાર રુપે બે વાક્યો કહું તો મને કહે કે – ચૂપ.

આવા ઘરે તમે બીજી વખત જવાનું પસંદ કરો ખરા?

Categories: પ્રશ્નાર્થ | Tags: , , | 2 Comments

ત્રિગુણ, ત્રિગુણાતિત અને જીવનમુક્તિ – અપ્પ દિપો ભવ

મનુષ્ય ત્રિગુણી છે. સાત્વિક, રાજસી અને તામસી ત્રણ ગુણવાળી પ્રકૃતિથી બનેલો છે. ત્રણે ગુણથી અલિપ્ત તેવા બ્રહ્મનું જ્યારે અંત:કરણમાં પ્રતિબિંબ પડે છે ત્યારે તે બ્રહ્મના (ચૈતન્યના) પ્રતિબિંબના તેટલા ભાગ પર અંત:કરણ હું પણું કરીને જીવભાવ ધારણ કરે છે. બ્રહ્મ સર્વ સ્થળે અને સર્વકાળે રહેલું હોવાથી જ્યાં સુધી અંત:કરણ છે ત્યાં સુધી તેમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડ્યાં કરે છે. ચૈતન્ય તો સદાયે આ ત્રણે ગુણોથી અલિપ્ત છે. અંત:કરણ જેવું હોય તેવું પ્રતિબિંબ ભાસે છે.

આ ત્રણે ગુણોમાં ફેરફાર થયાં કરે છે. જ્યારે અંતકરણમાં સાત્વિકતા વધે ત્યારે વ્યક્તિ સજ્જન લાગે ત્યારે તેના દ્વારા થતા કાર્યોમાં સત્વગુણનો પ્રકાશ હોવાથી શુભ કાર્યો થાય.

જ્યારે રજોગુણ વધે ત્યારે વ્યક્તિ અતીશય પ્રવૃત્તિશીલ, લોભી અને કામનાઓથી ભરપુર બને. તેવે વખતે તેના દ્વારા જે કાર્યો થાય તે અન્યના હિતનો વિચાર કર્યા વગર સ્વાર્થ સાધવા સારુ થાય.

જ્યારે તમોગુણ વધે ત્યારે વ્યક્તિમાં આળસ,પ્રમાદ અને જડતા વધે. કર્તવ્યકર્મો અને નિત્યકર્મો કરવાયે તેને અરુચિકર થઈ પડે. તે વ્યક્તિ ઉંઘરેટી, વ્યસની, બદીવાળી, ક્રોધી અને અજ્જડ બની જાય.

આ ગુણો વધ ઘટ થઈ શકે તેવા હોય છે અને થતા હોય છે. કોઈ વ્યક્તિને માટે તે હંમેશા સારો રહેશે, સ્વાર્થી રહેશે કે અજ્જડ રહેશે તેવું ભવિષ્ય ભાખી ન શકાય. જે વ્યક્તિ સત્વગુણ વધારવા પુરુષાર્થ કરે તે સારો બને, જે સ્વાર્થ સાધવામાં રત રહે તેનામાં રજોગુણ વધે અને જે કર્ત્વય અકર્તવ્ય ની સમજ વગર આડેધડ જીવે તેનામાં તમોગુણ વધી જાય.

આ ત્રણે ગુણો ની વધઘટથી એકની એક વ્યક્તિ જુદા જુદા સમયે અને જુદા જુદા પ્રસંગે જુદી જાતની હોય તેવું ભાસે. અહીં ફરી પાછું યાદ રાખવાનું છે કે આ ત્રણે ગુણોનો ફેરફાર અંત:કરણમાં થાય છે તેનાથી અંત:કરણમાં પડતા ચૈતન્યના પ્રતિબિંબમાં (જીવમાં) ફેરફાર થતો હોય તેવું ભાસે છે પણ ચૈતન્યમાં વાસ્તવમાં કદીએ કોઈ ફેરફાર થતો નથી.

જે વ્યક્તિ પ્રબળ પુરુષાર્થ કરીને પ્રકૃતિના ત્રણે ગુણોને અતીક્રમીને ત્રિગુણાતીત થઈ શકે અને અંત:કરણ સાથેનું તાદાત્મ્ય છોડીને ચૈતન્ય સાથેનું તાદાત્મ્ય સાધી લે તે આ ગુણોમાં વર્તતો હોય તેમ દેખાય છતાં તે જીવભાવથી સર્વથા અલગ રહીને જીવનમુક્તિનો આનંદ અનુભવી શકે.

બુદ્ધે જ્યારે કહ્યું કે “અપ્પ દિપો ભવ” ત્યારે તેનું તાત્પર્ય તેવું હશે? કે “પ્રકૃતિના ઉછીના લીધેલા ત્રણ ગુણોના પ્રકાશથી જીવવાને બદલે સ્વયંપ્રકાશ ચૈતન્યરુપી પ્રકાશથી જીવ.”


શ્રીમદ ભગવદગીતાના ચિંતનને આધારે


Categories: ચિંતન, પ્રશ્નાર્થ, ભગવદ ગીતા, વાંચન આધારિત, વ્યક્તિત્વ વિકાસ | Tags: , , , , | Leave a comment

બુદ્ધત્વ પામવા શું કરવુ?

gautam buddha

બુદ્ધ પુર્ણીમા તો દર વર્ષે ઉજવીએ છીએ, બુદ્ધત્વ પામવા શું કરવું?

Categories: ઊજવણી, ચિંતન, જન્મદિવસ, પ્રશ્નાર્થ | Tags: , , | Leave a comment

સંકુચિત કોણ છે?

મિત્રો,

આજે મેં આપણાં જાણીતા રેશનાલીસ્ટ બ્લોગર શ્રી ગોવિંદભાઈના બ્લોગ અભીવ્યક્તિ પર શ્રી મોહમ્મદ માંકડ સાહેબનો એક લેખ વાંચ્યો.

નવાં જ્ઞાન-વીજ્ઞાન માટે તમારાં દ્વાર ખુલ્લાં રાખજો

તે લેખ સારો છે. શ્રી મોહમ્મદ માંકડ સાહેબ પ્રસિદ્ધ લેખક છે. તેમનો એક બીજો લેખ કેલીડોસ્કોપ અંતર્ગત પ્રસિદ્ધ થયેલો તે પણ મને વાંચવા વંચાવવા યોગ્ય લાગ્યો.


હમણાં એક ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછવામાં આવેલો કે, “એવી કઈ વસ્તુ છે કે જે કીમતી (માનવામાં આવતી) હોવા છતાં માણસ એનો ઉપયોગ પોતાના માટે નથી કરતો અને બીજાને એ ઉદારતાથી આપી દે છે?”

એનો જવાબ છે : શિખામણ, સલાહ.

જોકે હવે તો શિખામણ કે સલાહ પણ સહેલાઈથી મળવાનું બંધ થવાનું છે, કારણ કે એના માટે ફી લઈને સલાહ આપનાર એક વ્યાવસાયિક વર્ગ જ તૈયાર થઈ રહ્યો છે.

આમ છતાં હજુ આપણે ત્યાં નાના-મોટા, ગરીબ-પૈસાદાર કે વિદ્વાનથી લઈને મૂર્ખ ગણાતી કોઈ પણ વ્યક્તિ પાસે જેની છત છે, છૂટ છે એ વસ્તુ સલાહ, શિખામણ છે. દરેક પાસે એનો ભંડાર ભરેલો છે અને બીજાને એ આપવા માટે તેઓ ઉત્સુક જ હોય છે.


સંપૂર્ણ લેખ અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે :


આ લેખની લિંક મેં અભીવ્યક્તિના બહોળા વાચક વર્ગના હિતાર્થે કોમેન્ટમાં આપી હતી. તેમને કદાચ તે કોમેન્ટ યોગ્ય નહીં લાગી હોય તેથી તેમણે તે રદ કરી નાખી. એમ તો તેમણે શ્રી જગદીશભાઈ જોષીની પણ એક કોમેન્ટ રદ કરી નાખી છે.


મારો પ્રશ્ન તે છે કે જો તમે જ્ઞાન વિજ્ઞાનના દરવાજા ખુલ્લા રાખવાની વાત કરી રહ્યાં હો તો યોગ્ય કોમેન્ટ માટે દ્વાર ખુલ્લાં રાખવા જેટલું મોટું મન કેમ રાખી નથી શકતા?


Categories: પ્રશ્નાર્થ | Tags: | 5 Comments

શું તમે સજ્જન છો?

શું સુર્ય કદી કોઈને ય પ્રકાશ આપવાનો ઈન્કાર કરે?

શું નદી કોઈને ય તેનુ જળ આપવાનો ઈન્કાર કરે ખરી?

શું હવા કદી કહે કે ખબરદાર જો મારામાંથી પ્રાણવાયું શ્વસ્યો છે તો?

પૃથ્વી કોઈને કહે છે કે હું આશરો નહીં આપુ?

શું આકાશ કદી કોઈને ય અવકાશ ન આપે તેવું બને ખરું?

ભેદભાવ અને માલીકી ભાવ સહુથી વધુ કોનામાં છે?

આદીવાસી અને જંગલી પ્રજાઓમાં કે પ્રાણીઓમા?

ના તે તો માત્ર તેમના પ્રાકૃતિક સ્વભાવ પ્રમાણે કુદરતી જીવન ગાળે છે.

માણસ ને માણસથી સહુથી વધુ વિભાજીત કરનારું તત્વ હોય તો તે છે બુદ્ધિ. જેમ માણસ વધારે બુદ્ધિશાળી તેમ તે અન્યનું હિત કે અહિત વધારે કરી શકે. આ જગતનું વધારેમાં વધારે હિત બૌદ્ધિકોએ કર્યુ છે અને સાથો સાથ આ જગતની સર્વ વિસંવાદીતાના મુળમાંયે બૌદ્ધિકોનો ફાળો રહ્યો છે.

આદીવાસી તીર કામઠાંથી એક બે પ્રાણીઓનો શીકાર કરશે જ્યારે બુદ્ધિશાળી દેશો વૈજ્ઞાનિકોની મજુરીથી વિઘાતક શસ્ત્રો દ્વારા અન્ય દેશો પર દાદાગીરી કરશે.

અન્યનું અને સ્વનું અહીત કરનારી એક બીજી ખતરનાક વૃત્તિનું નામ છે ધીક્કાર અથવા તો ધૃણા. જગતની સર્વ વિસંવાદીતાના મુળમાં એક તો સંત્તા અને સંપત્તિની પ્રાપ્તિ કે માલિકી ભાવનાનો ફાળો છે અને એટલો જ ફાળો છે અન્ય પ્રત્યે ધૃણા કે ધીક્કારમાં.

ધૃણા કે ધીક્કારના મુળ ધાર્મિક માન્યતાઓ, પૂર્વગ્રહો અને અન્ય સજીવો પ્રત્યે સંવેદન તથા સંવાદીતાના અભાવમાં રહેલાં છે.

સજ્જન તે છે કે જે સર્જનહારની કોઈ પણ કૃતિને ધીક્કારતો નથી કે નથી કોઈની ધૃણા કરતો. જેમ જેમ જગતમાં ધૃણારહિત સજ્જનો વધતા જશે તેમ તેમ જગતમાં સંવાદીતા આવશે અને આનું આ જગત વધારે જીવવા લાયક બનશે. આ જગતમાં સજ્જન વધારવાનો એક જ ઉપાય છે કે જાતે સજ્જન બનવું. સજ્જનતા માપવાનું સજ્જનમીટર તે છે કે તમે કેટલાં ધૃણા રહિત છો તે ચકાસતા રહેવુ. જેટલા તમે ધૃણારહિત તેટલા તમે વધારે સજ્જન.

થોડાક પ્રશ્નના જવાબ તમારી મેળે આપીને ચકાસી લ્યો કે તમે કેટલા સજ્જન છો?

સવાલ ૧. જો તમે પુરુષ હો તો સ્ત્રીઓને કેવી ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતી ક.ચડીયાતી

અથવા

સવાલ ૧. જો તમે સ્ત્રી હો તો પુરુષને તમારા કરતા કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતો ક.ચડીયાતો

સવાલ ૨. તમે જે ધર્મમાં જન્મ લીધો છે તે અથવા તો તમે જે અપનાવ્યો છે તે ધર્મને અન્ય ધર્મ કરતાં કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ચડીયાતો ક.ઉતરતો ડ. ધર્મ સાથે મારે કશા લેવા દેવા નથી

સવાલ ૩. જો તમે શીક્ષિત હો તો તમે અશીક્ષીત ને કેવા ગણો છો?
વિકલ્પ : અ.જંગલી ૨.અસભ્ય ૩.સમાન ૪.ચડીયાતા ૫.બીચારા ૬.મુર્ખ ૭.અન્ય

સવાલ ૪. જો તમે અશીક્ષીત હો તો શીક્ષીતને કેવા ગણો છો?
વિકલ્પ: અ.સાહેબ બ.મોટા માણસ ૩.બદમાશ ૪.માન આપવા લાયક ૫.તેનો ડર લાગે તેવા ૬.અન્ય

સવાલ ૫. તમે જે દેશમાં રહો છો તે દેશ સીવાયના અન્ય દેશોના નાગરીકોને કેવા ગણો છો?
વિકલ્પ: અ.ચડીયાતા બ.ઉતરતા. ક.કેટલાક દેશોના ચડીયાતા ને કેટલાક ઉતરતા ડ.અન્ય

સવાલ ૬. તમારી સીવાયના અન્ય મનુષ્યોને તમે કેટલુ મહ્ત્વ આપો છો?
વિકલ્પ: અ.તમારા જેટલું બ.તમારાથી વધારે ક.તમારાથી ઓછું ડ.સંજોગો પ્રમાણે વધારે ઓછું

સવાલ ૭. તમે તમારાથી અલગ મત ધરાવનારા પ્રત્યે કેવો ભાવ રાખો છો?
વિકલ્પ: અ.દુશ્મનાવટનો બ.મિત્રતાનો ક.તટસ્થ ડ.કહી ન શકાય

આ તો માત્ર થોડા પ્રશ્નો છે. વિકલ્પ પણ થોડા છે. આવા પ્રશ્નો જાતે બનાવીને તેના જવાબો ચકાસી જોજો. મુલ્યાંકન પણ તમારી જાતે જ કરજો અને સજ્જનમીટરમાં તમારો આંક કેટલો છે તે જાતે માપજો. આ આંક ૪૦ થી ૬૦ આવે તો તમે મનુષ્ય છો. ૪૦ થી ઓછો આવે તો પશુતુલ્ય છો. ૬૦થી વધારે આવે તો સજ્જન છો. ૮૦ થી વધારે આવે તો મહાત્મા છો અને ૧૦૦ આવે તો ખોટાબોલા છો… 🙂

Categories: અવનવું, ચિંતન, પ્રશ્નાર્થ, વાતચીત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, હાસ્ય | Tags: , | 7 Comments

આદર્શ જીવનમાં ચરીતાર્થ થવો જોઈએ કે આદર્શ માટે લડાઈ થવી જોઈએ?

મિત્રો,

લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ ધર્મમાં માનતી હોય છે. આ ઉપરાંત જુદી જુદી વ્યક્તિઓને જુદા જુદા લોકો આદર્શ લાગતા હોય છે. પ્રત્યેક વ્યક્તિ કાઈ ને કાઈ માન્યતા ધરાવતી હોય છે.

જે ધર્મમાં માનતા હો તેના આદર્શો અને નીતીઓ જીવનમાં આચરણમાં મુકાવા જોઈએ કે તેને માટે ઝગડો કરવો જોઈએ? ધારોકે હું ભગવદગીતાને આદર્શ આધ્યાત્મિક પુસ્તક ગણતો હોઉ તો મારે તેના સિદ્ધાંતો મારા જીવનમાં અમલમાં મુકવા જોઈએ કે કોઈ ભગવદગીતાને વખોડે તો તેની સાથે લડાઈ શરુ કરવી જોઈએ? ભગવદ ગીતાના સિદ્ધાંતોમાં સામર્થ્ય હશે તો તે પોતાની મેળે જ પોતાનો માર્ગ મેળવી લેવાના છે તેને માટે મારે તેનો ઝનુન પૂર્વક પ્રચાર કરવાનીયે આવશ્યકતા ન હોવી જોઈએ. તેવી રીતે બીજી વ્યક્તિ ઈસુ ખ્રીસ્તમાં માનતી હોય કે મહંમદ સાહેબ, મહાવીર સ્વામી કે ગૌતમ બુદ્ધ કે અન્ય મહાપુરુષના સિદ્ધાંતોમાં માનતી હોય તો તે સિદ્ધાંતો તેમણે તેમના જીવનમાં ઉતારવા જોઈએ કે તેને માટે વાદ-વિવાદ કરવા જોઈએ?

લોકો ઘણી વ્યક્તિને તેમના આદર્શ માનતી હોય છે. જેમ કે કોઈ સ્વામી વિવેકાનંદને, કોઈ કાર્લ માર્ક્સને, કોઈ ગાંધીજીને, કોઈ બક્ષી બાબુને, કોઈ રામકૃષ્ણ પરમહંસને, કોઈ અમીતાભ બચ્ચનને વગેરે. જેમને આદર્શ માને તેમના વિચારો અને આદર્શો તેમના જીવનમાં ઉતારવા જોઈએ કે તેના કોઈ વખાણ કરે તો ફુલાવું જોઈએ અને કોઈ વખોડે તો જાણે બાપે માર્યા વેર હોય તેમ ટંટા ફીસાદ શરુ કરવા જોઈએ?

દરેક વ્યક્તિ કશીક વિચારસરણીમાં માન્યતા ધરાવતી હોય છે. જેમ કે કોઈ સમાજવાદી હોય, કોઈ રેશનાલીસ્ટ હોય, કોઈ ઈશ્વરમાં માનતું હોય, કોઈ ઈશ્વરમાં ન માનતુ હોય, કોઈક પ્રકૃતિના પૂજક હોય, કોઈ સૌંદર્યનાપૂજક હોય, કોઈ વૈજ્ઞાનિક અભીગમ ધરાવતા હોય, કોઈ ધાર્મિક અભીગમ ધરાવતા હોય, કોઈ ભૌતિક્વાદી હોય, કોઈ અધ્યાત્મવાદી હોય વગેરે વગેરે. હવે જેમાં જે માનતું હોય તેવી માન્યતાને અનુરુપ તેમનું જીવન ઘડે તો કશો વાંધો નહીં પણ હું જ સાચો અને બીજા બધા ખોટા કે અધૂરા તેવા દાવા દલીલો કરવાની શું જરુર હશે?


સાહિત્ય ક્ષેત્રે જરા નહીં પણ સંપૂર્ણપણે હટકે લખનાર હોવાની છાપ ધરાવતાં બક્ષી બાબુને શ્રદ્ધાંજલી…


Categories: પ્રશ્નાર્થ | Tags: , , , , , | 2 Comments

દાદાની વાડીમાંથી મળ્યો પ્રાકૃતિક ખજાનો

અતુ..લ….

બાની બુમ સાંભળીને હું દોડતો આવ્યો અને પુછવા લાગ્યો કે શું બા?

જો અતુલ તને ખબર છે ને કે આપણે સાત-આઠ દિવસ ઘર સંભાળવનું છે. હા બા મને ખબર છે. શું કામ હતુ તે કહો.

જો આગળના ફળીયામાં આંબાનો મ્હોર ખર્યા કરે છે અને કેટલો કચરો પડે છે. હવે મારા પગ ચાલતા નથી તો તું કચરો વાળી નાખીશ?

હા બા તેમાં શું? હમણાં કચરો વાળવા લાગું છું.

હજુ તો કચરો વાળવાનો પુરો થાય ન થાય ત્યાં તો બાએ બુમ પાડી અ..તુ…લ….

ફરી પાછો બા પાસે પહોંચીને પુછવા લાગ્યો કે શું બા?

જો અતુલ હમણાં પાણી આવશે. પીવાનું પાણી તું ભરી લઈશ ને?

હા બા હમણાં ભરી લઉ છુ.

પાણી ભરાવાનું પુરુ થયું ત્યાં તો બાનો ફરી સાદ આવ્યો અ..તુ…લ….

પાછો પહોંચ્યો બા પાસે કે શું બા?

પાણી ભરાઈ ગયું?

હા

તો પાછળના પ્લોટમાં દાદાની વાડીમાં આંટો મારી આવ. ત્યાં આંબામાં મ્હોર કેવોક આવ્યો છે તે જોતો આવ અને ખાસ તો જોજે કે ત્યાં આજે નવા જ ફુલ ખીલ્યાં છે. જા ત્યાં જઈને બધું જોઈ આવ અને થોડા ફોટાએ પાડી લેજે ત્યાં હું લોટ બાંધી રાખું છું એટલે તને ગરમા ગરમ રોટલી જમાડી શકું.

સારુ બા હું હમણાં જ જઈને આવું છું.

અને દાદાની વાડીમાંથી મળ્યો પ્રાકૃતિક ખજાનો…



તમે થોડી વાર આ પ્રાકૃતિક વૈભવ માણો ત્યાં હું બાના હાથની ગરમા ગરમ રોટલીનું ભોજન જમીને આવું હો.. અને હા, ઓડકાર ખાતો ખાતો પાછો આવું ત્યાં સુધી તમે અહીં રહેશો ને?

Categories: કુટુંબ, કુદરત, કેળવણી, પ્રકૃતિ, પ્રશ્નાર્થ, મધુવન, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, સૌંદર્ય | Tags: , , | Leave a comment

ટેકનોલોજી જોડણી વિવાદ ઉકેલી શકે

મિત્રો,

આપણે સહુ જાણીએ છીએ કે ગુજરાતી ભાષાની માન્ય જોડણી સાર્થ જોડણી છે. સાર્થ જોડણીમાં ઘણાં અટપટા નિયમો અને અપવાદ છે તેને લીધે સાર્થ જોડણીમાં સાવ સાચું લખવુ ઘણું અઘરુ અને ક્યારેક તો અશક્ય કે આકાશકુસુમવત બની જાય છે. તેનો સહેલો રસ્તો ઉંઝા જોડણી દ્વારા શોધવામાં આવ્યો છે. તે રસ્તો આમ તો સહેલો છે છતાં તેમાં યે મુશ્કેલીઓ છે. જેમ કે નાનપણથી શાળામાં સાર્થનું શિક્ષણ આપવામાં આવ્યું હોય. સાર્થ જોડણી પ્રમાણેના ચિન્હો મનમાં અંકિત થઈ ગયા હોય. હવે જ્યારે તે ચિન્હો ઉંઝામાં લખવાથી ફરી જાય ત્યારે સાક્ષરોને તે ઘણું કઠે. ઘણાં શબ્દો એવા છે કે જેમાં હ્રસ્વ કે દિર્ઘથી અર્થ ફરી જાય.

જેમ કે

દિન – દીન
પિતા – પીતા

કોમ્પ્ય઼ુટર સોફ્ટવેરની મદદથી આ સમસ્યા ઉકેલી શકાય. આમેય શ્રી વિશાલભાઈ મોણપરા ઘણાં વરસોથી ગુજરાતી ભાષાની સુપેરે સેવા કરી રહ્યાં છે. તેમણે ગુજરાતી સ્પેલ ચેકર તથા ગુજરાતીમાં લખવા માટે ટાઈપ પેડ વિકસાવ્યા છે. આ ઉપરાંત તેમણે યુનિકોડમાંથી ફોન્ટમાં અને ફોન્ટમાંથી યુનિકોડમાં દસ્તાવેજોને રુપાંતરીત કરવાની સગવડ વિકસાવેલ છે. હવે જો તેઓ ઉંઝામાંથી સાર્થમાં અને સાર્થમાંથી ઉંઝામાં દસ્તાવેજોને રુપાંતર કરવાનું સોફ્ટવેર બનાવી આપે તો કાર્ય ઘણું સરળ થઈ જાય.

આમેય આપણે વિશાલભાઈને સન્માનવાના જ છીએ તો સન્માન સમારંભ વખતે વિશાલભાઈ પાસે ઉંઝા થી સાર્થ અને સાર્થથી ઉંઝા માં રુપાંતરણ સોફ્ટવેરની રીટર્ન ગીફ્ટ ની આશા રાખી શકાય?

શું કહો છો વિશાલભાઈ?

Categories: ગુજરાત, પ્રશ્નાર્થ, સમસ્યા અમે સમાધાન | Tags: , , , , , , | 5 Comments

Blog at WordPress.com.