નિર્વાણધામ યોગાશ્રમ

પ્રેમમાં પડવું અને ચડવું – પત્ર

મિત્રો,

આ એક ગુરુ-શિષ્યા વચ્ચે થયેલા પત્રવ્યવહારનો એક નાનકડો પત્ર ગુરુએ શિષ્યાને લખેલ છે તે આપની સમક્ષ રજુ કરું છું. કદાચ વિચાર-પ્રેરક બની રહે.


Categories: ચિંતન, નિર્વાણધામ યોગાશ્રમ, પત્રો/પત્ર વ્યવહાર | Tags: , , , , | 1 Comment

બાપુજીની દ્વિતિય પુણ્યતિથિ – શ્રદ્ધાંજલિ

મીત્રો,

પોરબંદરથી ૧૫ કીલોમીટરના અંતરે આવેલા રાણાવાવના નિર્વાણધામ આશ્રમના સંત કે જેમનો જન્મ બખરલા ગામે થયો હતો તેવા સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદજી મહારાજની આજે દ્વિતિય પુણ્યતિથી છે. તેઓ સતત સાધન,ભજન અને ઈશ્વરપ્રેમમાં મસ્ત રહેનાર એક આનંદના ઓઘ સમાન સંત હતાં. માત્ર સાત ચોપડી સુધી ભણ્યાં હોવા છતાં શાસ્ત્રોના અર્થો તે જે રીતે સમજાવી શકતા તે મોટા મોટા વિદ્વાનો કે કથાકારો પણ સમજાવી શકતાં નથી. જામનગરના વિદ્વાન સંસ્કૃતના પ્રોફેસર ભરતભાઈ પણ જ્યારે કોઈ અઘરાં શ્લોક ન સમજાય તો તેનો અર્થ તેમને પુછવાં સવારે ૪ વાગ્યે ફોન કરતાં અને બાપુજી – અરે ભરતીયા તેનો અર્થ તો આમ થાય તેમ હસીને સહજતાથી સમજાવી દેતાં.

તેમની સાથે મને ઘણું રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોવાથી સ્વાભાવિક રીતે તેમની યાદ મને આવે વળી આજે જ્યારે તેમની પુણ્યતિથિ નીમીત્તે ભક્તો રાણાવાવમાં એકત્ર થઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પશે ત્યારે મારે ભાવનગરમાં રહેવું પડે છે તે વાત પણ મારા અંતરમનમાં ખૂંચે છે – પણ તેમણે શિખવ્યા પ્રમાણે “રામ રાખે તેમ રહીએ – ઓધવજી રામ રાખે તેમ રહીએ” કડીને સંભારીને જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં મનને મનાવતા શીખ્યો છું.

તેમણે ખાસ તો ગામડાના ભોળા જીજ્ઞાસુઓ માટે ઘણું બધું સાહિત્ય રચ્યું છે. ભજન તેમને અતિશય પ્રિય હતા તેથી તેમના ગુરુજી સ્વામી શ્રી સત્યમિત્રાનંદજી મહારાજે તેમનું નામ ભજનપ્રકાશાનંદગિરિ રાખેલું.

અહિં “ભજનામૃત વાણી” દ્વારા તેમનું ઘણું સાહિત્ય પ્રગટ કરવામાં આવ્યું છે – રસ ધરાવતાં વાચકોને તેનો આસ્વાદ કરવા હાર્દિક આમંત્રણ છે.

૧. ભાવ ભર્યો ભક્તિમાર્ગ

૨. મૃત્યુની મોજ

૩. વખત વિત્યાની પહેલા

૪. ભજનામૃત વાણી

૫. અજ્ઞાતમાં ડૂબકી

૬. શ્રી ભજન રામાયણ

૭. ગામઠી જ્ઞાનમાળા

૮. પવનનો પ્રકાશ

૯. મૌન શું છે?

Categories: નિર્વાણધામ યોગાશ્રમ, સાહિત્ય | Tags: , | Leave a comment

ગામઠી જ્ઞાન માળા – સ્વામી ભજનપ્રકાશાનંદગિરિજી

દેવવંદના
ગુરુ ગોવિંદ ગણપતિ, સમરૂં શારદામા ય
અવિચળ વાણી આપજો, ગુરુ ગુણ નિત ગવાય
ગામઠી જ્ઞાન માળા કરૂ, ઉપજે આતમ જ્ઞાન
જ્ઞાને ગોવિંદ જાણીએ, સઘળાં સરે કામ
*
આ દુનિયાના ખેલ માંહી, બહુ જન્મ ગંવાય
મુઠી સદા ખાલી રહી, હાથ કછુ ન આય
(૧)
સોડ તાણી સુતો હતો, અજ્ઞાન નિંદ્રા મહી
નિંદ્રામાં સઘળું ગયું, સ્વપ્ન હતું સરકી ગયું
(૨)
હરિ રંગે રંગીલા રહે, તેનો હોય એક રંગ
સદા રંગમાં રાતો રહે, પડે ન રંગમાં ભંગ
(૩)
દુનિયા દો રંગી ઘણી, નવા નવા રંગ લાવે
રંગ પતંગનો જુઠો, અંતમાં ઉડી જાવે
(૪)
શીતલ સરોવર શાંત, જેના હ્રદિયા ધીર ગંભીર
ઉણપ મનમાં આણે નહી, આતમ રહેવે અમીર
(૫)
ત્રિવિધ તાપે તપતાં રહે, માનવ સંસારી મન
સંત સરોવર સાંપડે, તો ટાઢક વળે તન
(૬)
દરિયા રાખે દિલને, ઓછપ જરા આવે નહી
નદી નીર સાગર ભરે, સંઘરે તોય છલકે નહીં
(૭)
જેનાં દર્શનથી દિલ ઠરે, પ્રજળે સઘળાં પાપ
એવા સંતને સેવીએ, ખોઈ અંતરનું આપ
(૮)
મન માંહ્યલાને વારીએ, દઈએ હરિમાં દિલ
વિશ્વાસ એવો રાખીએ, ન કોઈ દાવો દલીલ
(૯)
મન માયલું પોતા મતું, ભમે પોતાની રીત
ચંચલ મન છલીલઘણું, ભમે જ્યાં ત્યાં વિપરીત
(૧૦)
સમજાવીએ પણ સમજે નહી, કરે ખોટા દાવા દલીલ
અજ્ઞાનીને અથડાવે ઘણું, થઈને ઘણું છલીલ
(૧૧)
મને બહુ બહુ મારીયા, મોટા મોટા મહિપતિ
સાધુ સન્યાસી ફકીર, તેની કીધી દુર્ગતિ
(૧૨)
મન હઠીલું માને નહીં, કરોડ કરીએ વાત
પોતે પોતાનું રાખે, અવળું ચાલે આપ
(૧૩)
સંસારની વાતો સાંભળે, હરદમ રહે હોશિયાર
સાચા સુખની ખબર વિના, વિષય ને કરે પ્યાર
(૧૪)
મન તો મનની રીતે રહે, પણ તું કાં તેવો થા
તું તને જો સમજી જા, તો સાચું સમજાય આ
(૧૫)
સાચું સમજાય જો આ, તો ક્યાં વડી વાત છે
સમજાય તો ઘણું સહેલું છે, નહીં તો તેનું તે છે
(૧૬)
જો એવું છે તો આજથી, કરતો થા નીજ કર્મ
નીજ વાતને વળગી રહેતાં, સાચો સમજાશે મર્મ
(૧૭)
આળસું કાં થઈ રહ્યો, વખતનો કર વિચાર
પ્રમાદમાં પડ્યો રહીશ, તો ગુમાવીશ સઘળું ગમાર
(૧૮)
અવસર ઉત્તમ સાંપડ્યો, મહામુલો કહેવાય
સહજમાં સરકી જશે, પકડ્યો નહીં પકડાય
(૧૯)
ક્ષણે ક્ષણે સંચરે, તેમ રાત-દિવસ વહ્યાં જાય
માસ-દિવસ-વર્ષો વિતે, તેમ જીવન સરકી જાય
(૨૦)
ખોયા વખતની વાત ખોટી, ખોયે પછી પસ્તાય
વીત્યું પાછું વળે નહીં, જે અતીતમાં અલ્પાય
(૨૧)
ચેતનવંતા ચેતિ રહે, ગોથાં ખાય ગમાર
સમજુ તો ચેતીને રહે, મુરખ ખાવે માર
(૨૨)
મુરખ તો મુરખ રહે, કરીયે વાતો કરોડ
પોતે પોતાની કરે, આપણી ખોટી દોડ
(૨૩)
તે પ્રપંચમાં પડવું નહીં, કરીએ આપણું આપ
ભગવત કહીએ ભેંસને, આપણને લાગે થાક
(૨૪)
સૌ સૌનાં સૌ રંગે રમે, સૌને સૌનું સહી સમજાય
ઈશ્વરે તે આશ્ચર્ય ભર્યું, તે જ મોટો મહિમાય
(૨૫)
લાખો કરોડ માનવી, સૌ કોઈ દોડ્યાં જાય
કોણ ક્યાં ક્યાં પહોંચશે, તે નક્કી ન કહેવાય
(૨૬)
ભટકવાના રસ્તા ઘણાં, આ ભવાટવી માંય
કરોડ લોક દોડતાં, તેમાં કોઈક પહોંચી જાય
(૨૭)
આગે પીછે ચાલતાં, સૌ પંથે પડ્યા જાય
કોઈ આજ કોઈ કાલ, કોઈ પરસુ પહોંચી જાય
(૨૮)
સધીર મને ચાલીએ, હંસ હતીની ચાલ
મધુર ગતીએ ચાલીશું, પહોંચીશું નક્કી આજ-કાલ
(૨૯)
તું તારૂ સંભાળજે, પાછળનું ન જો
આગે આગે દેખીએ, જ્યાં મંજિલ આપણી હો
(૩૦)
સન્મુખ દ્રષ્ટિએ ચાલીએ, દ્રષ્ટિ રાખી સ્થીર
પગ ઠેસ લાગે નહી, જે ચાલે ચાલ સધીર
(૩૧)
એવા સંગાથે ચાલીએ, તો ભમવાનો ન ભય
સંગાથ રૂડો સાંપડે, રહીએ સાથે દીલ દઈ
(૩૨)
રહેતાં તેવાના સાથમાં, હૈયે હર્ષ ઉભરાય
અરસ-પરસ મન મળી જશે, અદ્વૈત દર્શન થાય
(૩૩)
મેલા મનનાં માનવી, નહીં વસ્તુ વિવેક
જેમ તેમ વાણી વદે, નહીં નેમ કે નેક
(૩૪)
સારું નરસું સૌ કહે, નહી સારાનો સાર
અસારને તે આચરે, અજ્ઞાન સે વહેવાર
(૩૫)
નિંદા સ્તુતિ તણી, છે સંસારને ટેવ
આજ નિંદા કરે કોઈ, કાલ સ્તુતિ કહેવ
(૩૬)
નિંદા સ્તુતિની ટેવથી, જુવે દુનિયાનાં દોષ
બીજાના ધોબી બની, મેલ ધોવાની હોશ
(૩૭)
પરનાં પાપને પોતે ધરે, કરી પાપનો વિચાર
દુ:ખી પોતાના પાપથી, અભાગી નર ને નાર
(૩૮)
એવાથી અળગા રહીએ, તેથી કરીએ ન વહેવાર
દુરીજનથી દુ:ખ ઉપજે, ક્લેશ કરે અપાર
(૩૯)
નિંદક મિત્ર માનીએ, દેખાડે આપણી ભુલ
આપણે આપણમાં જોઈને, હોઈ તો કરીએ કબુલ
(૪૦)
ન હોય તો નડતર નથી, તેની વાણીના બોલ
તેનું તેની પાસે રહે, આપણે રહીએ અબોલ
(૪૧)
દેહમાં તો દોષ ઘણાં, આત્મા છે નિર્દોષ
દોષ ગાવે કોઈ દેહનાં, દેહ સદા સદોષ
(૪૨)
નિંદકની નિંદા થકી, તારું બગડે ન કાંઈ
નિર્લેપ તારો આત્મા, તેને અસર કાંઈ ન થાય
(૪૩)
તેને પણ પ્રેમ કરીએ, ભલે નિંદક આપણું હોય
આતમ દ્રષ્ટિ આપણી, પરાયું નથી કોઈ
(૪૪)
સ્તુતિથી સાવધાન રહેવું, કોઈ ગાવે આપણા ગુણ
વાતો પ્યારી તે લાગવી, તે જ મોટો અવગુણ
(૪૫)
પ્રશંસાથી ઘણા પડ્યા, અહંકારી થઈ આપ
અહીં તહીંના નવ રહ્યા, ધોબી શ્વાન ઘર ઘાટ
(૪૬)
પોતાના થઈને પછાડે, તે છે મોટો માર
મધુરૂં વિષ પાઈને, ભુલાવે આ વાર
(૪૭)
નિંદકનો કદી ડર નથી, નિંદક નિંદક થઈ રહે
તે અંતર રાખી આપથી, નિંદાની ઘણી વાતો કહે
(૪૮)
પ્રશંસક પ્રવેશી પીંડમાં, અંતર પ્રવેશી જાય
ગુણ ગાનથી વશ કરી, પછી પગ પહોળા થાય
(૪૯)
પ્રશંસા ઘાતક ઘણી, જોખમ જાજું હોય
નિંદા બેડી લોહની, સ્તુતિ સોનાની હોય
(૫૦)
નિંદક પ્રશંસક શું કરે, તે પોત પોતાનું ગાય
જે જે સ્વભાવે સાંપડ્યું, તે તે તેવું નિત થાય
(૫૧)
નિંદક તો નિંદા કરે, પ્રશંસક ગાવે ગુણ
આપણે કોઈના સુણવા નહીં,ગુણ અને અવગુણ
(૫૨)
સૌને પોતાના માનીએ, પરાયું ન માનીયે કોઈ
નિંદક પ્રશંસક દોનું મહીં, ભેદ ન રાખીએ સોય
(૫૩)
દુનિયાની વાતો દુનિયા જાણે, તેને તેનું કરવા દઈએ
આપણે આપણું સંભાળીને, સૌથી ચુપ થઈ રહીએ
(૫૪)
પડતી મુક પરાઈ વાતો, તું તેમાં થા ન રાતો
મુંગા બહેરા થઈને રહીએ, કોઈની ન સુણીએ વાતો
(૫૫)
જો કરવું છે તો કરી જ લે, બીજું બધુ મુકી દે
ભીતર-બહાર સરખું રહેવું, શીખ સાચી સમજી લે
(૫૬)
ભીતર બીજું બહાર બીજું, તે તો ઉજળું કપટ કીધું
દંભ કરી ભોળા જનને, છેતરવાનું બાનું લીધું
(૫૭)
દંભથી ભલે દુનિયાનાં લોક, સમજુ માની મોહે કો’ક
બાહ્ય દેખાવ બીજો કરતાં, ટળશે નહીં ભીતરનો શોક
(૫૮)
પરમાર્થના પંથે જાવું, પછી તેમા ન હોય આવું
અંતર બહાર એક રહેવું, ખોટે માર્ગ કદી ન જાવું
(૫૯)
પરાયું હિત હરી કરીને, બહુ સુખી થયા ન કોઈ
પર હિતે હિત પોતાનું જાણી, સુખી થયા સૌ કોઈ
(૬૦)
નીતિ અનીતિની છે આ વાતો, લાભ તેમાં વહેવારે થાતો
જીવનનો જાણવો હોય જો સાર, કર પરમાર્થ સે પ્યાર
(૬૧)
અજ્ઞાન છે અનાદી તણું, તેથી સાચુ ખોટું થાય ઘણું
સતસંગ સાચો સાંપડે, તો સાચું સમજાય આ પળે
(૬૨)
સત્સંગ સાચો કરે સંત, જેણે જીવનનો તોડ્યો તંત
તેવાની પાસે જઈ, રહીએ તેના શિષ્ય થઈ
(૬૩)
ગુરૂ તો કેવળ જ્ઞાન કરે, અંતરનું અજ્ઞાન હરે
ભીતર તણી ભ્રાંતિ ટાળે, જડ ચેતનની ગાંઠ જ ગાળે
(૬૪)
ગોતી લેજે જ્ઞાની ગુરુ, પછી કાંઈ ન રહે અધુરું
પુરા જ્ઞાની પુરા કરે, પુરણને લઈ પુરણમાં ભરે
(૬૫)
સાચા સદગુરુ પડદા ખોલે, બોલ તે પરા તણા બોલે
તત્વ તણી વાતો બહુ છાની, બતાવે ગુરુ કોઈ પુરા જ્ઞાની
(૬૬)
સંસારે ગુરુના તોટા નથી, સઘળા જ્ઞાની હોતા નથી
આપે પંગુ આપે અંધા, કેને બેસાડી લે જાય કંધા
(૬૭)
દોનું દિશાંધ ગુરુ શિષ્ય, ક્યાં જાવું કશું ન દીખ
ધ્યેય પોતાનું ક્યાંથી જડે, સઘળા જઈ કુવામાં પડે
(૬૮)
ગુરુ તણા દાવે ગાજે, તેની પાસે ભુલે ન જાજે
જ્યાં ગયે સરે ન કામ, જાવાનું ત્યાં ન લેવું નામ
(૬૯)
ગુરુ માને માલ મળશે, શિષ્ય માને કામ સરશે
બંનેના ભાવ મેલા, પરસ્પરમાં ઠેલમ ઠેલા
(૭૦)
બનાવ્યું કાગજ કેરું નાવ, સૌને કહે અહીં તું આવ
ભુલ્યો ભુલાને ભમાવે, બેઠાં સૌને સાથે ડુબાવે
(૭૧)
વ્યાસ થઈને વાતો કરે, પરિવાર તણું પેટ ભરે
ગુરુ ગાદીએ ગરજે બહુ, જાણે બહેરા બેઠા સહુ
(૭૨)
ગળું તાણીને ગાજે બહુ, સારૂં સારૂં કહે સહુ
સારૂં નરસું કાઈ ન જાણે, પોત પોતાને મતે તાણે
(૭૩)
કામ પોતાનું તેથી ન થાયે, ભલે જનમ કરોડ ગવાયે
અધુરા અંતે અધીરા થાશે, જેવા તેવા જણાઈ જાશે
(૭૪)
હરિમાં જો હોશ હશે, તો સાચા સંત મળી જાશે
પછી કાંઈ ન કહેવાનું રહેશે, થવાનું નીત થાતું રહેશે
(૭૫)
જાણ્યુ ન જાણ્યુ કહે ન કાંઈ, તેવા પાસે જાજે ત્યાંય
તેના ચરણની સેવા કરજે, અવસર મળે પુછી લે જે
(૭૬)
દીનતા દીલમાં રાખી કરી, હું મારા ને ચરણે ધરી
શરણાગત તું થઈને રહેજે, તન-મન-ધનને શરણે ધરજે
(૭૭)
ગુરુ-ગોવિંદમાં ન જાણીશ ભેદ, તેમ કહે છે ચારો વેદ
અદ્વૈત ભાવ અંતરમાં રાખી, જ્ઞાન લેવાની રીત આ આખી
(૭૮)
કોણ હું? આવ્યો ક્યાંથી ? મને વાત નથી સમજાતી
કહો ગુરુ જગત શું છે, કહો જગદીશ પણ જે
(૭૯)
કરી કર્મ બહુ થાક્યો છું, તવ શરણે ગુરુ આવ્યો હું
ઉપાસનાથી ના આવ્યો અંત, સઘળો ગુરુ સમજાવો તંત
(૮૦)
ગુરુ કહે તું સાંભળ શિષ્ય, વાત તેં બહું પુછી ઠીક
વાત બતાવું મુળની તને, પછી રહે ન પુછવાનું મને
(૮૧)
અખંડ અવિનાશી રૂપ તારૂ, સોહમ નામ છે પ્યારું પ્યારું
નથી કોઈ આવ્યું જાવ્યું, આતમ સ્વરૂપ અમર કહાવ્યું
(૮૨)
એક વિભુ અનાદી તત્વ, નથી કાંઈ બીજુ સત્વ
જીવ-શિવ ભેદ દેખાય જે, સચ્ચિદાનંદ રૂપે એક તે
(૮૩)
ભેદ તણું કારણ કહું, તે માયાથી ભાસે ઘણું
જેમ ઝાંઝવાના પાણી, તેવું નક્કી લેજે જાણી
(૮૪)
હું ની ક્યાંયે હસ્તિ નથી, મુનિ જનો કહે મથી મથી
દેહમાં દેહી બુદ્ધિ બંધાણી, એક બીજાનું મળવું જાણી
(૮૫)
મિથ્યા અભિમાન દેહ તણું, હું હું કરતાં થાય બમણું
દેહી દેહ ધર્મે રાચે, નચાવે માયા તેમ નાચે
(૮૬)
માયા તો મિથ્યા હોય, જેમ રજ્જુમાં સાપ જ હોય
જોવા જાતાં જડે નહી, ત્રણે કાલે હતું ન તહી
(૮૭)
માયા ઉપાધિ બ્રહ્મની જાણ, તે માયાની સૌ તાણાવાણ
જીવ-શિવનો જણાય ભેદ, ઉપાધીએ તે કીધો ખેદ
(૮૮)
એક જ અજ્ઞાન કહેવાય, તેનાં માયા અવિદ્યા બે થાય
માયા ઉપાધિ શિવની હોય, અવિદ્યા ઉપાધી જીવની હોય
(૮૯)
તત્વમસિ મહાવાક્ય તણો, તને સાર સમજાવું ઘણો
તત્વં પદાર્થ શોધન થાય, જીવ-શિવનો ભેદ સમજાય
(૯૦)
ભેદ ભ્રાંતિ જીવ-ઈશ્વરની ટળે, લક્ષ્યાર્થે વૃત્તિથી બ્રહ્મમાં મળે
જહદાજહદ લક્ષણા ત્યાગી દેતા, ભાગ-ત્યાગ લક્ષણા લેતાં
(૯૧)
એક ચૈતન્ય વિભુ અદ્વૈત છે, ન તેમાં કોઈ ભેદ છે
તત્વ નિર્વિકાર અવિચળ સારૂં, બ્રહ્મ તત્વ સઘળે ન્યારું ન્યારું
(૯૨)
બ્રહ્માંડની ઉપાધિએ ચૈતન્ય રહ્યું, તેનું ઈશ્વર એવું નામ કહ્યું
પિંડ ઉપાધીએ ચૈતન્ય રહ્યું, જીવ તેવું નામ કહ્યું
(૯૩)
તતપદ વાચ્યાર્થ ત્યાગી દેતાં, તેનો ચૈતન્ય લક્ષ્યાર્થ લઈ લેતાં
ત્વંપદ વાચ્યાર્થ ત્યાગી દેતાં, તેનો ચૈતન્ય લક્ષ્યાર્થ લેતાં
(૯૪)
તતપદ લક્ષ્યાર્થે ચૈતન્ય, ત્વંપદ લક્ષ્યાર્થે ચૈતન્ય
સચ્ચિદાનંદ રૂપે એક હોય, અદ્વૈત થઈ રહે સોઈ
(૯૫)
આતમ પરમાતમ છે જે, અસિ પદમાં એક તે
કલ્પ્યા માયાએ તું તે, ઉપાધિએ ભેદ કર્યો તો એ
(૯૬)
દોનું ઉપાધિનું નિરસન થાતાં, લક્ષ્યાર્થમાં શુધ્ધ ચૈતન્ય લાતાં
અંતમાં શુધ્ધ રહ્યું જે શેષ, નિર્વિકાર બ્રહ્મ શુધ્ધ નિર્વિશેષ
(૯૭)
કહ્યો આ તત્વ તણો સાર, આથી સઘળું છે અસાર
યથાર્થની આ વાત કરી, અસત્ય તેમાં નથી જરી
(૯૮)
એક અચલ બ્રહ્મ કેવલ્યાદ્વૈત, નથી તેમા જરા પણ દ્વૈત
આવવા જવાની ગતી નથી, નિત્ય રહ્યું સદા શુધ્ધાચળથી
(૯૯)
નથી તેમા કહેવા જેવું કાઈ, થાકી રહ્યાં સદા વેદ ત્યાંય
વાણી વેદનો વિસ્તાર નથી, બ્રહ્મ રહ્યું સદા અકથી
(૧૦૦)
સમજાયું હોય તો ચૂપ થા, સંસાર સમી વૃત્તિ ન લા
નિત્ય આવૃત્તિમાં રહેજે, અહં બ્રહ્માસ્મિમાં ભાવ દે જે
(૧૦૧)
બ્રહ્મભાવમાં સદા રહે, પછી નથી જરા સંસારમાં ભે
અસત -સત ને લોપે નહીં, આ નીતિ સનાતન કહી
(૧૦૨)
તું દ્રશ્યનો દ્રષ્ટા સદા, નથી કોઈ તારો સૃષ્ટા કદા
દ્રષ્ટા દ્રશ્યનું રૂપ કહ્યું, તે સાપેક્ષતાની રીતે કહ્યું
(૧૦૩)
જો જ્ઞાતાનું જ્ઞેય ગયું, તો જ્ઞાતા રૂપ કેને ક્યું
સ્વયં પ્રકાશરૂપ સહેજે હું, એ અનુભવમાં રહેજે તું
(૧૦૪)
ધન્ય ધન્ય હું ગુરુજી થયો, સંશય સઘળો મારો ગયો
ગુરુકૃપાએ અનુભવ થયો, કૃતાર્થ સદા હું થઈ રહ્યો
(૧૦૫)
ન કહું મેં જાણ્યું આ, ન કહું મે અજાણ્યું વા
ચૂપ રહેવું તે મહિમા જાણી, અનુભવમાં રહ્યો છું આણી
(૧૦૬)
ગામઠી જ્ઞાનમાળા કરી, દોહરા શતાષ્ટ હોઈ
ગુરુગમથી જપે જાણે કોઈ, મુક્તિ પરમપદ સહેજે હોઈ
(૧૦૭)
સવંત બે હજાર છપન, કારતક તિથિ બારશ શનિવાર
સહજ હ્રદયથી જે સંચર્યું, તેવો પ્રગટ કર્યો વિચાર.
(૧૦૮)

Categories: નિર્વાણધામ યોગાશ્રમ, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Tags: | 12 Comments

બ્રહ્મ નિર્વાણ

Swami Bhajanprakashanandgiriji maharaj

બ્રહ્મનિર્વાણ

પુજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદજી મહારાજ તા.૧૪-૪-૨૦૦૯ ના રોજ બ્રહ્મનિર્વાણ પામ્યાં છે. તેમના ભંડારાનો કાર્યક્રમ તા.૨૮,૨૯ એપ્રીલ ૨૦૦૯ દરમ્યાન શ્રી નિર્વાણધામ યોગાશ્રમ રાણાવાવ ખાતે રાખેલ છે. સહુ ભક્તો / સાધકો / શ્રોતાઓને આ કાર્યક્રમમાં પધારવા માટે શ્રી નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવ તરફથી હાર્દિક નીમંત્રણ છે.

કાર્યક્રમ – ભંડારો
તારીખ – ૨૮,૨૯ ઍપ્રીલ – ૨૦૦૯
સ્થળ – શ્રી નિર્વાણધામ યોગાશ્રમ, જામનગર રોડ, રાણાવાવ
ફોન – (૦૨૮૦૧) ૨૩૦૮૦૦
ફોન – સ્વામીની શ્રી પૂર્ણાત્માનંદગિરિજી – ૯૮૨૫૨૫૨૭૦૬

Categories: નિર્વાણધામ યોગાશ્રમ | Leave a comment

Blog at WordPress.com.