એક વખત મારે અમારા એક સ્વજનની અંતીમયાત્રામાં જવાનું થયું. શબને લઈ જવાને થોડી વાર હતી. બહાર શેરીમાં કુટુંબીજનો અને અન્ય સગા વહાલાઓ આવી રહ્યાં હતા. એકાએક બે પાડા લડતા લડતા શેરીમાં આવી પહોંચ્યાં. કેટલાક લોકો ગભરાઈ ગયાં. એક બે જુવાનીયાઓ તેમને શેરીની બહાર કાઢવા માટે લાકડીઓ લઈને પાછળ પડ્યાં. તેઓ લડતા લડતા બહાર ગયા. થોડી વાર થઈ ત્યાં ફરી પાછા લડતા લડતા શેરીમાં આવ્યાં. ફરી પાછા હિમંતવાન જુવાનીયાઓ તેમને હાંકી કાઢવા માટે પ્રયત્નશીલ થયાં. એક શાણા વડીલે સલાહ આપી કે તેમને બંનેને એક જ બાજુ તગેડશો તો તે સાથે જ રહેશે અને ફરી પાછું તેમનામાં રહેલું ખુન્નસ બહાર આવશે તેથી તે લડવા લાગશે. જુવાનીયાઓએ પુછ્યું કે તો શું કરવું? વડીલે કહ્યું કે બંનેને શેરીના જુદા જુદા છેડે હાંકી કાઢો. જેથી બંને છુટા પડી જશે. તેવી રીતે બંનેને હાંકી કાઢ્યા તેથી તેઓ શાંત થઈ ગયા અને શેરીમાં એકઠા થયેલા લોકોએ હાશકારો અનુભવ્યો.
શેરીમાં માણસો શા માટે એકઠા થયા હતા તેમની સાથે તે પાડાને કશુ લાગતું વળગતું નહોતું. તે પાડાઓને લડવું હતુ અને શેરી તો તેમને લડવાનું માત્ર માધ્યમ હતી.
પાડાઓને શક્ય હોય તો લડતા અટકાવવા અને જો શક્ય હોય તો શેરીની બહાર કાઢી મુકવા પણ શેરીને લડાઈનું માધ્ય્મ ન બનવા દેવું જોઈએ.
આ જગતમાં કેટલાયે પાડાઓ મનુષ્યરુપે ઝગડ્યા કરતાં હોય છે. આપણાં મનની શેરીમાં આવા પાડાઓની લડાઈને દાખલ ન થવા દેવી તેમાં જ શાણપણ રહેલું છે.