ધર્મગ્રંથો ફુલદાનીમાં ગોઠવેલ ફુલો જેવા છે. જ્યારે ગુરુદેવ છોડ પર ઉગેલ પૂર્ણ વિકસીત સુગંધીત મનોહર ફુલ જેવા છે…
ચિંતન
માણસ એટલે માન્યતાનું પુતળું
Man, મનુષ્ય, માનવી, માણસ એ શું છે? જેમાં મન મુખ્ય છે તે Man. પ્રત્યેક મનુષ્યને મન છે, અને આ મન માન્યતાઓથી ભરેલું પડ્યું છે. જુદા જુદા મનુષ્યો જુદી જુદી માન્યતાઓ ધરાવે છે. જોવાની ખુબી એ છે કે પ્રત્યેક મનુષ્ય એમ માને છે કે મારી માન્યતા સાચી છે અને આખું જગત મારી માન્યતા પ્રમાણે જ ચાલે છે.
આપણે ભગવદ ગીતાનો જ દાખલો લઈએ. જેટલા ભાષ્યકારો એટલા ભાષ્યો. હવે તેમાં આધુનીક કહેવાતા મનોવૈજ્ઞાનીક પણ ઉમેરાયા છે અને ભવીષ્યમાં યે પ્રત્યેક મનુષ્ય જ્યારે ભગવદગીતા વાચશે ત્યારે તેના અર્થો તેની માન્યતા મુજબ કરશે. સામાન્ય મનુષ્યો પ્રત્યેક બાબતને પોતાની માન્યતા અનુરુપ જોવા ઈચ્છે છે અને પ્રત્યેક ઘટનાના અર્થઘટન તેમની માન્યતા પ્રમાણે કરશે એટલે કે સામાન્ય મનુષ્યો “જેવી દૃષ્ટી તેવી સૃષ્ટી” પ્રમાણે જીવતા હોય છે.
સત્યના શોધકો કોઈની કે પોતાની માન્યતા પ્રમાણે જીવતા નથી હોતા તે જગતના શોધાયેલા અને હવે પછી શોધાનારા સત્યો અને તથ્યોની યથાર્થતા પોતાની વિવેક બુદ્ધીની એરણ પર ચકાસે છે અને છેવટે તેની બુદ્ધી અને અનુભુતીને પ્રમાણ ગણીને જગતને મુલવે છે. તેવા માનવો વિશિષ્ટ વ્યક્તિ તરીકે પંકાય છે અને પંકાયેલા ન હોય તો યે વિશિષ્ટ હોય છે. તેવા માણસો માટેની જગતને જોવાની દૃષ્ટી “સૃષ્ટી તેવી દૃષ્ટી” જેવી હોય છે.
ધ્યાનના પ્રયોગો (૩)
આપણે ધ્યાનના પ્રયોગોમાં આગળ વધવાની સાથે સાથે શ્રીમદ ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયનો અભ્યાસ કરવો જોઈએ જેનાથી ધ્યાનના પ્રયોગો કરવામાં સહાય મળશે.
શ્રીમદ ભગવદગીતાનો છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ છે. નામ પ્રમાણે જ ગુણ ધરાવતો આ અધ્યાય સ્વ પર કાબુ કેમ મેળવવો તે શીખવે છે. સામાન્ય રીતે મનુષ્ય બીજા પર કાબુ મેળવવા મથ્યા કરતો હોય છે પણ જાત પર સ્વેચ્છાએ ભાગ્યે જ કાબુ રાખી શકતો હોય છે. આ અધ્યાયમાં આપણે જાણી શકશું કે જાત પર કાબુ કેવી રીતે મેળવવો.
પ્રથમ શ્લોકમાં શ્રી ભગવાન કહે છે :
अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।
स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥ ભ.ગી.૬.૧ ||
જે વ્યક્તિ તેના કર્તવ્ય કર્મો કર્મફળનો આશ્રય લીધા વગર કરે છે તે જ સંન્યાસી છે અને તે જ યોગી છે. પરંતુ જે અગ્નિને અડતો નથી તે સંન્યાસી નથી અને જે અક્રીય છે તે યોગી નથી.
યોગી અને સંન્યાસી વીશે પ્રચલિત માન્યતા પર જબરજસ્ત પ્રહાર કરતાં અહીં જણાવ્યું છે કે કરવાયોગ્ય કર્મો એટલે કે કર્તવ્ય કર્મો ફળનો આશ્રય લીધા વગર જે કરે છે તે સંન્યાસી છે અને તે જ યોગી છે. કર્તવ્યકર્મો અને નીષિદ્ધકર્મો આ બંને પ્રકારના કર્મો સંસારી કર્મફળના આશ્રય માટે કરે છે. હવે જે સાધક કર્તવ્ય કર્મો કરવાનું ચાલુ રાખીને કર્મફળનો આશ્રય છોડી દે છે તે ઘરે રહીનેય યોગી અને સંન્યાસી છે. જ્યારે જે માત્ર કર્મો કરવાનું છોડીને અક્રીય બનીને જગત પર બોજારુપ બની જાય છે તેવા ભગવાધારીઓ સંન્યાસી કે યોગી નથી. તેથી યોગી થવા માટે ગૃહત્યાગ નહીં પણ આસક્તિના ત્યાગની આવશ્યકતા છે. કર્તવ્ય કર્મો કોઈને બાંધતા નથી પણ કર્તાપણું અને ભોક્તાપણું બંધન ઉત્પન્ન કરે છે. જે વ્યક્તિ કર્મ કરે છે પણ કર્તાપણું રાખતી નથી તેના કાર્ય સારામાં સારા થાય છે અને ફળની આશા વગર થયેલ કર્મમાંયે ફળ તો ઉત્પન્ન થાય જ છે પણ ઈચ્છિત ફળ ન મળે તો યે સાધક હર્ષ શોક થી પર રહી શકે છે.
ધ્યાનમાં બેસનારે પણ આ રીતે ધ્યાન દ્વારા શું પ્રાપ્ત થશે તેવા ફળનો વિચાર કર્યા વગર નીયમીતપણે ધ્યાનમાં બેસવાથી સારામાં સારું ધ્યાન થશે અને કદાચ ન થાય તો યે તેને હર્ષ શોક તો નહીં જ થાય.
ધ્યાનના પ્રયોગો (૧)
મે-૨૦૧૪ થી ઓગષ્ટ-૨૦૧૪ દરમ્યાન મારે ધ્યાન વીશે સમજવું છે. ધ્યાનમાં બેસવાનો પ્રયાસ કરવો છે. ધ્યાન દ્વારા સ્વ સાથે વધારે રહેવાનો પ્રયાસ કરવો છે.
ગૃહસ્થને માટે ધ્યાન કરવું કેટલું જરુરી છે તે તો ધ્યાનમાં બેસીએ ત્યારે જ સમજાય પણ સાથે સાથે ગૃહસ્થને માટે ધ્યાનમાં બેસવું કેટલું અઘરું છે તે તો જ્યારે ગૃહસ્થના કર્તવ્યોનો બોજ માથા પર ઉઠાવીને ફરતા હોઈએ ત્યારે જ સમજાય.
એક ગૃહસ્થને ઘર સંભાળવાનું, પત્નિ અને બાળકોના વિકાસ અને ભરણ પોષણ માટે પુરુષાર્થ કરવાનો. વડીલોની કાળજી લેવાની અને આ સઘળું હસતા મુખે કરવાનું તે ધ્યાન કરવા કરતાયે વધારે અઘરું લાગે છે.
એક બાજુ વધતી જતી મોંઘવારી, શિક્ષણનો વધતો જતો ખર્ચ, કુટુંબની વધતી જતી જરુરીયાતો. વીજળી, ટેલીફોન, ઘરવેરા અને કરવેરા જેવા ફરજીયાત ભરવા પડતા બીલો તેની સામે આવક એટલા પ્રમાણમાં નોકરીયાતની કે નાના વ્યવસાયીકની ભાગ્યે જ વધે.
ઉંમરના વધવા સાથે શરીર ક્ષીણ થાય, મન આળું થાય, કાર્યક્ષમતા ઘટે અને તેમ છતાં જ્યાં સુધી બાળકો પગભર ન થાય ત્યાં સુધી ગૃહસ્થની જવાબદારી ઘટવાને બદલે દિન-પ્રતિદિન વધતી જાય.
આ ઉપરાંત સામાજીક મેળવાડાઓ અને પ્રસંગોમાં મરજીયાત કે ફરજીયાતપણે આપવી પડતી હાજરી, વાર તહેવારે અને પ્રસંગોપાત આવી પડતા અણધાર્યા ખર્ચાઓ તથા આવતા મહેમાનોની હસતા મુખે કરવી જોઈતી પરોણાગત ગૃહસ્થને થોડી તાજગીની સાથે આર્થીક બોજ પણ આપી જતા હોય છે.
આવા સામાજીક અને આર્થીક બોજથી બોજાયેલો ગૃહસ્થ ધ્યાન કરે તો શેનું કરે? ધ્યાનમાં બેસે તો તેને શેના વિચારો આવે?
સહુ પ્રથમ તો તેને ધ્યાનમાં ઈશ્વરને બદલે તેની જવાબદારીના જ વિચારો આવે. મન કોઈ ધ્યેય તરફ એકાગ્ર થવાને બદલે છોકરાની ફી, ઘરવેરો ભરવાની છેલ્લી તારીખ, ગ્રાહકના પુરા કરવાના ઓર્ડરો, બે દિવસ પછી આવનારા મહેમાનો, વરસના અથાણાં, મસાલા અને અનાજ કેમ ભરશું વગેરે વગેરે વિચારો જ આવે.
શ્રી રામકૃષ્ણ પરમહંસ: કહે છે કે સંન્યાસીને માટે ઈશ્વરચિંતન સરળ છે કારણ કે તેને તો માત્ર બે ટંક ભીક્ષાની જ ચિંતા છે જ્યારે ગૃહસ્થનું ઈશ્વર ચિંતન તો માથા પર બે મણનું પોટલું લઈને કાર્ય કરવા જેવું કઠીન છે.
પ્રશ્ન થાય કે તો શું સંસારીએ ઈશ્વરચિંતન કે ધ્યાન ન કરવું? મોટાભાગના સંસારીઓ નથી જ કરતા.
ધ્યાન કે ઈશ્વરચિંતનથી ફાયદો શું?
ધ્યાન તે સ્વની સાથે સંવાદ સાધવાની કળા છે જ્યારે ઈશ્વરચિંતન તે જગદીશ્વર સાથે સંવાદ સાધવાની કળા છે. આપણે આખો દિવસ અન્ય જીવો સાથે તો માથાપચ્ચી કરતા જ હોઈએ છીએ તો થોડો વખત સ્વ સાથે અને થોડો વખત જગતનિયંતા સાથે ગાળવો તે શું આનંદપ્રદ ન બને?
ગૃહસ્થ કર્તવ્યોનો બોજ ઉપાડે છે શા માટે?
આનંદ માટે.
જો આટઆટલો બોજો ઉપાડીને છેવટે તે આનંદ જ ઝંખતો હોય તો થોડો વખત બોજો માથેથી ઉતારીને હળવો થઈને બેસે તો શું તેને ખરેખરો આનંદ ન મળે?
પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવજન તો તેને રે કહીંયે જે પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવ એટલે વિષ્ણુના જે ભક્ત છે તે. વિષ્ણુ એટલે વ્યાપક. એટલાં વ્યાપક કે જ્યાં જ્યાં તેનો વ્યાપ હોય તે સર્વ તેની વિભૂતિથી વિભૂષિત થઈ જાય. ટુકમાં પ્રકૃતિના સત્વગુણમાં પડતા ચૈતન્યનો પ્રભાવ એટલે વિષ્ણુંની વિભૂતિ. આ સત્વ ગુણના ચાહક, સંવર્ધક, પ્રેરક તે વૈષ્ણવ. આવા લોકો દૈવી સંપત્તિના સંગ્રાહક હોય છે. દૈવી સંપત્તિ વિશે વધુ જાણવા માટે ભગવદ્ગીતાનો ૧૬મો અધ્યાય વાંચવો.
આસુરી જન તો તેને રે કહીંયે જે પરને પીડી જાણે રે
અસુ એટલે પ્રાણ. પ્રાણના સુખમાં રમણ કરનાર અસુર. પ્રાણનું સુખ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદે જઈ શકે એટલે કે અન્યને પીડી શકે, અન્યનું નુકશાન કરી શકે કે અન્યનું અસ્તિત્વ પણ મિટાવી દઈ શકે તે આસુરી જન. આસુરી જન મુખ્યત્વે રજોગુણ પ્રધાન હોય. ખૂબ કાર્ય કરે પણ સર્વ કાર્ય કામ, ક્રોધ અને લોભથી પ્રેરિત હોય. આસુરી જન વિશે વધુ જાણવા માટે ભગવદ્ગીતાનો ૧૬મો અધ્યાય વાંચવો.
તામસ જન તો તેને રે કહીંયે જે સ્વની અધોગતિ નોતરે રે
આવા લોકોની શું વાત કરવી? જેમને અન્યની પીડાની કે અન્યને પીડવાની નહીં પણ આળસ અને પ્રમાદથી સ્વને જ અધોગતિમાં લઈ જવાની ટેવ પડી ગઈ હોય.
પાછળથી ઘુસાડ્યું હશે
શાસ્ત્રો જ્યારે રચાયા ત્યારે આપણે હાજર નહોતા. અત્યારે જે કાઈ સાહિત્ય રચાય છે તેમાંથી થોડું પછીના જમાનામાં શાસ્ત્ર બની જાય તેવું બને. જુદા જુદા સમયે જે તે પરિસ્થિતિ અને સત્તાધીશોની સત્તાને આધારે કાયદાઓ, હુકમો, ફતવાઓ, આજ્ઞાઓ, નીયમો કે કર્તવ્યોનો ઉપદેશ કરવામાં આવ્યો હોય. સમય બદલાય, દેશ-કાળ અને સત્તાધીશો બદલાય એટલે આ બધું જ બદલાય.
જુના જમાનાના શસ્ત્રો અત્યારે ન ચાલે તેમ જુના જમાનાના શાસ્ત્રોએ અત્યારે ન ચાલે. સનાતન ધર્મીઓએ શાસ્ત્રના બે વિભાગ પાડ્યાં.
૧. શ્રુતિ અને ૨. સ્મૃતિ
શ્રુતિ એટલે એવા સિદ્ધાંતો કે જેનો જુદા જુદા સમયે જુદા જુદા મહાપુરુષોએ અનુભવ કર્યો. આ અનુભવ સહુ કોઈને થઈ શકે તે પ્રયોગો કરીને સાબીત કરી બતાવ્યું અને તે પ્રયોગોના આધારે પદ્ધતિઓ આપી જેને સૂત્રાત્મક રીતે કે શ્લોક દ્વારા સાચવી રાખીને પરંપરાથી સંતાનો અને શીષ્યોને કંઠસ્થ કરાવીને જાળવણી કરવામાં આવી, જેને શ્રુતિ કહેવાય છે.
જ્યારે આ જ નીયમો દ્વારા જે તે દેશકાળની પરિસ્થિતિને આધારે કાયદાઓ અને નીયમો બનાવવામાં આવ્યાં તે સ્મૃતિઓ કહેવાણી. મનુસ્મૃતિ અને ભગવદગીતા બંને સ્મૃતિ છે. જ્યારે ઉપનિષદો શ્રુતિ છે.
દેશ કાળ પ્રમાણે જ્યારે સ્મૃતિઓની કોઈક બાબત કેટલાક લોકોના મનમાં ખટકે ત્યારે તેઓ સ્વીકારી નથી શકતા કે જે તે સમયે તે બાબતો લાગુ પાડવામાં આવી હશે. જે દેશ, કાળ અને પરિસ્થિતિ બદલાતા અત્યારે અનુરુપ નથી લાગતી. તેવે વખતે તેઓ કહી દેતા હોય છે કે આ તો બધું પાછળથી ઘુસાડવામાં આવ્યું છે.
કોઈ પણ બાબત માનવી કે ન માનવી તે બાબતે દરેક સ્વતંત્ર છે પણ જે કોઈ બાબત પોતાની માન્યતાને અનુરુપ ન હોય તેને પાછળથી ઘુસાડવામાં આવ્યું હશે તેમ શા માટે કહેવું જોઈએ?
સુખીયા સબ સંસાર હૈ
સુખીયા સબ સંસાર હૈ
ખાયે ઔર સોયે
દુ:ખીયા કબીર દાસ હૈ
જાગે ઔર રોયે
કબીર પરમ તત્વને પામી ગયેલા સંત હતા. તેઓ સંસારીઓને જોતા અને વિચાર કરતાં કે વાહ બધા કેવા ખાય છે, પીવે છે અને જલસા કરે છે.
આ જોઈને કબીરજીને રડવું આવતું. કેટલાંક લોકોનું અરણ્ય રુદન હોય છે જ્યારે સંતોનું કારુણ્ય રુદન હોય છે.
અને તેમને દોહરો સ્ફુર્યો હશે કે:
ચલતી ચક્કી દેખકે, દીયા કબીરા રોય
દો પાટન કે બીચમેં, સાબુત બચા ન કોય
શંકરાચાર્યજી પણ કહે છે કે :
દિનમપિ રજની, સાયં પ્રાત:
શિશિર વંસતો પુનરાયાત
કાલ ક્રીડન્તિ ગચ્છતિ આયુ
તદપિ ન મુન્ચતિ આશાવાયુ
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે
ભગવદગીતા કહે છે કે :
યા નિશા સર્વ ભુતાનિ તસ્યાત જાગર્તિ સંયમિ
અને તેનો સરળ અનુવાદ કરતાં યોગેશ્વરજી સરળ ગીતા દ્વારા કહે છે કે :
વિષયોમાં ઉંઘે બધા, યોગી વિષય ઉદાસ
પ્રભુ પ્રકાશથી દૂર સહુ, યોગી પ્રભુની પાસ
આવા સંતો કે જેમને દુનિયાએ પાગલ ગણ્યાં તે જ ખરા અર્થમાં શાણા હતા અને જેમને આપણે દુન્યવી રીતે સફળ ગણીએ છીએ તેવા સીકંદરો જીવનભર રક્તપાત કરીને છેવટે ખાલી હાથે ચાલ્યા જાય છે.
“સાક્ષીભાવ” ની શ્રાવ્ય આવૃત્તિ
સત્ય કડવું કે મીઠું?
સત્ય તો હંમેશા સત્ય હોય છે. જો વ્યક્તિની પોતાની માન્યતા પ્રમાણેનું હોય તો તેને તે મીઠું લાગે છે અને પોતાની માન્યતાથી વિરુદ્ધ હોય તો તેને કડવું લાગે છે.
સત્યમાં કડવાશ કે મીઠાશ હોતી નથી માત્ર આપણી માન્યતાને આધારે આપણે તેને કડવું કે મીઠું બનાવી દઈએ છીએ.
વાત એકની એક પણ દૃષ્ટિકોણ અલગ
એક વિદ્યાર્થીએ પુછ્યું કે મને ૧૨મા ધોરણના છ વિષયો પાસ કરવા માટે સાત માર્કશીટની જરુર પડી આને શું કહેવાય?
બધાએ એકી અવાજે કહ્યું કે ’નિષ્ફળતાની કરુણ કહાની.’
તે વિદ્યાર્થીએ મૃદુ સ્મિત કરતાં કહ્યું કે ના હું તેને ’પુરુષાર્થની પ્રેરક ખુમારી’ તરીકે વર્ણવવાનું પસંદ કરીશ.
શું તમે પેલી ’કરતા જાળ કરોળીયો’ વાળી ઉક્તિ નથી સાંભળી?
જાળું બનાવતા બનાવતાં તે અનેક વખત ભોંયે પછડાયો પણ છેવટે જાળું બનાવીને જ રહ્યો. બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કર્યો તેવો આપણે સામાન્ય જીવનના સુખ સગવડો મેળવવા માટે ય ક્યાં કર્યો છે?
તો દોસ્તો, આ વાત યાદ રાખજો કે જ્યારે તમે નિષ્ફળ જાવ છો ત્યારે નાસીપાસ થઈને બેસી રહેશો તો તમારી સફર ત્યાં જ પુરી થઈ જશે પણ જો તમે ફરી પાછા પ્રયાસ કરશો, બેઠા થશો, ઉભા થશો અને ચાલવા લાગશો તો એક દિવસ મંઝીલે અવશ્ય પહોંચી જશો.
स्वाध्यायान्मा प्रमद: