ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૭ – સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા
23. જ્ઞાની પુરૂષની છેવટની અવસ્થામાં બધી ક્રિયાઓ ખરી પડે છે, શૂન્યરૂપ થાય છે. છતાં એનો અર્થ એવો પણ નથી કે તે અંતિમ અવસ્થામાં ક્રિયા ન જ થાય. તેને હાથે ક્રિયા થાય અગર નયે થાય. આ છેવટની દશા બહુ રમણીય તેમ જ ઉદાત્ત છે. તે અવસ્થામાં જે જે કંઈ થાય છે, તેની ફિકર તેને હોતી નથી. જે જે કંઈ થશે, બનશે તે બધુંયે શુભ જ હશે, રૂડું જ હશે. સાધનાની પરાકાષ્ઠાની દશા પર તે ઊભો છે. ત્યાં રહી સર્વ કર્મ કરતો છતો તે કશું કરતો નથી. સંહાર કરતો છતો સંહાર કરતો નથી. કલ્યાણ કરવા છતાં કલ્યાણ કરતો નથી.
24. આ અંતિમ મોક્ષાવસ્થા સાધકની સાધનાની પરાકાષ્ઠા છે. સાધકની સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા છે. હું કંઈક કરૂં છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી. અથવા આ દશાને હું સાધકની સાધનાની અનૈતિકતા કહીશ. સિદ્ધાવસ્થા નૈતિક અવસ્થા નથી. નાનું છોકરૂં સાચું બોલે છે. પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી. કેમકે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી. અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ થયું. સિદ્ધાવસ્થામાં અસત્યની વાત જ હોતી નથી. ત્યાં સત્ય જ છે, તેથી ત્યાં નીતિ નથી. જે નિષિદ્ધ છે તે ત્યાં નામનુંયે ફરકતું નથી. જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું જ નથી. જે જોવાનું નથી તેને આંખો જોતી જ નથી. જે થવું જોઈએ તે હાથથી થઈને ઊભું રહે છે, કરવું પડતું નથી. જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું પણ આપમેળે ટળી જાય છે. આવી એ નીતિશૂન્ય અવસ્થા છે. આ જે સાધનાની પરાકાષ્ઠા, આ જે સાધનાની સહજાવસ્થા અથવા અનૈતિકતા અથવા અતિનૈતિકતા કહો, તે અતિનૈતિકતામાં નિતિનો પરમોત્કર્ષ છે. અતિનૈતિકતા શબ્દ મને સારો સૂઝ્યો. અથવા આ દશાને સાત્વિક સાધનાની નિઃસત્વતા પણ કહી શકાશે.
25. આ દશાનું વર્ણન શી રીતે કરવું ? જેમ ગ્રહણનો આગળથી વેધ લાગે છે તેમ દેહ કરી પડયા પછીની જે મોક્ષદશા છે તેના અભાવા દેહ પડે તે પહેલાં જ શરૂ થઈ જાય છે. દેહની સ્થિતિમાં જ ભાવિ મોક્ષસ્થિતિના અનુભવો થવા માંડે છે. આવી આ જે સ્થિતિ છે તેનું વર્ણન કરતાં વાણી અટકી પડે છે. તે ગમે તેટલી હિંસા કરે તોયે તે કંઈ કરતો નથી. તેની ક્રિયાને હવે કયું માપ લગાડવું ? જે થશે તે બધું કેવળ સાત્વિક કર્મ થશે. ક્રિયા માત્ર ખરી જશે છતાં આખાયે વિશ્વનો તે લોકસંગ્રહ કરતો હશે. કઈ ભાષા વાપરવી તે સમજાતું નથી.
26. આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે. એક પેલી વામદેવની દશા. તેનો પેલો પ્રસિદ્ધ ઉદ્ગાર છે ને કે, “ આ વિશ્વમાં જે જે કંઈ છે તે હું છું. ” જ્ઞાની પુરૂષ નિરહંકાર થાય છે. તેનું દેહાભિમાન ખરી પડે છે. ક્રિયા બધી ખરી પડે છે. એવે વખતે તેને એક ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે. તે અવસ્થા એક દેહમાં સમાઈ શક્તી નથી. ભાવાવસ્થા એ ક્રિયાવસ્થા નથી. ભાવાવસ્થા એ ભાવનાની ઉત્કટતાની અવસ્થા છે. આ ભાવાવસ્થાને નાના સરખા પ્રમાણમાં આપણે સૌ અનુભવીએ છીએ. બાળકના દોષથી મા દોષિત થાય છે, તેના ગુણથી ગુણી બને છે. દીકરાના દુઃખે તે દુઃખી થાય છે અને તેના સુખથી સુખી થાય છે. માની આ ભાવાવસ્થા પોતાના દીકરા પૂરતી હોય છે. દીકરાનો દોષ પોતે ન કરેલો હોવા છતાં તે ઓઢી લે છે. જ્ઞાની પુરૂષ પણ ભાવનાની ઉત્કટતાને લીધે આખાયે જગતના દોષ પોતાને માથે લે છે. ત્રણે ભુવનનાં પાપથી તે પાપી થાય છે, પુણ્યથી પુણ્યવાન થાય છે. અને આવું બધું છતાં તે ત્રિભુવનના પાપ-પુણ્યથી જરા સરખો સ્પર્શાતો નથી.
27. પેલા રૂદ્રસૂક્તમાં ઋષિ કહે છે ને કે यवाश्च मे तिलाश्च मे गोधूमाश्च मे. ‘ મને જવ આપો, તલ આપો, ઘઉં આપો, ’ એમ તે માગ માગ કર્યા જ કરે છે. એ ઋષિનું પેટ છે કેવડું ? પણ તે માગનારો સાડાત્રણ હાથના દેહમાં રહેવાવાળો નહોતો. તેનો ત્મા વિશ્વાકાર થઈને બોલે છે. આને હું वैदिक विश्वात्मभाव કહું છું. વેદમાં આ ભાવનાનો પરમોત્કર્ષ થયેલો દેખાય છે. ‘ બાપજી પાપ મેં કવણ કીધાં હશે, નામ લેતાં તારૂં નિદ્રા આવે ? ’
28. ગુજરાતનો સંત નરસી મહેતો કીર્તન કરતાં ગાય છે ને કે – હે ઈશ્વર, એવું કયું પાપ મેં કર્યું છે કે કીર્તન કરતાં મને ઊંઘ આવે છે ? હવે, ઊંઘ શું નરસી મહેતાને આવતી હતી ? ઊંઘ કીર્તન સાંભળનારા શ્રોતાઓને આવતી હતી. પણ શ્રોતાઓ સાથે એકરૂપ થઈને નરસી મહેતો આ સવાલ પૂછે છે. નરસી મહેતાની એ ભાવાવસ્થા છે. જ્ઞાની પુરૂષની આવી આ ભાવાવસ્થા હોય છે. આ ભાવાવસ્થામાં બધાં પાપપુણ્યો તેને હાથે થાય છે એમ તમને દેખાશે. તે પોતે પણ એવું કહેશે. પેલો ઋષિ કહે છે ને કે, ‘ કરવી ન જોઈ એવી કેટલીક વાતો મેં કરી, કરૂં છું અને કરીશ. ’ આ ભાવાવસ્થા પ્રાપ્ત થયા પછી આત્મા પંખીની માફક ઊડવા માંડે છે. તે પાર્થિવતાની પેલી પાર જાય છે.
29. આ ભાવાવસ્થાની માફક જ્ઞાની પુરૂષની એક ક્રિયાવસ્થા પણ હોય છે. જ્ઞાની પુરૂષ સ્વાભાવિક રીતે શું કરશે ? તે જે જે કંઈ કરશે તે બધું સાત્વિક જ હશે. હજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે. તો પણ તેનો આખોયે દેહ, તેની બધીયે ઈન્દ્રિયો, એ બધાં સાત્વિક થયેલાં હોવાથી તેની દરેક ક્રિયા સાત્વિક જ થશે. વહેવારની બાજુથી જોશો તો સાત્વિકતાની પરિસીમા તેના વર્તનમાં દેખાશે. વિશ્વાત્મભાવની દ્રષ્ટિથી જોશો તો આખાયે ત્રિભુવનમાં થતાં પાપ-પુણ્યો જાણે તે કરે છે. અને આમ છતાં તે અલિપ્ત રહે છે. કારણ આત્માને વળગેલો આ દેહ તેણે ઊંચકીને ફેંકી દીધો હોય છે. ક્ષુદ્ર દેહને ફેંકી દેશે ત્યારે જ તે વિશ્વાત્મરૂપ થશે.
30. ભાવાવસ્થા અને ક્રિયાવસ્થા ઉપરાંત જ્ઞાની પુરૂષની ત્રીજી એક સ્થિતિ છે. તે ચે જ્ઞાનાવસ્થા. આ અવસ્થામાં તે પાપ પણ સહન કરતો નથી, પુણ્ય પણ સહન કરતો નથી. ખંખેરીને બધું ફેંકી દે છે. આ ત્રિભુવનને સળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર થાય છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી. તેનો સ્પર્શ સરખો તે સહી શકતો નથી. આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરૂષની મોક્ષદશામાં, સાધનાની પરાકાષ્ઠાની દશામાં, સંભવે છે.
31. આ જે અક્રિયાવસ્થા છે, છેવટની દશા છે તેને પોતાની કેવી રીતે કરવી ? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો પાડવો. હું કેવળ નિમિત્તમાત્ર છું, કર્મનું કર્તૃત્વ મારી પાસે નથી એમ મનન કરવું. આ અકર્તૃત્વવાદની ભૂમિકા પહેલાં નમ્રપણે સ્વીકારવી. પણ એથી બધુંયે કર્તૃત્વ ચાલ્યું જાય એવું નહીં બને. આસ્તે આસ્તે આ ભાવનાનો વિકાસ થતો જશે. પહેલાં હું કેવળ તુચ્છ છું, તેના હાથમાંનું ઢીંગલું છું, તે મને નચાવે છે, એવું તારા મનને લાગવા દે. તે પછી બધુંયે કરવા છતાં તે આ દેહનું છે, મને તેનો સ્પર્શ નથી, આ બધીયે ક્રિયા આ મડદાની છે, પણ હું મડદું નથી, હું શવ નથી, પણ શિવ છું; એવી ભાવના કરતાં કરતાં દેહના લેપથી લેશમાત્ર લેપાઈશ મા. આમ થતાં દેહ સાથે જાણે કે સંબંધ જ નથી એવી જ્ઞાનીની અવસ્થા પ્રાપ્ત થશે. એ અવસ્થામાં પાછી ઉપર કહેલી ત્રણ અવસ્થા હશે. એક તેની ક્રિયાવસ્થા, જેમાં અત્યંત નિર્મળ તેમ જ આદર્શ ક્રિયા તેને હાથે થશે. બીજી ભાવાવસ્થા, જેમાં ત્રિભુવનમાં થતાં પાપ-પુણ્યો હું કરૂં છું એમ તે અનુભવશે પણ તેમનો તેને લેશમાત્ર સ્પર્શ નહીં થાય. અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા; એ અવસ્થામાં લેશમાત્ર કર્મ તે પોતાની પાસે રહેવા દેશે નહીં. બધાંયે કર્મોને ભસ્મસાત્ કરશે. એ ત્રણ અવસ્થા વડે જ્ઞાની પુરૂષનું વર્ણન કરી શકાશે.