મિત્રો અને સ્વજનો,
• તા. ૨૫ જુલાઈ ૨૦૧૦ ના રોજ ગુરુ પુર્ણિમા ના પાવન દિવસે ભાવનગરમાં સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં ’ગુરુ વંદના’ કાર્યક્રમ યોજાઈ ગયો.
• શ્રી નીશીથભાઈ મહેતા સંચાલિત ‘Centre for Excellence’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સહુ પ્રથમ દર્શકોનું સ્વાગત કરતા શ્રી છાંયાબહેને ગુરુનું શું મહત્વ છે તેના વીશે વક્તવ્ય આપેલ.
• અતિથી વિશેષ કલાગુરુ શ્રી ધરમશીભાઈ શાહ તથા શ્રી નંદકુંવરબા કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રી અંજનીદેવીનું પુષ્પગુચ્છથી અભીવાદન કરવામાં આવ્યું.
• ચાર જુદી જુદી કલા સંસ્થાઓના કલાગુરુઓ ૧. ધરમશીભાઈ શાહ ૨. કાજલબહેન મૂળે ૩. મુરલીબહેન મેઘાણી તથા ૪. વિનિતાબહેન ઝાલા નું શ્રી અંજનીદેવીએ શાલ ઓઢાડીને સન્માન કર્યું.
• કાર્યક્રમની શરૂઆત કલાક્ષેત્રની વિદ્યાર્થીનીઓ દ્વારા જગદ્જનની જગદંબાના વિવિધ સ્વરૂપો રજુ કરતી કૃતિ કથ્થકના તોડા દ્વારા અભીવ્યક્ત કરીને કરવામાં આવી.
• હર્ષાબહેન શુક્લની વિદ્યાર્થીનીઓ દ્વારા ’જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ ગીત ઉપર ભારતનાટ્યમ દ્વારા રજુઆત કરવામાં આવી.
• કાજલબહેન મૂળેની વિદ્યાર્થીનીઓ દ્વારા ’એકલવ્યનો ગુરુપ્રેમ’ વિષય પર નૃત્ય નાટીકા રજુ કરવામાં આવી.
• મુરલીબહેન મેઘાણીની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું. કથ્થકના તોડા, મૃંદગનો તાલ અને સંગીતની સરગમના ત્રીવેણી સંગમે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
• વિનિતાબહેન ઝાલાની વિદ્યાર્થીનીઓ (જેમાં અમારી દીકરી આસ્થા પણ સામેલ છે) દ્વારા મીરાબાંઈના પદ “બરસે બદરીયા સાવનકી” પર કથ્થકના તોડા, મૃંદંગના તાલ અને સંગીતની સરગમના સુમેળ-સભર ભાવવાહી રજુઆત દ્વારા દર્શકો રસતરબોળ થઈ ગયા હતા અને સમગ્ર યશવંતરાય નાટ્યગૃહ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું.
• કાજલબહેન મૂળેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
• કાર્યક્રમ અંગે પોતાનો પ્રતિભાવ દર્શાવતા સિલ્વર બેલ્સના આચાર્યા શ્રી અમરજ્યોતિ બહેને ગદગદ કંઠે કહ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમે મારા ઉપર કોઈ અજબ ભુરકી છાંટી દીધી હોય તેમ લાગ્યું અને હું મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.
• શ્રી નિશીથભાઈ મહેતાએ આ કાર્યક્રમ ’ગુરુ વંદના’ માં કઈ રીતે ફેરવાઈ ગયો તે વીશે આનંદપુર્વક રજુઆત કરી હતી.
• આભારવિધી બાદ કાર્યક્રમને પુર્ણ જાહેર કરવામાં આવ્યો અને પ્રેક્ષકો એક અજબ ભાવજગતને પોતાના હ્રદયની અંદર કંડારીને વીખરાયા હતા.