
આમ તો આજે પોસ્ટ લખવાનો વિચાર નહોતો. પછી થયું કે હાવ નવરો ધૂપ છું તો કોઈકને કાઈક કામ હોય તો પુછી જોઉ. અલ્યા ભઈ કમળા હોળી અને હોળીયું શેરીએ શેરીએ છાણના મોઢેથી આગની જીભે લબકારા લેતી આવી પુગી તો હોળીમાં તો કઈ કેટલાયે કામ હોય કે નઈ?
હોળીની ગોટ માંગવા જવાની.
કોઈકના ફળીયામાં પડેલા રેઢા લાકડા કે ફર્નીચર ચોરવાના.
શેરીયુંમાં છાણા એકની ઉપર એક ગોઠવીને કોની હોળી મોટી થાય એની હરીફાયું કરવાની.
હોળી ફરતે શ્રદ્ધાળુઓ ચકરડી ફરતા જાય, લોટામાંથી પાણીની ધાર કરતાં જાય ને પછી હોળીમાં નાળીયેર નાખતા જાય તે ઈ નાળીયેર હાવ બળી નો જાય ઈ પેલા એને લાંબા વાંહની લાકડીયું થી કાઢી લેવાનું યે કામ કરવાનું હોય કે નઈ?
અને હોળીની વચ્ચો વચ્ચ ઘઉ ભરીને એક માટલું મુકી રાખવાનું અને બીજા દિવસે એમાં બફાઈ ગયેલા ઘઉ અને અર્ધા બળેલા નાળીયેરની શેષું નો પરહાદ કરીને હવારની પહોરમાં હંધાયના ઘરે પરહાદ આલવા યે જાવું પડે કે નઈ?
હવે કેશો કે આ હું હોળાયાની જેમ ફરો છો પણ હું કરીએ ભાઈ નાનપણથી ઘેરૈયાઉની હારે રઈ રઈને કાદવ, કીચડ કે કીલ જે હાથમાં આવે ઈ લઈને બીજાને કાળ મશ કરી મેલે એવા રંગોથી ધુળેટાયા હોઈએ તો હોળાયા જેવા ન લાગીએ?
હવે તમારે કાઈ ઉપરમાંથી એકે કામ હોઈ તો કહેજોને?
અમે હાવ નવરા ધૂપ છીએ તો અમે આમાથી કોઈ પણ ઈ-કામ નેટ પરથી કરવા હારુ હબઘડીમાં ખાબકશું.
હું કીધુ? અલ્યા હોળી ઠેકવા બોલાવો સો?
ના ભઈ ના નાનપણમાં મારી બૂન હોળીના બીજા દિવસે ગરમ પાણી થી દાઝી ગઈતી તે ઈ ને દવાખાનામાં દાખલ કરેલી ને એની બાજુના ખાટલે એક હોળી ઠેકવા ગયેલો જુવાનીયો બીચારો હોળી ઠેકી ન હક્યો તો હોળીમાં ખાબકેલો તેનો કેસ આવેલો. ઈ ના જે હાલ હવાલ થયા ઈ જોયા પસી મેં તો આજીવન હોળી ઠેકવાનો વિસાર કરવાનું યે માંડી વાળ્યું સે હો બાપલા !
લ્યો ત્યારે સહુને હોળીની અગનજ્વાળાઓ વચ્ચે ધૂળેટીના રંગોત્સવની રંગભરી પીચકારીથી ભીંજાવા દલડાના તળીયેથી નોતરાં સે. જેને ભીંજાવું હોઈ ઈ તમતમારે અમારા બ્લોગની પરહાળે પુગી આવો.
મનભરીને લૂંટશું ને લુંટાશું…
રાહ કોની જુવો છો? આજનો લ્હાવો લીજીએ કાલ કૂણે દીઠી સે?
