આનંદ

આસ્થાનો જન્મદિવસ – આગંતુક

મિત્રો,
૧૧મી ડીસેમ્બર એટલે અમારા માટે ખુશીનો દિવસ. આજના યાદગાર દિવસે મેં પિતૃત્વ અને કવિતાએ માતૃત્વ પ્રાપ્ત કરેલ. મને યાદ છે તે ૧૩ વર્ષ પહેલાનો સુવર્ણ દિવસ કે જ્યારે સવારના પહોરમાં મેં સમાચાર સાંભળેલા કે ગઈકાલે અડધી રાત્રે તમે એક પુત્રીના પિતા બની ચૂક્યા છો. મારી સવાર સુધરી ગયેલી.

ગઈ કાલે મને એમ હતું કે કાલે સવારે હું અમારી તેજની કટાર જેવી આ દિકરી વિશે સુંદર પોસ્ટ મુકીશ. તેના નૃત્ય,સંગીત અને અભ્યાસની વાત કરીશ. અમારી ખુશી આપની સાથે વહેંચીશ પણ બન્યું કાઈક તેનાથી ઉલટું.

બા તો અત્યારે આશામાસીની દિકરી અમી (અનોખી) ના લગ્ન હતાં એટલે મહેસાણાં ગયાં છે. ઘરમાં બાકી રહ્યાં અમે ચાર. આમ તો ગઈ કાલ રાતથી જ કવિતાની તબીયત ખરાબ હતી. સવારે જેમ-તેમ પરાણે ઉઠીને આસ્થાને તૈયાર કરીને શાળાએ મોકલવા સુધી કાર્યરત રહી શકી. ત્યાર બાદ સુસ્તી વધી, નબળાઈ વધી, શરીરમાં અસ્વસ્થતા વધી. ઉલટીઓ થઈ(ગેરસમજ ન કરતાં – હાલમાં લગ્ન ગાળો ચાલે છે અને બહાર આચર-કુચર થોડું ખવાઈ ગયું હોય તો પાચનમાં ગરબડ થઈ હોય એટલે).

કોમ્પ્યુટર પર પોસ્ટ મુકવાને બદલે મારા ભાગમાં બીજી કામગીરી આવી. પહેલું કામ કવિતાને માથે બામ લગાડીને માથું દાબી આપવાનું કર્યું. ત્યાર બાદ હંસ: માટે બોર્નવિટા બનાવ્યું અને મારા માટે ચા. કવિતાને ચા પીવી છે તેમ પુછ્યું તો કહે કે મારે કશું ખાવું પીવું નથી મને સુવા દ્યો. મેં અને હંસે સવારનો નાસ્તો એક ડીશમાંથી સાથે કર્યો. હંસે બોર્નવિટા અને મેં ચા પીધી (હવે કોઈ બોર્નવિટા અને ચા પીવાના ગેરફાયદા વિશે મહેરબાની કરીને પોસ્ટ ન લખશો). આમ કરવાથી અમારા શરીરમાં ગરમાવો અને સ્ફુર્તિ આવ્યા. ત્યાર બાદ હંસ:ને નવરાવ્યો (ગરમ પાણીએ) – જાણે કે બાળ ગોપાલને નવરાવતો હોઉ તેવા ભાવથી. ત્યાર બાદ હું નાહ્યો (મારી મેળે).

થોડી વાર હંસ: સાથે પ્લાસ્ટિકના દડાથી ક્રીકેટ રમ્યો. રાબેતા મુજબ હંસ જીત્યો. કવિતા જાગી – તેની સાથે પણ અડધો કપ ચા પીધી. અડધી પોસ્ટ લખી. પાછો હંસ:ને શાળાએ મુકવા ગયો. હવે આવીને આ બાકી રહેલ લખવાનું કાર્ય પુરુ કર્યું.

બોલો હવે કોણ કહી શકે કે – કાલે શું થવાનું છે? ન જાણ્યું જાનકી નાથે… – સવારે શું થવાનું છે?

Categories: આનંદ, ઉત્સવ, મધુવન, મારુ કુટુંબ | Tags: , , , , , | 5 Comments

‘કુરુક્ષેત્ર’ ને એક વર્ષ પૂર્ણ કરવા બદલ અભીનંદન – આગંતુક

મિત્રો,
આજે આનંદની વાત છે કે મારા મિત્ર શ્રી ભુપેન્દ્રસિંહજીએ બ્લોગ-જગતમાં એક વર્ષ પૂર્ણ કર્યું છે. મારે તેમની સાથે ઘણો મતભેદ અને મનભેદ હતો અને હજુ યે ક્યારેક ઉંબાડીયા કરી લઉ છું. હવે મનભેદ રહ્યો નથી મતભેદ તો હજુયે છે. તેમની બ્લોગ-જગતની યાત્રા અવિરત ચાલુ રહે તેવી હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ…..

એક વર્ષ પૂરું થયું ગુજરાતી બ્લોગ જગતમાં!!!

Categories: આનંદ, પ્રેમ, ભારતિય સંસ્કૃતિ | Tags: , | Leave a comment

“જાની પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધારતાં ડો.હરિત જાની

મિત્રો,
આજે આપ સહુ સાથે એક આનંદના સમાચાર વહેંચવાના છે. અમારા પરિવારના ડો.હરિત જાનીને ઓસ્ટ્રેલિયામાં કુદરતી ગેસ, આરોગ્ય અને સુરક્ષા અંગે કાર્ય કરતી સંસ્થા દ્વારા “સીએસઆઈઆરઓ મેડલ ફોર હેલ્થ એચિવમેન્ટ-૨૦૧૦” થી સન્માનિત કરાયા છે. આનંદી સ્વભાવના સ્વામી એવા ડો. હરિત જાની નાનપણથી જ અભ્યાસપ્રિય છે અને પ્રત્યેક કાર્ય ચિવટપૂર્વક કરવાની લાક્ષણીકતા ધરાવે છે. સર પી.પી.ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, ભાવનગર – મેથેમેટીક્સના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્રભાઈ તથા પ્રફુલ્લાબહેનના આ સંતાને માતા-પિતાએ તેના અભ્યાસ પાછળ ઉઠાવેલ અથાક પરિશ્રમને સાર્થક કર્યો છે અને વિશ્વ કક્ષાએ “જાની પરિવાર”, “મધુવન પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે. ડો.જાનીના જ્યેષ્ઠ બંધુ પ્રાધ્યાપક શ્રી મનીષભાઈ જાની ભાવનગરની શાંતિલાલ શાહ એંજીનીયરીંગ કોલેજમાં આઈ.સી વિભાગમાં હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તરીકે સેવા આપે છે. ચિ.હરિતને જીવનમાં સતત ઝળહળતી ફતેહ મળતી રહે તેવી હ્રદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..“સૌરાષ્ટ્ર સમાચાર” તા.૨-૧૨-૨૦૧૦ – પાના નં – ૨

Categories: આનંદ, કુટુંબ, મધુવન, મારુ કુટુંબ, શિક્ષણ, સમાચાર | Tags: , , , , , , | 1 Comment

શુભેચ્છા પ્રકાશના તહેવારની – આગંતુક


અસતો મા સદગમય:
તમસો મા જ્યોતિર્ગમય:
મૃત્યોર્માં અમૃતં ગમય:
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

વિક્રમ સવંત ૨૦૬૬નો આજે છેલ્લો દિવસ. અમાસ હોવા છતાં તેને ઉજાસનો દિવસ – પ્રકાશનું પર્વ શા માટે કહે છે? અંધારીયું કે અજવાળીયું તે ચંદ્રની કલા ઉપર આધાર રાખે છે. અને તેથી ઉજાસમાં વધ-ઘટ રાત્રે હોય છે. પણ સૂર્યના પ્રકાશમાં દિવસે તેવા કશાં ભેદ નથી. તો દર વર્ષનો છેલ્લો દિવસ સંક્લ્પ કરવાનો દિવસ છે કે આવનારું વર્ષ અમે અમારા દિલમાં ઉજાસ કરશું. રાગ-દ્વેષને ભુલીને માનવતા ખીલવશું. બીજાના સદગુણો અને પોતાના દુર્ગુણો જોતા શીખશું. ક્ષમા, સંતોષ અને પુરુષાર્થને જીવનમંત્ર બનાવીશું. કોઈ પણ માનવીનો તેના દુષ્કૃત્યોને લીધે તીરસ્કાર નહીં કરીએ તેમ જ કોઈ પણ માનવીને તેના સત્કાર્યોને લીધે મોટા ભા નહીં બનાવીએ પણ દરેક માનવીની અંદર રહેલી દિવ્યતાને ઓળખીને સહુની સાથે પ્રેમ-પૂર્ણ વ્યવહાર કરશું. નાના-મોટાના ભેદ-ભાવ ત્યજશું. નાત-જાત અને ધર્મના વાડાને તીલાંજલી આપશું. ફાટ-ફૂટ પડાવનારાઓને ખુલ્લા પાડશુ. અને આવા આવા તો અનેક સંકલ્પોમાંથી એકાદ સંકલ્પ તો જરૂર કરશું.

આવનારુ વિક્રમ સંવત ૨૦૬૭ આપ સહુને માટે મંગલમય, આનંદમય અને ઉત્સાહ-આનંદથી ભરપુર રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..

“મધુવન” પરિવારના જયશ્રીકૃષ્ણ

Categories: આનંદ, ઉત્સવ, ભારતિય સંસ્કૃતિ | Tags: , , , | Leave a comment

દિપાવલી પર્વની શુભેચ્છાઓ (૧)

મિત્રો,

દિપાવલી આવું આવું કરી રહી છે. અમુક બ્લોગ ઉપર તો ફટાકડાં પણ ફુટવા લાગ્યાં છે. “મધુવન” માં પણ શુભેચ્છાઓ આવવાની શરૂઆત થઈ  ગઈ છે. આજે શ્રી રામકૃષ્ણ  આશ્રમ, રાજકોટ તરફથી દિપાવલીની શુભેચ્છા રુપે “અમૃતબિંદુ” નામની લઘુ- પુસ્તિકા પ્રાપ્ત થઈ છે. આનંદ સાથે તેમનો ઋણ- સ્વિકાર કરીએ છીએ.

 

આ ઉપરાંત આસ્થાની શાળામાં સહુએ એક પોસ્ટ-કાર્ડ પર સરસ ચિત્ર દોરીને સરનામું કર્યા વગર શાળામાં જમા કરવાનું હતું ત્યાર બાદ શાળામાંથી જુદા-જુદા વિદ્યાર્થીઓને એક-બીજાને પોસ્ટ-કાર્ડ શુભેચ્છા રુપે મોકલવાના તેવી ગોઠવણ કરી હતી. આસ્થાને પણ એક શુભેચ્છા કાર્ડ આજે પ્રાપ્ત થયું.

સહુ બ્લોગ-મિત્રોને “મધુવન” પરિવાર તરફથી દિપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું પર્વ મંગલમય અને આનંદમય રહે તેવી હ્રદય-પૂર્વકની ભાવના સાથે..

સહુને જયશ્રીકૃષ્ણ

Categories: આનંદ, ઉત્સવ, ગમતાંનો ગુલાલ, ભારતિય સંસ્કૃતિ | Tags: , | 8 Comments

ચબરાકીયા (૧) – આગંતુક

સહુ કોઈ ચાલે સમયની પાછળ;
દુ:ખનો કરતાં શોક.
😦 😦 😦 😦
’સમય’ પણ જેની પાછળ ચાલે;
“એવા વિરલા” કો’ક
🙂 🙂 🙂 🙂 🙂

Categories: આનંદ, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, હાસ્ય | Tags: , , , , , , , | Leave a comment

હંસ: નો જન્મદિવસ

તા.૨ ઓક્ટોબર ૨૦૧૦

અમારા પરિવારનો સૌથી નાનો સભ્ય પણ વાતો મોટી મોટી કરનાર હંસ: નો આજે નવમો જન્મદિવસ છે.

હંસ: ૩જા ધોરણમાં અભ્યાસ કરે છે અત્યારે તેની સત્રાંત પરિક્ષા ચાલી રહી છે. તેને જવાબ તો યાદ હોય જ પરંતુ તેનાં પછીનો સવાલ ક્યો છે તે પણ યાદ હોય.

સ્વભાવે થોડો જિદ્દી અને ગુસ્સાવાળો ખરો પણ તેની એકાગ્રતા ગજબની છે. શાળામાં જે કંઈ ચલાવે, લખાવે એ પાકી નોટમાં કરવાનું હોય તો દરેક સવાલ-જવાબ પોતે જ બોલતો જાય ને લખતો જાય. તે તેની રમત રમતો હોય તો થાય કે તેનું ધ્યાન જ નથી પરંતુ તેને દરેક વાતની ખબર હોય. બધાંને પાછુ રોકડું પરખાવનાર કોઈને ય જવાબ આપી દે, ક્યારેક તો સમજાવવો પડે.

તેનો જન્મદિવસ આવે ત્યારે તેનાં બે-પાંચ અંગત મિત્રોને તો આમંત્રણ આપવાનું જ, બધાં ભેગા થઈને રમે આનંદ કરે.


Categories: આનંદ, ઉત્સવ | Tags: , | 5 Comments

જય..જગન્નાથ…

તા.૧૩ જુલાઈ ૨૦૧૦,
અષાઢી બીજ,
ભાવનગર.

આજે ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રા શહેરના માર્ગો ઉપર નીકળશે અને લોકોને ઘરે બેઠાં દર્શન આપશે. શ્રીકૃષ્ણ, બલરામજી તથા બહેન સુભદ્રા આ રથમાં બીરાજમાન થશે. આંબાવાડીમાં અત્યારે આનંદ સભર ગીતો થી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ પાસેથી શરુ થઈને ટુંક સમયમાં જ ભગવાન શ્રી જગન્નાથજી કૃષ્ણનગર, આંબાવાડીમાં “મધુવન” પાસે આવી પહોંચશે. તેમના ભવ્ય સ્વાગત અને સામૈયા બાદ તેઓ આગળ શહેરમાં દર્શન આપવા જશે.

આખાએ શહેરમાં આનંદભર્યા સુત્રો ગુંજી ઉઠ્યા છે.

“ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ… છે”
“નંદ ઘેર આનંદ ભયો, જય.. કનૈયાલાલ… કી”
“હાથી,ઘોડા,પાલખી – જય.. કનૈયાલાલ… કી”

Categories: આનંદ, ઉત્સવ, ભારતિય સંસ્કૃતિ | Tags: , | Leave a comment

કવિતાનો સંગીતપ્રેમ – આગંતુક

સખી અને મિત્રો,
તમને લોકોને કદાચ ખબર નહીં હોય કે મારા ધર્મપત્નિ, અર્ધાંગીનીનું નામ “કવિતા” છે. તે “શ્રી સોફ્ટવેર સર્વીસીસ” નામની “શ્રી સવા” નામનું એકાઉન્ટિંગ સોફ્ટવેર વેચતી પ્રોપ્રાઈટરી પેઢીની પ્રોપ્રાઈટર છે. આ ઉપરાંત તેને બાળકોના વિકાસ અને શિક્ષણમાં ઉંડો રસ છે.

આજે મારે જે વાત કરવાની છે તે તેના એક અલગ જ શોખ વીશે વાત કરવાની છે. “કવિતા” ને “સંગીત” નો અનહદ શોખ છે. અત્યારે તે અને અમારી પુત્રી આસ્થા બંને “શાસ્ત્રીય સંગીત” ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે. મને જો કે “સુગમ સંગીત” વધારે ગમે છે, પણ તેમનું શાસ્ત્રીય સંગીત પણ માણવું ખુબ જ ગમે છે. બાપુજી (સ્વામી ભજનપ્રકાશાનંદજી) કહેતા કે સંગીત માં જેને રસ હોય તેને માટે ઈશ્વર પ્રાપ્ત કરવા રમત વાત છે. સંગીતનો આનંદ અડધી સમાધી જેટલો આનંદ આપે છે. તો આ ધરા ઉપર જેને “સંગીત” અને “કવિતા” માં રસ છે તેઓ ખરેખર ધન્ય છે. આખાએ બ્લોગ જગતમાં મને જો આવો “કવિતા અને સંગીતનો સમન્વય” કરતો / કરતી – બ્લોગ / વેબ સાઈટ જોવા મળ્યો / મળી હોય તો તેનું નામ છે “ટહુકો“.

તો આપ સહુ આ અવર્ણનીય આનંદ આપતી સાઈટ ઉપર “સંગીત અને કવિતાનો અદભુત સમન્વય” માણી શકશો.

Categories: આનંદ, ઉદઘોષણા | Tags: , | 2 Comments

દાદાગીરી કે પ્રેમ?

મિત્રો,
જ્યારે બે ખાસ મિત્રો મળે ત્યારે બંનેના હ્રદયમાં કેટકેટલી વાતો હોય એક બીજાને કહેવાની. હવે એક મિત્ર બહુ વાતોડીયો હોય તેથી તેના મિત્રને વાત કરવાની તક જ ન મળે. તેને ઘણું કહેવું હોય પણ પે’લો બોલવા દે તો ને. એટલે પછી તે શરત મુકે કે જો તું જ્યારે મને મળવા આવે ત્યારે તારે એક શરતે આવવાનુ – “હું જ્યારે બોલું ત્યારે તારે ચુપચાપ સાંભળવાનું, મારી બધી વાત પુરી થઈ જવા દેવાની”. બોલો આને દાદાગીરી કહેશો કે પ્રેમ? મને જો કોઈ પુછે તો હું તો કહું કે આ જ તો “પ્રેમ” છે.

Categories: આનંદ | Tags: , | 4 Comments

Create a free website or blog at WordPress.com.