આઘાત/શોક/દુ:ખ
અહીં કોણ નિર્ભય છે?
નીર્ભયા ગઈ.
શું તેની શહીદી દેશમાં ક્રાંતી લાવશે?
આ બળાત્કારીઓને ફાંસી થશે?
આપણી પોલીસ દરેક ગુન્હેગારોને પકડશે?
આપણાં ન્યાયાલયો ઝડપથી ન્યાય આપશે?
જે દેશની રાજધાનીમાં યુવાધન રાત્રીના ૧૦:૦૦ વાગ્યા પહેલાએ સલામત ન હોય તે દેશમાં કોણ નીર્ભય છે?
આ દેશમાં થતાં દરેક બળાત્કાર માટે ફાંસીની સજા થવી જોઈએ.
બળાત્કાર – ચાબખા કે બુદ્ધિનું પ્રદર્શન?
દિલ્હીની બસમાં નરાધમોએ નીર્લજ્જ બળાત્કાર કર્યો તે ઘટના ઘણી ધૃણાસ્પદ છે. તેનો વિરોધ થઈ રહ્યો છે. આક્રોશ છે. સાચો છે. સરકારે કડક કાયદો બનાવવો જોઈએ અને બનાવવો પડશે નહીં તો તેને રાજ્ય ચલાવવાનો કશો અધિકાર નથી.
સામાન્ય બુદ્ધિ ધરાવતા સ્વસ્થ માનવીઓને મારે થોડાક પ્રશ્નો પુછવા છે કે આ ઘટનાને નીચેની બાબતો સાથે શું સંબંધ હશે?
૧. પ્રમુખ સ્વામી સ્ત્રીઓનું મોઢું ન જુવે તેનાથી શું આવા બળાત્કાર થાય છે?
૨. ગાંધીજીએ બ્રહ્મચર્યના વિચિત્ર પ્રયોગો કર્યાં તેનાથી શું આવા બળાત્કાર થાય છે?
૩. રાવણ સીતાને ઉપાડી ગયો. રામના ચરણ સ્પર્શથી શલ્યા અહલ્યા બની ગઈ પણ સીતાને તેણે વનમાં મોકલી દીધા અને તે ધરતીમાં સમાઈ ગયાં તેને લીધે શું આવા બળાત્કાર થાય છે?
૪. શ્રી રામકૃષ્ણ પરમહંસ: પ્રત્યેક સ્ત્રીઓને માતૃ સ્વરુપે જોતા અને તેમના ધર્મપત્નિ શારદામણીને સાક્ષાત જગદંબા સ્વરુપ માનતા તથા તેમની શોડષી પૂજા પણ કરેલી. તેમને કામ કરવા કે ઢસરડો કરવા નહીં પણ નારીઓને આધ્યાત્મિક મદદ મળી શકે તે માટે તેમને શિક્ષિત કર્યા અને તેમના દ્વારા શ્રી રામકૃષ્ણ મઠ અને મીશનના ઘણાં સંન્યાસી તથા સ્ત્રી – પુરુષો ઉચ્ચ આધ્યાત્મિક શિક્ષા તરફ વળ્યા તેને લીધે શું આવા બળાત્કાર થાય છે?
જે ઘટનાને બીજી ઘટના સાથે સીધો કે આડકતરો કશોએ સંબંધ ન હોય તેવા તેવા દાખલા દલીલો અને વાતો મનઘડન રીતે લખવી તેને ચાબખા માર્યા કહેવાય કે બુદ્ધિનું પ્રદર્શન કર્યું કહેવાય?
વિશ્વમાં થતાં બળાત્કારનાં આંકડાઓ નીચે આપેલ લિંક પરથી જોઈ શકાશે.
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ
મીત્રો,
આજે મારે આપ સહુની સાથે એક દુ:ખદ સમાચાર વહેંચવાના છે.
શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ
નૈનં દહતિ પાવક:
ન ચૈન ક્લેદયન્ત્યાપૌ
ન શોષયતિ મારુત:
અહીં આત્માનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી કે ડુબાડી શકતું નથી કે વાયું શોષી શકતો નથી.
પરંતુ શરીર પર આ બધાં જ તત્વોની અસર થાય છે. આપણને બ્લોગના માધ્યમથી અવનવી માહિતિ પીરસીને ટુંક સમયમાં બ્લોગ જગતમાં જાણીતાં થનાર બ્લોગ “કનકવો” કે જેમણે હાલમાં થોડીક અંગત સમસ્યાઓને લીધે બ્લોગિંગ સ્થગિત કરેલ છે તે બ્લોગના બ્લોગર શ્રી જયભાઈના પીતાજીનું તા.૦૪-૦૪-૨૦૧૧ ના રોજ સવારે ૮:૧૫ કલાકે અચાનક તીવ્ર હ્રદયરોગના હુમલાથી અવસાન થયેલ છે.
તેમના પિતાશ્રી ગજેન્દ્રભાઈ ત્રીવેદી એક કુટુંબ વત્સલ સદગૃહસ્થ હતાં. આજીવન કર્તવ્ય પરાયણ રહીને કુટુંબની જવાબદારી હસતાં મુખે નીભાવતાં નીભાવતાં અચાનક જ સહુને રડતાં મુકીને ચાલ્યાં ગયાં. આ ઘટનાથી તેમના પરિવાર પર વજ્રઘાત થયો છે. તેમના પત્નિ શ્રીમતિ મધુમલતીબહેન, તેમના પૂત્રો વિજય અને જય તથા પુત્રવધૂ પુનમ પર જાણે વિજળી પડી હોય તેમ સહુ સ્તબ્ધ બની ગયા છે. તેમના સ્વજનો અને સ્નેહીઓના હ્રદયમાં સન્નાટો છવાઇ ગયો છે.
સદગતની ઈચ્છા અનુસાર તેમના ચક્ષુનું અને દેહનું દાન કરવામાં આવેલ છે.
બ્લોગ પરિવારના આપણાં જ એક સદસ્ય પર આવેલ આ વિપત્તિ વેળાં સહાનુભુતી અને સહ્રદયતા ધરાવતાં મિત્રોને શ્રી જયભાઈના ઈ-મેઈલ પર સાંત્વનાનો ઈ-મેઈલ મોક્લવા નમ્ર અનુરોધ છે.