લેખ 41 ધ્યાનના ફાયદા વિશેષતઃ કોરોના સંદર્ભે – ભાગ 2 – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

જે સંદેહ ગયા સપ્તાહમાં દર્શાવેલો તે રીતે જ કોરોના દુનિયાભરમાં આગળ વધી રહ્યો છે. ઇટાલીની સરકારે તો હથિયાર નીચે મૂકી દીધા છે. રોમ, મિલાન અને ફ્લોરેન્સના જે રસ્તાઓ પર, જે બજારમાં, વેનિસની જે નહેરમાં યુરોપ પ્રવાસ દરમ્યાન ફરેલા,અભિભૂત થઈ ગયેલા, જે શિલ્પ અને બસ્ટ જોઈ વિચાર્યા કરતાં હતાં કે કેવા હશે આ નાના અમથા દેશના લોકોના જીન્સ કે જેમના દ્વારા દુનિયાને અપ્રતિમ વસ્તુઓની ભેટ મળી છે – તે દેશ આજે બરબાદ થવા બેઠો છે. અન્ય કારણો સિવાય મહદ અંશે લોકોની બેકાળજી કારણભૂત છે તેવું મીડિયા રિપોર્ટ પરથી સમજાય છે. ફરી એક વાર યાદ રાખીએ કે આ સમય અગાસીમાં ભેગા થવાનો, મિત્રોને ભેગા કરી કેરમ કે ક્રિકેટ રમવાનો નથી પરંતુ ઘરમાં રહી જાતને, કુટુંબને અને દેશને મદદ કરવાનો છે, નવું કંઈ શીખવાનો છે, કુદરત એ સંકેત આપી રહી છે કે થોડું થોભો, વિચારો, જીવન જીવવાની પદ્ધતિમાં જે કંઈ બદલાવ લાવવાનો હોય તે લાવો.

વાયરસ જતો રહેશે, સાર્વત્રિક માનસિક પ્રભાવ છોડતો જશે. ભયનો માહોલ બહુ જ ઝડપથી ડિપ્રેસનના માહોલમાં બદલાય તેવા સંકેત મળી રહ્યા છે.. હાલના સંજોગો એવા છે કે કોઈ ખુલ્લે આમ સ્વીકારી રહ્યું છે કે મને ભય લાગે છે, કોઈ સંતાડી રહ્યું છે. જેને પોતા માટે ભય ન હોય તેવા લોકો પણ કુટુંબીઓ અને મિત્રો માટે ચિંતિત છે.

સામાજિક જોડાણ:

સુખી અને સ્વસ્થ રહેવું છે તો શું જરૂરી છે? મોટા ભાગના લોકો જવાબમાં કહેશે કે પૂરતી ઊંઘ, પૌષ્ટિક ખોરાક અને વ્યાયામ આ માટે આવશ્યક છે. ઓછું ધ્યાન જાય છે તેવો એક મુદ્દો છે સામાજિક જોડાણ.

આપણે અંતમાં તો સામાજિક જીવ છીએ; ખુશીની પળોમાં પણ કોઈના સાથની આવશ્યકતા રહે છે અને દુઃખ-દર્દની પળોમાં પણ કોઈની જરૂર તો રહે જ છે. ન્યુક્લિઅર કુટુંબો વધ્યાં છે તેની સાથે-સાથે જ ડિપ્રેસનના કેઈસ પણ વધ્યા છે. અનેક વ્યક્તિઓને તો એ ખ્યાલ પણ નથી કે તેમના મૂડના ચડાવ-ઉતાર એ જ દર્શાવે છે કે તેઓ ડિપ્રેસનના તબક્કામાં પહોંચી ચુક્યા છે.*

આ વિષયમાં વિશ્વની ખ્યાતનામ સંસ્થાઓએ કરેલ અભ્યાસ એવું દર્શાવે છે કે અન્ય વ્યક્તિઓ સાથેના જોડાણની લાગણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે, ખુશી આપે છે અને આયુષ્ય વધારે છે; એકલા રહેવાથી ભૂતકાળમાં ડૂબવાની અને ભવિષ્ય વિશે ચિંતા કરવાની સહજ મનોવૃત્તિને કારણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કથળી શકે છે.

એકાંત શા માટે તકલીફ કરે અને ધ્યાન એ તકલીફ કઈ રીતે દૂર કરે તે ન્યુરો સાયન્સની આંખોથી સમજીએ.

મગજનો એક ભાગ છે ‘Parietal Lobe’ – પેરાયટલ લૉબ. જયારે ઍંકલવાયું પડી ગયાની લાગણી જન્મે ત્યારે આ ભાગ ગરમ થઈ જાય. મોટરકારનું રેડિએટર ગરમ થઈ જાય અને તેને પાણી નાખી ઠંડુ ન પાડીએ તો કારના એન્જીનમાં શું થાય? બરાબર આ જ રીતે આ મગજનો આ ભાગ ઠંડો ન પડે તો શરીરના એન્જીનને નુકશાન કરે.

ધ્યાન અહીં મદદે આવે. તિબેટી લામાઓ પર વૈજ્ઞાનિકોએ અસંખ્ય અભ્યાસ કર્યા છે, શ્રેષ્ઠ મેડિકલ ઉપકરણોની મદદથી કર્યા છે. વૈજ્ઞાનિક ડો. એન્ડ્ર્યુ ન્યુબર્ગે ધ્યાન દરમ્યાન એકાંતમાં રહેતા તિબેટી સાધુઓના મગજ પર આવા અભ્યાસ કર્યા. અનેક આશ્ચર્યજનક વસ્તુઓ જોવા મળી. સૌધી વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે આ સાધુઓના પેરાયટલ લોબ્સ અત્યંત ઠંડા હતા જે દર્શાવતા હતા કે એકાંતની કોઈ નકારાત્મક અસર તેમના પર થઈ ન હતી.

હિન્દુસ્તાનમાં તો આવા અભ્યાસ વગર પણ આપણે જાણીએ જ છીએ કે હિમાલય અને અન્ય સાધનાસ્થળોએ મહાત્માઓ વર્ષો સુધી એકલા જ રહે છે, ધ્યાન કરે છે અને કોઈ દિવસ સાંભળ્યું નથી કે ત્યાં એકલા રહ્યા માટે ડિપ્રેસનમાં ગયા કે આપઘાત કર્યો. એ જ પ્રમાણે હાલના લોક ડાઉનના સંજોગોને જ નજર સમક્ષ રાખીએ તો નિયમિત ધ્યાન કરનારા લોકોને આ રીતે ઘર બહાર ન નીકળવા મળે તો કોઈ તકલીફ પડતી હોય તેવું લાગતું નથી જયારે અન્ય ઘણા લોકો ૪ દિવસમાં જ કંટાળી ગયા છે અને વાયરસની ગંભીરતાને અવગણીને પણ સોસાયટીમાં અથવા મિત્રો સાથે ભેગા થઈ ગપ્પા મારવા બેસી જાય છે, ક્રિકેટ કે બેડમિન્ટન રમે છે.

ચિંતા:

જયારે નકારાત્મક સમાચારોનો તોપમારો ચાલતો હોય ત્યારે અર્ધજાગૃત મનને તેનાથી સુરક્ષિત રાખવું મુશ્કેલ તો છે જ. બહારથી આ તોપમારો અને અંદરથી દિવસના 60,000 વિચારોની મશીનગન. યાદ તો હોય કે ‘ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન”; છતાં ચિંતા થાય. ચિંતા થાય એટલે શારીરિક, માનસિક, સામાજિક ઘાતક પરિણામો પણ આવી શકે.

આ લખી રહ્યો છું ત્યારે જ એક દુઃખદ સમાચાર મળ્યા છે. શ્રીલંકાથી પાછા ફરેલ એક 35 વર્ષની વ્યક્તિને ‘હોમ ક્વોરેન્ટાઇન’ તરીકે 14 દિવસ માટે રહેવાનું હતું. તેણે ૨૦૧૦માં માનસિક સ્વાસ્થ્ય માટે સારવાર લીધેલી અને ત્યાર બાદ એક સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવતો હતો, શ્રીલંકામાં તેનો વ્યવસાય હતો. હાલના સંજોગોમાં ધંધામાં નુકસાન જશે તે વિચાર તેને સતત સતાવતો હતો. તેમાં એકાંતમાં રહેવાનું આવ્યું. કદાચ વિચારોનું બોમ્બાર્ડિંગ થયું. પરિણામ ઘાતક આવ્યું. તે દિગંબર અવસ્થામાં ઘરની બહાર દોડી આવ્યો અને પાડોશમાં રહેતાં, પોતાના ઘરના ઓટલા પર બેઠેલા 80 વર્ષના વૃદ્ધાને એટલી તાકાત સાથે બટકું ભરી લીધું કે તે વૃદ્ધાનું અવસાન થઈ ગયું. ચિંતાને કારણે તેનું ડિપ્રેસન ફરીથી જાગી ઉઠ્યું અને આ હદ સુધી પહોંચી ગયું.

ધ્યાન કરીએ તો ચિંતા ઘણી ઓછી થાય. શા માટે?

1) એમીગ્ડાલા:

લેખ ક્રમાંક ૪૦માં જણાવેલું કે “એમીગ્ડાલા નામનો મગજનો એક ભાગ છે જે વિવિધ વિચારોને લેબલ લગાવે, અલગ-અલગ લાગણીમાં રૂપાંતરિત કરે………………નિયમિત ધ્યાનની આદત વાળા મગજમાં કોઈ અતિ વિશેષ જરૂર પડે તો જ એમીગ્ડાલા કામે લાગે, નહીંતર શાંતિથી બેઠું રહે, વિચારોને જલ્દી-જલ્દી પ્રોસેસ કરી લાગણીમાં ફેરવવાની તસ્દી ન લે. પરિણામે કાલ્પનિક ભય અને ચિંતામાં ડૂબી જઈએ તેવી શક્યતા ઓછી રહે.’

2) મગજના તરંગો:

આ અંગે વિસ્તૃત ચર્ચા લેખ ક્રમાંક ૩૧માં કરી છે. વિચારો, મૂડ અને લાગણીઓ (ખાસ કરીને અસ્વસ્થતા) આ તરંગો દ્વારા માપી શકાય. EEG (ઇલેક્ટરોએન્સેફેલોગ્રાફ) દ્વારા આ ખ્યાલ આવે.

ચિંતાતુર છીએ, ભય અનુભવીએ છીએ તો સમજવાનું કે “બીટા” (13 – 40 hertz) તરંગોનું પ્રાધાન્ય છે. ધ્યાન કરીએ તેમ આ તરંગો અપગ્રેડ થાય. આગળના તરંગો છે આલ્ફા, થિટા, ડેલ્ટા. ધ્યાન દ્વારા આલ્ફામાં તો પહોંચી જ જવાશે, તેનાથી આગળ પણ ધ્યાનની નિયમિતતા અને સમયગાળો વધવા સાથે જઈ શકાશે. પરિણામે મગજ શાંત રહેશે, સર્જનાત્મકતા વધશે, આત્મવિશ્વાસ વધશે અને ફાયદાઓની હારમાળા શરુ થશે.

3)એંડોર્ફીન્સ (Endorphins):

આ એવા ન્યુરોટ્રાન્સમીટર છે જેનું ઉત્પાદન મગજ અને કરોડરજ્જુમાં થાય. મૂડ સારો રાખવો હોય, તણાવ ઘટાડવો હોય, શારીરિક-માનસિક પીડા ઓછી/દૂર કરવી હોય, ઊંઘ સારી જોતી હોય તો એંડોર્ફીન્સ પર્યાપ્ત હોવા જોઈએ.

ધ્યાનને કારણે એંડોર્ફિનનું લેવલ ઊંચું આવે છે તે અનેક પ્રકારના અભ્યાસોમાં ખ્યાલ આવ્યો છે. કોઈ વ્યક્તિ ધ્યાનનું સેશન પૂરું કરે પછી તેના ચહેરા પર એક અલગ ચમક ઘણી વખત જોઈએ હશે. તેના પરથી પણ આ સમજી શકાશે.

ડિપ્રેસન:

ભય અથવા ચિંતાના વિચારો મનુષ્યને અંતમાં ખેંચી જાય ડિપ્રેસન તરફ. ડાયાબિટીસની માફક જ ડિપ્રેસન બહુ જ જલ્દી ઘર-ઘરનો રોગ હોઈ શકે. WHO દ્વારા તો આ અંગે ચેતવણી મળી જ છે અને બાકી વધ્યું તો નવા મજબૂત કારણો મળ્યા. ઢાળ હતો અને કોઈએ ધક્કો માર્યો તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ ઢાળ પર પણ ગબડીએ નહિ તેવી ઢાલ એક સારી આભા-ઓરા દ્વારા મળી શકે; આવો ઓરા તૈયાર થઈ શકે ધ્યાન દ્વારા. કઈ રીતે?

મગજમાં બંને બાજુ હીપોકેમ્પસ (Hippocampus) નામનો એક ભાગ હોય. એટલો અગત્યનો છે કે તેને ‘મગજનું હૃદય’ કહી શકાય. ટૂંકા કે લાંબા ગાળાની યાદશક્તિ આ ભાગ પર આધારિત હોય. અહીં જે ગતિવિધિ થતી હોય તે દ્રષ્ટિ, શ્રવણશક્તિ અને સ્પર્શની ઇન્દ્રિયોને પણ અસર પહોંચાડે. અલ્ઝાઈમર્સનું લેવલ શું છે તે જાણવા માટે હીપોકેમ્પસનું કદ માપવામાં આવે. ડિપ્રેસનની સ્થિતિ હીપોકેમ્પસને 20% જેટલો સંકોચી શકે. સ્કિઝોફ્રેનિયા દરમ્યાન પણ અહીં ન્યુરૉન્સની સંખ્યા એકદમ ઓછી થઈ જાય.

ડીપ્રેશનમાંથી બહાર આવવું હોય અથવા ડિપ્રેશનની સ્થિતિ ઉત્પન્ન જ ન થાય તેવી બાહેંધરી જોતી હોય તો હીપોકેમ્પસના ન્યુરૉન્સને મજબૂત કરવા જોઈએ, ત્યાં પૂરતી સંખ્યામાં ન્યુરૉન્સ હોવા જોઈએ. કમનસીબે એના માટે કોઈ જિમ બન્યું નથી. સાઇકિયાટ્રિસ્ટ એન્ટી-ડિપ્રેસન્ટ દવા આપે જેનાથી ત્યાં નવા ન્યુરૉન્સ બને. આ દવાઓ ના છૂટકે જ લેવાની હોય કારણ કે તેની આડઅસરો ખતરનાક છે; એક તો તેના ગુલામ થઈ જવાય, વજન વધે, ભૂખ પર અસર પડે, કબજિયાત થઈ શકે, જાતીય ઉત્તેજના અને લાગણી બંને ખતમ થતા જાય, મોઢું સુકાય, મૂડમાં બ્રિટનની આબોહવા જેવા ફેરફારો આવે, થાક લાગે જેવી અનેક અસરો થાય.

અનેક લોકો પર થયેલ અભ્યાસ એ દર્શાવે છે કે બે મહિના જેટલા ટૂંકા ગાળા સુધી કરેલ ધ્યાન બાદ પણ હિપોકૅમ્પસ પરના ન્યુરૉન્સની ઘનતા(Density), જાડાઈ અને તે ભાગના કદમાં આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો છે.

જેમ વાયરસના હુમલાની આગાહી અતીન્દ્રિય શક્તિ ધરાવનાર વિશિષ્ટ લોકોએ અને સંતોએ કરેલ તેમ ભવિષ્યમાં ડિપ્રેસનના વ્યાપની આગાહી સંતો અને WHO તરફથી થયેલી જ છે, નજર સમક્ષ અનેક કિસ્સાઓ આવી રહ્યા છે, 10-12 વર્ષના બાળકો પણ ‘મને ડિપ્રેસન આવે છે’ તેમ બોલતાં થઈ ગયા છે ત્યારે સમય આવી ગયો છે કે ધ્યાનને સ્નાન અને ભોજનથી પણ વધુ પ્રાથમિકતા આપીએ.

*બીટલ્સ ગ્રુપના સહસ્થાપક જ્હોન લેનન દ્વારા લિખિત લાગણીઓથી છલોછલ અને અપ્રતિમ માધુર્ય સાથે ગવાયેલ અતિ પ્રખ્યાત ‘Imagine’ ગીતના શરૂઆતના શબ્દો છે:

“Imagine there’s no heaven

It’s easy if you try

No hell below us

Above us only sky

Imagine all the people living for today”

(અહીં સાંભળી શકો છો).

છેલ્લું વાક્ય સાચું પડી શકે જો દરેક વ્યક્તિ ધ્યાન કરતી થાય અને ‘આજ’ કરતાં પણ વધુ ‘અત્યારની ઘડી’ માટે જીવવાનું શરુ કરે. ભય અને ચિંતા તો કાલ્પનિક છે, ભવિષ્યના વિચારોમાંથી ઉદ્ભવેલ છે.

*અંતમાં, આ સાથે એક લિંક મુકેલી છે જેમાં કોરોનાના સંદર્ભમાં ધ્યાન વિષે પ.પૂ. શ્રી શિવકૃપાનંદજીનો એક ઇન્ટરવ્યૂ છે જે ઘણું માર્ગદર્શન આપી શકશે.

,

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: