“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
ધ્યાનના ફાયદા વિષે લેખ ક્રમાંક 2૩, 24 અને ૩5માં ચર્ચા થઈ છે. આમ છતાં અગણિત ફાયદાઓ પૈકી અમુક વિષે જ વાત થઈ શકી છે. હાલમાં વિશ્વભરમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તેના વિશેષ સંદર્ભે થોડા અન્ય ફાયદાઓ, બીજા અર્થમાં આ વાયરસને અનુલક્ષીને ધ્યાનની આવશ્યકતા સમજવાનો પ્રયત્ન આજે કરીશું.
વિશ્વ આખું ચીસાચીસ કરી રહ્યું છે કોરોના… કોરોના…. કોરોના !!!! છે તો આખરે એક વાયરસ. પરંતુ તમામ આધુનિક વિજ્ઞાનની શોધ તેની સામે વામણી બની ગઈ છે. ફરી બધાને વૈદિક કાળ અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓ યાદ આવી ગઈ છે. એ જ પરંપરા હેઠળ ધ્યાન એક અનિવાર્ય વસ્તુ હતી. શા માટે? કોરોનાના પરિપેક્ષમાં સમજીશું.
કોરોના વિષે શા માટે સરકાર શા માટે આટલી ચિંતિત છે? ગુજરાતમાં ગઈ કાલે એક દિવસમાં આંકડો ડબલ થયો છે. ફક્ત એટલું સમજવાની જરૂર છે કે દરરોજ નહિ પરંતુ દરેક સપ્તાહમાં પણ જો આ આંકડો ડબલ થતો જાય તો 38 સપ્તાહમાં તો આખું ભારત આ વાયરસની લપેટમાં આવી જાય. 1ના આંકડાને ડબલ કરતા જઈએ તો ૩8માં દિવસે 1૩7કરોડનો જંગી આંકડો આવે. આ ખ્યાલમાં રાખીએ તો સાવચેતીના શું પગલાં લેવાં જોઈએ તેના વિષે થોડી વધુ ગંભીરતા આવશે. ધ્યાન આ પગલાંઓનો જ એક ભાગ બની શકે.
કોરોનાની થોડી જાણીતી અને થોડી કદાચ ધ્યાન ન પડ્યું હોય તેવી અસર પર એક નજર ફેરવીએ. ત્યાર બાદ એ અસરથી બચવામાં ધ્યાન કઈ રીતે મદદ કરે તે સમજીએ.
કોરોનાની સંભવિત શારીરિક અસર:
ખાંસી, તાવ, શરીર અને માથાનો દુઃખાવો, શ્વસનતંત્રમાં તકલીફ, પાચનતંત્રમાં ગરબડ, ન્યુમોનિયા વિગેરે. વાયરસ ફેફસામાં પગપેસારો કરે, થોડા સેલને બગાડે અને પછી આવા સેલ બાજુના સેલને પોતાની તરફેણમાં કરતા જાય, આવા દુષિત સેલનું આખું લશ્કર ઉભું થાય અને શરીરની અંદર ત્રાહિમામ મચાવી દે, કોઈ-કોઈ કિસ્સામાં જીવ લઈને જંપે. ચક્રોની ભાષામાં વાત કરીએ તો બધાં ચક્ર ઊંધાં -ચત્તાં કરી નાખે. દવાની શોધ તો હજી થઈ નથી, ક્યારે થશે તે કોઈને ખબર નથી.
માનસિક અસર
આ અસરો વધુ ઘાતક છે કારણ કે વાયરસ લાગુ ન પડ્યો હોય તેને પણ થઈ શકે; હકીકતમાં થઈ રહી છે તે ચારે બાજુ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. લોકો એક અજ્ઞાત ભય અને ચિંતાના ઓથાર હેઠળ જીવતા થઈ ગયા છે. ભયની સીધી અસર પાચનતંત્ર પર એટલે કે નાભિચક્ર પર છે. ત્યાર બાદ કિડની પર.
દિવસે-દિવસે તણાવ વધતો જાય છે. કોરોનાએ તેનું જડબું ફાડ્યું તે પહેલાં WHO દ્વારા અંદાજ મુકવામાં આવ્યો હતો કે દુનિયામાં દરેક 5 વ્યક્તિમાંથી એક 2020ના અંત સુધીમાં ડિપ્રેસનથી પીડાતી હશે. અંદાજ સુધારવો પડશે. શું મુકવો પડશે તે તો આવનારો સમય જ કહી શકશે. દિવસે પણ ભેંકાર રસ્તાઓ જોઈએ એવું લાગે છે કે પૌરાણિક કથાઓમાં વાંચતાં તેમ કોઈ રાક્ષસ કોઈ એક ગામ, શહેર, રાજ્ય કે દેશ નહિ પરંતુ સમગ્ર વિશ્વને ઓહિયાં કરવા નીકળી પડ્યો છે અને તેનાથી બચવા બધાં ઘરમાં ભરાઈ ગયાં છે. મારા એક સહકર્મી દ્વારા ગઈ કાલે બોલાયેલા શબ્દો છે: “ખબર નથી 2021 કેટલા લોકો જોશે?” ભલે આ શબ્દો નિરાશાજનક હોય, તે એ વાતના સૂચક તો છે જ કે ડર કેટલી હદે વધી રહ્યો છે. ચીનમાં 24 X 7મેન્ટલ હેલ્પલાઇન ઉભી કરવી પડી છે. માનસિક સ્વાસ્થ્ય અને ચિંતાના એટલા બધા કેઈસ હાલમાં ઉભા થઈ રહ્યા છે કે સમગ્ર ઉત્તર અમેરિકામાં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ, USA દ્વારા હવન અને પ્રાર્થનાનાં આયોજન થઈ રહ્યા છે. લોકો એક-બીજા પરથી વિશ્વાસ ગુમાવી ચુક્યા છે. અચાનક દરેક વ્યક્તિ અછૂત થઈ ચુકી છે. 14 કલાકના જનતા કર્ફ્યુમાં પરિવાર સાથે રહેવાનું હોવા છતાં કેટલાં બધાં લોકો મુંજાઈ ગયા છે કે સમય કેમ પસાર કરીશું! તો 14 દિવસ ક્વોરેન્ટાઇન થયેલ લોકોની માનસિક સ્થિતિ શું હશે? આવનારા દિવસોમાં લાંબા ગાળા સુધી ઘરની દીવાલો વચ્ચે બંધ રહેવાનું જો થાય તો તણાવનું લેવલ ક્યાં પહોંચશે! આ બધું ઓછું લાગતું હોય તેમ આર્થિક મંદી અને તેની માનસિક અસરો તો આવનારા દિવસોમાં ડાયનાસોર સાબિત થઈ શકે તેમ છે. તણાવ હેઠળ વડીલો ઘરમાં જે સંવાદો દ્વારા ભય વ્યક્ત કરી રહ્યા છે તેની બાળકો પર શું અસર થઈ રહી હશે અને તેઓ પુખ્ત થયા પછી પણ આ વાતોની અર્ધજાગૃત મન પર શું અસર રહેશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. અમર્યાદિત વસ્તી અને તેની સરખામણીમાં સીમિત આરોગ્ય સુવિધાઓને કારણે યુરોપ કરતાં પણ વધુ પડકાર ભારત સામે છે.
આ બધા પડકાર સામે જમા પાસાંમાં ભારત પાસે હજારો વર્ષોનો આધ્યાત્મિક વારસો અને અનેક સંત-મહાત્માઓના તપોતેજનું પીઠબળ છે જે અદ્રશ્ય રીતે હંમેશા દેશના ઉત્કર્ષમાં અને અનેક આફતોમાંથી બહાર કાઢવામાં નિમિત્ત બને છે. ‘ભવિષ્યમાં વિષાણુઓનો હુમલો થશે’ તે આગાહી આવા એક મહાત્મા પ.પૂ. સ્વામી શિવકૃપાનંદજી દ્વારા છેક 2004માં થયેલી અને મધુચૈતન્ય નામના સમર્પણ ધ્યાન પરિવારના એક હાઉસ મેગેઝીનમાં છપાયેલી. ભારત પાસે વધુમાં આયુર્વેદ જેવી પ્રાચીન પદ્ધતિ છે જેમાં તમામ પ્રકારના રોગને જડમૂળથી કાઢવાની અને થતો અટકાવવાની કોઈ ને કોઈ રીત તો છે જ.
નિર્વિવાદ છે કે જો શરીરની રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનીટી) સારી હોય તો કોઈ પણ વાયરસ અસર કરે નહિ અથવા ઓછી કરે.
આ શક્તિના લશ્કરમાં મનુષ્ય પાસે બે સેનાપતિ હોય. એક કહેવાય T સેલ અને બીજાને કહેવાય એન્ટિબોડી (AB). કોઈ પણ બેક્ટેરિયા, વાયરસ તેનું લાવલશ્કર લઈ શરીર પર ચડાઈ કરવા આવે એટલે શરીરના આ બંન્ને પરાક્રમી યોદ્ધા મિસાઈલ્સ છોડી તેનો ખાત્મો કરી નાખે. આ બંને સેનાપતિઓ અને તેમનું લશ્કર જ્યાં સુધી મજબૂત ત્યાં સુધી શરીરની ઇમ્યુનીટી અખંડિત.
ધ્યાનની અસર ઇમ્યુનીટી પર શું થાય?
T સેલ્સના લશ્કરમાં એક CD4 નામનો સૈનિક છે. તેનું કામ HIV વાયરસ સામે લડવાનું. જો આ સૈનિક થાકી જાય તો HIV વાયરસ તેનો ખાત્મો કરી નાખે. આ સંજોગોમાં વ્યક્તિને એઇડ્સ થાય.
યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા (UCLA) દ્વારા આ ધ્યાનની અસરો HIV વાયરસ પર કેવી થાય તેનો 50 HIV પોઝિટિવ વ્યક્તિ પર અભ્યાસ કરવામાં આવ્યો. તારણ નીકળ્યું કે 8 સપ્તાહના ૩0થી 45 મિનિટના દૈનિક ધ્યાનમાં જ CD4 T સેલ્સમાં થતો ઘટાડો નોંધપાત્ર રીતે રોકાઈ ગયો, રોગ આગળ વધતો પણ રોકાઈ ગયો. બીજા એક અભ્યાસમાં તારણ નીકળ્યું કે આ ફાયદો ડોઝ સેન્સિટિવ છે એટલે કે જેમ ધ્યાનની અવધિ વધુ અને દિવસો વધુ એટલે કે નિયમિત ધ્યાન, તેમ CD4 T સેલ પણ વધુ. સીધો અર્થ એ નીકળ્યો કે નિયમિત ધ્યાન કરીએ તો રોગ પ્રતિકારક શક્તિનું લશ્કર વધુ શક્તિશાળી.
આ પ્રકારે પ્રયોગ તંદુરસ્ત લોકો પર અમેરિકાની વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સીટીમાં થયા. 2 મહિનાના ધ્યાનમાં જ આશ્ચર્યજનક પરિણામો એન્ટિબોડી (AB) પર જોવા મળ્યા. ઇમ્યુનીટી સાથે સંબંધિત left-sided anterior નામનો મગજનો એક અત્યંત અગત્યનો ભાગ ખૂબ જ વધુ કાર્યરત થઈ ગયેલો જોવા મળ્યો.
બીજા અમુક અભ્યાસમાં મગજના ભાગો જેવા કે કે prefrontal cortex, right anterior insula, right hippocampus પર ધ્યાનની બહુ જ હકારાત્મક અસર જોવા મળી છે. આ બધા ભાગ એવા છે કે જે ઈમ્યુનીટીના ‘કમાન્ડ સેન્ટર’ કહી શકાય. જો આ ભાગ વધુ આંદોલિત થાય તો ઇમ્યુન સિસ્ટમની કાર્યક્ષમતા વધી જાય. વિવિધ અભ્યાસ દ્વારા એ જોવા મળ્યું કે ધ્યાન દ્વારા આ બધા જ ભાગમાં વિદ્યુત તરંગો નોંધપાત્ર રીતે વધી જાય છે.
ધ્યાન અને ભય:
ભયની લાગણી ક્યાંથી જન્મે? એમીગ્ડાલા નામનો મગજનો એક ભાગ છે જે વિવિધ વિચારોને લેબલ લગાવે, અલગ-અલગ લાગણીમાં રૂપાંતરિત કરે. આ રૂપાંતર વ્યક્તિના અર્ધજાગૃત મનમાં છુપાયેલ અનુભવોના આધારે થાય. કોઈ પ્રકારના વિચારોને આ ભાગ ભયમાં પણ રૂપાંતરિત કરે. ભય આખરે તો એક વિચાર જ છે ને ! આ ભાગમાં જો ગતિવિધિ ઓછી થાય તો વિચારોનું લાગણીમાં રૂપાંતર ઓછું થાય. ધ્યાનને કારણે એક તો વિચારો ઘટ્યા હોય અને વધુમાં એ વિચારોને લાગણીમાં તાત્કાલિક રૂપાંતર કરવાની ટેવ ઓછી થઈ ગઈ હોય, વિચારને લાગણીથી અલગ રાખવાની ક્ષમતા વધી ગઈ હોય. રોજબરોજની જિંદગીમાં જોઈએ તો નિયમિત ધ્યાન કરનાર વ્યક્તિમાં લાગણીઓના ચડાવ-ઉતાર પ્રમાણમાં ઓછા અનુભવાશે. સ્વાભાવિક રીતે જ મગજ એ રીતે કાર્ય કરવા માંડ્યું હોય કે કોઈ તકલીફ કરે તેવી ઘટનામાં પણ ધ્યાન કરવાને ટેવાયેલું મગજ કોઈ સારી વાત શોધી કાઢે અથવા તો આ વિચારને સાક્ષીભાવથી જુએ, તેને કોઈ ભાવનામાં રૂપાંતરિત ન કરે. નિયમિત ધ્યાનની આદત વાળા મગજમાં કોઈ અતિ વિશેષ જરૂર પડે તો જ એમીગ્ડાલા કામે લાગે, નહીંતર શાંતિથી બેઠું રહે, વિચારોને જલ્દી-જલ્દી પ્રોસેસ કરી લાગણીમાં ફેરવવાની તસ્દી ન લે. પરિણામે કાલ્પનિક ભય અને ચિંતામાં ડૂબી જઈએ તેવી શક્યતા ઓછી રહે.
શ્વસનતંત્ર પર પ્રભાવ
જગજાહેર છે કે કોરોના હથેળી પરથી હુમલો કરે કે નાકમાંથી, અંતે તો પ્રભાવિત કરે છે ફેફસાંને. સ્વશનતંત્ર ડામાડોળ થઈ જાય છે. શરીરને આવશ્યક ઓક્સિજન મળતો નથી. તેના દર્દીને ઓક્સિજનના બાટલા ચડાવવા પડે છે, વેન્ટિલેટર પર રાખવા પડે છે. હવે તો વેન્ટિલેટર પણ ખૂટી પડ્યાં છે અને હોસ્પિટલોમાં ઓક્સિજનનો સ્ટોક ખાલી થઈ ગયો તેવા સમાચારો કમનસીબે આવી રહ્યા છે. આ સંજોગોમાં શરીરમાં ઓક્સિજનની આવશ્યકતા જ જો ઓછી રહે તો કેવું સારું !
હાર્વર્ડ જેવી પ્રખ્યાત સંસ્થાઓ દ્વારા જે અભ્યાસ થયા છે તેમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિત ધ્યાન કરે છે તે લોકોની પ્રાણવાયુની જરૂરિયાત નોંધપાત્ર રીતે ઓછી રહે છે. સામાન્ય વ્યક્તિની એક મિનિટમાં આશરે 12થી 16 શ્વાસની આવશ્યકતા સામે ધ્યાન કરનાર વ્યક્તિની તે આવશ્યકતા 4થી 8 શ્વાસની જ રહે છે. ધ્યાન દરમ્યાન તો 1થી 2 શ્વાસ પણ થઈ શકે. બીજા શબ્દોમાં કહી શકાય કે આવી વ્યક્તિના કોષોને ઓછા પ્રાણવાયુથી પણ સંતોષ છે. પ્રાણવાયુની આવશ્યકતા ઓછી રહે તે વાતનું આથી મોટું પ્રમાણ ક્યુ હોઈ શકે !
આ ચર્ચાને આજે અહીં અટકાવીએ. ચર્ચાના મહત્ત્વના મુદ્દા યાદ કરીએ.
1) કોરોના અનેક લોકોની ધારણા કરતાં વધુ ખતરનાક સાબિત થઈ શકે. જો રોકી ન શકાય તો 6/8 મહિના જેવા ટૂંકા ગાળામાં જ સંપૂર્ણ દેશને પણ અસર કરી શકે.
2) શારીરિક અસરો તો વાયરસથી પ્રભાવિત દર્દી પર છે પરંતુ તેનાથી વિશેષ ઘાતક માનસિક અસરો સમગ્ર માનવજાત પર છે.
૩) જયારે દવા શોધાઈ નથી ત્યારે સાવચેતી રાખવી અને ઇમ્યુનીટી વધારવી તે જ એક ઉપાય છે.
4) ઇમ્યુનીટી વધારવા માટે અને માનસિક (પરિણામે શારીરિક પણ) ઘાતક અસરો પર અંકુશ મેળવવા માટે ધ્યાન અતિ ઉપયોગી સાબિત થઈ શકે.
ક્રમશઃ
જિતેન્દ્ર પટવારી