Daily Archives: 14/11/2020

લેખ 39 – મૃત્યુનું ધ્યાન – ભાગ ૨ – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

મૃત્યુ કરતાં મૃત્યુનો ભય ખતરનાક છે. કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં ઉભું થયેલું ભૂતાવળ જેવું વાતાવરણ આ વાતની પુષ્ટિ કરી રહ્યું છે. ભયની અસર તો જુઓ – ખાલી પડેલા શહેરો ના શહેરો, ટોયલેટ પેપરની અછત ઉભી થશે તેવી માન્યતાથી પ્રેરાઈને તેના માટે વિશ્વના અનેક દેશોમાં થઈ રહેલી પડાપડી અને તેના માટે હોંગકોંગમાં પડેલી સશસ્ત્ર ધાડ; આવું તો બીજું ઘણું.

આજે મૃત્યુ ધ્યાન દ્વારા મૃત્યુનો જ ડર ખતમ કરી દઈએ. આ ધ્યાનના પહેલા તબક્કામાં શું કર્યું તે યાદ કરીએ.

વહેલી સવારનો સમય પસંદ કર્યો.

કપડાં ન પહેર્યાં અથવા બને તેટલાં ઓછાં પહેર્યાં

શરીર કડક સપાટી પર એ સ્થિતિમાં ગોઠવ્યું કે જે પ્રમાણે મૃત્યુ વખતે રાખવામાં આવે છે.

થોડા ધીરા શ્વાસ સાથે શરીરને શાંત કર્યું.

ઊંડા શ્વાસ લઈ સાથે-સાથે સ્નાયુઓ ખેંચ્યા, શ્વાસ રોકી ખેંચાણ અનુભવ્યું , શ્વાસ છોડતી વખતે સ્નાયુઓને ઢીલા કર્યા.

શબાસનની સ્થિતિમાં થોડી વાર રહ્યા.

*તબક્કો 2: *

હવે કલ્પનાશક્તિને ધાર કાઢીએ, હિંમતને દાવ પર લગાવીએ. આબેહૂબ કલ્પના કરીએ -‘મારું મૃત્યુ થઈ રહ્યું છે.’ જેટલી તીવ્ર કલ્પના તેટલું ધ્યાન ગહન.

શું થઈ રહ્યું છે?

બંધ આંખે સર્વ પ્રથમ શરીરના સૌથી નીચેના ભાગ પર ધ્યાન ગયું. જ્યાં ધ્યાન ગયું તે ભાગ જડ થઈ રહ્યો છે, થોડી ઊર્જા ત્યાંથી બહાર જઈ રહી છે, થોડી ઉપર ચડી રહી છે. ધીરે-ધીરે આ ભાગમાંથી ચૈતન્ય હણાઈ ગયું છે. વિચારોના કહ્યામાં આ ભાગ હવે નથી. ધારીએ તો પણ પગની આંગળી કે પંજો હલાવી શકતા નથી, એ ભાગ લાકડા જેવો થઈ ગયો છે, બાકીના શરીરથી જુદો છે, ચેતાતંત્રનો ભાગ જ નથી.

ધ્યાન થોડું ઉપર જઈ રહ્યું છે. આ ભાગ પણ ચેતના ગુમાવી રહ્યો છે, ત્યાં લોહી ફરતું બંધ થઈ ગયું છે. ગોઠણ સુધીનો ભાગ સંપૂર્ણ રીતે મૃત થઈ ગયો છે, બાકીના શરીર સાથે તેનો કોઈ સંપર્ક નથી, કોઈ આ ભાગ કાપી શરીરથી જુદો પાડી દે તો પણ કોઈ દર્દ થાય તેમ નથી.

ધ્યાન સાથળ સુધી આવ્યું. ઓહ, આ શું થઈ રહ્યું છે, આ ભાગ પણ મૃત છે. આ તો એવું થયું કે ‘જ્યાં જ્યાં નજર મારી પડે, મોત ડોકાય ત્યાં ત્યાં.’ ડર લાગી રહ્યો છે. અચાનક સ્વામી વિવેકાનંદના શબ્દો “ડરપોક કભી યોગી નહિ બન સકતા.” યાદ આવ્યા. ડર કુતુહલમાં ફેરવાઈ ગયો, એ જાણવા માટે કે હવે શું થવાનું છે.

શરીરના જે પણ ભાગમાં ધ્યાન જઈ રહ્યું છે તે ભાગ મૃત્યુ પામી રહ્યો છે, અચેતન થઈ રહ્યો છે, સંવેદનાવિહીન થઈ રહ્યો છે, હવે તેની પર મનનો કોઈ અંકુશ નથી, લાચાર થઈ જોઈ રહ્યા છીએ, ખાતરી થઈ છે કે આજે મૃત્યુને ભેટવાનું જ છે.

મેહસૂસ થઈ રહ્યું છે કે બધા આંતરિક અવયવો પણ પોતાની પ્રવૃત્તિઓ ધીમી પાડી રહ્યા છે, જાણે કે રાજીનામુ આપવાની તૈયારી. શરીરનું સંપૂર્ણ મેટાબોલિઝમ અટકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નજર સામે મોત દેખાઈ ગયું છે. હૃદયના ધબકારા સ્ટેથોસ્કોપ વગર સંભળાઈ રહ્યા છે.

ધ્યાન માથાની ટોચ પર લઈ ગયા. ઉફ્ફ્ફ, આ શું? ચહેરા અને માથાંમાંથી પણ ઊર્જા સંકોચાઈ રહી છે. હૃદય તરફ પહોંચી રહી છે. જાણે કે કોઈ સૈન્ય ચારે તરફથી કોઈ પ્રદેશને ઘેરી રહ્યું હોય તેમ શરીરના દરેક ભાગમાંથી – હાથ, પગ, પેટ, કિડની, લીવર, આંતરડાં, માથું, ગળું, આંગળીઓ, પીઠ, નાના-મોટા તમામ સ્નાયુઓ અને હાડકાં – પ્રત્યેક જગ્યાએથી ઊર્જા હૃદય તરફ આગળ વધી રહી છે, છાતીના પાટિયાં ભીંસાઈ રહ્યા છે.

શારીરિક રૂપે સંપૂર્ણ નિષ્ક્રિય થઈ ગયા છીએ. *ખાતરી થઈ ગઈ છે કે ખરેખર મરી રહ્યા છીએ, જાતને કહીએ – “હા, હું હવે દેહ છોડી રહ્યો/રહી છું. ઘણી અપૂર્ણ ઇચ્છાઓ છે, સપનાં સાકાર કરવાના બાકી છે, જવાબદારીઓ નિભાવવાની બાકી છે; જયારે હવે હું જીવ છોડી જ રહ્યો/રહી છું ત્યારે આ ઇચ્છાઓ, ભાવનાઓ, સપનાં અને જવાબદારીઓનું કોઈ મહત્ત્વ નથી.” હવે કોઈ ભવિષ્ય નથી, કોઈ ભૂતકાળ નથી. પૃથ્વી પરની ઇનિંગ્સ સમાપ્ત થઈ રહી છે. *

બધા વિચારો દિમાગ પરથી અદૃશ્ય થવા લાગ્યા છે. સ્પષ્ટ ખ્યાલ આવી રહ્યો છે કે વિચારોનું આગવું અસ્તિત્વ ત્યાં સુધી જ હતું જ્યાં સુધી ભૌતિક અસ્તિત્વ રહ્યું.

સમગ્ર ચેતના બધી લાગણીઓના કેન્દ્ર એવા હૃદય પર હવે કેન્દ્રિત થઈ છે. પ્રેમ, દયા, ધિક્કાર, વાસના, ક્રોધ, ઉદારતા, કરુણા – બધું મિશ્રિત થઈ રહ્યું છે. લાગણીઓનું ઘોડાપુર ઉમટ્યું છે.

આ હવે છેલ્લી પાર્ટી છે. ઘણી અભિલાષાઓ બાકી રહી ગઈ છે, ઘણાને ઘણી વાતો કહેવાની રહી ગઈ છે, અનેક લાગણીઓ વ્યક્ત કરવાની બાકી રહી ગઈ છે, જીવનસાથીનો આભાર વ્યક્ત કરવાનો બાકી રહી ગયો છે, તેને જાણતાં-અજાણતાં પહોંચાડેલા દુઃખ માટે માફી માંગવાની બાકી રહી ગઈ છે, કોઈ પર ગુસ્સો કરવાનો હતો તે બાકી રહી ગયો છે, જે ફરજો બજાવવાની હતી તેમાં ક્યાંક ઉણા ઉતર્યા છીએ તેનો અપરાધભાવ પણ સપાટી પર આવી ગયો છે.

આસપાસ એકત્રિત થયેલ લોકોના મત મુજબ તો મૃત્યુ થઈ ચૂક્યું છે, મગજ સંપૂર્ણ ઊર્જા ગુમાવી ચૂક્યું છે, ડોક્ટરોએ ‘ડેડ’ જાહેર કરી દીધેલ છે. એને શું ખબર પડે ! લાગણીઓ તો હજુ ભરી પડી છે.

ખુલ્લેઆમ બધી જ અવ્યક્ત લાગણીઓ વહેવા દઈએ. ત્યાર બાદ તો કોઈ અભિવ્યક્તિ શક્ય નહિ બને. આ જ સમય છે કે જયારે તમામ અભિવ્યક્તિ વિના સંકોચે કરી શકાશે કારણ કે ખુદ સિવાય કોઈ તેને જોઈ શકશે નહિ. અવ્યક્ત ગુસ્સો, પ્રેમ, નફરત, અપરાધભાવના – બધું જ આ મિનિટે જ જે તે વ્યક્તિ સુધી પહોંચાડી દઈએ, અશ્રુધારા થતી હોય તો તે પણ થવા દઈએ, તમામ કડવાશ આજે અનંત બ્રહ્માંડને સમર્પિત કરી દઈએ. કદાચ પુનર્જન્મ લેવાનો હોય તો તે કોઈ યાદો, કોઈ હકારાત્મક કે નકારાત્મક બંધનરહિત હોય તે વ્યવસ્થા આજે જ કરી લઈએ.

આ વિચાર સાથે જ બધી લાગણીઓ સામુહિક રીતે ધીમે – ધીમે હૃદયમાંથી બહાર આવી રહી છે. જયારે સમગ્ર ચેતના જ હૃદયમાંથી બહાર આવી રહી છે ત્યારે ભાવનાઓ શા માટે અંદર રહે? ધીરે-ધીરે ચેતનહીન તો થયા, લાગણીઓથી પણ રિક્ત થઈ ચુક્યા છીએ. હવે છે ફક્ત એક શૂન્યવકાશ.

અત્યાર સુધીમાં શું થયું?

શરીર સંપૂર્ણપણે હળવું બન્યું, વિચારો મગજમાંથી દૂર થયા, છેલ્લે બધી લાગણીઓ અને સંપૂર્ણ ચેતના હૃદયમાંથી બહાર વહી ગયા. હવે પ્રવેશીએ અંતિમ તબક્કામાં.

ત્રીજો તબક્કો.

શરીર પંચ મહાભૂતમાંથી બનેલું છે. પાંચ મૂળ તત્ત્વો એટલે કે જળ,વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ. સમય આવી ગયો છે ફરી થી બ્રહાંડના આ તત્ત્વો સાથે ભળી જવાનો.

નજર સમક્ષ તાદ્રશ્ય થઈ રહ્યું છે કે શરીરમાંથી તમામ પાણી બહાર નીકળી રહ્યું છે, બ્રહાંડના જળતત્ત્વમાં, વિશાળ સમુદ્રમાં શરીરનું જળ તત્ત્વ પાછું ભળી રહ્યું છે.

શરીરમાંથી હવા બહાર આવી રહી છે, વાતાવરણમાં ભળી રહી છે, વાયુ તત્ત્વ તેના મૂળભૂત સ્રોત પર બ્રહ્માંડના વાયુ તત્ત્વમાં પાછું જઈ રહ્યું છે .

ઑસ્ટ્રેલિયાના દાવાનળ જેવી ગગનચુંબી અગ્નિજ્વાળાઓ નજર સમક્ષ દેખાઈ રહી છે. શરીરમાંથી અગ્નિનીજ્વાળાઓ બહાર નીકળી રહી છે અને આ વિશાળ અગ્નિમાં સમાઈ રહી છે.

પૃથ્વી તત્ત્વ પણ હવે છૂટું પડી રહ્યું છે , જમીનની અંદર ઉતરી રહ્યું છે.

હવે ફક્ત ધૂંધળું શરીર નજર સમક્ષ છે જે આકાશ તત્ત્વ દર્શાવે છે. એક સુસવાટા સાથે આ ભાગ પણ ઉડ્યો, અનંત આકાશમાં વિલીન થઈ ગયો.

આ સ્થિતિમાં જ થોડી વાર રહીએ. મૃત્યુ પામ્યા છીએ. શરીર પંચતત્ત્વમાં ભળી ગયું છે. વિચારો ચાલ્યા ગયા છે, ઊર્જા પણ જતી રહી છે, લાગણીઓથી પર થઈ ગયા છીએ, રહીસહી લાગણીઓ પણ વ્યક્ત કરી દીધી છે, કોઈ ઈચ્છા જ બાકી નથી, ભૌતિક અસ્તિત્વ દરમ્યાન આજે અહીં જ છૂટી ગયું છે, આત્મા બહાર નીકળી ગયો છે, ઉપર ચક્કર મારી રહ્યો છે, સાંભળેલી વાત યાદ આવે છે કે હજી ત્રણ દિવસ તો આત્મા અહીં જ ફરતો રહેવાનો છે.

શરીર નિષ્ક્રિય, નિર્જીવ, નકામું થઈ ગયું છે, અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે, . આત્મા મૂક પ્રેક્ષક તરીકે બધું જોઈ રહ્યો છે.

સમાપ્તિ

ધ્યાનસત્ર સમાપ્તિનો તબક્કો શરુ થઈ રહ્યો છે. જરા પણ ઉતાવળ કરવાની નથી. પહેલાં હિંમતની કસોટી હતી, હવે ધીરજના પારખાં થશે. જેમ બહુ ફાસ્ટ દોડ્યા હોઈએ તો ધીરે-ધીરે ઝડપ ઘટાડી સ્વાભાવિક થઈએ તેમ અહીં પણ ધ્યાનમાંથી ધીરે-ધીરે બહાર આવવાનું છે. જે કંઈ અત્યાર સુધી કર્યું તેનાથી ઉલટું કરવાનું છે. બહુ જ ટૂંકમાં જોઈએ.

અત્યારે હળવા ફૂલ થઈ ગયા છીએ. મૃત શરીર અહીં પડ્યું છે. અરે, આ શું? આ પ્રભાવશાળી મહાત્મા હાથમાં કમંડળ સાથે કોણ દેખાઈ રહ્યા છે? તેમના મોઢાં પર દૈવી સ્મિત છે, કહી રહ્યા છે, “વત્સ, તેં થોડા સત્કર્મો પણ કર્યા છે, માટે તને ફરી જીવવાની એક તક આપવાની છે.” પાણીની અંજલિ તેમણે જડ શરીર પર છાંટી. ઓહ્હ્હહહ, મૃત શરીરમાં ફરીથી પ્રાણ આવતા હોય તેવું લાગે છે. તાજગી, શાંતિ, ખુશી, સંતોષ, પ્રેમ, કરુણા શરીરના દરેક અંગમાં, સ્નાયુમાં, નસેનસમાં, સમગ્ર ચેતાતંત્રમાં, અણુ એ અણુમાં ફેલાઈ રહ્યા છે.

પંચ તત્ત્વ શરીરમાં એક પછી એક દાખલ થઈ રહ્યા છે જેના સાક્ષી બની રહ્યા છીએ.

શરીરમાં એક નવા જ પ્રકારની પારદર્શક ઊર્જા ધીરે-ધીરે પાછી આવી રહી છે. હૃદયથી શરૂઆત થઈ છે, હૃદય આ દૈવી ઊર્જાથી ભરાઈ ગયું છે. હવે ચહેરો અને માથું, ત્યાર બાદ પેટ, હાથ, પેટથી નીચેના અવયવો, સાથળ, ગોઠણ, તેના પછીનો પગનો ભાગ, છેલ્લે પગનો પંજો અને આંગળીઓ – દરેક જગ્યા પર આ ઊર્જા ફરી વળી છે.

શું થયું ખ્યાલ આવતો નથી. સ્તબ્ધ થઈ આ ગયા છીએ. પુનર્જીવન મળ્યું તે સ્વપ્ન જેવું લાગે છે. હવે એ સમજણ ચોક્કસ આવી ગઈ છે કે નવા જન્મમાં હંમેશા ખુશ રહીશું, બીજાને પણ ખુશી વહેંચીશું; જાતને પ્રેમ કરીશું અને બીજાને પણ. એ ભાન આવી ગયું છે “તમે આમ બોલ્યા હતાં” એમ કહેવાને બદલે “હું આમ સમજ્યો હતો” તે ભાષા જ સાચી છે. પુનર્જીવન મળ્યું છે તો બસ ‘ચાલ જીવી લઈએ.’

પુનર્જન્મ થયો છે કે નહિ તે ચકાસવા ધીરે-ધીરે પગથી શરૂ કરી છેક માથાં સુધીના દરેક અંગને વારાફરતી થોડું-થોડું હલાવીએ છીએ.

અત્યંત ધીરેથી, સાહજીકતાથી આંખો ખોલીએ છીએ. થોડો પણ ફોર્સ નહિ, કોઈ આંચકો નહિ. ડાબી તરફ પડખું ફર્યું, ધીરેથી બેઠાં થયા.

તાત્કાલિક દૈનિક ક્રિયાઓમાં પરોવાઈ જવાને બદલે શરીર અને મગજને શ્રમ ન પડે તે પ્રમાણેની કોઈ પ્રવૃત્તિમાં 5/10 મિનિટ સુધી રહીએ છીએ જેથી વિશેષ લાભ મળી શકે.

ધ્યાનસત્ર અહીં સમાપ્ત થયું. એક નમ્ર સૂચન. અહીં દર્શાવેલ પદ્ધતિ વ્યવસ્થિત સમજી એ પ્રમાણે ધ્યાન કરીશું તો એક અતિ ઉચ્ચ અનુભવ થઈ શકે છે. કોઈ મુદ્દો ચૂકાઈ ન જાય તે માટે એક વાર જે કઈ કરવાનું છે તે બધી સૂચનાઓ રેકોર્ડ કરી ધ્યાન કરીશું તો કદાચ વધુ ગહન ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થઈ શકશે.

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Blog at WordPress.com.