“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
કુંડલિની, ચક્રો, ધ્યાનના ફાયદાઓ, આ વિષેની ભ્રમણાઓ, ધ્યાનના અનુભવો વિગેરે વિષે ચર્ચા કર્યા પછી હવે વિવિધ ધ્યાન પદ્ધતિઓ વિષે ચર્ચા કરીશું.
દરેક વ્યક્તિને ખબર છે કે મૃત્યુ આવવાનું છે, આવ્યા છીએ તો જવાના પણ છીએ. ક્યારે જવાનું છે તેમાં અનિશ્ચિતતા હોઈ શકે. ફાંસીની સજા થઈ હોય તો પણ અનિશ્ચિતતા હોય તે નિર્ભયા કેઈસ દ્વારા જોવા મળી રહ્યું છે. અનેક સવાલો લોકોનાં મનમાં ઉઠતા હોય છે જેમ કે મારું મૃત્યુ ક્યારે આવશે, મૃત્યુ પછી શું થતું થશે વિગેરે. મૃત્યુનો ડર પણ મોટા ભાગના લોકોને હોય છે. કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં ઉભું થયેલું વાતાવરણ તેની સાબિતી આપી રહ્યું છે. આ સંજોગોમાં મૃત્યુનો અનુભવ ખરેખર મૃત્યુ પામ્યા વગર લઈ શકાય તો કેવું સારૂં!!!
હવે જે પ્રકારનું ધ્યાન સમજવાના છીએ તેના દ્વારા શીખી શકાશે કે મૃત્યુ પહેલાં મૃત્યુનો અનુભવ કઈ રીતે લેવો.
એક વિશિષ્ટ ધ્યાન – મૃત્યુ પહેલાં મૃત્યુ.
એક અત્યંત સરળ પદ્ધતિ છે આ. ‘મૃત્યુ પહેલાં મૃત્યુ’ નામ કદાચ કોઈને ડરામણું લાગી શકે. પરંતુ ખરેખર તો શરીરનો સંપૂર્ણ કાયાકલ્પ કરી શકે તેવી શક્તિશાળી યોગિક પ્રક્રિયા છે આ. મૃત્યુ થયા વગર તેનો અનુભવ કરાવે તે ફાયદો તો અલગ.
મૃત્યુ સાથે જ શરીર તો પંચમહાભૂતમાં વિલીન થઈ જશે, આત્મા ક્યાં ફરવા જશે તે વિષે ધારણાઓ જ કરવાની છે. આત્મા એટલે કે આંતરિક ચેતનાનું અસ્તિત્વ છે અને મૃત્યુ પછી શરીરમાંથી એ બહાર નીકળે છે તે તો રસિયાના ડો.કૉરોટકોવના GDV કેમેરા દ્વારા થયેલા પ્રયોગોમાં સાબિત થઈ ચૂક્યું છે. વિશેષ જાણકારી માટે
https://www.learning-mind.com/scientist-photographs-the-so…
પર જઈ શકો છો. ડૉ.કૉરોટકોવનો ઇન્ટરવ્યૂ પણ
પર જોઈ શકો છો. પરંતુ આત્મા બહાર નીકળ્યા બાદ ક્યાં ફરવા નીકળી પડે છે તે ફક્ત કલ્પનાનો વિષય છે. તે જ પ્રમાણે કલ્પના એટલે કે Visualization પ્રક્રિયા દ્વારા આ ધ્યાન કરવાનું રહેશે. કલ્પના જ ભવિષ્યની વાસ્તવિકતા બને છે. તમામ વર્તમાન વૈજ્ઞાનિક શોધ એક સમયે કલ્પના હતી, શેખચલ્લીના વિચારો જેવી હતી અને અંતમાં વાસ્તવિકતામાં પરિણમી. તે જ પ્રમાણે આજની અનેક કલ્પનાઓ એવી હોઈ શકે કે જે ભવિષ્યની વાસ્તવિકતા બને. ચંદ્ર કે મંગળ પર પગ મુકવો તે પણ એક સમયે કલ્પના જ હતી ને! આ ધ્યાનમાં જે કલ્પના અથવા ધારણા કરીશું તે પણ ભવિષ્યની વાસ્તવિકતા હશે, ભલે પછી તે અવાંછિત કે અણગમતી હોય.
કલ્પનામાં અપાર શક્તિ છે. વર્તમાન સમયમાં પ્રચલિત સારવારની અનેક પદ્ધતિઓમાં વિઝ્યુઅલાઈઝેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. હિપ્નોથેરાપીમાં પણ કલ્પનાશક્તિ પર જ આધારિત છે, અનેક બુદ્ધિસ્ટ ધ્યાન પદ્ધતિઓ પણ તેના પર આધારિત છે. આ પદ્ધતિઓ પર ભવિષ્યમાં ચર્ચા કરીશું. તે પહેલાં કલ્પનાશક્તિનો પ્રભાવ સમજવા માટે થોડી વિગતવાર વાત કરીએ.
એક નાનો પ્રયોગ ગંભીરતાપૂર્વક કરીને જોઈશું, પોતાની જાતને પૂર્ણ રીતે આ કલ્પનામાં વહેવા દઈ આ પ્રયોગ કરીશું.
આંખ બંધ કરી ધારણા કરીએ કે ભૂખ બહુ લાગી છે. આકુળવ્યાકુળ થઈ જઈએ તેવી ભૂખ લાગી છે. પેટમાં કૂતરાં-બિલાડાં બોલી રહ્યા છે. એક મિનિટ પણ રાહ જોઈએ શકાય તેમ નથી. અચાનક કોઈ ગેબી અવાજ સંભળાયો “હે વત્સ, સ્વિટ્ઝર્લેન્ડથી લાવેલી બધી ચોકલેટ્સ તો ફ્રીઝમાં જ ભરી છે.” તમે ફ્રીઝ પાસે પહોંચ્યા. ફ્રીઝ ખોલ્યું. Oh My God, તમને ભાવતી બધી જ બ્રાન્ડની અને સ્વાદની ચોકલેટ્સ વ્યવસ્થિત રીતે ગોઠવેલી છે. તમે તરત તમારી સૌથી માનીતી બ્લેક ચોકલેટનો બાર બહાર કાઢ્યો જેનું રેપર પણ તમને બહુ પસંદ છે. ફ્રીઝમાં ઠંડી થઈ ગયેલી ચોકલેટનો સ્પર્શ થયો, આંખો ચમકી ઉઠી અને અને શરીરમાં એક ‘આહ’ ઉઠી. રેપર એટલું સુંદર છે કે એ દૂર કરતી વખતે તમને હંમેશ મન થાય છે કે એ સાચવી રાખું. આ ચોકલેટની એક વિશિષ્ટ સુગંધ છે જે તમને બહુ જ ગમે છે. તમે રેપર ખોલ્યું. ચોકલેટનો બાર જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. અત્યંત ભૂખ લાગી હોવા છતાં પહેલાં તો એ સુગંધ લીધી. હવે એક નાનું બાઈટ લઈ ચોકલેટનો સ્વાદ લીધો. એવી મજા પડી ગઈ કે મોઢા પર પણ નાના બાળક જેવો જ આનંદ તરવરી ઉઠ્યો. ભૂખ અત્યંત લાગી હોવા છતાં આ સ્વાદ મમળાવવો છે. માટે ધીરે-ધીરે ખાઈ રહ્યા છો. જે ખાવામાં ૨/૩ મિનિટ લાગે તે ચોકલેટ ખાવામાં અત્યંત ભૂખ લાગી હોવા છતાં તમે ૧૦ મિનિટ લીધી.
આ ક્ષણે, જો તમે તમારી કલ્પનાનો સારી રીતે ઉપયોગ કર્યો હશે (અને ચોકલેટ ખરેખર તમને પસંદ હશે) તો તમારા મોંમાં પાણી આવું ગયું હશે. થોડી વાર માટે ખરેખર એ ચોકલેટ તમારી પાસે છે અને તમે ખાઈ રહ્યો છો તેવો અનુભવ થયો હશે. માત્ર શબ્દો પણ લાળ ગ્રંથીઓને અસર કરે છે, તે શબ્દો કે જે વાસ્તવિકતા ન પણ હોય. માત્ર કલ્પના જ હોય. જ્યારે ચોકલેટ વિશેના તે શબ્દો વાંચતાં હતાં ત્યારે તમે તમારાં મગજને કહેતા હતા કે તમારી પાસે એક ચોકલેટ છે. ખરેખર તમારી પાસે ચોકલેટ નથી. આમ છતાં મગજે તેની ગંભીરતાથી નોંધ લીધી અને તમારી લાળ ગ્રંથીઓને કહ્યું, “આ વ્યક્તિ ચોકલેટ ખાઈ રહી છે, તેને તેનો આનંદ લેવા દો.” શબ્દો અને વિચારોની ગાઢ અસર તન-મન પર છે જે વિષે અનેક વૈજ્ઞાનિક પુરાવાઓ ઉલબ્ધ છે જેના વિષે લેખ ક્રમાંક ૧૧ દરમ્યાન ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે.
કલ્પના કરતી વખતે જેટલી વધુ જ્ઞાનેન્દ્રીયોને કામે લગાડી શકીએ તેટલી કલ્પના વધુ વાસ્તવિક બને. જેમ કે ઉપરોક્ત ઉદાહરણમાં આંખ, કાન, ત્વચા, જીભ,અને નાક એમ તમામનો ઉપયોગ થયો છે.
મૃત્યુ ધ્યાન (ડેથ મેડિટેશન):
યોગાસનોનો અભ્યાસ કર્યો હશે તે લોકો શબાસનથી જરૂર પરિચિત હશે જ. આ ધ્યાનનો શરૂઆતનો તબક્કો તેને મળતો આવે છે. શબાસન કોઈ દિવસ ન કર્યું હોય તો પણ અત્યંત સરળતાથી આ ધ્યાન શીખી શકાશે. કલ્પનાશક્તિ જેટલી સારી તેટલું વધારે સારી રીતે ધ્યાન થશે.
માનસિક શ્રમ કરતાં લોકો, વિદ્યાર્થી વિગેરેને આ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક રહેશે. અનુભવ દ્વારા જાણવા મળશે કે કે તન-મનમાં નવી ઊર્જાનું રિચાર્જિંગ થાય છે. ૩૦ મિનિટ કે ૧ કલાક જે કંઈ સમય આ માટે ફાળવેલો હશે તે એક અત્યંત ફળદાયી રોકાણ રહેશે, સોનાની લગડી સાબિત થશે, તાજેતરમાં જ બંધ થઈ ગયેલી બેન્કમાં મુકેલી ડિપોઝિટ જેવું નહિ.
પ્રાથમિક તૈયારી:
સમય:
વહેલી સવાર આ માટેનો શ્રેષ્ઠ સમય છે. તે શક્ય ન જ હોય તો મોડી સાંજે કરવું હિતાવહ રહેશે. મોડી સાંજે કરવામાં કદાચ એવું બને કે દિવસભરના શ્રમ પછીનું થાકેલું શરીર નિદ્રાધીન (ચિરનિદ્રાધીન નહિ) થઈ જાય.
સ્થાન:
એક અલગ બંધ રૂમ આ માટેનું આદર્શ સ્થાન રહેશે. પરિવારજનો, મિત્રો, ફોન, – કોઈ પણ રીતે ખલેલ ન પહોંચે તે સુનિશ્ચિત કરીશું તો વ્યવસ્થિત રીતે ધ્યાન થઈ શકશે. જેમ-જેમ ધ્યાનમાં ઊંડા ઊતરીશું તેમ-તેમ નાનામાં નાનો અવાજ પણ ખલેલ પહોંચાડી શકે.
પોશાક:
દિગંબર અવસ્થા આ માટેનો આદર્શ પોશાક છે. દરેક કપડાંમાં વિચારોની ઊર્જા છે જેનાથી ધ્યાન સમયે દૂર રહી શકાય તો સારૂં. ઠંડી લાગતી હોય તો (અને તો જ) ચાદર ઓઢી શકાય. જો સંજોગો અનુકૂળ ન હોય અથવા તો આ અવસ્થા માટે ખુદનો જ માનસિક સંકોચ હોય તો રોબ અથવા ગાઉન જેવા અતિ આરામદાયક કપડાં પહેરી શકાય. તંગ કપડાં, આંતરવસ્ત્રો, બેલ્ટ વિગેરે ચોક્કસ રીતે ધ્યાન માટે બાધારૂપ છે.
આસન:
મૃત્યુ વખતની સ્થિતિ એટલે કે શબાસનની સ્થિતિમાં આ ધ્યાન કરવાનું રહેશે. જેટલી સખત સપાટી પર કે જમીન પર સુઈ શકાય તેટલું વધુ સારૂં. નરમ ગાદલું આ માટે યોગ્ય ન કહી શકાય. જમીન પર બ્લેન્કેટ પાથરીને સુઈ શકાય જેથી શરીરને તકલીફ ન પડે અને કડક સપાટીનો લાભ પણ મળે.
પ્રક્રિયા – તબક્કો ૧.
ઉપર દર્શાવ્યા મુજબ શબાસનમાં શરીરને ગોઠવવાનું છે એટલે કે પગને થોડા ઢીલા અને ખુલ્લા રાખવાના છે, પગના પંજા બહારની દિશામાં શિથિલ કરીને રાખવાના અને હથેળી આકાશ તરફ રહે તેમ શરીરની બંને બાજુ શરીરથી થોડી દૂર રહેશે. આંખો બંધ કરી થોડા ઊંડા શ્વાસ લઈશું. આ દરમ્યાન શ્વાસ કઈ રીતે આવ્યો અને કઈ રીતે બહાર નીકળ્યો, તે દરમ્યાન કેટલી વાર અંદર રોકાયો તે બધી વાતોનું માનસિક અવલોકન કરીશું.
શ્વાસ લઈશું ત્યારે એક પગના પંજાને દૂર સુધી લઈ જવાની કોશિશ કરીશું, જાણે કોઈ પગ પકડીને ખેંચતું હોય તે પ્રમાણે ખેંચાણ આપીશું, પંજાને વાળી ઉપર સુધી લઈશું, પંજાને નીચે તરફ પણ લઈ જઈશું. શ્વાસ થોડી વાર અંદર રોકી એ ખેંચાણનો પૂર્ણ અનુભવ લેવાનો છે. ત્યાર બાદ શ્વાસ બહાર કાઢીએ ત્યારે સ્નાયુઓને ઢીલા છોડીશું. પંજા પર તથા ગોઠણથી નીચેના ભાગમાં આરામ મેહસૂસ થશે. ત્યાર બાદ આ જ પ્રક્રિયા ગોઠણ પર અને સાથળ પર કરવાની છે. એક પગ પર આ પ્રક્રિયા કર્યા બાદ બીજા પગ પર પણ આ જ પ્રમાણે કરવાનું છે.
પગ બાદ શિવની(Perineum) એટલે કે બંને પગ જ્યાં જોઈન થાય છે તે ભાગના સ્નાયુઓ આ પ્રમાણે ખેંચી, થોડી વાર ખેંચાણ અનુભવ્યા બાદ છોડવાના છે. આ ક્રિયાને યોગશાસ્ત્રની ભાષામાં મૂલબંધ કહે છે.
આ પછી હાથનો વારો. એક પછી એક બંને હાથની આંગળીઓ, અંગૂઠા, મુઠ્ઠી, કાંડાં, કોણી, હાથનો ઉપરનો ભાગ અને ખભાને ક્રમશ: કડક કરીને ઢીલાં છોડીશું.
આ પ્રકારની જ પ્રક્રિયા નાભિથી નીચેના પેટના ભાગ પર કરીશું. ખેંચીશું અને ઢીલું મુકીશું. ત્યાર બાદ છાતીનો વારો. શ્વાસ ભરી છાતી પહોળી કરીશું અને પછી ઢીલી છોડીશું.
હવે પહોંચ્યા ચહેરા પર. એક પછી એક સ્નાયુઓને ખેંચાણ આપીને છોડવાનો પ્રયાસ કરીશું. ખ્યાલ આવશે કે અજાણતાં જ અને અર્થહીન રીતે આ સ્નાયુઓ કેટલા બધા કડક રાખીએ છીએ. દિવસ દરમ્યાન પણ જયારે યાદ આવે ત્યારે ચહેરાના સ્નાયુઓ પર ધ્યાન લઈ જઈશું તો ખ્યાલ આવશે કે અકારણ જ આ સ્નાયુઓને કેટલા તંગ રાખીએ છીએ.
આ સંપૂર્ણ પ્રક્રિયા બાદ શરીર અત્યંત રાહત અનુભવશે. મન પણ હળવું થઈ જશે. ધ્યાનનો આ માત્ર તૈયારીઓનો તબક્કો છે. સાચું ધ્યાન તો હવે શરૂ થશે. એક વખત પહેલા તબક્કાનો સાર અત્યંત ટૂંકમાં અહીં સમજી લઈએ.
આપણે શું કર્યું?
વહેલી સવારનો સમય પસંદ કર્યો.
કપડાં ન પહેર્યાં અથવા બને તેટલાં ઓછાં પહેર્યા,
કડક સપાટી પર શરીર એ સ્થિતિમાં ગોઠવ્યું કે જે પ્રમાણે મૃત્યુ વખતે શરીર રાખવામાં આવે છે.
થોડા ધીરા શ્વાસ સાથે શરીરને શાંત કર્યું.
ઊંડા શ્વાસ લઈ સાથે-સાથે વિવિધ સ્નાયુઓ ખેંચ્યા, શ્વાસ થોડી વાર રોકી ખેંચાણ અનુભવ્યું અને શ્વાસ છોડતી વખતે સ્નાયુઓને ઢીલા કર્યા.
* આ સ્થિતિમાં થોડી વાર રહ્યા.*
અહીં આજનો લેખ પૂરો કરું છું. બીજા તબક્કો થોડો વિગતે ચર્ચા માંગી લે તેવો છે જે
આ પછીના લેખમાં જોઈશું.
ક્રમશ:
જિતેન્દ્ર પટવારી