Daily Archives: 12/11/2020

ભાગ 37 – ધ્યાન/કુંડલિની જાગૃતિ દરમ્યાનના અનુભવો – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ધ્યાન દરમ્યાન થતા અનુક અનુભવો વિષે આપણે લેખ 28 અને 36માં ચર્ચા કરી.  તે ચર્ચા હવે આગળ વધારીએ.

ધ્યાન / કુંડલિની જાગૃતિ દરમ્યાનના અનુભવો (લેખ 36નાં અનુસંધાનમાં ):

1.  શરીર કડક થઈ જાય:

કોઈએ હુકમ કર્યો હોય કે ‘કમર સીધી, શરીર ટટ્ટાર’ અને પછી સંમોહન કરી દીધું હોય કે કમર પછી નીચે આવી જ ન શકે તેવો આ અનુભવ છે.   કમર એટલી બધી કડક થઈ જાય કે તેને વધુ ઉપર ખેંચવી શક્ય જ ન હોય, કમરને ઉંચી લીધા પછી ત્યાં લાકડું ફિટ કરી દીધું હોય તે પ્રમાણેનો આ અનુભવ હોય છે. ધારીએ તો પણ જે પ્રમાણે 10  મિનિટ પણ બેસી શકાતું ન હોય તેવી આ સ્થિતિમાં ધ્યાનમાં 1 કલાક અથવા તેથી પણ વધુ સમય પસાર થઈ જાય તેમ પણ બને.  કુંડલિની શક્તિ તેની જગ્યાએથી ઉપર ચડી ગઈ છે તેની આ નિશાની છે.

2. આસન, મુદ્રા અને પ્રાણાયામ: 

ધ્યાન દરમ્યાન અનેક પ્રકારના આસનો, પ્રાણાયામ અને મુદ્રા સ્વયંભૂ થઈ શકે.  સ્વપ્ને પણ વિચાર્યું ન હોય  અથવા  જિંદગીમાં કોઈ દિવસ ન કર્યા  હોય તેવા મુશ્કેલ આસનો પણ થઈ શકે.  એક સમયે રાજકોટમાં મારા ઘરે જ ચાલતા ધ્યાનકેન્દ્રમાં એક યુવક જેણે કોઈ દિવસ યોગાસન કરેલ નહિ તે અચાનક શીર્ષાસન કરવા લાગતો અને એ શીર્ષાસન 10 મિનિટ જેટલા લાંબા સમય સુધી પણ ચાલું રહેતું.

આ જ પ્રમાણે પ્રાણાયામ પણ સ્વાભાવિક રીતે જ ચાલુ થઈ શકે.  ભસ્ત્રિકા જેવો પ્રાણાયામ કે જેમાં અત્યંત ઝડપી શ્વાસોચ્છવાસની પ્રક્રિયા હોય છે તે પણ થઈ શકે અને પ્લાવિની જેવો મુશ્કેલ પ્રાણાયામ પણ થઈ શકે જેમાં શ્વાસ પેટમાં છેક ઊંડે સુધે ભરાઈ જાય અને પેટ પ્રસૂતા સ્ત્રી જેટલું ફૂલી જાય અને પછી એમ લાગે કે શ્વાસ અટકી ગયો છે.

વિવિધ પ્રકારની મુદ્રાઓ થઈ શકે, અભય મુદ્રા એટલે કે કોઈને આશીર્વાદ આપતા હોઈએ તેવી મુદ્રા પણ થઈ શકે અને તે મુદ્રામાં જ થાક્યા વગર હાથ બહુ લાંબા સમય સુધી રહે તેમ પણ બને.  ધ્યાનકેન્દ્ર પર ધ્યાન કરતા હોઈએ અને આવું થાય તો બીજા એવું માને કે ‘ભાઈ (કે બહેન) વહેમમાં આવી ગયા છે.’ 

3. આભાસી રોગ – સ્યુડો ડિસીઝ:

શુદ્ધિકરણની  પ્રક્રિયા દરમ્યાન શરીરમાં અનેક જગ્યાએ ઊર્જા કાર્ય  કરતી હોય છે.  વર્ષોથી શરીરમાં ઘર કરી ગયેલ રોગો અને લાગણીઓને બહાર ધકેલતી હોય છે.  તે સમયે એવો આભાસ થઈ શકે કે ‘મને કોઈ રોગ થઈ ગયો’, જેમ કે કાલ્પનિક હાર્ટ એટેક આવી શકે, શ્વાસ અટકી ગયો હોય તેમ લાગે (ખરેખર અટકી પણ ગયો હોય),  પાચનતંત્રમાં ગરબડ થતી હોય તેવું લાગે, અચાનક ઉધરસ આવે જે ધ્યાન પછી બંધ થઈ જાય.  આ બધું જ બાદમાં કોઈ ટ્રીટમેન્ટ વગર જ દૂર  થઈ જાય. 

4. દૃષ્ટિ વિષયક અનુભવો:

અનેક પ્રકારના અનુભવો આ શ્રેણીમાં આવી શકે. 

1) બંધ આંખે તીવ્ર પ્રકાશ દેખાય.  હજારો સૂર્ય એક સાથે પ્રકાશિત થતા હોય તેવું લાગે.  સમજણ ન પડે કે શું થઈ રહ્યું છે કારણ કે જિંદગીમાં આટલો પ્રકાશ કદી જોયો જ ન હોય.  તેમાં પણ  આંખ તો વળી બંધ હોય.

2) આંખ સામે દિપક પ્રજ્વલિત થયો હોય તેવું દેખાય.

3 ) દેવી-દેવતાઓના દર્શન થાય.

4) એવી વ્યક્તિઓ દેખાય કે જે ભવિષ્યમાં જીવનમાં આવનારી હોય.  ૨૦૦૧માં એક દિવસ ધ્યાનમાં  જે વિદેશી વ્યક્તિઓ મને દેખાઈ હતી અને મને સમજણ પડી ન હતી કે આ પ્રકારના પાત્રો મને શા માટે દેખાય  તે પાત્રો  મારા જીવનમાં ત્યાર બાદ પ્રવેશ્યા છે,  હાલમાં નજીકથી સંકળાયેલ છે.  મતલબ કે ધ્યાનનું તે સેશન ‘પ્રીવ્યુ’ સમાન હતું.

5) ભવિષ્યમાં જે સ્થળોની મુલાકાત લેવાના હોઈએ (જેના વિષે અત્યારે કોઈ આયોજન ન હોય) તેવા સ્થળો દેખાઈ જાય.

6) ભવિષ્યમાં જે ઘરમાં રહેવાના હોઈએ તે મકાન દેખાઈ જાય.

7) ભવિષ્યમાં બનનારી ઘટનાઓના સંકેત અનેક વખત મળે છે.  તે દ્રશ્ય દેખાય જાય કે જે ભવિષ્યમાં બનવાનું હોય, જેમ કે ધરતીકંપ અથવા પૂર જેવી ઘટનાઓ.

8)  ભવિષ્યમાં બનનાર સામાન્ય ઘટનાઓ  જેમ કે કોઈની સાથે થતો સંવાદ પણ શબ્દસહઃ  ધ્યાન દરમ્યાન જ થઈ ગયો હોય તેવું પણ બને.   એ સંવાદ જયારે ખરેખર થાય ત્યારે ખ્યાલ આવે કે આ ઘટના તો બીજી વાર આકાર લે છે.

9) પ્રકાશ અને ધ્વનિ  માટે અતિ સંવેદનશીલ બની જઈએ તેવું પણ બને.  આ તબક્કો સામાન્ય રીતે કામચલાઉ હોય છે જે અમુક દિવસોથી લઈ ને અમુક મહિનાઓ સુધી ચાલે છે.   તે સિવાય પણ શરીર અને ચક્રો એટલા સંવેદનશીલ બની જાય કે પાણી, ખોરાક, આબોહવા વિગેરેની અસર સંવેદનશીલ ચક્ર પર થાય; સહસ્રારચક્ર વધુ સંવેદનશીલ બની જાય તો પાણી ઠંડુ છે કે ગરમ, ખોરાકમાં મરચું વધારે હોય તો તેની અસર, આબોહવા બદલવાની હોય, ગરમી વધવાની હોય તો તે વધ્યા પહેલાં જ આ બધી અનુભૂતિ એ ચક્ર પર એટલે કે માથાનાં તાળવાંમાં થાય.

10) દરેક રંગ વધુ ચમકતા – Brighter દેખાય તેમ પણ બને. 

11) આંખોમાં બળતરા, આંખમાં પાણી આવવું તે પણ બને કારણ કે આંખ પણ નવી પ્રાપ્ત થયેલી ઊર્જા સાથે એડજસ્ટ થતી હોય.

12) ધ્યાન દરમ્યાન અથવા ઊંઘમાં પણ સર્પ દેખાય, શરીર પર પણ એક અથવા એક કરતાં વધુ સર્પ ફરતા હોય તેવી અનુભૂતિ થઈ શકે.  કુંડલિનીને ઇંગ્લીશમાં  Serpentine Power જ કહે છે. શાસ્ત્રોમાં કુંડલિની શક્તિનું વર્ણન પણ એ પ્રકારે જ છે કે કરોડરજ્જુના છેડે તે સર્પાકારે ગૂંચળું વળીને પડેલી છે. Iઅલગ-અલગ પ્રાચીન સંસ્કૃતિઓમાં પણ સર્પનાં પ્રતીક સાથે જ તેને દર્શાવવામાં આવેલી છે.

13) પ્રકાશના ગોળા (Orbs):

જ્યાં ઊર્જા વધી જાય ત્યાં કેમેરામાં વિવિધ રંગના પ્રકાશના ગોળા નજરે ચડે છે જેને Orbs  કહેવામાં આવે છે.  ધ્યાન દરમ્યાન ઘણી વખત આવા ઓર્બ્સ દેખાય છે.   સાથેના ચિત્ર પરથી ખ્યાલ આવશે કે ઓર્બ્સ કેવા દેખાઈ શકે.  વધુ ચિત્રો માટે આ આલ્બમ જોઈ શકો છો.    

14)  ઊર્જાના કણો:

વાતાવરણમાં ઊર્જાના કણો ફરતા હોય છે, નાના-નાના તારાની જેમ ચમકતા હોય છે  અને જે સ્થળો પર ઊંજા વધુ હોય ત્યાં અનેક વખત ખુલ્લી આંખે જોવા મળે છે.   આવા ઊર્જાના કણો ધ્યાન દરમ્યાન બંધ આંખે પણ અનેક વખત જોવા મળે છે કારણ કે આ સમયે ઊર્જા વધી ગઈ હોય છે.

15)  સ્વદર્શન:

બંધ આંખો  સામે પોતાનું જ શરીર દેખાય.  ધ્યાન કરતું શરીર સ્પષ્ટ રીતે સામે પોતાને જ જોઈ શકે.  કોઈ વખત સંપૂર્ણ શરીર, તો કોઈ વાર ફક્ત ચહેરો અને કોઈ-કોઈ વાર ફક્ત પોતાની આંખો જ દેખાય.

5. હવે થોડા ગહન અનુભવો વિષે જાણીએ.  

લેખમાળાના પ્રારંભે  કુંડલિની  વિષે ચર્ચા કરતી વખતે એ સમજેલું છે કે દરેક વ્યક્તિમાં યીન અને યાંગ એટલે કે મેસ્ક્યુલાઇન અને ફેમિનાઈન બંને પ્રકારની ઊર્જા હોય છે.  અર્ધનારી નટેશ્વરનો ખ્યાલ આ જ વસ્તુ દર્શાવે છે.  આ ખ્યાલ કેટલો બધો સાચો છે અને આપણા પ્રાચીન ઋષિ-મુનિઓને કેટલું બધું જ્ઞાન હતું તે ધ્યાનના અમુક અનુભવો પરથી સમજાય છે.  અલબત્ત, આ અનુભવો જેને થયા ન હોય તેમને માટે આશ્ચર્યજનક લાગે.

1. ધ્યાન દરમ્યાન એવું બની શકે કે પુરુષને અચાનક એવું લાગે કે તે સ્ત્રી છે, તેના શરીરના અવયવો પણ બંધ આંખે તેને સ્ત્રી જેવા જ દેખાય.  એ જ પ્રમાણે સ્ત્રીને એવું લાગે કે તેનું શરીર પુરુષનું શરીર થઈ ગયંઆ છે.  કોઈ વખત એમ પણ બને કે અડધું શરીર પુરુષનું અને અડધું સ્ત્રીનું હોય તેવું લાગે.  તેમાં પણ કોઈ વખત એવી અનુભૂતિ રહે કે ઉપરનું અડધું શરીર સ્ત્રીનું છે જયારે નીચેનું અડધું શરીર પુરુષનું છે.  આનાથી વિપરીત, ધ્યાનનાં  બીજા કોઈ સેશન દરમ્યાન એમ લાગે ઉપરનું શરીર પુરુષનું છે જયારે નીચેનું સ્ત્રીનું છે.  કોઈ વખત એવું પણ બને કે શરીરનો અમુક જ ભાગ બંધ આંખે દેખાય અને તે વિપરીત લિંગનો હોય.

2. તાંત્રિક અનુભવ:

તંત્ર શબ્દ વિષે સમાજમાં સામાન્ય રીતે ઓછી અથવા ગેરસમજણ જોવા મળે છે.  આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે તંત્ર અત્યંત ઝડપી યંત્ર છે તેમ કહી શકાય.  તંત્રસાધના એકલાં પણ થઈ શકે, જોડીદાર સાથે પણ.  તેમાં જે જાતીય સંપર્ક બને  તેનો હેતુ ઉચ્ચ આધ્યાત્મિક પ્રગતિનો હોય.  શબ્દો, સ્પર્શ અને અમુક વિશેષ આસનો દ્વારા કુંડલિની શક્તિ ત્વરિત રીતે નીચેના ચક્રો પરથી સહસ્ત્રારચક્ર પર  લઈ જવામાં આવે.  એક સંકુચિત માનસિકતાને પરિણામે ઘણી વખત લોકો આ વિષે ચર્ચા કરવાનું ટાળે છે.  પરંતુ ગૃહસ્થીઓ માટે તો તંત્ર આધ્યાત્મિક સાધનાનું એક અતિ શક્તિશાળી શસ્ત્ર છે.   ધ્યાન દરમ્યાન તંત્રસાધનાનો અનુભવ પણ થઈ શકે.  એ અનુભવ પુરુષને સ્ત્રી તરીકે પણ થઈ શકે અને સ્ત્રીને પુરુષ તરીકે પણ.   એ જરૂરી ન હોય કે આ અનુભવ દરમ્યાન સામેની વ્યક્તિનો ચહેરો નજર સમક્ષ આવે.   એ ચોક્કસ છે કે એ સમયે સહસ્ત્રારચક્રમાં ઊર્જાનો બૉમ્બ ફૂટે.

3. સોલ મેટ અનુભવ: 

અત્યંત ટૂંકમાં આ સમજવાની કોશિશ કરીએ.  એક સામાન્ય અનુભવ બધાનો હશે કે કોઈ વ્યક્તિને જોતાંની સાથે જ આંખો હસી ઉઠે, દિલ ડોલી ઉઠે, તેની સાથે વાત કરવાનો ઉમળકો આવે, જાણે જન્મો-જન્મોનો સંબંધ હોય તેવી લાગણી થાય.  આ લાગણી રૉમેન્ટીક જ હોય તેવું આવશ્યક નથી, હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે.  સામેની વ્યક્તિની ઉંમર કોઈ પણ હોઈ શકે, લિંગ કોઈ પણ હોઈ શકે, દેશ કોઈ પણ હોઈ શકે,  અન્ય અનેક પ્રકારે ભિન્નતા હોઈ શકે.  છતાં એક વિશેષ ખેંચાણ એ વ્યક્તિ તરફ થાય. એ  જરૂરી નથી કે તે વ્યક્તિનું વ્યક્તિત્વ ચુંબકીય હોય;  એમ બની શકે કે તે વ્યક્તિ સાથે આપણૉ કોઈ ‘એનર્જી કોર્ડ’ હોય.  દરેક વ્યક્તિ અન્ય અનેક વ્યક્તિ સાથે વિવિધ રીતે ‘એનર્જી કોર્ડ’ દ્વારા બંધાયેલી હોય છે જે કોર્ડ આ જન્મનો પણ હોઈ શકે અને પૂર્વજન્મનો પણ હોઈ શકે.  એક પ્રકારનું કાર્મિક  જોડાણ આ વ્યક્તિ સાથે હોય.   ઇંગલિશમાં આ આત્મિક સંબંધોવાળી વ્યક્તિ વિષે સોલ મેટ શબ્દ વાપરવામાં આવે છે.  ધ્યાન દરમ્યાન આવા સોલ મેટનું મિલન ઘણી વાર થઈ શકે છે.  ત્યાર બાદ એ વ્યક્તિ જિંદગીમાં ખરેખર મળે અથવા ન પણ મળે.  તેની પાસેથી જે માર્ગદર્શન મળવાનું હતું અથવા લાગણીઓના આટાપાટા પૂર્ણ કરવાના હતા તે ધ્યાન દરમ્યાન થઈ જાય તેમ બની શકે.

આ વિષયના અનુભવો અસીમિત હોઈ શકે.   દરેકનો આનંદ નિરાળો છે, અવર્ણનીય  છે.  દરેકની ચર્ચા સ્થળસંકોચને કારણે શક્ય ન હોવાથી અનુભવોની વાત અહીં પુરી કરીશું.  અંતમાં  નમ્ર સૂચન તો એ જ રહેશે કે ‘જાણ્યાં કરતાં જોયું ભલું અને જોયાં  કરતાં અનુભવ્યું ભલું’  તે સિદ્ધાંત અનુસાર  આ શાબ્દિક જ્ઞાનને જો અત્યાર સુધી અનુભવની સરાણે ન ચડાવ્યું હોય તો ચડાવીએ, આ આનંદ મેળવીએ અને અને એ આનંદની સાથોસાથ જે મબલખ ફાયદા છુપાયેલા છે તે મેળવીએ.

ક્રમશઃ

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Blog at WordPress.com.