“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
ધ્યાન દરમ્યાન શરૂઆતમાં થતા અમુક અનુભવો વિષે આપણે લેખ 28માં ચર્ચા કરી. જેમ-જેમ ધ્યાનમાં આગળ વધતાં જઈએ તેમ અનુભવોનું ક્ષેત્ર વિશાળ થતું જાય છે. એક સ્વતંત્ર પુસ્તક ફક્ત આ વિષય પર લખી શકાય. અહીં થોડા અન્ય અનુભવો જાણીએ.
લેખમાળાની શરૂઆતમાં જાણેલું કે કોઈ પણ પ્રકારની સાધના જાણતાં-અજાણતાં થતી ચક્રશુદ્ધિની પ્રક્રિયા છે. બધી જ સાધના અંતમાં કુંડલિની જાગૃતિ તરફ દોરી જાય છે. ધ્યાન દરમ્યાન તે પ્રક્રિયા ઝડપી બને છે, ચક્ર આધારિત ધ્યાન પદ્ધતિ અપનાવી હોય તો તે વિશેષ ઝડપી બને છે. આ સંજોગોમાં ધ્યાનના અનુભવોને કુંડલિની જાગૃતિનાં લક્ષણો કહી શકાય.
આ અનુભવો સંપૂર્ણપણે વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે, શરીરમાં જે નવી ઊર્જા આવી રહી છે તેને અનુકૂળ બનવા માટે શરીરના કોષોમાં ફેરફાર થઈ રહ્યા હોય છે. પૂર્વજન્મની સાધનાનો પ્રભાવ પણ તેમાં હોય છે. પહેલાં અનુભવેલ ન હોય અને જેના વિષે કદાચ ખ્યાલ ન હોય તેવા સંજોગોમાં કોઈ વાર એ અનુભવો બુદ્ધિગમ્ય ન લાગે, વ્યક્તિ મૂંઝવણ અનુભવે, કોઈ સાથે ચર્ચા ન કરે અને કોઈ વાર ધ્યાન છોડી દે તેવું પણ બને. એક શિક્ષકને સ્વાભાવિક રીતે જ ધ્યાન દરમ્યાન યોગાસન-પ્રાણાયામ થવાના ચાલુ થયા. તે ગભરાઈ ગયા કે “હું મારા શરીર પરનો અંકુશ ગુમાવી રહ્યો છું.” અહીં એ જ ખ્યાલ રાખવાનો રહે કે જયારે કોઈ પણ પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે તેનો મતલબ જ એ છે કે ધ્યાનની અસર થઈ રહી છે, શરીર અને મનમાં આવશ્યક ફેરફારો થઈ રહયા છે, એ અનુભવોનો આનંદ લેવાનો છે. આ અનુભવો થવા જ જોઈએ તે જરૂરી નથી, કોઈને થાય, કોઈને ન થાય, કોઈને જુદા અનુભવો થાય.
ધ્યાન / કુંડલિની જાગૃતિ દરમ્યાનના અનુભવો:
1. વિદ્યુતપ્રવાહ:
હાથમાં, પગમાં અથવા શરીરના કોઈ પણ ભાગમાં વિદ્યુત દોડતી હોય તેવી અનુભૂતિ થાય. હથેળી, તેનો બહારનો ભાગ, પગના તળિયાં વિગેરેમાં વિશેષ થઈ શકે. પગના તળિયાંમાંથી વિદ્યુત ઉપર ચડતી હોય તેવી અસર પણ થાય. કોઈ વખત આ વિદ્યુતનો ફોર્સ એટલો બધો હોય કે ગળું લાલ થઈ જાય. આ પ્રમાણે વિદ્યુતનો પ્રવાહ ફરે તેને બહુ સારો અનુભવ અને પ્રાણોંત્થાન એટલે કે કુંડલિની જાગૃતિનો શરૂઆતનો તબક્કો કહી શકાય.
2. ગરમ/ઠંડો પ્રવાહ:
મોઢાં પર કે શરીરના અન્ય કોઈ પણ ભાગમાં ગરમ અથવા ઠંડો પ્રવાહ વહેતો હોય તેવું લાગી શકે. મેનોપોઝ દરમ્યાન સ્ત્રીઓને જે ‘હોટ ફ્લેશ’ અનુભવાય છે તે પ્રકારનો આ અનુભવ હોય છે. આ પ્રકારના પ્રવાહનો શરીરના કોઈ પણ ભાગમાં અને કોઈ પણ સમયે અનુભવ થઈ શકે.
3. લાગણીઓના ચડાવ-ઉતરાવ:
દરેક વ્યક્તિ વિવિધ અવ્યક્ત લાગણીઓનો સંગ્રહ કરીને બેઠી હોય. આ લાગણીઓનો ઉભરો આવી શકે. અકારણ હસવું, રડવું, ઉદાસીનતા, ગુસ્સો, ખુશી – કંઈ પણ થઈ શકે. ઉપર ઉઠતી ઊર્જા હોર્મોન્સના સ્ત્રાવમાં ફેરફારો લાવે જેને કારણે આ ભાવનાઓ અંદરથી બહાર આવવા કૂદાકૂદ કરે. લાગણીની આ ઉથલપાથલ દર્શાવે છે કે ઉર્જાના ઉત્થાનની, કુંડલિની જાગૃતિની પ્રક્રિયા ચાલી રહી છે, અવરોધો દૂર થઈ રહ્યા છે.
4. પ્રાણીઓના અવાજ અથવા હાવભાવ:
બહુ વિચિત્ર અનુભવ છે આ. વિવિધ પ્રાણીઓ જેવા અવાજ આપમેળે નીકળે, ભાવ-ભંગિમા પ્રાણીઓ જેવી થવા લાગે, કોઈ વખત ભેંસ જેવો અવાજ નીકળે તો કોઈ વખત ઘુરઘુરાટી તો કોઈ વાર સિંહ જેવી ત્રાડ. આ પ્રક્રિયા પણ ઊર્જાના અવરોધ દૂર થવાની જ પ્રક્રિયાનો એક હિસ્સો છે.
5. હાથ-પગ કે શરીરનું કોઈ અંગ બહેર મારી જાય અથવા તેનું અસ્તિત્વ જ ન હોય:
શરીરમાં બધે વિદ્યુત દોડતી હોય તેનાથી તદ્દન વિરુદ્ધનો આ અનુભવ છે. હાથ, પગ કે શરીરનું કોઈ અંગ જડ થઈ ગયું હોય, ઈચ્છા હોય તો પણ તે ભાગને હલાવી જ ન શકાય તેવી આ અનુભૂતિ હોય છે. કોઈ-કોઈ વાર તો એવું લાગે કે શરીરનો કોઈ હિસ્સો, જેમ કે માથાંનાં ટોચના હિસ્સા સિવાયનો બધો ભાગ હોય જ નહિ. શરીરની સંપૂર્ણ ઊંજા બહાર જતી રહી હોય અને શરીર જ ન હોય તેવું પણ ઘણી વાર લાગે.
6. પ્રાચીન અને પવિત્ર સ્થળો:
આ એક બહુ સામાન્ય રીતે જોવા મળતો અનુભવ છે. વર્ષો સુધી જે સ્થળોએ ફરવા જવાની આદત હોય તે સ્થળોની પસંદગી અચાનક બદલે. વિવિધ પ્રાચીન અને પવિત્ર સ્થળો જોવાની, યાત્રા કરવાની તીવ્ર ઈચ્છા થાય. ઘણી વાર તો આવા સ્થળોની ધ્યાનમાં જ યાત્રા થઈ જાય.
7. વધેલી સર્જનાત્મકતાના તબક્કા:
ધ્યાન દરમ્યાન અથવા ત્યાર બાદ સંગીત, લેખન, ચિત્રકલા કે અન્ય કોઈ પણ પ્રકારે સર્જનાત્મકતા બહાર આવે. કોઈ દિવસ ગીત લખ્યું ન હોય અને ગીત લખાઈ જાય; કોઈ દિવસ ગાયું ન હોય અને અચાનક ગાવાની ઈચ્છા થાય, સારું ગવાય પણ જાય; કોઈ દિવસ પીંછી ન પકડી હોય અને અચાનક ચિત્ર દોરવાનું મન થાય, દોરાય પણ જાય; જો આવું કંઈ પહેલેથી કરતાં હોઈએ તો તેમાં અચાનક બહુ મોટા બદલાવ આવે અને કંઈ અપ્રતિમ બહાર આવે; લોકો ‘અદભૂત, અદભૂત’ કહે કારણ કે હવે જે રચના બહાર આવી તેમાંથી ઊર્જા પ્રવાહિત થતી હોય.
સ્વાધિષ્ઠાન ચક્રમાં અવરોધો દૂર થવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે આ પ્રકારના આવ-જા કરતા તબક્કા જોવા મળે. અચાનક સર્જનાત્મકતા શાંત થઈ જાય જયારે બીજા કોઈ ચક્ર પર કાર્ય શરૂ થાય. જયારે બીજા ચક્રોની શુદ્ધિ પણ એક હદ સુધી થઈ જાય ત્યારે ફરીથી આ વધેલી સર્જનાત્મકતા વિવિધ ક્ષેત્રમાં જોવા મળે.
8. શરીરના ઉષ્ણતામાનમાં ફેરફાર:
કુંડલિની જાગૃતિ દરમ્યાનનો આ બહુ વ્યાપક રીતે જોવા મળતો અનુભવ છે. કોઈ વાર હથેળીમાં, કરોડરજ્જુના છેલ્લા ભાગ પર અથવા શરીરમાં અન્યત્ર – ખાસ કરીને ચક્રોના સ્થાન પર અત્યંત ગરમીનો અનુભવ થાય, પસીનો જાય, શરીરમાં બળતરા થતી હોય તેવો અનુભવ થાય, રાત્રે અચાનક ઊંઘમાંથી જાગી જવાય અને જોઈએ તો શરીર ભીનું થઈ ગયું હોય.
આનાથી તદ્દન વિપરીત રીતે બર્ફીલા ઠંડા મોજાં લહેરાતાં હોય, શરીરની અંદરથી ઠંડી ઉઠે અને ઠંડીના લખલખાં આવે, કોઈ વખત બહારથી ઠંડો પવન આવતો હોય તેવી લહેરો ઉઠે.
આ બંનેથી જુદો એક અનુભવ થઈ શકે. હથેળી અથવા શરીરનો એક ભાગ અત્યંત ઠંડો અને એક ભાગ અત્યંત ગરમ હોય – ખાસ કરીને ડાબો ભાગ ગરમ અને જમણો ભાગ ગરમ હોય. આ આંતરિક લાગણી નહિ પરંતુ વાસ્તવમાં બને. કોઈને સ્પર્શ કરીએ તો તેને પણ ખ્યાલ આવે કે એક હથેળી અત્યંત ઠંડી છે જયારે બીજી અત્યંત ગરમ છે.
9. અન્ય શારીરિક અનુભવો:
અમુક અનુભવો એવા હોય છે જેમાં તન-મનમાં આનંદ વ્યાપી જાય. સાથે-સાથે અમુક અનુભવો એવા પણ હોય કે આનંદને બદલે મૂંઝવણ વ્યાપી જાય; જે તે વ્યક્તિ તો ખરી જ પરંતુ ડોક્ટર પણ મૂંઝાઈ જાય, તેને ખબર ન પડે કે ક્યા રોગની દવા કરવી કારણ કે વ્યક્તિ જે લક્ષણને રોગ સમજીને ડોક્ટર પાસે દોડી હોય તે લક્ષણ રોગનાં ન હોય પરંતુ કુંડલિની જાગૃતિનાં હોય. થોડાં એવા લક્ષણ જોઈએ.
વધેલો હાર્ટ રેઈટ – ઘણી વાર તો ધબકારા બહાર સાંભળી શકાય
ખુલ્લા ઇલેક્ટ્રિકલ પોઇન્ટને સ્પર્શ કરી લીધો હોય તેવી અનુભૂતિ કોઈ પણ વસ્તુમાં થઈ શકે, લાકડાં અને છોડને કે મનુષ્યને અડવાથી પણ કોઈ-કોઈ વાર શોક લાગતો હોય તેવું થઈ શકે
શરીર આગળ વળી જાય, નાક છેક જમીનને અડી જાય, મોટું પેટ હોય તો પણ નડે નહિ
ઉબકા, પેટનો દુખાવો
પીઠનો દુખાવો, ખાસ કરીને કરોડરજ્જુના નીચેના ભાગ પાસે તીક્ષ્ણ પીડા. શરીરની વિદ્યુત સર્કિટ આ જગ્યાએથી ઉપર ઉઠવામાં થોડી વાર લાગે છે માટે આ અનુભવ થાય
કળતર, ખંજવાળ જેવી લાગણી
હૃદયચક્રના અવરોધ દૂર થતા હોય ત્યારે છાતીમાં દુખાવો
માથામાં વજન જાણે ટોપી પહેરી હોય, ખોપરી ઉપરની ચામડી પર ખંજવાળ અથવા ઇંગ્લીશમાં જેને ગૂઝ બમ્પ્સ કહે છે તેવો અનુભવ, ત્યાં વિદ્યુત દોડતી હોય અથવા કીડીઓ ફરતી હોય તેવી સંવેદના, ખોપરી ખુલી ગઈ હોય તેવી અનુભૂતિ
કાનમાંથી ગરમ પ્રવાહ બહાર આવતો હોય, બાજુમાં કોઈ ઉભું રહે તો તેને પણ ખ્યાલ આવે
માથાંના વાળ ઉભા થઈ જાય
મોઢું ખુલી જાય અને હવા પી રહ્યા હોઈએ તેમ ફેફસાંમાં હવા ભરાય
ડોક પાછળ તરફ વળી જાય, આકાશ તરફ દ્રષ્ટિ થઈ જાય
ડોક આગળ વળી ગળા સાથે ચોંટી જાય – યોગની ભાષામાં જાલંધરબંધ કહેવાય
મોઢામાં થૂંક આવી જાય
આંખ ખુલી જાય, કિકી ઉપર ચડી જાય અને નજર કોઈ જગ્યાએ ત્રાટક કરતાં હોઈએ તેમ સ્થિર થઈ જાય
ધ્યાન બાદ આંખની કિકી એકદમ સફેદ થઈ જાય, આંખ ખોલવાની ઈચ્છા જ ન થાય, આંખમાં એક વિશિષ્ટ ચમક આવી જાય
આંખમાંથી પાણીની ધાર થાય, કોઈ વાર એક આંખમાંથી તો કોઈ વાર બંનેમાંથી
જીભ બહાર નીકળી જાય, બહાર નીકળી ડાબી જમણી તરફ ફરે
કપાળની વચ્ચેના ભાગમાં એટલે કે આજ્ઞાચક્ર પર કોઈ સ્ક્રુડ્રાયવર ફેરવતું હોય, જીવડું ત્યાં ઘુસી અંદર હલનચલન કરતું હોય તેમ લાગે. કપાળનો વચ્ચેનો ભાગ આપમેળે જ ઉપર-નીચે થાય જે બીજા લોકો જોઈ પણ શકે તેટલો સ્પષ્ટ ખ્યાલ આવે
કોઈ વાર બહુ ઓછું બોલવાની ઈચ્છા થાય, કોઈ વાર બોલ-બોલ જ કરીએ
શરીરના કટકા થઈ ગયા હોય, અલગ-અલગ ભાગમાં અને આકારમાં શરીર વહેંચાઈ ગયું હોય, શરીરનું કદ એક ઇંચથી પણ નાનું અથવા 500/1000 ફિટ જેટલું વિશાળ થઈ ગયું હોય તેવું લાગે. સ્વપ્નમાં જેમ બધું સાચું લાગે તેમ બંધ આંખોથી આ દ્રશ્ય એકદમ વાસ્તવિક લાગે
તીવ્ર જાતીય ઉત્તેજના અનુભવાય. આ અનુભૂતિ વિશેષતઃ જાતીય અવયવોને બદલે તેનાથી થોડે જ ઉપર એટલે કે સ્વાધિષ્ઠાન ચક્રના સ્થાન પર અનુભવાય. અત્યંત સીમિત માત્રામાં જે કુંડલિની શક્તિનો ઉપયોગ થતો હતો ત્યાંથી આ ઊર્જા ઉર્ધ્વગામી થાય તે દરમ્યાન વધેલી ઊર્જા જાતીય અવયવો પર પણ પહોંચે તેને કારણે આ પ્રકારના અનુભવ થાય. જયારે ઊર્જા હંમેશ માટે સ્વાધિષ્ઠાન ચક્રથી ઉપર રહેવા માંડે ત્યારે આ તબક્કો પૂરો થાય. શરીરના અન્ય ભાગ પર પણ જયારે આ વધેલી ઊર્જા પહોંચે ત્યારે સમગ્ર શરીરમાં ઉત્તેજનાનો અનુભવ થઈ શકે જેને ઇંગ્લીશમાં Whole Body Orgasm કહેવામાં આવે છે
જેમ શરૂઆતમાં જાણ્યું તેમ અનુભવો અસીમિત છે. દરેકનો આનંદ નિરાળો છે, અવર્ણીય છે. વિસ્તૃત ચર્ચા તો અહીં શક્ય નથી. પરંતુ થોડા વધુ અનુભવો હવે પછીના લેખમાં જાણીશું.
ક્રમશઃ