ભાગ 35 – ધ્યાનના લાભ – મગજ પર અસર – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

લેખમાળાના પહેલા તબક્કામાં (લેખ 21 સુધી) કુંડલિની, નાડી, ચક્રો વિગેરે વિષે સમજ્યા. હવે લેખ 22થી ધ્યાન વિષે વિસ્તૃત ચર્ચા ચાલુ કરી છે.

હજારો વર્ષ પહેલાંથી ભારતમાં ધ્યાનનો પ્રચાર થતો આવ્યો છે. ન સંદેશવ્યવહારના આધુનિક સાધનો હતાં કે ન પરિવહનના. છતાં ‘ધ્યાન’ હંમેશા જીવિત રહ્યું. હવે તો દેશ-વિદેશમાં ફેલાઈ ગયું. એ જ બતાવે છે કે તેનું મહત્ત્વ કેટલું હશે. ઋષિ-મુનિઓ જે હજારો વર્ષોથી જાણતા હતા અને જણાવતા હતા તે જ્ઞાનને સમજવા માટે આધુનિક વિજ્ઞાન પ્રયત્નો કરી રહ્યું છે, થોડું ઘણું સમજી શક્યું છે અને વધુ પ્રયત્નો કરી રહ્યું છે.

લેખ 23 અને 24માં ધ્યાનના અમુક વૈજ્ઞાનિક ફાયદાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. લેખ 31 માં મગજના તરંગો પર થતી તેની અત્યંત હકારાત્મક અસરો તપાસી. આ વિષે થોડું વિશેષ જાણીએ.

ધ્યાનથી શું થાય?

૧) ન્યુરોપ્લાસ્ટિસિટી હકારાત્મક બને:

કોઈ પણ વિચાર, અનુભવ, મૂડનો બદલાવ, લાગણીના ઉભરા કે કાર્ય એમ ને એમ ન થાય. આવા સમયે મગજમાં અનેક રસાયણોની ઉથલપાથલ થાય, વિવિધ રીતે વિદ્યુત તરંગો ભટકે. આવું કંઈ પણ થાય ત્યારે મગજમાં જાત-જાતના ફાયરિંગ થાય, બધું ઊંધું-ચત્તું થઇ જાય, અનેક બદલાવ આવે, મગજના માળખામાં (Structural) અને કદમાં પણ બદલાવ આવે. આવું ઘણું બધું બને અને આપણને તો ખ્યાલ પણ ન આવે. મગજ સતત બદલાતું રહે. આ પ્રક્રિયાને ‘ન્યુરોપ્લાસ્ટીટી’ કહેવાય.

જયારે-જયારે કોઈ પણ વિચાર કે લાગણી રિપીટ થાય ત્યારે મગજના જ્ઞાનતંતુઓ નવા રસ્તા(Pathways) તૈયાર કરે. આ રસ્તાઓ નક્કી કરે કે હવે મગજ કઈ રીતે કાર્ય કરશે. શા માટે સકારાત્મક વિચારો અને લાગણીઓ પર ભાર મુકાય છે તે આ પરથી સમજાશે.

શરીરનો જે ભાગ વધારે ઉપયોગમાં લઈએ તે મજબૂત બને, ત્યાં મસલ્સ બને; જે ભાગનો ઉપયોગ ન કરીએ તે ધીરે-ધીરે નબળો થતો જાય, નકામો થતો જાય. મનુષ્યને પૂંછડી હતી, કાળક્રમે લુપ્ત થઈ ગઈ કારણ કે તેનો ઉપયોગ ન હતો. સ્નાન કરતી વખતે પીઠ પર સાબુ લગાડવા માટે મોટા ભાગના લોકો એક હાથ લઈ જાય. એક ઉંમર પછી બીજો હાથ તેની પ્લાસ્ટિસિટી ખોઈ બેસે. બીજા હાથથી એ જ કાર્ય કરવા જાય તો પણ એ હાથ એક હદથી વધુ ઊંચો ન થઈ શકે. ન્યુરોપ્લાસ્ટિસિટી મગજના મસલ્સ બનાવે. કોઈ પણ વિચાર કે કાર્ય વારંવાર કરવામાં આવે ત્યારે તે પ્રકારની શક્તિ વધે. આ પ્રક્રિયા ધીરે-ધીરે ઓટોમેટિક થઈ જાય. ‘જે વિચારીએ તે બનીએ’ આ માટે જ કહેવાય.

ન્યુરોપ્લાસ્ટિસિટીની પ્રક્રિયા જિંદગીભર ચાલતી રહે. વિચારોના પ્રકાર મુજબ મગજ નબળું કે મજબૂત બન્યા કરે, તેના માળખામાં ફેરફાર થયા કરે. નાની ઉંમરે લોકો જલ્દી બદલાવ લાવી શકે કારણ કે મગજ ત્યારે વધારે ઇલાસ્ટીક હોય. ઉંમર વધવા સાથે મગજની આ ક્ષમતા થોડી ઘટતી જાય સિવાય કે વિચારો પ્રત્યે સભાન હોઈએ, વિચારોના નિરીક્ષણની આદત હોય. આ સભાનતા ધ્યાન દ્વારા આવે.

2) જનરેશન ગેપ ઘટે – પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ જલ્દી વિકસે:

જનરેશન ગેપ સદીઓથી ચાલતો આવ્યો છે. આજના વડીલો નાનાં હતાં ત્યારે કદાચ તેમની વ્યક્ત કે અવ્યક્ત લાગણી હતી કે વડીલો તેમને સમજતા નથી. હવે જયારે પોતે વડીલ થયા છે ત્યારે અનેક વાર તેમને એમ લાગે કે તેમના કિશોર કે યુવાન બાળકો તેમને સમજતા નથી. ‘તમારો જમાનો જુદો હતો’ તે કદાચ સદીઓથી ચાલતો ડાયલોગ હશે.

જનરેશન ગેપ તો ઘટે કે જો બે પેઢીનું પ્રતિનિધત્વ કરતા પાત્રોમાંથી કમ સે કમ એક બદલાવ માટે તૈયાર હોય. ‘ધ્યાન’ દ્વારા આ બે રીતે શક્ય બને. પહેલું તો એ કે પોઇન્ટ ૧ માં જોયું તેમ મગજ વધુ ઇલાસ્ટીક બને, વ્યક્તિ બદલાવ સરળતાથી લાવી શકે, બીજાના મંતવ્યને માન આપી શકે, તે માટે જરૂરી બદલાવ પોતાની વિચારસરણીમાં લાવી શકે.

બીજો મુદ્દો ખાસ સમજવા જેવો છે.

મગજનો અતિ અગત્યનો ભાગ એટલે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ – Prefrontal Cortex(PFC). મગજના આગળના ભાગમાં આવેલ આ હિસ્સો સૌથી છેલ્લે વિકસે. કિશોરાવસ્થા સુધી તો અહીં વિકાસ બહુ ઓછો હોય. મોટા ભાગનો વિકાસ 25-3૦ વર્ષ સુધીમાં થઈ જાય. પછી પણ વર્ષોના વહાણાં વીતે તેમ થોડો- થોડો વિકાસ થતો રહે.

PFCને મગજનો Chief Executive Officer (CEO) કહી શકાય. કોઈ પણ જાતના નિર્ણય અહીંથી લેવાય, પ્લાનિંગ અહીંથી થાય, હજારો વિચારોનો જમાવડો થતો હોય તેમાંથી ક્યા રાખવા અને ક્યા ફેંકી દેવા તે નક્કી પણ અહીં થાય, જે કામ કરીએ તેના પરિણામો શું આવશે તે નક્કી પણ PFC કરે, ક્યા કાર્યો સામાજિક મર્યાદામાં રહી કરવા તે પણ અહીં નક્કી થાય, લાગણીઓના ઉભરા બહાર કાઢવા કે નહિ અને કાઢવા તો કેટલા કાઢવા તેનો નિર્ણય પણ અહીં લેવાય. સંપૂર્ણ વર્તણુકનો આધાર PFC પર. જેમ કોર્પોરેટ ઓફિસમાં બધા પોતાને ભાગે આવેલી ફાઈલ જરૂરી પ્રક્રિયા કરી CEO પાસે મોકલે અને અંતિમ નિર્ણય CEO લે તેમ મગજના બીજા બધા ભાગ પોતાનું કામ છેલ્લે અહીં મોકલે અને શું કરવું તે અહીં જ નક્કી થાય.

ટીનેજરના મગજને એવી ઓફિસ સાથે સરખાવી શકાય કે જ્યાં સ્ટાફ તો પૂરતો છે પણ નિર્ણય લઈ શકે તેવા ઉપરી અધિકારીની ગેરહાજરી છે. કામ કરવા બધા ઉત્સાહી છે પણ શું કરવું તે ખબર નથી. પરિણામે ટીનેજર કે યુવાન પણ ઉતાવળિયા નિર્ણયો લે. સમાજ સ્વીકારે નહિ તેવા પગલાં પણ ભરી લે. દૂરોગામી અસર વિષે વિચાર્યા વિના કોઈ કાર્ય કરી નાખે (જેમ કે અયોગ્ય પાત્ર સાથે લગ્ન). આડેધડ વાહન ચલાવે એ વિચાર્યા વિના કે પોતાને અને બીજા કેટલાંને તકલીફમાં મુકીશ. વડીલોને માથાંમાં હથોડા વાગે તેવા વિચારો પણ કોઈ વાર વ્યક્ત કરે. એલફેલ લાગે તેવું બોલી પણ લે. PFC વિષે સમજતા હોઈએ અને ધ્યાન કર્યા બાદ ન્યુરોપ્લાસ્ટિસિટીને કારણે બદલાવ આવ્યો હોય તો આવા સમયે ગુસ્સો ઓછો આવે અથવા અકળામણ ઓછી થાય. 3 ઇડિયટ્સમાં પરીક્ષિત સહાની તેના દીકરા પર ગુસ્સે થાય છે તેમ ન થાય. એ સમજી શકાય કે યંગસ્ટરનો કોઈ વાંક નથી, કોઈ જમાનામાં આપણે પણ આવું કંઈ કર્યું જ હશે.

‘તડકામાં વાળ ધોળા નથી કર્યા’ તેવું માનતા હોઈએ તો આ પરથી ખ્યાલ આવશે કે પરિપક્વતા બાયોલોજીકલ પ્રક્રિયા છે, તેમાં જે તે વ્યક્તિએ કંઈ વિશિષ્ટ સિદ્ધિ મેળવી નથી.

આ વાત થઈ વડીલોની સમજણની, જો તેઓ ધ્યાન કરે તો તેમની વધુ ઇલાસ્ટીક થતી ન્યુરોપ્લાસ્ટિસિટીની અને પરિણામે બદલાવ સ્વીકારવાની તેમની વધેલી ક્ષમતાની. બીજા પક્ષનું એટલે કે કિશોર અથવા યુવાવસ્થામાં હોય તે વ્યક્તિનું શું? જો તે લોકો ધ્યાન કરે તો શું થાય? વૈજ્ઞાનિક પ્રયોગો એમ બતાવે છે કે ધ્યાન દરમ્યાન આરામ સાથેની સતર્કતા (Restful Alertness) વધે છે, PFC નો વિકાસ ઝડપી થાય છે. PFC અને મગજના બાકીના હિસ્સા સાથેની સર્કિટ વધુ મજબૂત થાય છે. મગજનો પૂરેપૂરો ઉપયોગ (Total Brain Functioning) થાય છે. અંતમાં એવું થાય તો આરામ સાથેની સતર્કતાની ધ્યાનની સ્થિતિ બાકીની પ્રવૃત્તિ દરમ્યાન પણ ચાલુ રહે. સરળ ભાષામાં નિષ્કર્શ એ નીકળે કે વ્યક્તિ જલ્દી પરિપક્વ થાય, તેની કાર્યક્ષમતામાં વધારો થાય, તેના તણાવમાં ઘટાડો થાય. પરિપક્વતા વધે તો સ્વાભાવિક છે કે તે વડીલોનું દ્રષ્ટિબિંદુ વધુ સારી રીતે સમજી શકે, યોગ્ય નિર્ણયો પણ લઈ શકે અને જનરેશન ગેપ ઘટે.

3. ધ્યાનથી PFC સક્રિય અને ઘટ્ટ બને:

ડો. સારા લઝાર હાર્વર્ડના એક પ્રખ્યાત ન્યુરો વૈજ્ઞાનિક છે. તેમના પ્રયોગમાં સાબિત થયું છે કે નિયમિત ધ્યાન કરનાર વ્યક્તિનો PFC વધુ ઘટ્ટ હોય છે. ત્યાંનાં ‘ગ્રે મેટર’ (Grey Matter)ની ઘટ્ટતા પણ વધુ જોવા મળી છે. આ એ ભાગ છે કે જેને કારણે વ્યક્તિ કોઈ પણ આયોજન કરી શકે, નિર્ણય લઈ શકે, સમસ્યાને હલ કરી શકે અને લાગણીઓ પર અંકુશ રાખી શકે.

4. યાદશક્તિ સુધરે, ઉંમર વધવા સાથે પણ યથાવત રહે:

વધતી ઉંમરની સાથે મનુષ્ય ઘણી વધી વસ્તુ ભૂલી જાય. કોઈ-કોઈ વાર તો નજીકના મિત્રોના નામ, સંબંધીઓના નામ પણ ભૂલી જાય. શા માટે? કારણ કે વધતી ઉંમર સાથે PFC સાંકડો થતો જાય.

ડો. સારા લઝારના પ્રયોગોમાં 25 વર્ષની વ્યક્તિ અને નિયમિત ધ્યાન કરતી 50 વર્ષની વ્યક્તિના PFCમાં એક સરખી ગ્રે મેટર જોવા મળી. મતલબ બંનેના મગજની યાદ રાખવાની ક્ષમતા એક સરખી જ હતી.

5. ખુશી વધે:

જીવનનું અંતિમ ધ્યેય શું છે? નોકરી અથવા વ્યવસાય કરીએ છીએ કારણ કે અર્થોપાર્જન કરવું છે. નાણાં શા માટે જોઈએ છે? કારણ કે સગવડતા જોઈએ છે, કુટુંબને ખુશી આપવી છે etc., etc. આ બધું શા માટે કરવું છે? કારણ કે ખુદને જાણતાં-અજાણતાં આંતરિક ખુશી જોઈએ છીએ.

બે ભાગમાં PFC વહેંચાયેલ છે. જયારે મનુષ્ય ખુશ હોય ત્યારે ડાબા ભાગમાં વધુ પ્રક્રિયા જોવા મળે, દુઃખી હોય ત્યારે જમણા ભાગમાં. અમેરિકામાં 1887માં સ્થપાયેલી યુનિવર્સીટી ઓફ વીસકોન્સિન છે જે રિસર્ચ માટેની જ યુનિવર્સીટી છે. ત્યાં થયેલા વૈજ્ઞાનિક પ્રયોગોમાં સ્પષ્ટ રીતે ઉભરી આવ્યું છે કે ધ્યાન દરમ્યાન આ ડાબા ભાગમાં વધુ પ્રક્રિયા થઈ રહી હોય છે. બીજા અર્થમાં કહીએ તો એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે ધ્યાન ખુશીની લાગણીને બળવત્તર કરે છે.

ડો. મેથ્યુ રિચાર્ડ નામના એક ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે જે વર્ષોથી બૌદ્ધ સાધુ થઈ ગયા છે અને નેપાળમાં રહે છે. તેમને “વિશ્વના સૌથી સુખી વ્યક્તિ” તરીકે ઓળખવામાં આવે છે. વર્ષોથી નિયમિત ધ્યાન કરવાને કારણે તેમના PFCના ડાબા હિસ્સામાં જે પ્રચુર માત્રામાં પ્રક્રિયા જોવા મળી તેમને કારણે આ ટાઇટલ તેમને આપવામાં આવ્યું છે.

6. ભાવનાત્મક રીતે વ્યક્તિ વધુ મજબૂત બને.

એમીગ્ડાલા નામનો મગજનો એક ભાગ છે. લાગણીઓ પર અંકુશનું કામ તેને સર્જનહારે આપ્યું છે. આ અંકુશ તે બરાબર તો જ રાખી શકે જો તેનું જોડાણ PFC સાથે બરાબર હોય. PFCને એમીગ્ડાલાનું મૉડરેટર કહી શકાય. PFC જો મોડરેટ ન કરે તો મનુષ્ય પ્રાણીની જેમ લાગણીઓની અભિવ્યક્તિ કરે.

રિસર્ચ એમ જણાવે છે કે ધ્યાનને કારણે PFC અને એમીગ્ડાલા વચ્ચેનું જોડાણ મજબૂત બને છે. પરિણામે ભાવનાઓના ચડાવ-ઉતારની અસર ધ્યાન કરનાર વ્યક્તિ પર ઘણી ઓછી થાય, લાગણીઓનો ઉભરો આવે તો પણ ઘણો જલ્દી શમી જાય, વ્યક્તિ પ્રતિક્રિયાને બદલે પ્રતિભાવ આપતી થઈ જાય. ધીરજ, શાંતિ અને સ્થિતિસ્થાપકતા જેવા આંતરિક હકારાત્મક ગુણ વિકસે.

અંતમાં, લાભ તો આ સિવાય પણ અનેક છે. પરંતુ મળે તો જ જો યાહોમ કરીને પડો મેદાને. પહેલું પગલું ઉઠાવીશું તો બીજું આપોઆપ ઉઠશે.

ક્રમશ:

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: