Daily Archives: 09/11/2020

લેખ 34 ધ્યાન ભ્રામક માન્યતાઓ – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ભ્રમણાઓનું જગત હંમેશા વિશાળ હોય છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો જગત આખું ભ્રમણા જ છે. જેમ સ્વપ્નમાં જોઈએ તે તમામ વાત અત્યંત વાસ્તવિક લાગે અને સ્વપ્ન તૂટે ત્યારે જ ખ્યાલ આવે કે એ સ્વપ્નશ્રુષ્ટિ અલગ હતી તેમ કદાચ એવું પણ બની શકે કે જીવન જ એક સ્વપ્ન હોય અને મૃત્યુ પછી ખ્યાલ આવે કે ખરેખર તો આપણે કોઈ બીજા વિશ્વમાં હતા અને આ પૂરું જીવન એક લાબું સ્વપ્ન હતું. આ જ રીતે ‘ધ્યાન’ અંગે પણ અસંખ્ય ભ્રમણાઓ પ્રવર્તે છે. તેમાંથી અમુક ભ્રામક ખ્યાલો લેખ 22 અને 24માં આપણે વિગતથી જોયા. તે ‘અમુક’ જ હતા. તે સિવાય પણ અનેક ભ્રામક માન્યતાઓ ધ્યાન અંગે પ્રવર્તમાન છે. તેમાંથી થોડી હવે જોઈએ.

લેખ 22 અને 24 દરમ્યાન ચર્ચેલી ભ્રામક માન્યતોને જરા યાદ કરી લઈએ.

1) “ધ્યાન એ કોઈ વિશેષ ધર્મ સાથે જોડાયેલી વાત છે.”

2) “ધ્યાન તો સાધુ કરે, જો ગૃહસ્થી કરે તો વહેલોમોડો સાધુ થઈ જાય (સંસારમાંથી રસ ઊડી જાય).”

3) “અરે ભાઈ, ધ્યાનના ફાયદા મેળવવા માટે તો વર્ષો વીતી જાય.”

4) “સમયનો વ્યર્થ બગાડ છે.”

5) “ધ્યાન એ ભાગેડુ વૃત્તિ છે, શાહમૃગ વૃત્તિ છે, સમસ્યાઓથી ભાગવાનો પ્રયાસ છે.”

6) “ધ્યાન મોટી ઉંમરની વ્યક્તિઓએ કરવાની વસ્તુ છે.”

7) “પદ્માસનમાં બેસવું પડે, નીચે બેસવું પડે, ધ્યાનમાં હલનચલન ન કરાય. (મારે તો પગ ઊંચાનીચા કરવા પડે, નહીંતર જકડાય જાય.)”

8) “ધ્યાન કંટાળાજનક/બોરિંગ છે.”

9) “ધ્યાન અને ઊંઘ બંને સરખાં.”

હવે અન્ય ભ્રામક ખ્યાલો તપાસીએ.

1૦) “ધ્યાનથી વ્યક્તિ ભાવહીન બની જાય.”

આ ભ્રમણા ફેલાવાનું કારણ કદાચ એ છે કે ધ્યાન પછી વ્યક્તિ તાત્કાલિક પ્રતિક્રિયા આપવાને બદલે, રિએક્ટ કરવાને બદલે શાંતિથી પ્રતિભાવ આપે છે, રિસ્પોન્સ આપે છે.

તણાવનું લેવલ ઓછું થાય એટલે ઘણી વખત અન્યને એમ લાગે કે વ્યક્તિને જે તે વાતનું મહત્ત્વ નથી અને તે ભાવહીન થઈ ગઈ છે. હકીકત એ હોય છે કે ધ્યાનથી વ્યક્તિને ભાવનાઓની ગુલામીમાંથી મુક્તિ મળી હોય છે. ભાવહીન થવું અને ભાવનાઓની ગુલામીમાંથી મુક્ત થવું તે તો જુદી વાત થઈ. એ તબક્કો ધીરે-ધીરે આવ્યો હોય કે વ્યક્તિ ખુદની લાગણીઓના ચડાવ-ઉતારને એક દ્રષ્ટા તરીકે જોઈ શકતી હોય, લાગણીઓ વધુ સ્પષ્ટ થઈ હોય અને તેમાં કેટલી હદે તણાવું તે પર વ્યક્તિ અંકુશ મૂકી શકી હોય. એક આંતરિક મુક્તિ થઈ આ તો.

11) “ધ્યાનથી આનંદદાયક અથવા શાંતિપ્રદ લાગણીઓ જ જન્મે.”

આ એક બહુ જ વ્યાપક ખ્યાલ છે જે ખોટો છે. સામાન્ય રીતે અને લાંબે ગાળે આ વાત સાચી ખરી પણ તેનાથી વિરુદ્ધ સ્થિતિ પણ કોઈ-કોઈ વાર ઉદ્ભવે. મનુષ્યની બાહ્ય શાંતિના કવચની અંદર અનેક દુઃખદ લાગણીઓ પણ છુપાયેલી હોય છે, ખુદ વિષે જ ન ગમતી વાતો પણ છુપાયેલી હોય છે, પોતાના ભૂતકાળના કોઈ-કોઈ કાર્યોનો રંજ પણ હોય, કોઈ ને કોઈ કારણોસર ન બજાવી શકેલ ફરજોની ગ્લાનિ પણ હોય. વ્યક્તિ આ બધી જ વાતોને ઊંડે ધરબી તેના પર પ્લાસ્ટર કરી જીવતી હોય તેમ પણ બને. ધ્યાન શરુ થતાં જ મન શાંત થાય, દ્રષ્ટિ સ્પષ્ટ થાય, દબાવેલી લાગણીઓ બહાર નીકળવા માટે તાકાત લગાવે, પ્લાસ્ટર તોડીને બહાર નીકળે તેમ પણ બને. અલબત્ત, આ એક વચગાળાનો – ટેમ્પરરી તબક્કો હોય અને ત્યાર બાદ એ લાગણીઓ દ્વારા અવરોધિત ઊર્જા બહાર નીકળી ગયા બાદ વ્યક્તિ વધુ ને વધુ શાંત અને સંતુલિત થતી જાય. ત્યાર બાદ ફરી પાછો કોઈ તબક્કો એવો પણ આવે કે ખૂણેખાંચરે ભરાયેલો કચરો પણ સાફ થાય અને કોઈ-કોઈ વાર ન ગમતી લાગણીઓ એક સાથે બહાર આવવાને બદલે તબક્કામાં બહાર આવે. હિમાલયના ઉત્તુંગ શિખર બહારથી એકદમ ઊંચા દેખાતા હોય પરંતુ એ ચડાણ સીધું હોતું નથી, થોડા ચડાણ પછી નીચે તરફ ઢાળ આવે, ફરી પાછું ચડાણ આવે, એક વધુ ઊંચાઈ સુધી પહોંચીએ, થોડું ફરી નીચે ઉતરીએ, ફરી ચડાણ કરીએ તેમ ઝિગઝાગ ચડાણ કરતાં-કરતાં એક ઊંચાઈ પ્રાપ્ત કરીએ. ધ્યાનમાં પ્રગતિ પણ તે પ્રકારે હોય.

12) “ધ્યાન કર્યા બાદ વિશેષ કઈ કરવાની જરૂર રહેતી નથી.”

નિયમિત ધ્યાન કરનારી અનેક વ્યક્તિ આ ભ્રમણાની શિકાર થાય છે. ધ્યાનના ગણ્યા ગણાય નહિ અને અનુભવ્યા વગર મનાય નહિ તેવા શારીરિક, માનસિક, ભૌતિક, સામાજિક, આધ્યાત્મિક – તમામ પ્રકારના ફાયદાઓ છે જેના વિષે બેમત નથી. ધ્યાન અનિવાર્ય જ છે તેમ કહી શકાય જયારે સમગ્ર દુનિયા ડિપ્રેસન તરફ ધકેલાય રહી છે અને જયારે સમગ્ર વિશ્વ આ અંગે જાગૃત થયું છે. પરંતુ એમ માનીને બેસી જવું કે ધ્યાન મારી બધી જરૂરિયાત પૂર્ણ કરશે તે યોગ્ય નથી. શારીરિક વ્યાયામ પણ જરૂરી છે, યોગ્ય આહાર પણ જરૂરી છે, નિયમિત ઊંઘ પણ જરૂરી છે, આરોગ્ય જાળવવા માટેની તમામ દરકાર જરૂરી છે, પાછલે બારણેથી અહમ પ્રવેશ ન કરી લે તે માટેની જાગૃતિ પણ આવશ્યક છે, ધ્યાનને કારણે શરીરમાં ઊર્જા અત્યંત વધી જાય તો તેનું ગ્રાઉન્ડિંગ કરવું પણ અનિવાર્ય છે અને આવી ઘણી વાતોનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે.

1૩) “ધ્યાનમાં મગજ ખાલી કરવું પડે, વિચારો આવવા જોઈએ નહિ.”

કદાચ સૌથી મોટી ભ્રમણા આ છે. લોકો ધ્યાન કરવાનું શરૂ કર્યાં બાદ અનુભવે કે વિચારો તો ચાલુ છે. માટે ધ્યાન થતું નથી. ખરેખર ધ્યાનમાં વિચારો આવે તો તેને રોક્યા વગર પસાર થવા દેવાના છે, નિહાળવાના છે, તેની સાથે તણાઈ જવાનું નથી એટલે કે એટેચ થવાનું નથી. દિવસમાં 60000 વિચાર આવતા હોય ત્યારે તેનું પ્રમાણ ઘટે તેને પણ પ્રગતિ જ કહેવાય. સભાનતા વધે એટલે વિચારો પર વધુ ધ્યાન જાય. માટે એમ લાગે કે વિચારો વધારે આવે છે. ખરેખર પરિસ્થિતિ ઉલ્ટી હોય.

14) “ધ્યાનથી મારી તમામ સમસ્યાઓનું સમાધાન તાત્કાલિક થઇ જશે.”

ઘણા લોકો ધ્યાન શરુ કરે, એક-બે મહિના ધ્યાન કરે અને પછી મનવાંછિત પરિણામ ન મળે એટલે ધ્યાન છોડી દે. અહીં ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે ‘ઉતાવળે આંબા ન પાકે.’ સામાન્ય વાઇરલ તાવની દવા લઈએ તો પણ દવાની પૂરી અસર થવામાં એક સપ્તાહ નીકળી જાય છે. અહીં તો બીજી કહેવત યાદ રાખવી પડે કે ‘ધીરજના ફળ મીઠાં.’ બદલાવ રાતોરાત ન પણ આવે. બદલાવ આવતો હોય આંતરિક રીતે અને તેના પર ધ્યાન ન પડે તેવું પણ બને. શાશ્વત બદલાવ અનુભવવા માટે થોડી રાહ તો જોવાની રહે અને ત્યાર બાદ જે બદલાવ આવશે તે જે તે વ્યક્તિ કરતાં પણ બીજાને ખ્યાલ આવશે. લોકો કહેશે કે આ ભાઈ કે બહેન તો તદ્દન બદલી ગયા.

15) “કોઈ-કોઈ વાર ધ્યાન કરીએ તો પણ ફાયદા તો મળે જ, એક દિવસ ન કર્યું હોય અને બીજે દિવસે લાબું ધ્યાન કરી લઈએ તો ચાલે.”

આ મોટો ભ્રમ છે. લાભ એટલો જ મળે કે ભવિષ્યમાં કોઈ દિવસ નિયમિત ધ્યાન કરવાની શક્યતા રહે. ધ્યાનના લાભ લેવા માટે સાતત્ય અનિવાર્ય છે. કોઈ દિવસ સમય ઓછો હોય અને ટૂંકું ધ્યાન કરીએ તે બરાબર છે પણ એક-બે દિવસ ધ્યાન કરીએ જ નહિ, સમય હોય ત્યારે લાબું ધ્યાન કરી લઈએ તેવી આદત ધારેલ ફાયદા આપે નહિ.

16) “ધ્યાન શીખવા માટે કોઈને ગુરુ માનવા અનિવાર્ય છે.”

ગુરુકૃપા થાય તો ધ્યાનમાં પ્રગતિ ત્વરિત થાય તે સત્ય છે પરંતુ ગુરુ કર્યા વિના ધ્યાન શીખી ન શકાય કે કરી ન શકાય તે માન્યતા ભૂલભરેલી છે. વાંચન દ્વારા, વિડિઓ દ્વારા, કોઈ ધ્યાનશિબિરમાં ભાગ લઈને પણ ધ્યાન શીખી જ શકાય અને સમૂહમાં અનુકૂળ ન હોય તો એકલાં પણ કરી જ શકાય. એ વસ્તુ ચોક્કસ છે કે ધ્યાનસાધના ગંભીરતાથી આગળ વધારવા માંગતા હોઈએ તો ગુરુકૃપા અત્યંત ઝડપી ગતિ આપી શકે અને તે જ પ્રમાણે સામુહિક ધ્યાનમાં પ્રગતિ વધુ સારી રીતે થઈ શકે.

17) “ધ્યાનમાં આંખો બંધ રાખવી આવશ્યક છે.”

એમ માનવામાં આવે છે કે ફક્ત આંખ બંધ કરીને બેસવાથી 2૦% જેટલી ઊર્જાની બચત થાય છે. માટે મોટા ભાગની ધ્યાન પદ્ધતિઓમાં આંખ બંધ રાખવાનું કહેવામાં આવે છે જેથી કરીને ઊર્જાનું બાહ્યગમન આંશિક રીતે રોકી શકાય. પરંતુ ધ્યાનપદ્ધતિઓ અનેક છે અને તેમાં કોઈ-કોઈ થિયરી અલગ-અલગ હોઈ શકે. માટે અમુક પદ્ધતિમાં ખુલ્લી આંખથી ધ્યાન કરવાનું હોય છે.

18) “ધ્યાન માટે ખાસ સ્થાન, ખાસ પોશાક, ચોક્કસ સમય જોઈએ.”

આ કોઈ જ વસ્તુ અનિવાર્ય નથી, વિશેષ લાભદાયક ચોક્કસ છે.

સ્થળ એક જ હોય તો એ જગ્યાએ ઊર્જાના આંદોલનો જમા થતા જાય અને દિન-પ્રતિદિન વધતાં જાય જેથી ધ્યાનની સ્થિતિમાં સરી પડવામાં સહાય મળે. પરંતુ ધ્યાન કરવાં માટે આ પૂર્વશરત નથી. ધ્યાન પોતાને અનુકૂળ હોય તેવા કોઈ પણ સ્થળે થઈ શકે.

કોઈ વિશેષ પોશાકની જરૂર નથી. થોડા ઢીલાં કપડાં હોય તો અનુકૂળતા રહે. ખરેખર તો ધ્યાન દરમ્યાન જો અનુકૂળ હોય તો પોશાકને જ તિલાંજલિ આપવી વિશેષ લાભદાયક રહે કારણ કે દરેક પોશાકમાં વિચારોની ઊર્જા હોય છે જે ધ્યાનમાં થોડો-ઘણો અવરોધ ઉભો કરે. માટે જ અનેક સંતો દિગંબર અવસ્થામાં રહેવું પસંદ કરે છે. વર્તમાન સમયમાં દિગંબર અવસ્થામાં સામુહિક ધ્યાન પણ લોકો કરે છે. વિદેશમાં તો આ પ્રકારના કેન્દ્રો ઘણા સમયથી શરુ થયેલાં જ હતાં અને હવે દિલ્હી જેવા મહાનગરોમાં પણ આ પ્રકારના કેન્દ્રો સ્થપાયા છે.

ચોક્કસ સમય હોય તો વિશેષ લાભદાયક જરૂર છે. પરંતુ ચોક્કસ સમય સિવાય ધ્યાન ન થઈ શકે તે માન્યતા ખોટી છે. અનુકૂળ કોઈ પણ સમયે ધ્યાન થઈ શકે.

19) “સ્નાન કાર્ય બાદ જ ધ્યાન કરવું જોઈએ.”

એમ લાગે છે કે પૂજા કરતાં પહેલાં સ્નાન કરવાની પ્રથાને કારણે આ માન્યતા પ્રચલિત થઈ હશે. ધ્યાન માટે સ્નાન પૂર્વશરત નથી. સવારે ઊંઘ ઉડ્યા બાદ જેટલું જલ્દી ધ્યાન થઇ શકે તેટલું વધુ ફાયદાકારક છે. માટે સ્નાનનો સમય બચાવીને ધ્યાનને પ્રાથમિકતા આપી શકાય.

આ સિવાય પણ અનેક ભ્રામક માન્યતા આ વિષયમાં પ્રવર્તે છે. ધ્યાન કરવાની થોડી-ઘણી ઈચ્છા હોય છતાં આવી કોઈ માન્યતા ધ્યાન કરવામાં વિઘ્ન બનતી હોય તો તે અંગે ખુલ્લા મનથી કોઈ અનુભવી પાસેથી માર્ગદર્શન મેળવવાથી આવું વિઘ્ન દૂર થઈ શકશે.

ક્રમશ:

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.