લેખ 31 ધ્યાન બાઈનોરલ બીટ્સ – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

લેખમાળાના પહેલા તબક્કામાં ઓરા-કુંડલિની-નાડી-ચક્રો વિગેરેની સમજણ લીધી. લેખ 22થી 30 દરમ્યાન ધ્યાન વિશેની ભ્રામક માન્યતાઓ, ધ્યાનના લાભ, કોના માટે અનિવાર્ય, આ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ), ધ્યાન બરાબર ન થવાના કારણો, પ્રારંભિક અનુભવો, ધ્યાનમાં પ્રગતિના માપદંડ, ધ્યાનમાં સફળતાનાં સૂત્રો વિગેરેની ચર્ચા કરી. ધ્યાનની પદ્ધતિઓ વિષે હવે સમજીએ.

રમતો (Sports) કેટલા પ્રકારની છે? બધી યાદ હશે કોઈને? કોઈ પૂછે “સારી રમત કઈ?” જવાબ શક્ય છે? અલગ-અલગ રમત પર હાથ (કે પગ) અજમાવ્યા પછી જ ખ્યાલ આવે ને કે ‘મારે માટે’ કરી રમત સારી અથવા કઈ વધુ ગમશે.

આ વાત ‘ધ્યાન’ માટે એકદમ બંધબેસતી આવે. અનેક પદ્ધતિઓ છે. હજારો નહિ તો સેંકડો તો ખરી જ. દરેકની ચર્ચા કરવી માટે તો એક અથવા વધુ પુસ્તકની જરૂર પડે. જે પદ્ધતિ વિષે ચર્ચા કરીએ તેના વિષે વિસ્તૃત માહિતી મેળવવા માટે પણ એક અથવા વધુ પ્રકરણની આવશ્યકતા રહે.

જાતઅનુભવ કર્યા વગર પોતાના માટે કઈ પદ્ધતિ સારી તે નક્કી કરવું મુશ્કેલ. “આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય” અહીં એકદમ લાગુ પડે. આ બધા પ્રયોગો કરવા માટે થોડા દિવસો કે મહિનાઓની જરૂર જરૂરથી પડે. તે દરમયાન પણ ધ્યાનમાં રસ જળવાઈ રહે તે માટે એક ખાસ પ્રકારના ધ્યાનની વાત કરીએ. આ પહેલાંના ઘણા લેખમાં બાઈનોરલ બીટ્સની લિંક આપેલી હતી. તે વિષે સમજીએ. તે પૂર્વે મગજના તરંગો (Brain Waves)ની પણ થોડી માહિતી આવશ્યક.

મગજમાં અબજો કોષો છે. તે બરાબર કામ કરે તે માટે વિદ્યુત તરંગો હંમેશા ચાલુ રહે છે. ધ્યાનને કારણે આ તરંગોની ફ્રીક્વન્સીમાં ફેરફારો થાય જે માપી પણ શકાય. EEG એટલે કે ઈલેક્ટ્રોએન્સેફેલોગ્રાફ દ્વારા જાણી શકાય કે ક્યા સમયે કેવા તરંગો વહેતા હોય. વૈજ્ઞાનિકોએ તે શોધી કાઢ્યું કે આ તરંગો કોઈ ખાસ પ્રકારના અવાજ દ્વારા બદલી શકાય. બસ આ ખ્યાલ આવતાં જ સર્વશ્રેષ્ઠ સાધનો ધરાવતી સાઉન્ડ લેબોરેટરીઓમાં અનુભવી સાઉન્ડ એન્જીનીયરો દ્વારા પ્રયોગો ચાલુ થયા અને પરિણામે આપણી સમક્ષ હવે છે ‘બાઈનોરલ બિટ્સ’. સિદ્ધાંત એ લગાડ્યો કે ધ્યાનથી મગજના વિદ્યુત તરંગોમાં ફેરફાર આવે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ જ ચૂક્યું છે. તો એ જ પ્રકારના ફેરફાર જો કોઈ પણ રીતે કરી શકીએ તો વ્યક્તિ ધ્યાનની અવસ્થા ચોક્કસ પ્રાપ્ત કરી શકે. વિગતથી સમજીએ.

શરીરમાં વિદ્યુતનો પ્રવાહ તો સતત ચાલતો જ રહે. બધા કોષો વચ્ચે જે પ્રક્રિયા થતી હોય તેને કારણે આ પ્રવાહ જન્મે. મનુષ્યને ખ્યાલ ન આવે પણ જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી આ અબજો કોષો કંઈ ને કંઈ કામ કરતા રહે. અત્યારે પણ હજારો પ્રવૃત્તિ શરીરમાં થતી હશે. શ્વાસ ચાલતા હોય, કિડની એનું કામ કરતી હોય, આંતરડાં એનું કામ કરતાં હોય, વાળ અને નખ ઉગતા હોય – આવું ઘણું બધું ચાલતું હોય.

મગજ કરોડો કોષોથી બનેલું છે જેને ન્યુરોન્સ કહેવામાં આવે છે, જે એકબીજા સાથે વાતચીત કરવા માટે નાના ઇલેક્ટ્રિક ઇમ્પલ્સનો ઉપયોગ કરે છે. લાખો ન્યુરોન્સના સંયોજનથી એકબીજાને સંકેતો મોકલવામાં આવે, મગજમાં વિપુલ પ્રમાણમાં વિદ્યુત પ્રવૃત્તિ ઉત્પન્ન થાય, જે EEG દ્વારા માપી શકાય. આ તરંગોની જે ફ્રીક્વન્સી બને તેને બ્રેઇનવેવ પેટર્ન કહે, જેના વિવિધ પ્રકારો પડેલા છે.

આ તરંગોના 5 ભાગ ચિકિત્સાવિજ્ઞાન મુજબ ગણવામાં આવે.

ગેમા (30-70 હર્ટ્ઝ),

બીટા (13-30 હર્ટ્ઝ),

આલ્ફા (8-13 હર્ટ્ઝ),

થિટા (4-8 હર્ટ્ઝ)

ડેલ્ટા (0.5-4 હર્ટ્ઝ).

આ બધા પ્રકારના તરંગો એક સાથે મગજમાં જોવા મળે, સહઅસ્તિત્વ, જોઈન્ટ ફેમિલી. જે સમયે જે તરંગો વધુ માત્રામાં જોવા મળે તે સમયે જે તે વ્યક્તિ તે અવસ્થામાં છે તેમ કહેવાય. થોડું વિસ્તારથી સમજીએ.

ગેમા(30-70 હર્ટ્ઝ) :

આ તરંગ થેલેમસમાંથી ઉદ્ભવે અને મગજના પાછલા ભાગથી આગળની તરફ અને પાછાં પાછળ તરફ એમ ફરે છે. સૌથી ઝડપી તરંગો આ ગણાય.

દરેકમાં આ બ્રેઇનવેવ પ્રવૃત્તિ હોય, પરંતુ ઉત્પન્ન થતા તરંગોની સંખ્યા બદલાય. જો ઓછી માત્રામાં આ તરંગો હોય તો તેનો અર્થ એ થાય કે કોઈ પણ પ્રવૃત્તિને શીખવામાં મુશ્કેલી હોઈ શકે, નબળી યાદશક્તિ અને નબળી માનસિક પ્રક્રિયાઓ હોઈ શકે.

ધ્યાનની અત્યંત ઉચ્ચ અવસ્થાએ પહોંચેલા સાધુ-સંતોમાં, લામાઓમાં આ પ્રકારના તરંગો અધિક માત્રામાં જોવા મળ્યા છે. સામાન્ય ભાષામાં એનો અર્થ એવો કાઢી શકાય કે કોઈ પણ જ્ઞાન મેળવવાની આવા સંતોની ક્ષમતા અપાર અને તેઓમાં આશીર્વાદનો ભાવ પ્રચૂર માત્રામાં.

બીટા (13-30 હર્ટ્ઝ):

રોજબરોજના કાર્યોમાં જે તરંગો અધિક માત્રામાં જોવા મળે તે આ તરંગો. બાહ્ય વિશ્વ તરફ ધ્યાન હોય ત્યારે આ તરંગોનું આધિપત્ય હોય. મગજ સજાગ, સચેત, સમસ્યા હલ કરવામાં, ચુકાદામાં, નિર્ણય લેવામાં કે અન્ય કોઈ આવી માનસિક પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય ત્યારે આ તરંગો વધુ માત્રામાં જોવા મળે.

આલ્ફા (8-13 હર્ટ્ઝ):

મગજ થોડું શાંત હોય તે દરમ્યાન આલ્ફા બ્રેઇનવેવ વધુ માત્રામાં હોય. આ તદ્દન ધ્યાનની સ્થિતિ તો ન કહી શકાય પરંતુ તે રસ્તા તરફ છીએ તેમ કહી શકાય.

મગજ માટે આલ્ફા આરામની સ્થિતિ છે. આલ્ફા તરંગો એકંદર માનસિક સંકલન, શાંતિ, જાગૃતતા વિગેરે દર્શાવે છે.

થિટા (4-8 હર્ટ્ઝ):

થિટા બ્રેઇનવેવ સામાન્ય રીતે નિંદ્રામાં જોવા મળે છે અથવા તો ઊંડા ધ્યાનમાં. અહીં ઇન્દ્રિયો બાહ્ય વિશ્વથી પાછી ખેંચાઈ જાય અને કેન્દ્રિત થાય અંદરથી ઉદ્ભવતા સંકેતો પર. ગાઢ ઊંઘ પહેલાંની ઊંઘમાં એટલે કે જેમાં સ્વપ્ન આવતાં હોય તે સમયમાં આ તરંગો હોય. લાગણીઓનો ઈતિહાસ અહીં બહાર આવે; ભય, ગુસ્સો, માનસિક દર્દ વિગેરે તમામ વિચારો અહીં બહાર આવે. સાથે-સાથે આ જ એ તબક્કો છે જયારે અંતર્જ્ઞાન થઈ શકે. કુદરત દ્વારા સભાન જાગૃતિની બહારના સંકેત (Intuition) અહીં મળે.

ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં જવા લાગીએ એટલે થિટામાં જઈ ચડીએ અને પરિણામે મળે અજાણ્યા વિશ્વમાંથી કુદરતી સંકેતો. આ વિષયની જીવંત સાબિતી ગણી શકાય વિએના સટીબલ નામની મહિલાને જે વિશ્વભરમાં ‘ Xray Woman’ તરીકે પ્રખ્યાત છે. ધ્યાન દરમ્યાન થિટામાં જઈ શકવાની તેની સ્થિતિ એટલી ગજબ છે કે પરિણામે તે શરીરની આરપાર જોઈ શકે છે – શરીરમાં ક્યાં રોડ ફિટ કરેલો છે, ક્યાં સ્ટેન્ટ મુકેલ છે વિગેરે બધું જ.

સવાલ એવો ઉઠે કે ઊંઘમાં પણ આ અવસ્થામાં પહોંચતા હોઈએ તો ધ્યાન શા માટે કરવું, ઊંઘી ન જઈએ? અહીં યાદ એ રાખવાનું કે ધ્યાનથી થિટામાં જઈએ અને ઊંઘ દરમ્યાન થિટામાં જઈએ તેમાં પાયાનો ફર્ક. ઊંઘ દરમ્યાન અજાગૃત અવસ્થામાં થિટાનો તબક્કો આવે, કુદરતના સંકેતો આવે તો પણ યાદ મોટા ભાગે ન રહે જયારે ધ્યાન દરમ્યાન જાગૃત અવસ્થામાં જ આ તબક્કો આવે અને અત્યંત મહત્વના સંકેતો એ દરમ્યાન મળે.

ડેલ્ટા (0.5-4 હર્ટ્ઝ).

સૌથી ધીરા તરંગો આ. ઊંડી ઊંઘ દરમ્યાન અને અત્યંત ગહન ધ્યાનની અવસ્થામાં આ પ્રકારના તરંગો જોવા મળે. આ તરંગો સમયે બધા કોષો નવજીવન પામે – રિજનરેટ થાય. માટે આ પ્રકારની ગાઢ ઊંઘ અત્યંત જરૂરી.

કોઈ વ્યક્તિ, જે ધ્યાનમાં છે, તેને આલ્ફા, થિટા અથવા ડેલ્ટા બ્રેઇનવેવ્સ સંબંધિત કોઈ પણ અનુભવ હોઈ શકે છે. જ્યારે વ્યક્તિ ધ્યાન કરે છે, ત્યારે પહેલાં તો બ્રેઇનવેવ સ્તર પર તે આલ્ફા સ્થિતિમાં પહોંચે. જેમ જેમ ધ્યાન ઊંડું થાય તેમ તરંગો બદલતા જાય અને આલ્ફામાંથી થિટા અને છેવટે ડેલ્ટા સુધી પહોંચાય.

વૈજ્ઞાનિકોએ ધ્યાનના ફાયદા સમજ્યા. બાદમાં એ વિચાર આવ્યો કે શું એવું કઈ થઈ શકે કે જેથી વધુ ને વધુ લોકોને ધ્યાન તરફ સરળતાથી લઈ જઈ શકાય? ઓછા સમયમાં? અને તેમાંથી જન્મ થયો બાઈનોરલ બીટ્સનો.

જમણા અને ડાબા કાનમાં અવાજનાં અલગ આવર્તન પ્રાપ્ત થાય છે, તેમ છતાં મગજ આને એક સ્વર તરીકે જ માને છે. ઉદાહરણ તરીકે, ડાબો કાન 300 હર્ટ્ઝ પર સ્વર નોંધે અને જમણો કાન 320 હર્ટ્ઝ પર. તો આ બંને ફ્રીક્વન્સી વચ્ચેનો તફાવત, ઉપરના ઉદાહરણ મુજબ 20 તે ‘બાઈનોરલ બિટ્સ’. ઘણા પ્રયોગોને અંતે જાણવા મળ્યું કે આ થિઅરીનો ઉપયોગ કરીને જુદી-જુદી ફ્રીક્વન્સી ઉભી કરી શકાય. એક જ પ્રકારનો ખાસ અવાજ સાંભળવામાં આવે તો ધીરે-ધીરે તંદ્રા જેવી સ્થિતિમાં અને ધ્યાનમાં જઈ શકાય કારણ કે વિવિધ પ્રકારના બ્રેઈન વેઈવ્સ ઊભા થાય.

બાઈનોરલ શબ્દનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે બંને કાનને આ પ્રક્રિયામાં હેડફોન્સ દ્વારા એક સાથે અલગ- અલગ ધ્વનિ આવર્તન મોકલવામાં આવે છે. વિવિધ ફ્રીક્વન્સીઝના બે સ્વરને એક સાથે ડાબા અને જમણા કાન પર સાંભળ્યા પછી મગજ એક નવો સ્વર, અથવા ત્રીજો સ્વર સમજે છે,

ફાયદો:

બાઈનોરલ બીટ્સનો સૌથો મોટો ફાયદો એ છે કે અત્યંત સરળ છે. હેડફોન લગાડી રેકોર્ડિંગ ચાલુ કરો અને આંખ બંધ કરો એટલે પત્યું. એ ધ્વનિ જ એનું કાર્ય કરશે. ફક્ત એ જ નક્કી કરવાનું કે મારા માટે ક્યા પ્રકારનું રેકોર્ડિંગ ફાયદાકારક રહેશે. ઊંઘ ન આવતી હોય તો તેનું રેકોર્ડિંગ જુદું, ગુસ્સો આવતો હોય તો તેનું જુદું, દરેક ચક્રનું જુદું, સાતે ચક્રનું સાથે સાંભળવું હોય તો તે પણ થઈ શકે. અન્ય ધ્યાનપદ્ધતિ અજમાવવાની અને થોડી રાહ જોવાની ધીરજ ન હોય તો અહીંથી શરૂઆત કરી શકાય.

સાવચેતી:

શરૂઆત માટે બાઈનોરલ બિટ્સ બરાબર છે પરંતુ પરંપરાગત ધ્યાન પદ્ધતિઓનો વિકલ્પ નથી. મનુષ્યના મગજની ક્ષમતા અપાર છે, સેંકડો/હજારો વર્ષોના અનુભવ બાદ જે ધ્યાન પદ્ધતિઓ વિકસેલી છે તે અનેક રીતે ચડિયાતી છે. શરૂઆતમાં તથા એક વધારાના સાધન તરીકે આ રેકોર્ડિંગનો ઉપયોગ કરવો તે વધુ લાભદાયક રહેશે. અલગ-અલગ રેકોર્ડિંગ અજમાવીને નક્કી કરી શકાય કે કયુ પોતાના માટે અનુકૂળ રહેશે.

જો આંચકી આવતી હોય એટલે કે એપિલેપ્સી હોય તો ડોક્ટરની સલાહ બાદ જ ઉપયોગ કરવો જરૂરી છે. એપિલેપ્સીમાં બ્રેઈન વેઈવ્સ સામાન્ય કરતાં જુદાં પ્રકારના હોય છે. તેથી આ રેકોર્ડિંગ સાંભળ્યા બાદ તેમાં શું બદલાવ આવશે તે સમજવું જરૂરી છે.

બાળકોના બ્રેઈન વેઈવ્સ પણ જલ્દી પ્રભાવિત થતા હોય છે. માટે બાળકોને ન સંભળાવવું સલાહભરેલું રહેશે.

વાહન ચલાવતી વખતે આ સંગીતનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે અચાનક ધ્યાનની અવસ્થામાં ઉતરી જઈએ તો શું થઈ શકે તે કલ્પી શકાય તેમ છે.

આ સાવચેતીઓ સાથે જો યોગ્ય ફ્રીક્વન્સીના બાઈનોરલ બીટ્સનો ઉપયોગ કરવામાં આવે તો તે નિર્વિવાદ રૂપે આશીર્વાદરૂપ છે, અનેક લોકોને ધ્યાન કરવા માટેનું એક નવું જ સાધન ટેક્નોલોજીએ ઉપલબ્ધ કરાવ્યું છે.

આ સાથે અમુક સારા રેકોર્ડિંગ્સની લિંક આપેલી છે.

Deep Focus Music – Binaural Beats Concentration Music, Study Music

417 Hz Healing music – Let go of mental blockages, Remove negative energy, Ancient Frequency Music

741 HZ- CLEANSE INFECTIONS, VIRUS, BACTERIA, FUNGAL- DISSOLVE TOXINS & ELECTROMAGNETIC RADIATIONS

ALL 7 CHAKRAS HEALING SOUND BATH

Nerve Regeneration Frequency – Through Isochronic Tones and Binaural Beats

ધ્યાનની પરંપરાગત પદ્ધતિઓ વિષે આ પછીના લેખમાં ચર્ચા કરીશું.

ક્રમશ:

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: