લેખ 30 ધ્યાનમાં સફળતાનાં સૂત્રો – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો વિગેરે વિષે લેખમાળાના પહેલા તબક્કામાં (લેખ ૨1 સુધી) સમજ્યા પછી આપણી ચર્ચા ધ્યાનને લગતાં વિવિધ પાસાંઓ પર ચાલી રહી છે. વાત કરીએ થોડા એવા મુદ્દાઓની કે જે ધ્યાનમાં રાખવાથી ધ્યાનના વધુ લાભ ઉઠાવી શકાશે.

1. યોગ્ય માર્ગદર્શન:

‘ધ્યાન’ કરવું એકદમ સરળ હોવા છતાં શરૂઆતમાં યોગ્ય માર્ગદર્શન ખૂબ જ લાભદાયી નીવડી શકે. કોઈ શિબિર કે રિટ્રીટ દ્વારા અથવા તો કોઈ ધ્યાન કેન્દ્ર પર શરૂઆત કરીએ તો આ માર્ગદર્શન મળી શકે. કોઈ અનુભવી મિત્રોને પૂછી પણ શકાય. ‘પૂછતા પંડિત થવાય’ તે સૂત્ર યાદ રાખીને સંકોચ વગર મનમાં જે કંઈ શંકા-કુશંકા કે જિજ્ઞાસા હોય તે બહાર લાવવાથી ફાયદો જ થશે. એ ખ્યાલ રાખવાનો કે જે કોઈ પણ માધ્યમ દ્વારા માર્ગદર્શન મેળવીએ છીએ તેની વિશ્વસનીયતા કેટલી છે.

2. યોગ્ય પદ્ધતિ:

અહીં કહેવાનું તાત્પર્ય એ નથી કે કોઈ પદ્ધતિ અન્ય પદ્ધતિઓની સરખામણીમાં શ્રેષ્ઠ છે અને માટે તે જ યોગ્ય છે અને તે જ અપનાવવી જોઈએ. * ‘યોગ્ય પદ્ધતિ’ મતલબ મારા જીવનની આ ક્ષણે, એ પદ્ધતિ કે જે મારા માટે શ્રેષ્ઠ છે.’*

સામાન્ય રીતે જોવા મળે છે કે કોઈના કહેવાથી ઘ્યાન શરૂ કરીએ, કોઈ એક પદ્ધતિ અપનાવી લઈએ અને એ જ પદ્ધતિ ચાલુ રાખીએ. થોડા ફાયદા પણ થાય. પછી લગે રહો મુન્નાભાઈ ! વર્ષો ના વર્ષો એ જ ઘરેડથી ઘ્યાન કરતા રહીએ.

ખરેખર તો ધ્યાનની ઘણી શૈલીઓ છે, દરેકની પોતાની વિશિષ્ટતા છે; કોઈ એક વ્યક્તિને માટે એક અસરકારક નીવડે, બીજાને બીજી અને ત્રીજાને ત્રીજી. ડિપ્રેશનમાં હોય તે વ્યક્તિને જૂદી પદ્ધતિ અસર કરે, બહુ ચિંતાતુર રહેનારી વ્યક્તિને અલગ. એ મુજબ જ ધારો કે કોઈ શારીરિક રીતે સક્ષમ વ્યક્તિને સક્રિય ઘ્યાન બહુ ફાવ્યું (જેમાં ઘણી શારીરિક ક્રિયા હોય) અને તે જ પદ્ધતિ કોઈ અતિ વૃદ્ધ વ્યક્તિ કે નબળા સ્વાસ્થ્ય સાથેની વ્યક્તિ અપનાવે તો ફાયદાને બદલે કદાચ ગેરફાયદો પણ થઈ શકે.

3. નિયમિત ધ્યાનની આદત:

કોઈનું માર્ગદર્શન કે પ્રોત્સાહન એક નવા રાહ પર ચડાવી શકે, એ રાહ પર ચાલવું તો ખુદને જ પડે. ગોરમહારાજ ફક્ત પરણાવી શકે ! કોઈ પણ નવી સારી આદત પાડવામાં સૌથી મોટો વિરોધ નોંધાવે છે “આળસ” નામની આદત જેને બધી જ ખરાબ આદતોની માતા કહી શકાય. કોઈ પણ વિકાસ રોકાતો હોય તો આ આદતને કારણે. બે વિકલ્પ રહે. એક એ કે આ આદતને બદલીએ. બીજો એ કે આ આદત ચાલુ રાખીએ એમ માનીને કે “માતાનું તો માન રાખવું જોઈએ ને !” ધ્યાનના માર્ગે ખરેખર આગળ વધવું હોય તો પહેલો વિકલ્પ જ રાખવો પડે.

જેટલું શારીરિક સ્નાન જરૂરી તેટલું જ, તેનાથી પણ વધુ આવશ્યક છે માનસિક સ્નાન એટલે કે ઓરાનું સ્નાન. કડકડતી ઠંડીમાં શારીરિક સ્નાનની આળસ આવશે તો કદાચ ચાલશે, માનસિક સ્નાન એટલે કે ધ્યાનમાં આળસ ન કરી શકાય. ઉઠીને જેમ તરત જ બ્રશ કરવાની આદત બચપણથી કેળવાઈ ગયેલી હોય છે તેમ ધ્યાન કરતા થયા ત્યારથી દરરોજ અને શક્ય હોય ત્યાં સુધી તો નિશ્ચિત સમયે જ કરી લેવાશે તો તન-મનને આદત પડી જશે, આળસ પણ દૂર રહેશે અને બધા ફાયદા પણ મળશે.

સવાલ એમ ઊઠે કે ધ્યાન દરરોજ શા માટે? કારણો ઘણાં છે, જેમ કે:

દૈનિક ધોરણે વધતો-ઓછો માનસિક તણાવ.

દૈનિક ધોરણે મન નકારાત્મક વિચારોમાં જાય છે, માત્રા અલગ-અલગ હોઈ શકે.

દરેકનો અહંકાર પણ દૈનિક રીતે કાર્યરત છે. એવી સ્થિતિ હોય છે કે “વ્હેંચતા વ્હેંચતા છેલ્લે,’હું’ જ વધ્યો; કોઈએ ના લીધો,બધા પાસે હતો.”

વિચારો નોન-સ્ટોપ મગજમાં ફર્યા કરે છે, ન રવિવાર તેમને નડે છે કે ન તહેવાર કે ન વેકેશન.

દરરોજ અનેક લોકોને મળીએ છીએ, ફોન પર વાત કરીએ છીએ અને જાણ્યે-અજાણ્યે તેમની ઊર્જા ગ્રહણ કરીએ છીએ.

આમ અનેક કારણોસર ઊર્જા શુદ્ધિકરણની આવશ્યકતા દરરોજ ઉત્પન્ન થાય છે. માટે દૈનિક ધ્યાન કરવાની પણ જરૂર છે. પ્રશ્ન એ ઉઠે કે સમયની અનુકૂળતા કોઈ દિવસ ઓછી હોય તો? તો એ દિવસે ઓછા સમય માટે ધ્યાન કરવું જોઈએ પરંતુ કરવું તો જોઈએ જ.

4. આસપાસનું વાતાવરણ:

જે. ક્રિશ્નમૂર્તિજીએ કહેલું: “To understand the immeasurable, the mind must be extraordinarily quiet, still.” આ શક્ય બનાવવા માટે યોગ્ય વાતાવરણ જરૂરી છે. શાંતિ, સ્વચ્છતા તો આવશ્યક છે જ પરંતુ સાથે-સાથે જો ફૂલો, ધૂપ, દીવો, મીણબત્તીઓથી વાતાવરણમાં એક જુદો જ એહસાસ ઊભો કરી શકાય તો અતિ ઉત્તમ. જગ્યા અને આસન પણ એક જ રાખવાથી વધુ ફાયદો ચોક્કસ થાય કારણ કે એ જગ્યાની ઊર્જા બદલી જાય, આસન પણ ધ્યાનની ઊર્જા ગ્રહણ કર્યા પછી થોડી તેમાં સાચવી રાખે. બીજા દિવસે ધ્યાન શરૂ કરીએ ત્યારે તે સચવાયેલી ઊર્જા ધ્યાનના ઊંડાણમાં લઇ જવામાં સહાયક બને.

5. વિક્ષેપ થાય નહિ તે વ્યવસ્થા:

જયારે કુટુંબમાં છીએ, સમાજમાં છીએ ત્યારે કોઈ વ્યક્તિ કોઈ વખત રૂબરૂ અથવા ફોન દ્વારા આપણો સંપર્ક કરવા ઈચ્છે તેવી શક્યતા તો રહે જ. વિક્ષેપ ન આવે તે વ્યવસ્થા તો આપણે જ કરવી પડે ને ! ફોન સાઇલન્ટ મોડ પર મુકવો, કુટુંબીજનોને કહેવાનું કે અમુક નિશ્ચિત સમય સુધી કોઈ વિક્ષેપ ન પહોંચાડે વિગેરે જરૂરી છે. આથી પણ વધુ આવશ્યક છે કે જો તકેદારી રાખવા છતાં વિક્ષેપ પડે તો માનસિક શાંતિ જાળવી રાખવી. ‘પરિસ્થિતિનો સ્વીકાર’ તે પણ ધ્યાનનો જ એક પ્રકાર થયો.

6. સામુહિક ધ્યાન:

જીવનમાં અનેક જવાબદારીઓ હોય છે. આ જવાબદારીઓ સાથે જ અનેક કાર્ય કરવા માટેની પ્રતિબદ્ધતા આપોઆપ આવી જાય છે અને ધ્યાન શરૂ કરીએ ત્યારે આ બધા કાર્ય ખાસ યાદ આવે છે. પરિણામ એ આવે છે કે ધ્યાનની અવધિ ટૂંકાવી દઈએ છીએ અથવા તો ધ્યાન બાજુએ રાખીને એ કામ કરવાં દોડીએ છીએ. આથી ધ્યાનમાં સાતત્ય જળવાતું નથી અને અપેક્ષિત પરિણામો પણ આવતા નથી. વધારામાં “આજનું ધ્યાન પડ્યું” તે વિચાર આત્મગ્લાનિ ઉત્પન્ન કરે છે.

ઉપરોક્ત પરિસ્થિતિથી દૂર રહેવું જોય તો સરળ ઉપાય એ છે કે મિત્રો સાથે અથવા કોઈ ધ્યાનકેન્દ્ર પર સમૂહમાં ધ્યાન કરવું. એક કરતાં વધુ ફાયદા સામુહિક ધ્યાનના છે.

A) ધ્યાનમાં સાતત્ય જળવાય છે.

B) નિશ્ચિત સમયે ધ્યાન થાય છે.

C) ધ્યાનકેન્દ્ર પરના મિત્રોનો મેળાપ થઈ જાય છે.

D) માર્ગદર્શનની જરૂર હોય તો તે મળી જાય છે.

E) કોઈ દિવસ આપણી સ્થિતિ સારી ન હોય (કોઈ ચિંતા હોય, તણાવ હોય, ઊંઘ બરાબર ન થઈ હોય) અને પરિણામે ધ્યાન સારું ન થવાની સંભાવના હોય તો પણ સમૂહમાં ઉત્પન્ન થતી ઊર્જાના પ્રવાહમાં તણાઈ જવાય છે અને ધ્યાનમાં ઊંડા ઉતરી જવાય છે.

F) ધ્યાનકેન્દ્ર પર વિવિધ ક્ષેત્રમાં કામ કરતા લોકોના સંપર્કમાં આવીએ છીએ જેને કારણે સામાજિક વર્તુળ ઘણું વિસ્તરે છે જે જીવનમાં અન્ય જગ્યાએ પણ લાભ આપે છે.

7) ધ્યાન શિબિર અથવા રિટ્રીટ:

નિયમિત ધ્યાન કરતા હોઈએ તો પણ સમયાંતરે કોઈ ધ્યાનશિબિર અથવા રિટ્રીટમાં ભાગ લેવાથી ખૂબ જ ફાયદો થાય છે. આંતરિક બેટરી રિચાર્જ થઈ જાય છે. એક તો સામૂહિકતાના ફાયદા મળે છે અને વધુમાં જયારે વિશિષ્ટ હેતુથી મળ્યા હોઈએ ત્યારે આ અંગે ચર્ચા-વિચારણા થતી હોય તેનાથી જ્ઞાનવૃદ્ધિ થાય છે, ધ્યાનમાં આગળ નીકળેલા સાધકોની ઊર્જાનો લાભ મળે છે અને બની શકે કે કોઈ સિદ્ધ મહાત્માનું અમૂલ્ય સાન્નિધ્ય પણ મળી જાય.

8) લાગણીઓનો પ્રવાહ:

જે લોકો ધ્યાન માટે નવા છે તેમને અને જે લોકો વર્ષોથી ધ્યાન કરે છે તેમને પણ લાગુ પડતી એક વાત છે ‘ધ્યાન દરમ્યાન ધસમસતી બહાર આવતી લાગણીઓ.’ ધ્યાન દરમ્યાન ખુશી અને આનંદ તો એક મહામૂલી ભેટ છે જ પરંતુ તેની જગ્યા કરવા માટે, તેને કાયમી સ્થાન આપવા માટે અંદર વર્ષોથી દબાયેલી નકારાત્મક લાગણીઓ, જેવી કે ગુસ્સો, વિષાદ બહાર નીકળે છે જેને કારણે બેચેની જન્મી શકે. આ લાગણીઓનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરવાને બદલે, તેમનું ફક્ત નિરીક્ષણ કરીએ અને તેમને મુક્ત માર્ગ આપીએ તે જરૂરી છે. આ દ્વારા શરીરના ભવિષ્યમાં થનારા અનેક રોગો પણ બહાર ફેંકાઈ જાય છે.

9 ) ધ્યાનના જ્ઞાનનો ધ્યાન સિવાયના સમયમાં પ્રયોગ:

નિયમિત આદત તરીકે ધ્યાન કરીએ તે સારી વાત છે, પરંતુ તે જ ધ્યાનની સ્થિતિ દિવસના બાકીના સમયમાં પણ જાળવી રાખવાની પ્રેક્ટિસ કરવાથી અનેકગણો વધુ લાભ મળે. ધ્યાન કરતા હોઈએ તેના કારણે કંઈ નવું જાણ્યું હશે, શીખ્યા હશું. તે જ્ઞાનનો પ્રયોગ ધીરે-ધીરે પૂર્ણ દિવસ દરમ્યાન પણ કરવાની આદત કેળવવી જોઈએ. ઉદાહરણ દ્વારા સમજીએ.

A) માનો કે ધ્યાનમાં કોઈ મંત્ર પર અથવા શરીરના કોઈ ભાગ પર કેન્દ્રિત થયા. તો જયારે વિચારોનું આક્રમણ થાય ત્યારે કદાચ તેમાંથી પાછા આવી મંત્ર કે શરીરના ભાગ પર ફરી કેન્દ્રિત થવાની કોશિશ કરી હશે. એ જ પ્રેક્ટિસ દિવસ દરમ્યાન જયારે અણગમતા વિચારો આવે ત્યારે કરવાની છે.

B) ધારો કે ધ્યાન દરમ્યાન સહસ્ત્રાર ચક્ર પર ધ્યાન લઈ જવાની કોશિશ કરી. તો આજ સ્થિતિ દિવસ દરમ્યાન ખુલ્લી આંખે પણ કરવાની છે. રાતોરાત આદત નહિ પડે પરંતુ થોડા સમય પછી જરૂર આ આદત પણ કેળવાશે. પરિણામ એ આવશે કે ધ્યાન દરમ્યાન જે શાંતિનો અનુભવ થતો હતો તેવી જ શાંતિનો અનુભવ નિરંતર ચાલુ રહેશે. જે કોઈ કામ દિવસ દરમ્યાન કરીશું તે સંતુલિત રહી કરી શકીશું.

C) ધ્યાનમાં શું ખ્યાલ રાખીએ છીએ? નિયમિતતા. તો જીવનના દરેક ક્ષેત્રમાં એ ગુણ કેળવીએ. વિચારો સામે લડતા નથી, ફક્ત નિરીક્ષણ કરીએ છીએ, વિચારોનો સ્વીકાર કરીએ છીએ. તે જ પ્રમાણે જીવનમાં પણ દરેક પરિસ્થિતિનો ‘સ્વીકાર’ કરીએ. ધ્યાન દરમયાન સ્વયં વિષે વધુ જાગૃતિ – Awareness આવે છે, રોજબરોજના કાર્યો પણ એ જાગૃતિ સાથે કરીએ; ભોજન કરતાં હોઈએ તો ભોજન પર જ ધ્યાન આપીયે જેમ કે વાનગીનો સ્વાદ કેવો છે, સુગંધ કેવી છે, રંગ કેવો છે, પેટમાં ગયા પછી હળવું લાગે છે કે ભારે લાગે છે – આમ તમામ વસ્તુ પર જાગૃતિપૂર્વક ધ્યાન આપીયે. એ જ રીતે કોઈની વાત સાંભળતી વખતે તેના પર સંપૂર્ણ ધ્યાન આપીયે. આ જ વસ્તુ દરેક ક્રિયાને લાગુ પડે.

ટૂંકમાં રોજબરોજની જિંદગીને ધ્યાનનો એક વિસ્તૃત ભાગ – એક્સટેન્શન બનાવી દઈએ.

ધ્યાન શરૂ કરવાનો થોડોઘણો પણ વિચાર આવતો હોય તો પહેલાં ઝીગ જિગ્લરને યાદ કરીએ : “You don’t have to be great to start, but you have to start to be great.” એ પછી એરિસ્ટોટલને યાદ કરી જાતને અભિનંદન આપીયે કે ” Well begun is half done.” સાથે એ પણ યાદ રાખીએ કે Well begun is ONLY half done. ‘આરંભે શૂરા અને પછી બેસૂરા’ એમ કરવાને બદલે સાતત્ય જાળવીએ અને તમામ લાભ મેળવતાં રહીએ.

ક્રમશ:

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: