“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
“મારી ધ્યાનમાં પ્રગતિ થાય છે કે નહિ?” સૌથી વધુ પૂછાતો પ્રશ્ન હોય તો તે છે આ. બહુ સાહજિક છે કે એવો વિચાર તો શરૂઆતમાં આવી શકે કે હું જે કંઈ સમય આપું છું તેનો કંઈ ફાયદો થાય છે કે નહિ? કંઈ બદલાવ આવે છે કે નહિ?
પ્રગતિને માપવાના માટે ઘણા માપદંડ છે. વૈજ્ઞાનિક રીતે પણ માપી શકાય. એક પછી એક જોઈએ.
1) ઓરા ફોટોગ્રાફી દ્વારા:
ઓરા ફોટોગ્રાફી હવે અનેક જગ્યાએ થાય છે, બહુ મોટો કોઈ ખર્ચો પણ નથી, ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ વિગેરે શહેરોમાં તો થાય છે, બીજા કોઈ શહેરોમાં પણ થતી હશે. ધ્યાન કરવાની શરૂઆત કરીએ ત્યારે અને થોડા સમય પછીથી – એમ ઓરાનો ફોટો અલગ-અલગ સમય કઢાવીએ તો બદલાવનો ખ્યાલ આવી જશે. સ્થિતિ બદલતી જાય તેમ ઓરાનો ફોટો પણ બદલતો જશે. આ સાથે અમારા ગુરુજી પ.પૂ. શ્રી શિવકૃપાનંદ સ્વામીજી (સમર્પણ ધ્યાનના પ્રણેતા)ના જૂદા-જૂદા વર્ષોમાં લીધેલા ઓરા ફોટો મુકેલ છે જે તમામ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ તો દર્શાવે છે પરંતુ સાથે-સાથે એ પણ દર્શાવે છે કે સમયાંતરે એ સ્થિતિ વધુ ને વધુ ઉચ્ચ થતી ગયેલી છે.
2) EEG દ્વારા:
જેમ-જેમ ધ્યાનમાં આગળ વધતાં જઈએ તેમ-તેમ મગજમાં ચાલતા તરંગો(Brain Waves)માં બદલાવ આવતો જાય. એક જ સમયના ધ્યાન દરમ્યાન પણ આ તરંગો બદલતા જાય. ધ્યાનની શરૂઆતમાં જૂદા તરંગો હોય, જેમ કે બીટા તરંગો હોય તો થોડી વારમાં જ આલ્ફા એટલે કે માનસિક હળવાશ વખતના તરંગો હોય, ધ્યાનમાં વધુ ઊંડા ઉતરી ગયા હોઈએ તો થિટા તરંગો ઉદ્ભવતા હોય જે ઊંઘ વખતે ઉત્પન્ન થતા હોય. અહીં ફર્ક એ કે ઊંઘમાં ઉત્પન્ન થતા થિટા તરંગો અજાગૃત અવસ્થાના હોય જયારે ધ્યાન દરમ્યાનના આ તરંગો જાગૃત અવસ્થાના હોય. ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફ (EEG)ના ઉપકરણ દ્વારા આ તરંગો માપી શકાય. જેમ-જેમ વધુ ધ્યાન કરીએ તેમ-તેમ આ EEG બદલતો જાય, બીટાનું પ્રમાણ ઘટતું જાય અને આલ્ફા તેમ જ થિટાનું પ્રમાણ વધતું જાય. માટે અલગ-અલગ સમયે કઢાવેલ EEG સરખાવવાથી સમયાંતરે આવેલી પ્રગતિનો ખ્યાલ આવી શકે, બે અલગ-અલગ વ્યક્તિના EEG સરખાવીએ તો તેની માનસિક સ્થિતિનો ખ્યાલ આવી શકે અને એક જ વખતના ધ્યાનના સેશનમાં શરૂ કરીએ ત્યાંથી ધ્યાન પૂરું કરીએ ત્યાં સુધીમાં શું બદલાવ આવ્યો તે ખ્યાલ આવી શકે.
હવે તો એવા ઉપકરણ-કમ-એપ આવી ગયા છે કે જે ધ્યાનના ચાલુ સમય દરમ્યાન જ EEG કાઢ્યા કરે અને પરિણામે ખ્યાલ આવે કે એક જ સેશનમાં મગજમાં શું ફેરફારો આવી રહ્યા હતા. આવું એક ઉપકરણ MUSE નામનું આવે છે જેના ફોટો આ સાથે મુકેલ છે.
3) હોર્મોન્સના ટેસ્ટ દ્વારા:
લેખ ક્રમાંક 23 અને 24માં વિગતે વાત થઈ કે ધ્યાન થકી તણાવ વધારતું કોર્ટીઝોલ હોર્મોન ઘટે, જ્યારે બીજા આવકારદાયક હોર્મોન્સ જેવા કે સેરોટોનિન, DHEA, GABA, મેલાટોનિન, એન્ડોર્ફિન્સ, GH વિગેરે વધારે પ્રવાહિત થાય. માટે એક વખત હોર્મોન્સના ટેસ્ટ કરાવ્યા પછી અમુક સમય બાદ આ જ ટેસ્ટ કરાવીએ તો ખ્યાલ આવી શકે કે કેટલો બદલાવ આવ્યો.
ઉપરોક્ત વૈજ્ઞાનિક રીતો સિવાય અનેક રીતે ખ્યાલ આવી શકે કે ધ્યાનમાં પ્રગતિ થઈ રહી છે કે નહિ. થોડું સમજીએ કે ખ્યાલ કઈ રીતે આવી શકે.
(4) પ્રગતિના સંકેતોને માપવાની શ્રેષ્ઠ પદ્ધતિ તો એ છે કે ધ્યાન પ્રેક્ટિસ પહેલાં અને પછી પોતાની જાતની તુલના કરવી. ધ્યાન દરમિયાન તો શાંતિ અનુભવી પરંતુ તે પછીનું વર્તન બીજા સાથે કેવું થતું જાય છે તે ધ્યાનની પ્રગતિની સાચી નિશાની હોઈ શકે. . જાતે જ ફેરફારોનું અવલોકન કરીએ, ભાવનાઓનું પણ અવલોકન કરીએ. એક બહેન જેમણે આશરે 10 દિવસથી ધ્યાન કરવાનું શરૂ કર્યું છે અને સાથે-સાથે પોતાનું માનસિક અવલોકન પણ ચાલુ કર્યું છે તેમનો એક અતિ સુંદર પ્રતિભાવ ગઈ કાલે જ આવ્યો છે. બહુ જ વ્યવસ્થિત રીતે તેમણે જણાવ્યું છે કે તેમને વાત-વાતમાં ગુસ્સો આવતો તે પર તેમનું ધ્યાન ગયું અને તેમણે જાતે જ અનુભવ્યું કે આ ગુસ્સો અકારણ રહેતો હતો, છેલ્લા ત્રણ દિવસથી તેમણે ગુસ્સો કર્યો જ નથી. પરિણામ એ છે કે તેમના પતિ તથા પુત્રી મૂંઝાઈ ગયા છે કે આ બહેનને થયું છે શું કે જે તેમના સ્વભાવથી વિરુદ્ધ ખુશ રહ્યા કરે છે અને હમણાં તો ગુસ્સે થયા જ નથી.
થોડું વિચારી નીચેના પ્રશ્નોના જવાબ મેળવીએ.
(5) શું બીજા લોકો તમારા પરિવર્તનની નોંધ લે છે? ઉપર જણાવ્યું તેમ પરિવારજનોએ જ સૌથી પહેલી નોંધ તો લીધી છે. પ્રગતિ થઈ રહી છે કે નહિ તે જાણવાનો સૌથી સહેલો રસ્તો એ લોકો સાથે વાતચીત કરવાનો છે કે જે તમને સાચો ફીડબેક આપે તેવા છે. જો તમારી નજીકના લોકો તમારામાં સકારાત્મક ફેરફારોની નોંધ લે, તેમને એમ કહેતા સાંભળો કે તમે શાંત, આનંદી, નિર્ણાયક, આત્મવિશ્વાસપૂર્ણ અને ઓછા પ્રતિક્રિયાશીલ બન્યા છો, ત્યારે તમે પ્રગતિ કરી રહ્યા છો.
(6) શું દિવસની શરૂઆત એક નવી આશાથી કરીએ છીએ? અસરકારક રીતે સમય પસાર કરવાની નવી રીતો શોધીએ છીએ? શું એ ખ્યાલ આવે છે કે કે સમય ઝડપથી આગળ વધી રહ્યો છે અને ધારેલાં કાર્યોને પૂર્ણ કરવા માટે આપણે અત્યાર સુધીની આદતોમાં કોઈ બદલાવ લાવવો પડશે? શું જીવનના તથ્યોને ખુલ્લેઆમ સ્વીકારવાનું શીખીએ છીએ? * ‘કાલે આજ કરતાં વધુ સારું બનવું’ તે જીવનમંત્ર બની જાય છે?* બીજા સાથેની હરીફાઈની ભાવના દૂર થતી જાય છે અને જાતસુધારણાની લાગણી જન્મે છે?
(7) માનસિક તાણમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે? તો અર્થ એમ થયો કે મગજમાં વધુ સમય માટે બીટા કરતાં આલ્ફા તરંગો વહી રહ્યા છે. EEG કઢાવવાની જરૂર નહિ, એમ જ ખ્યાલ આવી જશે. ભવિષ્યની ચિંતા કરવાની માનવીની વૃત્તિ છે અને નિયંત્રણની બહારની પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવામાં બિનજરૂરી રીતે સમય પસાર કરવો તે આદત. જો આ આદતથી ધીરે-ધીરે છૂટકારો મળી રહ્યો હોય તો ચોક્કસ પ્રગતિના પંથે છીએ. પહેલાં જે પહાડ જેવો મોટો પ્રશ્ન લાગતો હતો તે હવે કાંકરા જેવો લાગતો હોય તો પ્રગતિ તો ખરી જ ને !
(8) શું વર્તમાનના વિચારોમાં વધુ સમય રહી શકાય છે? ભૂતકાળમાં હવે કંઈ બદલાવ લાવી શકાશે નહિ, માટે તેને કારણે થતો વિષાદ નિરર્થક છે; ભવિષ્યની ચિંતા પણ વ્યર્થ છે કારણ કે 10માંથી 9 વખત તો જે માટે ચિંતા કરી હોય તે ઘટના બનતી નથી તો પછી વર્તમાન પર જ ધ્યાન આપવું જોઈએ ને ? જો આવો ખ્યાલ આવવાનો શરુ થાય તો ચોક્કસ ધ્યાનમાં પ્રગતિ શરૂ થઈ જ ગઈ છે.
(9) શું મારી ઊંઘ સુધરી રહી છે? અહીં સમયનું મહત્ત્વ નથી, ઊંઘની ગુણવત્તાનું મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે વિશ્વની 30% થી વધુ વસ્તી અનિદ્રાથી પીડાય છે. એ પણ જગજાહેર છે કે શરીરના કોષોની મરમ્મત ઊંઘ દરમ્યાન થાય છે અને ઊંઘ બરાબર ન થતી હોય તો અનેક રોગના ભોગ બનીએ છીએ. આ સંજોગોમાં ઊંઘની ગોળી લેવી કે રાત્રે પડખાં ઘસવાં કે ધ્યાન દ્વારા કુદરતી ઉપચાર કરવો તે નક્કી આપણે જ કરવાનું છે.
(10) શું દિવસ દરમ્યાન વધુ ઉત્સાહ અને બધાં કાર્ય કરવા માટે પ્રોત્સાહિત રહો છો? ધ્યાનની મનુષ્યમાત્રને આ એક અણમોલ ભેટ છે. દિવસભરની પ્રવૃત્તિ પર એક નજર નાખીએ ત્યારે એક સંતોષની લાગણી જન્મ લેતી હોય તો જરૂરથી પ્રગતિ થઈ રહી છે.
(11) શું વધુ હકારાત્મક બની રહ્યા છો? નકારાત્મક વાતો કરતા લોકોથી ભાગી છૂટવાનું મન થાય છે? જે ખટપટ, નિંદા, કૂથલીમાં અપાર આનંદ આવતો હતો તે જ વાતો હવે નિરર્થક લાગે છે? નકારાત્મક લોકોને હવે તમારી કંપની કંટાળાજનક લાગે છે (કારણ કે હવે તમે તેમની વાતોમાં ટાપસી પુરાવતા નથી)?
(12) શું અભિમાન(Ego)નું સ્તર ધીરે-ધીરે નીચે આવી રહ્યું છે? સામાજિક રીતે મારાથી નીચેનું સ્તર ધરાવતા લોકો (જેમ કે ડ્રાયવર, પટ્ટાવાળા, ચોકીદાર, ઘરનોકર) સાથેનું મારું વર્તન બદલાતું જાય છે? હવે તેમને પણ ‘માણસ’ ગણું છું? મારા હાથ નીચેના સ્ટાફ સાથે ઉઠવા-બેસવામાં પહેલાં જ્યાં હિચકિચાટ હતો તે હવે ઓગળી રહ્યો છે?
(13) અત્યાર સુધીની મારી સ્વકેન્દ્રિત મનોદશામાં કોઈ ફેરફાર આવી રહ્યો છે? શું મને લોકોને વધુ ને વધુ મદદ કરવાની ઈચ્છા થઈ રહી છે. મારી માનસિક દુનિયા જે આજ સુધી એક સીમિત ક્ષેત્રમાં સમાયેલી હતી તેનો વ્યાપ વધી રહ્યો છે? મનુષ્યની જૂદી-જૂદી જરૂરિયાતો અંગેની અબ્રાહમ માસ્લો નામના મનોવૈજ્ઞાનિકે આપેલી થિયરી મુજબ આ પ્રગતિની નિશાની છે. (સાથે માસ્લોના પિરામિડનું ચિત્ર આપેલું છે.)
(14) મારા આરોગ્યમાં સુધારો થઈ રહ્યો છે? તમામ રોગ મગજની ગતિવિધિ સાથે જોડાયેલ છે – સાઈકોસોમેટિક છે. ધ્યાનને કારણે મગજમાં જે બદલાવ આવી રહ્યા હોય તેની અસર શરીર પર પડે એટલે સ્વાભાવિક રીતે આરોગ્ય સુધરે.
(15) શું ધ્યાન માટે આંતરિક અવાજ ઉઠે છે? કંઈ ખ્યાલ ન આવતો હોય, અનુભૂતિનો ખ્યાલ ન આવ્યો હોય અને છતાં ધ્યાન તો કરવું જ છે તેવો વિચાર આવે છે? મતલબ એ થયો કે આત્માનો અવાજ આ રસ્તા પર દોરી રહ્યો છે, કોઈ કર્મો અથવા કોઈ શક્તિ આ માર્ગ પર આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ પણ પ્રગતિ જ થઈ, સમય આવી ગયો કે હવે આ માર્ગ મુકવાનો નથી.
(16) શું વધુ સારો/સારી શ્રોતા બની રહ્યો/રહી છું? મતલબ એ થયો કે મારી ધીરજ વધી રહી છે, એકાગ્રતા વધી રહી છે. આ વાતનું પ્રમાણ તેના પરથી મળશે કે લોકો મારી કંપનીનો આનંદ માણશે, મારી ઓળખ પ્રેમાળ, મૈત્રીપૂર્ણ, સંભાળ લેનાર અને નમ્ર વ્યક્તિ તરીકે ઉભરી આવશે.
(17) શું જે લોકો મારી સાથે ફોન પર કે રૂબરૂમાં થોડી જ વાર વાત કરવા ઇચ્છતાં હતાં (ધારો કે કોઈએ ફોનમાં એમ કહ્યું કે હું ઉતાવળ માં છું, 5/10 મિનિટ માટે જ વાત કરી શકીશ), તે લાંબા સમય સુધી મારી સાથેની વાતચીત અટકાવતા નથી? આ બહુ જ સામાન્ય અનુભવ છે, ઘણાને આ અનુભવ થાય છે.
(18) શું હું હવે વધુ સમય માટે ધ્યાન કરી શકું છું? પહેલાં 10 મિનિટ પણ આંખ બંધ કરીને બેસવું મુશ્કેલ હતું, હવે 3૦ મિનિટ પણ બેસી શકું છું?
(19) શું મને જે કંઈ સારું લાગે તે મારા પૂરતું સીમિત રાખવાને બદલે બીજા લોકોને પહોંચાડવાનો ઉત્સાહ જાગી રહ્યો છે? ધ્યાનની વાત હોય કે સંગીતનો કોઈ કાર્યક્રમ; કોઈ ચલચિત્ર હોય કે કોઈ પ્રતિષ્ઠિત બ્રાન્ડનું ડિસ્કાઉન્ટ સેલ – તમામ સારી લગતી વાત બીજા સુધી પહોંચાડવાની ઉત્કંઠા જાગે છે?
અંતમાં, ધ્યાનમાં પ્રગતિ માપવાના માપદંડ તો અનેક છે પરંતુ સાચી પ્રગતિ તો ત્યારે કહેવાય કે માપદંડ દૂર ફેંકી, કોઈ મૂલ્યાંકન કે સરખામણી કર્યા વગર, અપેક્ષારહિત રહી ધ્યાન કરી શકીએ.
ક્રમશ:
જિતેન્દ્ર પટવારી