Daily Archives: 05/11/2020

લેખ 28 : ધ્યાન: શરૂઆતના અનુભવો – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ધ્યાન કરવાનું શરૂ કરે ત્યારે વ્યક્તિને વિવિધ અનુભવો થાય છે.    ‘તુંડે તુંડે ર્મતિર્ભિન્ના’ માફક ‘ધ્યાનીએ-ધ્યાનીએ અનુભવભિન્ના’ તેમ કહી શકાય.   વિસ્તૃત રીતે જાણવા  તો પુસ્તકોની હારમાળાની જરૂર પડે કારણ કે  કોઈ-કોઈને તો એટલા બધા અનુભવ થયા હોય છે કે ફક્ત પોતાના અનુભવ વિષે લખે તો પણ પુસ્તક લખાઈ જાય.   આ અનુભવો મુખ્યત્વે 4 વસ્તુ પર આધારિત હોય છે.

1)  ધ્યાન દરમ્યાન શરીરની સંપૂર્ણ કેમિસ્ટ્રી બદલાય, ચેતાતંત્રમાં બહુ મોટા બદલાવ આવે, ઊર્જાનો પ્રવાહ જે રીતે ચાલતો હોય તે રસ્તો બદલી નાખે, જ્યાં જરૂર હોય ત્યાં વધુ ઊર્જા પહોંચે, કોઈ અવરોધો હોય તો તેને દૂર કરીને પણ  અંતે પોતાનું કામ કરે.  અવરોધો એટલા માટે ઉભા થયા હોય  કે શરીરનું પ્રત્યેક અંગ વિવિધ  લાગણી  દબાવીને બેઠું હોય.  હૃદયમાં લાગણીઓ હોય તે તો બધાને ખ્યાલ છે.  એ સિવાય પણ હાથ,પગ, પેટ, પીઠ, ખભા જેવા બાહ્ય અવયવો અને કિડની, લીવર તેમ જ અન્ય આંતરિક અવયવો પણ જુદી-જુદી લાગણીઓના ભરાવાથી અસરગ્રસ્ત હોય, દા.ત. ગુસ્સો લીવરને અસર કરે, અપરાધભાવની લાગણી પીઠના વચ્ચેના ભાગને અસર કરે, અસલામતીની ભાવના પીઠના નીચેના ભાગમાં દુઃખાવો લાવે વિગેરે.   જ્યાં જરૂર હોય ત્યાં ધ્યાન રીપેરીંગ કરે. તેને કારણે કામચલાઉ રીતે  શરીરમાં  ફેરફારો થતા અનુભવાય.

2) વધેલી જાગૃતિ – Awaremess.   

રોજબરોજની પ્રવૃત્તિમાં અટવાયેલા હોઈએ ત્યારે શરીરમાં અનેક સ્પંદનોની નોંધ લેતા નથી.  આખો દિવસ પ્રવૃત્તિમય હોઈએ તો કંઈ થયું ન હોય અને રાત્રે ઘરે જઈએ, કપડાં બદલીએ અને ધ્યાન પડે  કે શરીરમાં  દુઃખાવો છે, ખંજવાળ આવે છે  વિગેરે.   આ પ્રમાણે ધ્યાનમાં બીજી પ્રવૃત્તિ બંધ થતાં શરીર પર અને વિચારો પર ધ્યાન જાય અને અલગ-અલગ સ્પંદનોનો ખ્યાલ આવે.   શરીર વિરોધ પણ કરે, કોઈ દિવસ આ પ્રમાણે બેસવાની આદત ન હોય માટે.

3) પૂર્વજન્મની સાધના:

હાલના તબક્કે અનેક અભ્યાસોએ સાબિત કરી દીધું છે કે ‘પૂર્વજન્મ છે, છે અને છે.’    પૂર્વજન્મની સાધનાનો પ્રકાર (ભક્તિમાર્ગ/હઠયોગ વિગેરે) ધ્યાનમાં  વિશિષ્ટ અનુભવો આપે છે.

4)  સાત ચક્રોનું શુદ્ધિકરણ:

લેખમાળાના પહેલાં તબક્કામાં ચક્રો વિષે વિગતે વાત થઈ છે.  દરેક ચક્રમાં નાની-મોટી અશુદ્ધિઓ તો સામાન્ય રીતે હોય જ છે.  ચક્રોનું શુદ્ધિકરણ શરૂ થાય છે જે પ્રક્રિયા વિવિધ અનુભૂતિ કરાવે છે.

ધ્યાનના  અનુભવોનો એક અલગ જ આનંદ છે જેનું વર્ણન શક્ય નથી.  પરંતુ ધ્યાન કરવાની શરૂઆતમાં જે  અનુભવો વધુ સામાન્ય રીતે જોવા મળે છે તેની વાત કરીએ કારણ કે આ સમય દરમ્યાન વ્યક્તિ નવી અનુભૂતિને  કારણે અને યોગ્ય માર્ગદર્શનને અભાવે કોઈ વાર અવઢવ અનુભવે છે. 

 થોડા આવા અનુભવો જોઈએ.

1)  શરીરના કોઈ પણ ભાગમાંથી, ખાસ તો હાથમાંથી ગરમ અથવા ઠંડો  પ્રવાહ નીકળે,  ઝણઝણાટી  થાય.

ત્રણ  તબક્કામાં શરીરમાં શુદ્ધિકરણ થાય છે.  જયારે  વધારે અશુદ્ધિઓ બહાર નીકળતી હોય ત્યારે ગરમ પ્રવાહ, ત્યાર બાદના તબક્કામાં ઝણઝણાટી  અને પછી જયારે અશુદ્ધિઓ ઘટી જાય ત્યારે ઠંડો પ્રવાહ બહાર નીકળતો હોય છે. 

2) પૂરી  ઊંઘ લીધી હોય, કોઈ થાક  પણ ન હોય છતાં ઊંઘ આવે.   કોઈ વાર તો નસકોરાંના નગારાં  પણ વાગે.

ધ્યાન દરમ્યાન હળવાશ અનુભવાય;  યોગની ભાષામાં ચંદ્રનાડીનું જયારે શુદ્ધિકરણ થાય છે, ભૂતકાળની અકળાવનારી યાદો ખરી પડતી હોય  ત્યારે આ સ્થિતિ આવે.  થોડા દિવસો ધ્યાન ચાલુ રાખ્યા પછી ઊંઘ આવશે નહિ, સિવાય કે અત્યંત થાકની સ્થિતિમાં કે જમ્યા પછી ધ્યાન કરીએ.

3) શરીર ઠંડુ પડી જાય.

ધ્યાન દરમ્યાન ઊર્જાના સામાન્ય પ્રવાહમાં બદલાવ આવે, જ્યાં વધુ ઊર્જાની જરૂર હોય ત્યાં એ પ્રમાણે ઊર્જા પહોંચે. ઊર્જાની આ ગતિ દરમ્યાન શરીર ઠંડુ પડી જાય છે.  કોઈ વાર ઠંડીની ધ્રુજારી પણ આવે.

4) શરીર કોઈ પણ તરફ – આગળ, પાછળ, ડાબે, જમણે ઢળી પડે.

5) શરીરનો કોઈ ભાગ અચાનક અદ્રશ્ય થઈ ગયો હોય તેમ લાગે, જેમ કે હાથ અથવા પગનું અસ્તિત્વ જ ન હોય તેવું બંધ આંખે લાગે.

6) હાથ-પગમાં ખાલી ચડે.

7) હાથ અથવા માથું આપોઆપ  ઘુમવા માંડે.

8) શરીરના સાંધાઓ/સ્નાયુઓમાં કળતર થાય.

9) કોઈ ગલીપચી કરતું હોય તેવું લાગે.

10) શરીરમાં  ખંજવાળ ઉપડે.

11)  દબાયેલી  લાગણીઓ બહાર આવવાથી હસવું/રડવું આવે.

12) ઊંઘના પ્રકાર અને સમયાવધિમાં ફેરફાર.

શુદ્ધિકરણ દરમ્યાન શરીરની જરૂરિયાત અને ઊર્જાના વધતા પ્રવાહની સાથે ઊંઘ પોતાની ઘડિયાળ જાતે જ ગોઠવી લે.

13) આંખમાંથી પાણી નીકળે.

14) ભોજનની રુચિમાં બદલાવ.

ભૂખ વધુ અથવા ઓછી લાગે, જે ભાવતું હોય તે અચાનક ન ભાવે અને જે આજ સુધી પસંદ ન હતું તે અચાનક પસંદ પડવા લાગે.

15) કોઈ વ્યસન આપોઆપ  છૂટી જાય.

માનો કે મદ્યપાનની આદત હોય.  એવું બને કે અચાનક એમ લાગે કે મદિરા હવે મને માફક આવતી નથી.  એ જ વસ્તુ  સિગારેટ કે પાનને પણ લાગુ પડે.

અમુક અનુભવો અકળાવનારા લાગે,  થયા હોય શુદ્ધિકરણના ભાગ રૂપે,  જે બાદમાં અત્યંત લાભદાયક નીવડે.

16)  ગુસ્સો ફાટી નીકળે: 

સામાન્ય માન્યતા મુજબ વ્યક્તિ ધ્યાન થકી શાંત થવી જોઈએ.  તેનાથી તદ્દન વિરુદ્ધ, વ્યક્તિ અચાનક અકળામણ અનુભવે અને વાત-વાતમાં ગુસ્સે થતી જોવા મળે.  બીજાં પૂછે કે આ તો કેવું ધ્યાન તમારું,  સુધારવાને બદલે બગાડે તેવું?   મગજમાં જે કંઈ ગુસ્સો ભરી રાખેલો હોય તે આજ્ઞાચક્રમાં એટલે કે ત્રીજું નેત્ર કહીએ છીએ તે જગ્યાએ ભરેલો રહે, લાંબા સમયે નર્વસ સિસ્ટમનાં રોગ લઈ આવે.  ધ્યાનમાં શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થતાં જ આ ગુસ્સો બહાર નીકળી શકે જે ભવિષ્યનાં આવા રોગોથી બચાવે.  ધીરે-ધીરે  વ્યક્તિ શાંત થતી જાય.

17) લમણાં દુઃખે. 

બીજા ચક્રો કરતાં આજ્ઞાચક્રના અવરોધ-Blocks વધુ મજબૂત હોય, તૂટતાં થોડી વાર લાગે.   ધ્યાન દરમ્યાન જયારે ઊર્જા ઉર્ધ્વગામી થાય ત્યારે આ જગ્યાએ અટકે.  આજ્ઞાચક્રનું સ્થાન  ત્રીજા નેત્રની જગ્યા છે.  ત્યાં ઊર્જા ભટકાય અને પાછી પણ આવે, આજુબાજુના ભાગમાં દર્દ ઉત્પન્ન કરે.  એક વાર આ અવરોધ થોડા ઓછા થાય એટલે આ દર્દ શમી જાય.

18) બેચેની થાય. 

દરેક વ્યક્તિને  સામાન્ય રીતે થોડીઘણી અકળાવનારી લાગણીઓ અવ્યક્ત રાખવી પડી હોય. શુદ્ધિકરણની પ્રક્રિયામાં શરૂઆતમાં આ લાગણીઓ બહાર આવતાં બેચેની મેહસૂસ થઇ શકે, જે 5 /7 દિવસમાં જ દૂર થઈ  જાય.  

19) કામોત્તેજનામાં વધારો.

પ્રચલિત માન્યતા એવી છે કે ધ્યાન કરો એટલે આટલું કરાય ને આટલું ન કરાય.  માનસિક રીતે એક લાંબુંલચક લિસ્ટ મનમાં આવી જાય.  પહેલી જ વાત આવે કે ધ્યાન કરે એ વ્યક્તિ એ સેક્સ વિષે તો વિચારાય પણ નહિ.  હકીકતમાં, જયારે ધ્યાનની શરૂઆત કોઈ કરે તો ઘણી વાર એવું થાય કે કામોત્તેજના – લીબીડો અચાનક વધી જાય.  ધ્યાન કરનાર વ્યક્તિ મુંજાય કે આ શું થયું !   બહુ  ઓછાં એવાં હોય કે જે ખુલીને આ વિષયમાં કોઈને પૂછી શકે, સંકોચ અનુભવે.   માટે થોડી વિસ્તૃત છણાવટ કરીએ.

બે રીતે સમજીએ – સાંપ્રત વિજ્ઞાનની  દ્રષ્ટિએ તથા યોગિક રીતે પણ. 

હોર્મોન્સ વિષે લેખ 24માં વિગતે વાત કરી .  જયારે તણાવ વધે ત્યારે કોર્ટીઝોલ વધ્યું હોય.  તણાવ સમયે લિબિડોના નામ પર ચોકડી હોય જે બધાએ અનુભવ કરેલું  હશે.  ધ્યાન કોર્ટીઝોલ ઘટાડે એટલે કે તણાવ ઘટાડે,  મૂડ સારો કરતું સેરોટોનિન  વધારે.  ઓક્સિટોસિન પણ વધારે પ્રવાહિત થાય જે લવ હોર્મોન તરીકે જ ઓળખાય છે કારણ કે તેનાથી રોમાન્ટિક બોન્ડ વધે.   મેલાટોનિન વધ્યું હોય જેથી ઊંઘ સારી આવતી થઈ હોય.  DHEA  પણ વધારે પ્રવાહિત થાય જે સેક્સ હોર્મોન એટલે કે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીમાં એસ્ટ્રોજીન વધારે.  આ બધાનાં સંયુક્ત પરિણામ રૂપે કામેચ્છા વધે.  આ તબક્કો કામચલાઉ હોય.  જયારે શરીર અને મન આ સ્થિતિથી ટેવાય જાય ત્યારે ફરીથી બધું સામાન્ય થઈ જાય.

યોગશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ.  કુંડલિની શક્તિનું સ્થાન મૂલાધાર પાસે હોય.  તેમાંથી 5 /7% વાપરીને જીવન વીતતું હોય.  જાતીય જીવન પણ આ જ ઊર્જા  પર આધારિત હોય.  ધ્યાન દરમ્યાન ઊર્જાનું ઉર્ધ્વગમન થાય.  એ પ્રક્રિયાની અસર સ્વાધિષ્ઠાનચક્ર  પર પહેલા થાય, આ ચક્ર વધુ કાર્યરત બને કારણ કે  ઊર્જા આ ચક્રમાં થઈ ઉર્ધ્વગમન કરે.   આ ચક્રનું સ્થાન જાતીય અવયવો પાસે જ છે.  માટે આ અવયવો પણ વધુ કાર્યરત થાય.   પરિણામે  કામેચ્છા વધે.  *થોડા સમયના ધ્યાન પછી જયારે આ અવયવો વધારાની ઊર્જાથી ટેવાય જાય ત્યારે સામાન્ય સ્થિતિ ફરી સ્થાપિત થઈ જાય.

20) વિચારોનો મારો:

કોઈ દિવસ શાંતિથી બેસવાની મગજને આદત ન હતી.  હવે એને કહીએ કે શાંત બેસ તો થોડો સમય તો બળવો કરે ને !  થોડા દિવસ પછી માની જાય.

21) કીડીઓ ચટકા ભરે. 

એમ લાગે કે શરીર પર કીડીઓ ચડી ગઈ છે અને આપણે આજુબાજુમાં કીડીઓ શોધવા લાગીએ.

આ વિષેનો મારો એક અનુભવ.   1૯૯૮માં ધ્યાન કરવાનું મેં શરૂ કર્યું.  અનેક અનુભવ થવા લાગ્યા જે મારા  ત્યારના બૌદ્ધિક મગજની સમજણ બહારના હતા.    સમજાતું ન હતું  કે કેમ થાય છે પરંતુ થાય છે તે અનુભવતો હતો.  તેથી વધુ ને વધુ ધ્યાન કરવા લાગ્યો.  કીડીઓના ચટકાનો અનુભવ કાયમ થતો, ધ્યાન સિવાયના સમયમાં પણ થતો.    માઈક્રો-કોસ્મિક ઓર્બીટ નામની એક ચાઈનીઝ પદ્ધતિથી ધ્યાન કરવાનું શરૂ કર્યું.   પલંગ પર સુઈને આ ધ્યાન કરતો.  અત્યંત અસરકારક આ ઓર્બીટ હોય છે;  શરીરના તમામ ભાગમાં – પગના તળિયાંથી માથાંનાં તાળવાં સુધી, શરીરના આગળ અને પાછળ બંને ભાગમાં  ઊર્જાનો પ્રવાહ ફેરવવાનો હોય.   ઓર્બીટ દરમ્યાન હંમેશા  હાથ, પગ, પીઠ , પેટ વિગેરે જગ્યા પર કીડીઓના ચટકાનો અનુભવ થતો.  એક દિવસ આ પ્રકારે ઓર્બીટ ફેરવતો હતો અને ચટકા પીઠ પર શરૂ થયા, વધ્યા,  ગળાની પાછળ ચાલુ થયા.  એક નવી જગ્યાએ ઊર્જા કામ કરી રહી હતી.  ચટકાની માત્રા રોજ કરતાં વધુ હતી.  થોડી વારમાં સહસ્ત્રારમાં એટલે કે માથાંનાં તાળવાંમાં  ચટકા ચાલુ થયા. આ એકદમ નવો અનુભવ હતો. થોડી વાર મેં  માણ્યો. ત્યાર બાદ  ચટકા એટલા વધી ગયા કે રહી શકાયું નહિ અને હાથ ત્યાં ખંજવાળવા માટે ગયો.  તો……………. હાથમાં અસંખ્ય લાલ કીડીઓ આવી.  તે દિવસે  કીડીઓ મને સાચો અનુભવ કરાવવા પલંગ પર ચડી ગયેલી !!!

અંતમાં, એટલું જ યાદ રાખવાનું છે કે ધ્યાન કરવું હંમેશા ફાયદાકારક રહેશે, જે કંઈ થાય છે તે સારા માટે થાય છે, આ બ્રહ્માંડની ઊર્જા છે જેને ખ્યાલ છે કે શરીર કે મગજમાં ક્યાં મરમ્મત કરવી.  આપણી સામાન્ય બુદ્ધિ કે  આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ કરતાં અનેક ગણી વધુ સમજણ વૈશ્વિક ચેતનાને છે અને તે જે કઈ કરશે તે  યોગ્ય કરશે.  માનસિક શાંતિ અને અપાર ખુશીની સાથે કોઈ અનુભવો અકળાવનારા પણ લાગે પણ એ સમજવાનું છે કે ડોક્ટર ઈન્જેકશન મારે ત્યારે એનો ઈરાદો શરીરને શુદ્ધ કરવાનો છે, ધ્યાનમાં આવું ઈન્જેકશન જરૂર હોય ત્યાં કુદરત મારી આપે છે.  શહેનશાહ પણ એક સમયે નાનું બાળક હોય, ચાલતા શીખે ત્યારે પડ્યો હોય, ભેંકડો પણ તાણ્યો હોય.  તેમ અંતમાં ધ્યાનના શહેનશાહ થઈ શકાય – જો ચાલતા શીખવાનું – ધ્યાન કરવાનું ચાલુ રાખ્યું હોય તો.

ક્રમશ:

*જિતેન્દ્ર પટવારી *

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.