“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
લેખમાળાના પહેલા તબક્કામાં (લેખ 1 થી 21) ઓરા, કુંડલિની, નાડી, ચક્રો વિગેરે સમજ્યા. બીજા તબક્કામાં ‘ધ્યાન’ વિષે ચર્ચા કરી રહ્યા છીએ. લેખ ૨૨થી ૨૬ દરમ્યાન આ અંગેની થોડી ભ્રામક માન્યતાઓ તથા ધ્યાનના અમુક ફાયદાઓ, ધ્યાન વિશેષતઃ કોણે કરવું વધારે લાભદાયક તેમ જ આ વિષયમાં અનેક વાર પૂછાતા પ્રશ્નો અને તેના જવાબની ચર્ચા કરી.
ધ્યાન કરવા ઇચ્છતાં અને ધ્યાન કરતાં લોકોમાં એક સામાન્ય વિચાર ઊઠતો જોવા મળે છે – “મારું ધ્યાન બરાબર થતું નથી.” અથવા તો “મેં ધ્યાન કરવાનો પ્રયત્ન વારંવાર કર્યો, મને નિષ્ફળતા મળી.” આ વિષે થોડી ચર્ચા કરીએ. જેને નિષ્ફળતા કહીએ છીએ તે ખરેખર તો કંઈ નવું શીખવા માટેનો સંઘર્ષ હોય છે. બાળક ચાલતા શીખે તે પહેલાં અનેક વાર પડે છે, તેનાથી નાસીપાસ થઈ ચાલતા શીખવાનું બંધ કરતું નથી અથવા તો માતાપિતા તેને શીખતાં રોકતા નથી.
ધ્યાનમાં નિષ્ફળતાની લાગણી શા માટે જન્મે છે?
1) ધ્યાનના વાસ્તવિક અર્થ વિશે ગેરસમજણ
ધ્યાન શું છે તે ઘણી વખત ખબર હોતી નથી. અજ્ઞાન જાહેર કરવામાં કોઈ વખત સંકોચ હોય છે. મોટાભાગના લોકો ધ્યાનને વૈકલ્પિક ઉપચાર તરીકે જુએ છે. એ સમજવાની જરૂર છે કે આ સાધના છે અને જિંદગીનો અનિવાર્ય હિસ્સો બની રહેવો જોઈએ.
2) ધીરજનો અભાવ
ઘણા લોકો ધ્યાનની વિવિધ પદ્ધતિઓનો પર્યાપ્ત સમય માટે અભ્યાસ કર્યા વિના બદલતા રહે છે. એક પદ્ધતિ ચાલુ કરી, તરત જ અસંતુષ્ટ થયા અને બદલી નાખી. કોઈ ડોક્ટરની દવા ચાલુ કરીએ એ પછી પૂરતો સમય આપીએ કે તરત જ ડૉક્ટર બદલીએ? જેમ જૂનો રોગ હોય તેમ વધુ સમય લાગે. ધ્યાન તો અતિ જૂના અને જન્મોજન્મની રોગોની સારવાર કરે છે, થોડી વાર તો લાગે ને ! ધ્યાનની કઈ પદ્ધતિ અનુકૂળ છે તે શોધવા માટે થોડો સમય લઈએ અને અંતે જે પદ્ધતિ અપનાવીએ તેને પૂરતો સમય આપીએ .
3) ધ્યાન કરવાનું શરૂ કર્યાં પછી ફાયદાને બદલે કોઈ વાર માથું દુ:ખે છે, કોઈ વાર તાવ આવતો હોય તેમ લાગે છે. એવું કંઈ કંઈ થયા કરે છે.
ધ્યાન એક બહુ મોટી સફાઈ પ્રક્રિયા છે, જન્મો જન્મોની અશુદ્ધિ હોય, પહેલાં તો એ બહાર નીકળે. આયુર્વેદમાં પંચકર્મમાં શરીરની બધી અશુદ્ધિ પહેલાં બહાર નીકળે. પછી સારવાર થાય. બસ, એવી જ આ પ્રક્રિયા છે. અંતે સારવાર જ થવાની છે.
4) અતિશય અપેક્ષા
ધ્યાનને પોર્ટફોલિયોમાં રોકાણ સમજવું અને તાત્કાલિક વળતર એટલે કે ઢગલોબંધ ફાયદાઓની અપેક્ષા રાખવી તે મોટી ભૂલ છે. આ નફા / નુકસાનનો ભૌતિકવાદી માર્ગ નથી, જે ભૌતિક ફાયદાઓ છે તે બધા જ બાયપ્રોડક્ટ છે. બાકી તો ધ્યાન, પોતે જ, એક ભેટ છે. લોકોને એવું કહેતા સાંભળ્યા છે “મારે ટૂંકું ને ટચ ધ્યાન કરવું છે અને ફાયદા તાત્કાલિક જોઈએ છે, આવું કંઈ હોય તો બતાવો ને.” આવી વ્યક્તિ જયારે ધ્યાન માટે આવે ત્યારે તેના અર્ધજાગૃત મનમાં તો આવા જ વિચાર ચાલુ હોય જે ધ્યાનમાં ખલેલ પહોંચાડે. ધ્યાનનો આનંદ ઉઠાવવા માટે જ જયારે ધ્યાન થાય, અપેક્ષારહિત ધ્યાન હોય, ત્યારે શ્રેષ્ઠ પરિણામ મળે.
ગુલઝારજીની ગઝલનો એક શેર છે,
“ज़िन्दगी में सारा झगड़ा ही…
ख़्वाहिशों का है !!
ना तो किसी को गम चाहिए,
ना ही किसी को कम चाहिए !!”
તકલીફ બધી અહીં છે.
5) અતિ વ્યસ્ત જીવન – ધ્યાનમાં નિયમિતતાનો અભાવ.
બધાની જીવનશૈલી હવે અત્યંત વ્યસ્ત છે, નર્વસ સિસ્ટમ ઓવરટાઈમ કરે છે. રાત્રે પણ મગજ સોશ્યલ મીડિયા અને TVની સેંકડો ચેનલ બદલવામાં મોડે સુધી વ્યસ્ત થઈ જાય છે. પહેલાં રાત્રે કુટુંબ સાથે વાતો કરતાં અથવા મિત્રો સાથે ગપ્પા મારી દિવસ આખાનો થાક હળવો કરતાં. હવે TV અથવા મોબાઇલ દ્વારા નર્વસ સિસ્ટમ પર વધારાનો બોજ લાવીએ છીએ. એક સમયે પાડોસી પણ પરિવારનો હિસ્સો હતાં, હવે પરિવારજનો પણ પાડોસી બની ગયા છે. પરિણામે ધ્યાન માટેની આદર્શ પરિસ્થિતિ જળવાતી નથી. શું કરવું જોઈએ તો? પહેલાં તો નિયમિત ધ્યાન કરવું જોઈએ. ગમે તેટલા વ્યસ્ત જીવનમાં ન સ્નાન ચૂકીએ છીએ ન ભોજન. બની શકીએ તો સમય પણ એક જ રાખીએ છીએ. બસ એ જ નિયમ અહીં પણ અપનાવીએ. ફક્ત શરીરને જ સ્નાન કે ભોજન જરૂરી નથી, તેટલી જ જરૂર આત્માને અને ઓરાને પણ છે. ધ્યાન તેનું સ્નાન છે.
6) ભ્રમણા કે ‘ધ્યાન દરમ્યાન મારૂં મગજ તો શાંત જ રહેવું જોઈએ’.
લગભગ દરેક વ્યક્તિ ધ્યાન વિષે આવું માને છે. પરંતુ આવું છે નહિ. જયારે મગજ દિવસમાં 60000 થી 70000 વિચાર કરવાને ટેવાયેલું હોય ત્યારે અચાનક તેને શૂન્ય પર લાવવાના કોડ રાખીએ તો નિરાશા સાંપડવાની જ છે. વજન 100 કિલો હોય અને એક મહિનામાં જ ઘટાડીને 75 કિલો પર લાવવાનો લક્ષ્યાંક રાખીએ તો કેટલી હદે સાચું પડે ! 100 કિલોમાંથી એક મહિનામાં 95 થાય તો પણ પ્રગતિ કહેવાય. એ જ પ્રમાણે વિચારોનું પ્રમાણ ઘટે તે ફાયદો જ કહેવાય. જેમ શ્વાસોચ્છવાસ ધીરા થતા જાય તેમ સમજવાનું કે વિચારો ઘટ્યા અને પ્રગતિ થઈ.
7) પોતાના વિચારો સાથે એકલા રહેવા કોઈ તૈયાર નથી.
વિદેશોમાં અભ્યાસો થયા છે કે જેમાં એવો ખ્યાલ આવ્યો છે કે અમુક લોકો તો પોતાના વિચારોથી એટલા ભાગે છે કે પોતાના વિચારો સાથે એકલા રહેવાને બદલે ઇલેક્ટ્રિક કરંટ લઈ મૃત્યુ પામવા માટે તૈયાર છે. મગજમાં વિચારો ગુંજતા રહે છે અને મોટા ભાગે એકલા હોઈએ ત્યારે તો એવા વિચારો કે જે ખુશી કરતાં તકલીફ વધુ આપે. પરિણામે એવો ખ્યાલ જન્મે કે ધ્યાન મારા બસની ચીજ નથી. ખરેખર આ ખ્યાલ ખોટો છે. જરા વિસ્તારથી સમજીએ.
કોઈ પણ ઝડપી વહેતી નદી પાસે જઈએ તો શું જોવા મળે? તરંગો અને પ્રવાહો? જેમ ઊંડા ઉતરીએ તેમ મોજાં અદૃશ્ય થતાં જાય. છેક તળિયે પહોંચીએ તો પ્રવાહ એકદમ શાંત થઈ ગયો હોય. મનનું પણ એવું જ છે. શાંત પ્રવાહ શોધવા માટે ઊંડા તો ઊતરવું પડે ને? ફક્ત સપાટીથી પાછા આવી જઈએ તો ધ્યાનમાં વિચારોનો ધસમસતો પ્રવાહ નાસીપાસ કરી નાખે. ધીરજ સાથે આગળ વધીએ તો શાંત તળિયું પણ જોવા મળે, અપાર શાંતિ મળે – એવી શાંતિ જે મેળવવા માટે મનુષ્ય જિંદગીભર ભટકતો રહે છે. જયારે ધ્યાન તરફ મન વળે ત્યારે સમજવાનું કે મનના ઊંડાણમાંથી એ પુકાર છે કે જે વ્યક્તિને ત્યાંના શાંત વાતાવરણમાં ખેંચવા માંગે છે. આ વાતનો ખ્યાલ રહે તો વિચારોના વમળ વચ્ચે પણ ધ્યાન ચાલુ રાખવાનું મનને પ્રોત્સાહન મળશે જે કોઈ ને કોઈ દિવસ લઈ જશે એ આંતરિક શાંત વિશ્વમાં કે જેનો અનુભવ ભાગ્યે જ થયો હોય.
8) મન ભટકે છે.
ભલે ને ભટકતું. પહેલાં પણ ભટકતું હતું, ખ્યાલ આવતો ન હતો, હવે ધ્યાન તો પડ્યું. ત્યાં ધ્યાન ગયું માટે હવે એક ચોકીપહેરો આવશે. દિવસે ધ્યાન ન કરતાં હોઈએ ત્યારે પણ ખ્યાલ આવશે કે મન ભટકે છે. માટે ખોટી જગ્યાએ ભટકતું હોય તો તે પાછું વાળવા માટે સભાનતા આવશે. ધ્યાનમાં સાક્ષીભાવથી એ અવલોકન કરીએ કે મન ક્યાં ભટકે છે. જેમ જેમ અવલોકન કરીશું તેમ તેમ તેમ સ્વાભાવિક રીતે જ તેનો ભટકવાનો વ્યાપ ઘટતો જશે.
9) કંઈ નોંધપાત્ર થતું દેખાતું નથી.
આપણી ટેવ છે કે કંઈ નજર સામે થતું હોય, શરીરને ખબર પડે તો જ કંઈ થયું એમ લાગે. જિમમાં ગયા તો એમ લાગે કે મેં કંઈ કર્યું, વજન ઊચક્યું, સાઇકલ ચલાવી, થાક લાગ્યો, પસીનો થયો. ધ્યાનમાં તો એવું કંઈ થાય નહિ, જે થાય તે અંદરના સ્તર પર થાય, બુદ્ધિ તો એમ કહે કે બેઠા, આંખ બંધ કરી અને ઊભા થયા. આમાં તો શું થયું?
અનેક આંતરિક પ્રક્રિયા આ દરમ્યાન થાય. જેમ જેમ ધ્યાનથી ટેવાતાં જઈએ તેમ તેમ અનુભવ થતો જાય, ખ્યાલ આવતો જાય કે કોઈ દિવસ નહોતું થયું એવું કંઈ થઇ રહ્યું છે. શા માટે થાય છે એ ખ્યાલ કદાચ ન આવે પણ કંઈ જૂદું થાય છે એ ખ્યાલ તો આવે. થોડી ધીરજ જરૂર જોઈશે તે અનુભવ સુધી પહોંચીએ ત્યાં સુધીની.
10) થાક સાથે ધ્યાન
એકદમ થાકેલ શરીર સાથે ધ્યાન કરીએ ત્યારે ઊંઘ આવી જવાની શક્યતા વધારે. અથવા એમ થાય કે ધ્યાનમાં કંઈ જામ્યું નહિ. જયારે પૂરી ઊંઘ પછી શરીર અને મન બંને તરોતાજા હોય ત્યારે એટલે કે સવારે ધ્યાન કરીએ તો આ પ્રશ્ન ઉદ્ભવે નહિ.
11) એકલા ધ્યાન કરવું.
જયારે ધ્યાન દિનચર્યાનું એક અવિભાજ્ય અંગ બની જાય ત્યારે એકલા ધ્યાન કરીએ તો બરોબર છે. જ્યાં સુધી શરીર અને મનને ધ્યાનની આદત ન પડી હોય ત્યાં સુધી તો સમૂહમાં ધ્યાન કરવાથી ફાયદો રહેશે. કોઈ દિવસ એવું બને કે કોઈ એક વ્યક્તિની પોતાની સ્થિતિ ધ્યાન માટે સાનુકૂળ ન પણ હોય. તે સંજોગોમાં જો સામૂહિક રીતે, જેમ કે કોઈ ધ્યાનકેન્દ્ર પર, ધ્યાન કરવાથી ફાયદો એ થાય કે બાકી બધા લોકોના ધ્યાનથી ઉત્પન્ન થયેલા તરંગોમાં આ વ્યક્તિ પણ વહી જાય અને ધ્યાનની સ્થિતિમાં પહોંચી જાય.
12) બીજા સાથે સરખામણી.
ઘણા લોકો ધ્યાન શરૂ કર્યા પછી બીજા લોકોના અનુભવ સાંભળીને એમ વિચારવાનું શરૂ કરે છે કે મારૂં ધ્યાન તો એવું થતું નથી. આમ વિચારીને થોડા સમય પછી ધ્યાન છોડી દે છે. અહીં ખાસ એ ખ્યાલ એ રાખવાનો કે દરેકની આધ્યાત્મિક મુસાફરી જૂદી છે. કોણ કેટલા વર્ષથી ધ્યાનમાં જોડાયેલું છે, તેની આ પહેલાંની (પહેલાંના જન્મોની પણ) સાધના કેટલી હતી, ક્યા પ્રકારની હતી તે વિષે આપણને કંઈ જ ખ્યાલ નથી. તો શા માટે બીજા સાથે સરખામણી કરવી! એ પણ ખબર નથી કે જે તે વ્યક્તિ પોતાના અનુભવો વિષે સાચું બોલે છે કે ખોટું. ઘણી વખત વ્યક્તિ પોતાની જાતને બીજાથી ઊંચી સાબિત કરવા માટે પણ ખુદના અનુભવોને બઢાવી-ચઢાવી કહેતી હોય. એ સિવાય પણ વ્યક્તિ પોતાની સમજણ મુજબ પોતાના અનુભવોનું વર્ણન કરતી હોય. માટે કોઈ પણ પ્રકારની સરખામણી અસ્થાને છે.
અંતમાં, જોઈએ કે આમાંથી મને શું લાગુ પડે છે. જો એક કરતાં વધુ વાત લાગુ પડતી હોય તો ‘એક સમયે એક’ તે પ્રમાણે શરૂઆત કરીએ, જે બદલાવ સરળ છે તેનાથી શરૂઆત કરીએ. ધ્યાનને શોખ બનાવી દઈએ તો પ્રાકૃતિક રીતે જ દિનચર્યામાં વણાઈ જશે અને જિંદગીને એક નવી દિશામાં લઈ જશે, અનેક ફાયદાઓ ખુદને અને આસપાસના સર્વેને આપશે.
સવારના ધ્યાન દ્વારા ઊર્જા અને આંતરિક શાંતિ મેળવવા માટે, મૂડ સારો રાખવા માટે અને સર્જનાત્મકતા વધારવા માટે 432 Hz ફ્રિક્વન્સીના સંગીતની લિંક અહીં મુકેલી છે. તેની સાથે ધ્યાનનો અનુભવ લઈ શકો છો.
(Music for Positive energy & Harmony Inner Peace | Music for Mood & Creativity 432 Hz)
ક્રમશ:
જિતેન્દ્ર પટવારી