“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
લેખમાળાના પહેલા તબક્કામાં (લેખ 1 થી 21) ઓરા, કુંડલિની, નાડી, ચક્રો વિગેરે સમજ્યા. બીજા તબક્કામાં ‘ધ્યાન’ વિષે ચર્ચા કરી રહ્યા છીએ. આ અંગેની થોડી ભ્રામક માન્યતાઓ તથા ધ્યાનના અમુક ફાયદાઓ, ધ્યાન વિશેષતઃ કોણે કરવું વધારે ફાયદાકારક વિગેરે જાણ્યું. આજે થોડા એવા પ્રશ્નો જોઈએ કે જે આ વિષયમાં અનેક વાર પૂછાતાં હોય છે.
1) ધ્યાન મારે કરવું છે, શીખવું કેમ?
સૌથી સારી રીત એ છે કે ધ્યાન કરવાનું શરૂ કરી દેવું. On-the-Job તાલીમ. કરીએ અને શીખતાં જઈએ. તરતાં શીખવું હોય તો પાણીમાં પડવું જ પડે. પાણીમાં પડીએ એટલે હાથ-પગ જાતે જ કાર્ય કરે. એ જ રીતે આંખ બંધ કરી ધ્યાન માટે બેસીએ એટલે બધું જાતે જ થાય. ઈરાદો મહત્ત્વનો છે. એ હશે તો બાકી બધું થઈ પડશે.
2) કેટલો સમય ધ્યાન કરવું જોઈએ?
દરેક માટે આ પ્રશ્નનો જવાબ અલગ રહેશે. જયારે ધ્યાનમાં તદ્દન નવા હોઈએ ત્યારે 5/10 મિનિટથી પણ શરૂ કરી શકાય. શરીર અને મન ટેવાતાં જાય તેમ આ સમયાવધિ વધારી 30 મિનિટ સુધી તો પહોંચવું જોઈએ. તેનાથી વધુ સમય વ્યક્તિગત પસંદગી પર આધારિત છે. એક સમય એવો આવે કે ધ્યાનમાં સરી પડ્યા પછી જયારે આંખો ખૂલે ત્યારે ધ્યાન પૂરું થયું સમજવાનું, 30 મિનિટ હોઈ શકે અને 2 કલાક પણ હોઈ શકે.
3) બાળકો ધ્યાન કરી શકે?
ચોક્કસ. ખરેખર તો જેમ નાની ઉંમર તેમ શરીરમાં વધુ શક્તિ અને ઊર્જાના ઝડપી ઊર્ધ્વગમનની શક્યતા પણ વધુ. અભ્યાસમાં એકાગ્રતા, અભ્યાસના તણાવમાંથી રાહત, રમતગમત અને કળામાં પ્રવીણતા, ચંચળતામાં ઘટાડો, યોગ્ય નિર્ણયશક્તિનો ઝડપી વિકાસ વિગેરે અનેક ફાયદાઓ નાની ઉંમરે ધ્યાન કરવાથી થાય. માટે 8/10 વર્ષની ઉંમરથી જ બાળકો ધ્યાન કરે તો અત્યંત ફાયદાકારક સિદ્ધ થશે.
4) સગર્ભા સ્ત્રીઓ ધ્યાન કરી શકે?
સગર્ભા માટે ધ્યાન અત્યંત લાભદાયકથી પણ વધીને આવશ્યક કહી શકાય. હજારો વર્ષોથી સ્વીકૃત વૈદિક ષોડશ સંસ્કાર (૧૬ સંસ્કાર)માંથી સર્વપ્રથમ સંસ્કાર એટલે કે ગર્ભાધાન સંસ્કાર સગર્ભાવસ્થા પહેલા થાય જયારે પછીના બે એટલે કે પુંસવન સંસ્કાર અને સીમન્તોન્નયન સંસ્કાર સગર્ભાવસ્થા દરમ્યાન કરવાના હોય છે જેનો હેતુ બાળક અને માતા બંનેનો આધ્યાત્મિક વિકાસ અને ભૌતિક રક્ષણ છે. 6 કોઠા ભેદવાનું જ્ઞાન અભિમન્યુ માતાના ગર્ભમાંથી જ લઈને આવેલો તે બધા જાણીએ જ છીએ. આધુનિક વિજ્ઞાન પણ અનેક અભ્યાસ દ્વારા સાબિત કરી ચૂક્યું છે કે સગર્ભાવસ્થા દરમ્યાનની માતાની માનસિક સ્થિતિ અને ઊર્જાને બાળકના વિકાસ સાથે સીધો સંબંધ છે. આ સમય દરમ્યાન સગર્ભા દ્વારા નિયમિત ધ્યાન અત્યંત લાભદાયી સાબિત થાય.
5) કોઈ ખાસ કપડાં પહેરવાંની જરૂર ખરી?
ના. ગમે તે કપડાં પહેરી ધ્યાન કરી શકાય પરંતુ ઊર્જાનું ઉર્ધ્વગમન સરળતાથી થઈ શકે તે માટે ઢીલાં (ગાઉન/રોબ વિગેરે) અને શક્ય તેટલાં ઓછાં કપડાં વધુ લાભદાયક. કાળા રંગના કપડાં ન પહેરીએ તો વધુ સારું. આ રંગ પ્રદૂષિત ઊર્જાને જલ્દી સંગ્રહી લે છે. ઓછાં કપડાં એટલાં માટે કે કપડાંમાં પણ વિચારોની ઊર્જા સંગ્રહાયેલી હોય જે કોઈ વાર ધ્યાનની ઊર્જાને સુસંગત ન પણ હોય.
6) હું જે ધર્મમાં માનું છું તેને છોડી દેવો પડે? પૂજાપાઠ બંધ કરવા પડે ?
તદ્દન ખોટી વાત. ધ્યાન ધર્મનિરપેક્ષ વસ્તુ છે. કોઈ પણ ધર્મમાં માનનાર વ્યક્તિ ધ્યાન કરી શકે. પૂજાપાઠ છોડવાની જરા પણ જરૂર નહિ. સમયાંતરે પ્રાકૃતિક રીતે એમ લાગે કે ધ્યાનમાં બધું આવી ગયું (સર્વે ગુણાઃ ધ્યાનં આશ્રયન્તે) અને પૂજા જાતે જ છૂટી જાય તો કંઈ વાંધો નહિ. ધ્યાન બાદ જે જરૂરી હશે તે રહેશે, જરૂરી નહિ હોય તે છૂટી જશે.
7) મારી જીવનશૈલીમાં કંઈ ફેરફારની જરૂર ખરી?
ના. જે થોડા નાના ફેરફાર કરવાના છે તે ફક્ત એટલા કરવાના છે કે સવારે ધ્યાન વહેલું કરવું હોય અને ઉઠાતું ન હોય તો એલાર્મ મૂકવો, ધ્યાનની જગ્યાએ પોતાનું આસન વિગેરે રાત્રે જ મૂકી રાખવું, અન્ય કુટુંબીજનો મોડાં ઊઠતાં હોય તો તેમને ખલેલ ન પહોંચે (નહીંતર ઘરમાંથી વિરોધ ઊઠશે) તે રીતે સવારનાં દૈનિક કાર્યો કરવાં વિગેરે.
થોડા દિવસ ધ્યાન કર્યાં પછી શરીર અને મનમાં આવશ્યક બદલાવ પ્રાકૃતિક રીતે જ આવશે. ભોજન, ઊંઘ, વ્યસન વિગેરેમાં જે બદલાવની જરૂર હશે તે અત્યંત સ્વાભાવિક રીતે આવી જશે. દા.ત. નિયમિત મદ્યપાન કરનાર વ્યક્તિને અચાનક એવું લાગે કે હવે મારા શરીરને મદિરા માફક આવતી નથી અને વ્યસન છૂટી જાય. નિયમિત મોડી ઊઠનાર વ્યક્તિ અચાનક જ વહેલી ઊઠવા માંડે. ખોરાકના પ્રકાર અને માત્રામાં આપમેળે બદલાવ આવે. આવું કંઈ પણ પ્રાકૃતિક રીતે થાય તે સિવાય કોઈ બદલાવ કરવાની જરૂર નથી. અંતે સ્વભાવમાં પણ બદલાવ આવી શકે.
8) ધ્યાન દરમ્યાન પગ અથવા પીઠમાં દુઃખાવો થાય છે, શું કરવું?
ધ્યાનમાં સ્થિર રહેવાથી વધારે ફાયદો થાય તે વાત સાચી પણ આવો કોઈ દુઃખાવો થાય તો શરીરને થોડું આમતેમ કરી શકાય. ધ્યાનમાં ધીરે ધીરે લાબું બેસવાની આદત પડે પછી આ પ્રકારના પ્રશ્ન ઊઠતા નથી. કોઈ ચોક્કસ પ્રકારે બેસવાથી આવી તકલીફ થતી હોય તો આસન બદલીને, ખુરશી પર અથવા સોફા પર બેસીને પણ ધ્યાન કરી શકાય. ભીંતનો ટેકો લઈને પણ બેસી શકાય. પદ્માસન તો આદર્શ સ્થિતિ છે પરંતુ તે બધા માટે શક્ય ન હોય તે સમજી શકાય.
9) મારાથી 5 મિનિટથી વધુ બેસી શકાતું નથી. હું કંઈ રીતે ધ્યાન કરી શકીશ?
જીવનમાં કોઈ પણ વસ્તુમાં પ્રવીણતા મેળવવા માટે અભ્યાસ જરૂરી છે. ધ્યાન પણ નિયમિત અભ્યાસ માંગે છે. અપવાદ એક જ છે કે જયારે સિદ્ધ મહાત્માની કૃપા થાય ત્યારે તાત્કાલિક અનુભૂતિ શરૂ થઈ શકે. એટલું યાદ રાખીએ કે શરીરના સ્નાયુને મજબૂત કરવામાં પણ સમય લાગે છે. તો મગજના ન્યુરૉન્સને પણ તો લાગી શકે ને ! નિયમિત ધ્યાનના અભ્યાસ દ્વારા ધ્યાન માટે બેસવાની ક્ષમતા વધતી જશે, લાંબા સમય સુધી સરળતાથી બેસી શકાશે.
10) ધ્યાન માટે શ્રેષ્ઠ સમય કયો?
શ્રેષ્ઠ સમય તો વહેલી સવારનો એટલે કે ૩.30 વાગ્યાથી શરુ થઈ 6 વાગ્યા સુધીનો ગણાય. સવારે ધ્યાન કરવાથી મળેલી ઊર્જાનો લાભ પૂરા દિવસ દરમ્યાન મળતો રહે. મોટા ભાગના લોકો વહેલી સવારે ઊંઘતા હોય. માટે તેમના વિચારોના તરંગ ધ્યાન દરમ્યાન ઊર્ધ્વગામી થતી ઊર્જાને ખલેલ પહોંચાડે નહિ.
11) ધ્યાન દરમ્યાન કોઈ ખાસ પ્રકારથી શ્વાસ લેવા જરૂરી ખરા?
ના. કુદરતી રીતે જે પ્રમાણે શ્વાસ ચાલતા હોય તે રીતે જ ચાલવા દેવા જરૂરી. કોઈ સમયે આપમેળે જ શ્વાસ અતિ ધીમા થઈ જાય, કોઈ બીજા સમયે અતિ ઝડપી ચાલે તો તે પણ ચાલવા દેવાના. શરીરને જે પ્રકારની જરૂર હશે તે પ્રમાણે પ્રાકૃતિક રીતે જ થતું રહેશે.
12) ધ્યાનના અનુભવ માટે મારે શું અપેક્ષા રાખવી જોઈએ?
કંઈ જ નહિ. ‘જે થાય તે થવા દઈએ’ – આ પ્રકારની માનસિક સ્થિતિ રાખવી જોઈએ. અનુભવ લઈએ અને જોઈએ કે શું થાય છે. બીજા લોકોના અનુભવ શું છે તે જાણી શકાય પરંતુ તે મુજબના અનુભવ મને થશે જ તેવી અપેક્ષા અસ્થાને રહેશે. દરેક વ્યક્તિના અનુભવ ઘણાં બધાં પરિબળો પર આધારિત હોય અને આ દરેક પરિબળ દરેક વ્યક્તિ માટે જુદાં જુદાં હોય. તેથી બીજાને થયો તે જ અનુભવ મને થાય તેવી અપેક્ષા રાખવી વ્યર્થ છે.
13) ધ્યાનની નિયમિત આદત કેમ વિકસાવવી?
A) ઓછા સમયથી શરૂઆત કરવી. એવું બને કે શરૂઆતમાં કોઈ અનુભૂતિ થવાનું શરુ ન થયું હોય ત્યારે ૩૦ મિનિટ બેઠાં રહેવું કંટાળાજનક લાગે. 10/15 મિનિટ જો સરળતાથી બેસી શકાય તો તે પ્રમાણે શરુ કરવાનું. સમયાવધિ કરતાં નિયમિતતા અનેકગણી જરૂરી છે. એક દિવસ 2 કલાક અને પછી 4 દિવસ ધ્યાન નહિ તેવી સ્થિતિ યોગ્ય નથી. સોમવારે ભીમસેનની માફક જમવું અને પછી 4 દિવસ નકોરડા ઉપવાસ – તે બરાબર નથી. ધ્યાનનો સમય ધીરે ધીરે વધારતા જવાનો.
B) કુટુંબીઓ કે મિત્રમંડળ સાથે અથવા તો ધ્યાનકેન્દ્ર પર સમૂહ ધ્યાન કરવાથી નિયમિતતા જળવાઈ રહેશે.
C) ધ્યાન કરવાનું શરુ કર્યું છે તે સોશ્યલ મીડિયા દ્વારા કે અન્ય રીતે બીજા લોકોને જાણ કરવાની. એક વખત આવી જાહેરાત કર્યા પછી પારોઠના પગલાં ભરતાં એટલે કે ધ્યાન કરવાનું બંધ કરવામાં હિચકિચાટ થશે.
14) બહુ વિચાર આવે છે. કેમ રોકવા?
આ ચિંતાની બાબત નથી. બહારના વાતાવરણથી મન પાછું ખેંચાય એટલે અંદર જે વિચાર દબાઈ રહેલા હતા તે સપાટી પર આવે તે સ્વાભાવિક છે. તે વિચારને રોક્યા વગર તેનું અવલોકન કરવાનું છે. ધીરે ધીરે તે વિચારોની સંખ્યા ઘટતી જશે. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા દ્વારા વૈજ્ઞાનિક પરીક્ષણ થયા છે તે મુજબ એક મિનિટમાં સામાન્ય રીતે વ્યક્તિ 48 થી 49 (24 કલાકમાં 70,000) વિચાર કરે છે. માટે થોડા વિચારો તો ધ્યાન દરમ્યાન પણ આવી જ શકે ને ! ધ્યાન દરમ્યાન ધીરે ધીરે શ્વાસોચ્છવાસ ધીમા પડતા જશે, જેમ જેમ ધીરા થતા જશે તેમ તેમ વિચારોની તીવ્રતા ઘટતી જશે.
15) કઈ દિશા તરફ મોઢું રાખવું જોઈએ?
જો શક્ય હોય તો પૂર્વ અથવા ઈશાન દિશા તરફ મોઢૂં રાખી બેસવું. ઉત્તર દિશા ચાલે. પશ્ચિમ અને દક્ષિણ દિશા બની શકે તો ટાળવી.
16) ધ્યાનના સ્થળ અને સમય એક જ રાખવા જરૂરી છે?
જરૂરી નથી પરંતુ જો ધ્યાનનો સમય અને સ્થળ એક જ રાખી શકીએ તો વધુ ફાયદો થાય. જેમ ભોજનનો સમય નિશ્ચિત રહે તો શરીર ભૂખના સંકેત આપે તેમ ધ્યાન માટે પણ સમય નિશ્ચિત રાખવાથી ધ્યાનની સ્થિતિમાં સરી જવામાં સરળતા રહેશે. એક જ સ્થાન હશે તો એ જગ્યાના વાઇબ્રેશન ધ્યાનને અનુકૂળ બની જશે અને ધ્યાન વધુ સારી રીતે થઈ શકશે.
17) ધ્યાનની અનેક પદ્ધતિઓ વિષે સાંભળ્યું છે. કઈ અપનાવવી જોઈએ?
આ બહુ જ વ્યક્તિગત પસંદગી છે. કોઈને એક પદ્ધતિ ગમે તો કોઈને બીજી. શરીરની તાસીર, ખુદના ગમા-અણગમા, જે તે પદ્ધતિની પ્રક્રિયા, પૂર્વજન્મની સાધનાનો પ્રકાર વિગેરે અનેક પરિબળો આ પસંદગીમાં ભાગ ભજવે. એક સામાન્ય માપદંડ એવો કાઢી શકાય કે પદ્ધતિની સરળતા, તે શીખવા માટે થતો ખર્ચ અને સૌથી વધુ તો ધ્યાન દરમ્યાન થતી અનુભૂતિઓ અને કેટલી ઝડપી આ અનુભૂતિઓ થાય છે તેના પર પસંદગી કરવી જોઈએ. છેલ્લો મુદ્દો એટલા માટે અગત્યનો છે કે કે જો અનુભૂતિ ઝડપી અને પર્યાપ્ત હશે તો ધ્યાનસાધના નિયમિત રહેશે. અનુભૂતિના અભાવે ધ્યાનના અસંખ્ય ફાયદા હોવા છતાં થોડા સમય પછી કંટાળો આવે તે શક્ય છે.
અત્યંત અગત્યના બે હોર્મોન્સ – સેરેટોનિન અને એંડ્રોફિન્સ. આ બંને હોર્મોન્સ મગજમાંથી પ્રચૂર માત્રામાં પ્રવાહિત કરે તેવા સંગીતની લિંક આ સાથે છે. ધ્યાન શરૂ કરવાની ઇચ્છા હોય તો આ લિંકનો ઉપયોગ કરી તેની અસરકારકતા ચકાસી શકશો. Serotonin Release – Alpha Waves for Serotonin & Endorphins – Binaural Beats – Meditation Music
ક્રમશ: