“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
લેખમાળાના પહેલા તબક્કામાં (લેખ 21 સુધી) કુંડલિની, નાડી, ચક્રો વિગેરે વિષે સમજ્યા. બીજા તબક્કામાં ધ્યાન અંગેની થોડી ભ્રામક માન્યતાઓ તથા ધ્યાનના અમુક ફાયદાઓ (લેખ 22 થી 24) જાણ્યા. આજે એ જોઈએ કે ધ્યાન વિશેષતઃ કોણે કરવું વધારે ફાયદાકારક રહેશે.
ધ્યાનના અગણિત ફાયદાઓને લક્ષ્યમાં લેતાં ખરેખર તો મનુષ્યમાત્ર માટે ધ્યાન જરૂરી છે તેવું સ્પષ્ટ જણાય છે., પરંતુ સમાજના અમુક વર્ગને માટે તો અનિવાર્ય હોય તેવું લાગે. એક પછી એક જોઈએ.
1) રસોઈ બનાવનાર વ્યક્તિ:
લેખમાળાની શરૂઆતમાં જોયું કે હાથની આંગળીઓના ટેરવામાંથી અને હથેળીમાંથી ઊર્જાનો પ્રવાહ વહેતો હોય છે. સાથેના કિર્લિઅન ફોટોમાં તે જોઈ શકાશે. જે વ્યક્તિ રસોઈ બનાવશે તેની હથેળી તથા આંગળીઓમાંથી પ્રવાહિત થતી ઊર્જા એ ખોરાક લેનાર તમામ વ્યક્તિઓને સ્વાભાવિક રીતે જ પ્રભાવિત કરશે. આપણે ત્યાં હજી સુધી તો આ અતિ મહત્ત્વનું કાર્ય ઘરમાં મહદ અંશે સ્ત્રીવર્ગ સંભાળે છે. માટે તેમની ઊર્જાનો પ્રભાવ ઘરની તમામ વ્યક્તિ પર પડશે. આ ઊર્જાની ગુણવત્તા રસોઈ બનાવનાર વ્યક્તિના સ્વભાવ અથવા રસોઈ બનાવતી વખતની તેની લાગણીઓ પર આધારિત રહેશે. તે વ્યક્તિ ખુશ રહેતી હશે, ગુસ્સાવાળી હશે, ઉદાસ રહેતી હશે, ડિપ્રેશનમાં હશે અથવા તો રસોઈ બનાવતી વખતે આવી કોઈ લાગણીથી ઘેરાયેલી હશે તો તેની અસર સમગ્ર કુટુંબીજનો પર પડશે. ( આંખ બંધ કરી, ધ્યાનમાં સરી પડી, ઘરમાં બનેલી કોઈ આવી ઘટના અને તે સમયનું ઘરનું વાતાવરણ યાદ કરીશું તો આ વાતની પુષ્ટિ મળશે !)
અહીં એક મહત્ત્વની વાત એ છે કે ગૃહિણી થોડા સમય માટે ગુસ્સામાં હોઈ શકે પરંતુ તેની કદાપિ ઇચ્છા એ ન હોય કે પતિ, બાળકો અથવા અન્ય કુટુંબીજનોને કોઈ નુકસાન પહોંચે. અને આમ છતાં નુકસાન પહોંચે તે પણ હકીકત છે. માટે રસોઈ બનાવનાર વ્યક્તિએ ધ્યાન કરવું અને પોતાની ઊર્જા સારી રાખવી તે ફરજીયાત કહી શકાય તેટલી હદે આવશ્યક છે જેથી પોતે અને સમગ્ર કુટુંબ તેના ફાયદા ઉઠાવે.
અનેક લોકો પોતાના હાથની જ બનેલી રસોઈ જમવાનો આગ્રહ રાખે છે. તેની પાછળનું લોજીક હવે સમજાય છે ને? એ જ રીતે અત્યંત સારી હોટેલનું ભોજન પણ દરરોજ કેમ ન ભાવે તેનું કારણ પણ ખ્યાલ આવશે. હોટેલના રસોઈયાની ઊર્જા આપણે જાણ્યેઅજાણ્યે ગ્રહણ કરતા હોઈએ છીએ. આ એટલી સુક્ષ્મ પ્રક્રિયા છે કે જેનો ખ્યાલ સભાનપણે કદાચ ન આવે. મારા જાણીતા એક બહેનને થાઇરોઇડની તકલીફ થઈ. બહેનને પછી ખ્યાલ આવ્યો કે તેમને ત્યાં રસોઈ માટે આવનારી બહેનને થાઇરોઇડની તકલીફ હતી. અને એ રોગ અહીં ટ્રાન્સફર થયો.
2) યુવાવર્ગ:
સમાજમાં પ્રવર્તમાન સામાન્ય માન્યતા કંઈક એવી છે કે ફક્ત મોટી ઉંમરના લોકોએ ધ્યાન કરવું જોઈએ. આ માન્યતાથી તદ્દન વિરુદ્ધ હકીકત એ છે કે નાની ઉંમરે અને ખાસ કરીને કિશોરાવસ્થાથી જ ધ્યાન કરવું જોઈએ. ધ્યાનના અમુક ફાયદા એ છે કે છુપાવેલી શક્તિ બહાર આવે, આત્મવિશ્વાસ વધે, એકાગ્રતા વધે, વ્યક્તિ સંતુલિત થાય, જવાબદારીની ભાવના વિકસે, મગજનો અતિ મહત્વનો ભાગ પ્રીફ્રન્ટલ કૉર્ટેક્સ (Prefrontal Cortex) જલ્દી વિકાસ પામે અને પરિણામે જનરેશન ગેપ ઘટે (ઘરડાંને બદલે યુવાન પણ ગાડાં વાળે). યાદશક્તિ અને એકાગ્રતા વધવાને કારણે અભ્યાસમાં પણ વ્યક્તિ સારો દેખાવ કરે અને અભ્યાસને લગતા તણાવથી દૂર રહે.
યુવાવસ્થામાં જ જો ખ્યાલ આવે કે વ્યક્તિની ખાસિયત શું છે, તેની પાસે ક્યા પ્રકારની ક્ષમતા છે તો તે પ્રકારની કારકિર્દી તે અપનાવી શકે. ફરી એક પરિચિત વ્યક્તિનો દાખલો. તેમને ધ્યાન કરતા થયા પછી 42 વર્ષની ઉંમરે આકસ્મિક રીતે જ ખ્યાલ આવ્યો કે તેમનો અવાજ ગાયકી માટે યોગ્ય છે, ખ્યાતનામ સંગીતગુરુનો સંપર્ક કરતા વધુ ખ્યાલ આવ્યો કે તેમના અવાજમાં અમુક કુદરતી ખૂબી છે, ખરજનો અવાજ છે, રેન્જ વિશાળ છે અને જો નાની ઉંમરે ધ્યાન આપ્યું હોત તો તે એક જુદી જ ઊંચાઈ પર, જુદા જ ક્ષેત્રમાં હોત. 42 વર્ષની ઉંમરે જયારે અનેક સામાજિક અને વ્યવસાયિક જવાબદારીઓ હોય ત્યારે તે વ્યક્તિ રિયાઝમાં પૂરતો સમય ન આપી શકે અને કારકિર્દી બદલવાનું શક્ય લગભગ અશક્ય હોય તે સમજી શકાય. નાની ઉંમરે ધ્યાન કર્યું હોત તો આ ખ્યાલ કદાચ વહેલો આવી જાત.
યુવાવસ્થામાં જયારે કારકિર્દી, લગ્ન અને તેને લગતા અનેક આનુષંગિક નિર્ણયો બાકી હોય ત્યારે ધ્યાનથી સંતુલિત થયેલ માનસિક અવસ્થામાં અને વધેલી ક્ષમતાથી નિર્ણય લેવાના હોય તો દેખીતી રીતે જ એ નિર્ણય વધુ સારા હોય.
3) ડોક્ટર્સ તથા હોસ્પિટલ સ્ટાફ:
આ એક વંદનીય વર્ગ છે કારણ કે એમના ભોગે બીજા લોકો સ્વસ્થ રહી શકે છે. ‘એમના ભોગે’ એટલા માટે કે આ વ્યવસાયમાં સંકળાયેલ તમામનો – ડોક્ટર્સનો, નર્સનો કે હોસ્પિટલમાં કામ કરનાર દરેક વ્યક્તિનો – ખરેખર તો ભોગ જ લેવાય છે. સમાજને સ્વસ્થ રાખવા માટે દૂષિત ઊર્જા સાથે આ વર્ગ રહે છે, જોખમ ઉઠાવે છે. ડોક્ટર્સને આ વધુ લાગુ પડે કારણ કે શારીરિક તથા માનસિક બંને રીતે તેઓ નકારાત્મક અથવા દુષિત ઊર્જા સાથે સંકળાય છે. જરા વિગતે જોઈએ.
જયારે ચક્રોની સ્થિતિ ખરાબ થાય એટલે કે ઊર્જા દૂષિત થાય અને તેનું પ્રમાણ વધે એટલે કે ચક્ર વધુ દૂષિત થાય ત્યારે શરીર પર રોગ આવે. થોડો સમય સહન કરીએ અને થોડું વધારે દૂષિત થાય, સહન ન થાય ત્યારે ડોક્ટર પાસે દોડીએ. મતલબ એ કે ડોક્ટર પાસે દૂષિત ઊર્જાવાળી વયક્તિઓનો સમૂહ એકઠો થાય. સવારથી રાત સુધી એ જ માહોલ.
સમય મળે તો ડોક્ટર વાંચન દ્વારા, નેટ દ્વારા પોતાને અપડેટ કરે. શું વાંચે અથવા જુએ? રોગ વિષેનું સાહિત્ય. એટલે કે દૂષિત ઊર્જા મનમાં નાખવી પડે. મિત્રો કોણ? ડોક્ટર્સ જ ને ! વાતો શું કરે? રોગોની અને દર્દીઓની જ ને! પરિણામ એ આવે કે ડોક્ટર્સ જાણ્યેઅજાણ્યે પરંતુ ફરજીયાત રીતે પોતાની આસપાસ દૂષિત ઊર્જા સંગ્રહિત કરે.*
રિસર્ચ કહે છે કે ડોક્ટર્સને સામાન્ય વ્યક્તિ કરતાં સ્વર્ગવાસી થવાની ઉતાવળ આવે છે. 10 વર્ષ સુધી 10000 ડૉક્ટર્સનો અભ્યાસ કર્યા પછી IMA દ્વારા આ તારણ કાઢવામાં આવ્યું છે. https://www.thehindu.com/…/do…/article21381601.ece પર રિપોર્ટ જોઈ શકાશે. આ સાથે પોસ્ટમોર્ટમ રૂમની ઊર્જાની કિર્લિઅન કેમેરાથી લીધેલી તસ્વીર મુકેલી છે જેનાથી ખ્યાલ આવશે કે મનુષ્યસેવાને વરેલ આ વ્યવસાયિકો કેટલા જોખમ વચ્ચે રહે છે.
આ દૂષિત ઊર્જાનો સામનો કરવા માટે ડોક્ટર્સ તથા હોસ્પિટલ સ્ટાફ માટે નિયમિત ધ્યાન એ અનિવાર્ય પ્રિસ્ક્રિપશન છે.
4) પોલીસ:
પૂરા ભારતની પોલીસ હડતાલ પર ઉતરી જાય તો શું થાય? કેટલી લૂંટફાટ થાય, બીજા કેટલા ગૂના થાય, સામાન્ય જનતાને કેટલી હાલાકી પડે? બસ આટલું વિચારીશું ત્યાં જ ખ્યાલ આવશે કે પોલીસકર્મીઓનું શું મહત્ત્વ છે. સમાજનો આ અત્યંત મહત્વનો વર્ગ શારીરિક તથા માનસિક રીતે તો અનેક તકલીફો ઉઠાવે જ છે પરંતુ સાથે-સાથે દૂષિત ઊર્જાનો બોજ પણ સહન કરે છે.
ઊર્જાનો સીધો અને સરળ નિયમ છે કે જ્યાં વ્યક્તિનું ધ્યાન પડે ત્યાંની ઊર્જા એ ખેંચી લાવે. થોડું નિરીક્ષણ કરીશું તો ખ્યાલ આવશે કે કોલેજના પ્રોફેસર્સ મોટી ઉંમર સુધી યુવાન દેખાય છે, કારણ કે તેમનું ધ્યાન યુવાવર્ગ પર છે, સંપર્કમાં પણ એ લોકો જ છે; અનેક પુરુષ ડાન્સ ટીચર્સ સ્ત્રૈણ જણાશે કારણ કે એમનું ધ્યાન સ્ત્રીઓ પર છે, સંપર્કમાં પણ એ વર્ગ જ છે; લાઈબ્રેરીનો યુવા સ્ટાફ લાઈબ્રેરીની બહાર પણ ગંભીર જણાશે કારણ કે લાઈબ્રેરીમાં આવતા વયસ્ક વાંચકોની સાથે તેમનો સંપર્ક અને તેમની પર ધ્યાન છે. આ નિયમ મુજબ પોલીસનું ધ્યાન ક્યાં હશે? ગુના અને ગુનેગારો પર? તો કઈ ઊર્જા આવશે? ખૂનીની, ચોરની, બળાત્કારીની, લૂંટારાની કે આવી જ કોઈ? પોલીસનો આમાં કઈ વાંક ખરો? એ તો જનતાને સુરક્ષિત રાખવા માટે તેમની ફરજ બજાવે છે.
અહીં પણ ‘ધ્યાન’ અત્યંત જરૂરી છે જેથી આ દરરોજ એક્ઠી થતી દૂષિત ઊર્જાનો સામનો થઈ શકે.
5) વકીલ:
આ પણ અત્યંત મહત્વનો વર્ગ જેના વગર ચાલે નહિ. પોલીસવાળો નિયમ અહીં પણ લાગુ પડે. ગુનેગારો સાથે પનારો પડે – સિવિલ કે ક્રિમિનલ. પોલીસ સાથે પણ સંપર્ક રહે. કોર્ટની દૂષિતઊર્જાવાળી જગ્યા જ્યાં ટેન્શન, ગુસ્સો જેવી નકારાત્મક લાગણીઓના વાઈબ્રેશન્સ વાતાવરણમાં ભરેલા હોય ત્યાં સમય વિતાવવાનો. વધારામાં કેસ જીતવા માટે સામેવાળી વ્યક્તિના નેગેટિવ મુદ્દા શોધવાના. નેગેટિવ પર જ ધ્યાન લઈ જવાનું. એ પણ ખબર ન હોય કે આપણો અસીલ સાચો છે કે સામેનો. બદદુઆ પણ લેવાની. હારી જઈએ તો આપણા અસીલનો અને નહીંતર સામેના અસીલની નકારાત્મક લાગણીઓનો પ્રવાહ ઝીલવાનો. વ્યવસાયને વફાદાર રહી પોતાના અસીલને જીતાડવા માટે જે કંઈ કરવું પડે તે કરવાનું. જૂઠું બોલવાનું પણ આવે. વિશુદ્ધિચક્ર ને જૂઠ સાથે દુશ્મની. નુકસાન તો થાય.
દૂષિત ઊર્જાને કેમ ખાળવી? ધ્યાનથી. જરૂરી, જરૂરી અને જરૂરી !
6) રાજકીય નેતાઓ:
દેશ છે તો સરકાર તો રહેવાની. સરકાર છે તો રાજકીય નેતા પણ જરૂરી. નિર્ણય બધા તેમના હાથમાં. જનતાનું ભાવિ તેમના હાથમાં. તેમની ઊર્જા સારી તો પ્રજાને ફાયદો. નહીંતર ભગવાનભરોસે. એ ધ્યાન કરે તો પ્રજાને ફાયદો. એ સિવાય એમના ખુદના માટે પણ અત્યંત જરૂરી. શા માટે? જો સત્તા પર હોય તો સત્તા ટકાવવા સંઘર્ષ અને વિરોધપક્ષની નકારાત્મક બાબતો પર સતત નજર. જો વિપક્ષમાં હોય તો સત્તા મેળવવા માટે આકાશપાતાળ એક કરવાના પ્રયત્ન અને સત્તાધારી પક્ષની નેગેટિવ બાબતોનું સતત નિરીક્ષણ. બંને બાજુ એક વસ્તુ કોમન. નેગેટિવ બાબત પર ધ્યાન અને માટે નેગેટિવ ઊર્જાનો સંગ્રહ મન અને શરીરમાં. મને લાગે છે કે આ વિષય કોઈને વિસ્તારથી સમજવાની જરૂર જ નથી, બધું નજર સામે જ છે.
ઉપરોક્ત મુદ્દા 3 થી 6 સમર્પણધ્યાનના પ્રણેતા, હિમાલયથી ખાસ ઉદ્દેશથી સંસારમાં પરત ફરેલા સંત શ્રી શિવકૃપાનંદ સ્વામીજી તેમની શિબિરોમાં અત્યંત વિસ્તૃત અને પ્રભાવી રીતે સમજાવે છે.
7) વર્ક-લાઈફ બેલેન્સ ન હોય તેવો વર્ગ:
કોર્પોરેટ્સ, બેંકર્સ, માર્કેટિંગ પ્રોફેશનલ્સ વિગેરે બધાનો સમાવેશ અહીં થાય. કામના ભારણ અને ગળાકાપ હરીફાઈમાં વર્ક-લાઈફ સંતુલન તો બહુ મોટો વર્ગ ખોઈ ચુક્યો છે જેને કારણે ભેટ મળે છે ડિપ્રેસન, બ્લડ પ્રેસર, અનિદ્રા અને આવું ઘણું બધું. બચવું હોય તો ધ્યાન અનિવાર્ય છે. તેને માટે સમય ન હોય તો એટલું જ યાદ રાખવાનું કે સમય પાસે કદાચ એટલો સમય નહિ હોય કે બીજી વાર સમય આપે.
8) કલાકારો:
ધ્યાનને કારણે વિશુદ્ધિચક્ર સંતુલિત થાય જે કલાકારો માટે અત્યંત જરૂરી છે. ધ્યાનને કારણે છુપાયેલી કળા બહાર આવે અને હોય તે વધારે વિકાસ પામે. સર્જનાત્મકતા વિકસે. જો થોડી પણ ઇચ્છા હોય કળા વિકસાવવાની તો ધ્યાન અત્યંત ફાયદાકારક સિદ્ધ થાય.
અંતમાં, એક લિંક મૂકી છે. ઘણી અસરકારક છે. ધ્યાન કરવા માટે તેનો ઉપયોગ એક સપ્તાહ માટે કરી તેની અસરકારકતા જાતે જ ચકાસીએ તેવું મારુ નમ્ર સૂચન છે. SECRET MONK SOUNDS FOR BRAIN & BODY POWER : RETUNES YOUR BRAIN FAST !
ક્રમશ:
જિતેન્દ્ર પટવારી