“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
લેખમાળાના પહેલા તબક્કામાં (લેખ 21 સુધી) કુંડલિની, નાડી, ચક્રો વિગેરે વિષે સમજ્યા. હવે છેલ્લા (ક્રમાંક ૨૨) લેખથી ધ્યાન વિષે વિસ્તૃત ચર્ચા ચાલુ કરી છે. આ વિષયની અનેક ભ્રામક માન્યતાઓમાંથી થોડી માન્યતાઓ તથા તે માન્યતાની સામે સાચી પરિસ્થિતિ શું છે તે વિષે વિગતે ચર્ચા લેખ 22માં કરી. લેખ 23માં ધ્યાનના અગણિત ફાયદાઓમાંથી થોડા જાણ્યા. ધ્યાનથી શરીરના વિવિધ હોર્મોન્સમાંથી સિરોટોનિન, કોર્ટીઝોલ, DHEA તથા GABA હોર્મોન્સ પર શું અસર છે તે ચર્ચા (Para 4)માં કરી. બીજા મહત્વના હોર્મોન્સ પરની અસર પણ સમજી લઈએ.
(E) મેલાટોનિન: પથારીમાં પડતા જ ઊંઘ આવી જાય છે? 6/7 કલાક કોઈ ખલેલ વગર ઊંઘી શકો છો? પડખાં ઘસવાં પડતાં નથી? રાત્રે વિચારોના ચક્કરમાં ફસાઈ જવાતું નથી? તો આ પેરેગ્રાફ નહિ વાંચો તો ચાલશે. કમનસીબે આ સ્થિતિ એટલી સરળતાથી બધાને ઉપલબ્ધ નથી. વિશ્વપ્રસિદ્ધ અમેરિકન સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થનો અંદાજ છે કે લગભગ 30% જનતાને નાનામોટા ઊંઘના પ્રશ્નો છે અને 10% તો અનિદ્રાના રોગી જ છે જેમની કાર્યક્ષમતા, આરોગ્ય, મૂડ – બીજું ઘણું બધું જોખમાઈ શકે. આ માટે કારણભૂત હોઈ શકે ઘણી સાચી અથવા ધારેલી ઉપાધિઓ. એ સિવાયનું એક મહત્ત્વનું કારણ આગળ જોઈશું.
ગાઢ અને પર્યાપ્ત ઊંઘ માટે પર્યાપ્ત માત્રામાં મેલાટોનિન હોર્મોન જોઈએ. શરીરનું કુદરતી જૈવિક ઘડિયાળ તો એ હંમેશા ઉત્પન્ન કરતું આવ્યું છે, ઊંઘવાના સમયે વધારે કરે. પણ જેમ પર્યાવરણ નવી જીવનશૈલીથી ગંભીર રીતે ક્ષતિ પામ્યું છે તેમ જ શરીર્યાવરણ (!) પણ આપણી જ આદતોથી ઊંધું ચત્તું થઈ ગયું છે.
મેલાટોનિનનો સૌથી મોટો દુશ્મન હોય તો તે છે ‘અતિશય પ્રકાશ’. હવે તો આપણી આંખોને પ્રકાશની છેક ઊંઘતા સુધીની આદત પડી ગઈ છે – લેપટોપ ચાલુ હોય, TV પર મનગમતી સીરીઅલ જોઈને જ હું તો ઊંઘું અને છેલ્લે મોબાઈલમાં નજર નાખ્યા વગર તો મારાથી પલંગ પર આરૂઢ કેમ થવાય! રાત્રે વચ્ચે ઊંઘ ઊડે તો પાછું જોવું પડે કે કોનો મેસેજ છે. નહીંતર દુનિયામાં ઉથલપાથલ થઈ જાય ! પરિણામ એ છે કે શરીરમાં આ જટિલ રસાયણનું ઉત્પાદન એકદમ ઓછું થતું ગયું છે. આ કોઈ સામાન્ય કેમિકલ થોડું છે, આ તો એવું હોર્મોન છે કે સારો મૂડ અને ગાઢ ઊંઘ તો તેના પર આધારિત છે જ; એટલું જ નહિ, રોગપ્રતિકારક શક્તિ વધારવા, વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પાડવા અને અને કેન્સર સહિતના 100 થી વધુ વિવિધ રોગોને રોકવામાં પણ તેનો ફાળો છે.
‘ધ્યાન’ આ માટે એક ખૂબ જ અસરકારક અને કુદરતી રસ્તો છે. ન્યુજર્સીની 250 વર્ષ જૂની રૂટઝર યુનિવર્સિટી આરોગ્યને લગતા સંશોધનો માટે વિશ્વવિખ્યાત છે. તેના સંશોધનનો રિપોર્ટ એમ જણાવે છે કે ધ્યાનને કારણે મેલાટોનિનના સ્તરમાં સરેરાશ 98% જેટલો વધારો થાય છે, કોઈ લોકોમાં તો 300% કરતા વધુનો વધારો પણ જોવા મળ્યો છે. હવે આપણે નક્કી કરવાનું કે ભવિષ્યમાં ઊંઘની ગોળી ખાવી છે કે ધ્યાન કરવું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નો રિપોર્ટ તો કહે જ છે કે 2020 સુધીમાં ડિપ્રેસન દુનિયાભરમાં ભરડો લઇ ચૂક્યું હશે. “ઊંઘની ગોળી લો, ડિપ્રેસન દૂર કરો” એવું જીંગલ પ્રચલિત ન થાય તો જ આશ્ચર્ય !!!
(F) એન્ડોર્ફિન્સ (Endorphins) : આ એવા ન્યુરોટ્રાન્સમીટર છે જે શરીરમાં થતા આંતરિક દુઃખાવાઓને ખતમ કરી નાખે, એક જૂદા જ પ્રકારની ખુશી આપે. નિયમિત જોગિંગ કરનાર લોકોમાં પણ આ કેમિકલ વધુ માત્રામાં ઉત્પાદિત થાય અને એવી મજા કરાવે કે જે કરે તેને જ ખ્યાલ આવે. આ માટે એક ખાસ શબ્દ વપરાય છે – Runners High. 1995માં આવા જોગર્સ અને નિયમિત ધ્યાન કરનાર વ્યક્તિઓને સાથે રાખીને કરવામાં આવેલા પ્રયોગમાં જાણવા મળ્યું કે ધ્યાની વ્યક્તિઓમાં તો આ કેમિકલનું ઉત્પાદન જોગર્સ કરતાં પણ ખૂબ અધિક માત્રામાં જોવા મળ્યું.
(G) GH હોર્મોન: સોમેટોટ્રોપિન (Somatotropin) અથવા ગ્રોથ હોર્મોનને આપણે કદાચ નામથી નહિ જાણતા હોઈએ. એ જાણતા હશું કે એથ્લેટ્સ આવા કોઈ ઈન્જેકશન લઈ શરીરમાં વિશેષ શક્તિ ઉત્પન્ન કરે, પછી મેડિકલ ટેસ્ટમાં કોઈ વાર ખ્યાલ આવે અને તેમને જે તે રમતમાંથી બહાર કરવામાં આવે. બસ તે જ આ હોર્મોન. એટલું અગત્યનું હોર્મોન છે કે જે બાળકોના શરીરનો વિકાસ ન થતો હોય તેને બહારથી આ ઈન્જેક્ટ કરવું પડે. એક ઉંમર પછી આ હોર્મોનનું ઉત્પાદન ઘટવા માંડે અને નબળા હાડકાં અને સ્નાયુઓ, શરીરની ચરબીમાં વધારો, હ્રદયનું અનિયમિત સંકોચન, ખરાબ મૂડ, ઉત્સાહનો અભાવ અને થાક વિગેરે વૃદ્ધત્વ તરફની યાત્રાનાં લક્ષણો બહાર આવે, ધીરે-ધીરે વધે, જાતે જ મનુષ્ય ઘણી વખત કહેવા માંડે કે હવે તો મારી ઉંમર થઈ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો બીજાને અદેખાઈ કરાવે તેમાં એક કારણ એ પણ હોય કે લાખો-કરોડો રૂપિયા/ડોલર ખર્ચીને બહારથી GH લીધું હોય.
અનેક પ્રયોગોનું તારણ એ છે કે ધ્યાન દરમ્યાન પિટ્યૂટરી ગ્રંથિમાંથી GH હોર્મોનનું ઉત્પાદન વધુ માત્રામાં થાય, લાંબી ઉંમર સુધી થાય. ફાયદો સમજી શકાય તેમ છે. વૃદ્ધત્વ પાછું ઠેલાય અને તેની આનુષંગિક સમસ્યાઓ પણ પાછી ઠેલાય.
ફાયદાઓ બાકી રાખી હવે ફરી ભ્રમણાઓ તરફ ભ્રમણ કરીએ. લેખ 22માં નીચે દર્શાવેલ ભ્રામક માન્યતાઓ અને તેની સામેની હકીકત જાણી.
1) “ધ્યાન એ કોઈ વિશેષ ધર્મ સાથે જોડાયેલી વાત છે.”
2) “ધ્યાન તો સાધુ કરે, જો ગૃહસ્થી કરે તો વહેલોમોડો સાધુ થઈ જાય (સંસારમાંથી રસ ઊડી જાય).”
3) “અરે ભાઈ, ધ્યાનના ફાયદા મેળવવા માટે તો વર્ષો વીતી જાય.”
4) “સમયનો વ્યર્થ બગાડ છે.”
5) “ધ્યાન એ ભાગેડુ વૃત્તિ છે, શાહમૃગ વૃત્તિ છે, સમસ્યાઓથી ભાગવાનો પ્રયાસ છે.”
6) “ધ્યાન મોટી ઉંમરની વ્યક્તિઓએ કરવાની વસ્તુ છે.”
આ સિવાયની અનેક ભ્રામક માન્યતાઓ છે. થોડી એવી માન્યતાઓનાં લેખાંજોખાં કરી જોઈએ.
7) “પદ્માસનમાં બેસવું પડે, નીચે બેસવું પડે, ધ્યાનમાં હલનચલન ન કરાય. (મારે તો પગ ઊંચાનીચા કરવા પડે, નહીંતર જકડાય જાય.)”
એમ લાગે છે કે કદાચ મહાત્માઓના ધ્યાન કરતા ફોટો/ચિત્ર જોઈ પદ્માસનનો ખ્યાલ ઉત્પન્ન થતો હશે. આપણે એ કેટેગરીમાં ન પહોંચીયે ત્યાં સુધી જરૂરી નહિ. પદ્માસન આદર્શ પરિસ્થિતિ છે પરંતુ પલાંઠી મારીને બેસી શકાય, કમરમાં દુ:ખતું હોય તો ભીંતને ટેકે બેસી શકાય, પગ દુ:ખતા હોય તો લાંબા કરીને બેસી શકાય, પગ વળતા ન હોય તો ખુરશી પર બેસીને કરી શકાય, સોફા પર બેસીને પણ થઈ શકે અને સૂતાં-સૂતાં પણ કરી શકાય. એટલું ખરું કે સૂતાં-સૂતાં ધ્યાન કરવામાં ઊંઘ આવી જવાની શક્યતા રહે. અમુક પ્રકારના ધ્યાન, જેમ કે એક ચાઇનીસ પદ્ધતિ માઈક્રો-કોસ્મિક ઓર્બીટ નામની છે તેમાં તો ખરેખર સૂતાં-સૂતાં જ ધ્યાન કરવાનું હોય છે. રહી વાત હલનચલનની. જો ન કરીએ તો ઊર્જાનું ઉર્ધ્વગમન ઝડપી થાય, હલનચલન કરવું જ પડે તો થોડી ઝડપ ઘટે અને એ કારણસર ધ્યાન ન જ કરીએ તો તેના ફાયદા ભૂલી જવાના. બીજો એક સરળ નિયમ એ છે કે ધ્યાન દરમ્યાન આપણે જાતે કંઈ કરવું નહિ અને આપમેળે જે થાય તે થવા દેવું. અનેક લોકોને ધ્યાન દરમ્યાન સ્વયંભૂ યોગાસનો, પ્રાણાયામ અને બીજી અનેક ક્રિયાઓ થવા લાગે છે. તેને રોકવાની હોતી નથી.
8) “ધ્યાન કંટાળાજનક/બોરિંગ છે”
આવું ત્યાં સુધી જ લાગી શકે કે જ્યાં સુધી ધ્યાનની અનુભૂતિઓ શરૂ ન થાય. થોડો સમય તો રાહ જોવી પડે ને ! ડોક્ટર પાસે જઈએ તો શું 1/2 દિવસમાં જ નક્કી કરી લઈએ છીએ કે આ ડોક્ટર અથવા આ ચિકિત્સા પદ્ધતિ નકામી છે, કંઈ ફેર પડ્યો નહિ. ડોક્ટર કહે 15 દિવસ લાગશે. આપણો જવાબ હોય છે “જી સાહેબ”. ધ્યાન પણ શરીર, મન અને આત્મા – દરેકની ચિકિત્સા જ કરે છે ને !
એક વખત અનુભૂતિઓ શરુ થાય ત્યાર બાદ તમામ બુદ્ધિ બાજુએ રહી જાય અને મન ચકરાઈ જાય કે આ શું થાય છે. કંઈ ને કંઈ નવું-નવું થયા કરે. શું થાય છે તે અનુભવવાની જિજ્ઞાસા જાગે અને કંટાળો તો ક્યાં ભાગી જાય તે ખબર પણ ન પડે. કોઈ નિયમિત ધ્યાન કરનાર વ્યક્તિને પૂછીએ તો જ ખ્યાલ આવે કે શા માટે કોઈ દિવસ ચૂક્યા વગર તે ધ્યાન કરે જ છે. ધ્યાનકેન્દ્રો પર પણ લોકોને સમય સાચવવા મારંમાર પહોંચતા હંમેશા જોયા છે. ‘ધ્યાન’ કંટાળાજનક હોય તો આ શક્ય બને ખરું? દરેક વસ્તુ પહેલી વાર કરીએ ત્યારે કંટાળાજનક લાગી શકે, પછી તે ધ્યાન હોય, જિમ હોય, જોગિંગ હોય, મોર્નિંગ વોક હોય કે અન્ય કંઈ પણ.
9) “ધ્યાન અને ઊંઘ બંને સરખા”
ફક્ત એટલું જ સત્ય છે આ માન્યતામાં કે ધ્યાન અને ઊંઘ બંને દરમ્યાન વિશ્રાંતિ મળે, રિલેક્સ થઈ જવાય અને મેટાબોલિઝમ સંતુલિત થાય/ધીરું પડે અને પરિણામે હૃદયના ધબકારા, બ્લડ પ્રેસર, શ્વાચ્છોશ્વાસ, સ્નાયુઓ પરનું દબાણ વિગેરે પર સકારાત્મક અસર થાય. અહીં સમાનતા પૂરી, તફાવત શરુ. સૌથી મોટો તફાવત એ છે કે ધ્યાનમાં સંપૂર્ણ જાગૃતિ હોય છે, ઊંઘમાં નહિ. ધ્યાનમાં તો કદાચ એવું પણ બને કે વ્યક્તિ ચેતનાના ઉચ્ચ સ્તર એટલે કે Super Consciousness સુધી યાત્રા કરી આવે. ઊંઘ ભૂલવાની સ્થિતિ છે જયારે ધ્યાન તો સચેત જાગૃતિ છે; શાંત અને સંતુલિત. ધ્યાનમાં અનેક માહિતી એવી પણ મળે જે ઊંઘ દરમ્યાન કે જાગૃત અવસ્થામાં પણ ન મળી શકે. ધ્યાન દરમ્યાન ચેતના દુનિયાના કોઈ પણ છેડે જઈ શકે અને કંઈ પણ માહિતી લાવી શકે – અલબત્ત એક ઘણા આગળના તબક્કામાં. આગળનો તબક્કો ત્યારે જ આવે જયારે કોઈ દિવસ શરૂઆત કરી હોય.
આજની ચર્ચાને અહીં અટકાવીએ. ધ્યાનના ફાયદાઓ જેમ અગણિત છે તેમ તેના વિષેની ભ્રામક માન્યતો પણ તેટલી જ છે. હવેના હપ્તામાં ફરીથી થોડી માન્યતાઓ અને થોડા ફાયદાઓ – બંને વિષે ચર્ચા કરીશું.
આજનો લેખ પૂરો કરતાં પહેલાં, અહીં એક લિંક મૂકેલી છે.
(Chakra Tune-up with Himalayan Singing Bowls)
જેમ મોટરકારના પૈડાનું એલાઇન્મેન્ટ કરવાનું હોય તેમ શરીરનાં 7 ચક્રોનું પણ એલાઇન્મેન્ટ થવું જરૂરી. આ સાઉન્ડની અસરથી તે થઈ શકે તેમ છે. આંખ બંધ કરીને સાંભળવાથી ધ્યાનમાં ઊતરી જવાશે. પ્રયત્ન કરી શકો છો.
તે સિવાય એક સૂચન છે. મેલાટોનિન વિષે શરૂઆતમાં જ વાત કરી. પ્રકાશની ઊંઘ પર થતી અસર જાતે જ સમજવી હોય તો હવેથી એક સપ્તાહ સુધી ઊંઘવાના એક કલાક પહેલાંથી લેપટોપ/મોબાઈલ/ટેલિવિઝનથી દૂર રહીએ અને નોંધીએ કે ઊંઘની ગુણવત્તામાં અથવા સમયાવધિમાં શું ફેરફાર થયો.
ક્રમશ:
જિતેન્દ્ર પટવારી